આપણી પાસે બે ગુલઝાર છે. એક ગુલઝાર જેમણે ભૂતકાળમાં ચિક્કાર ગીતો અને પટકથાઓ લખી. બીજી બાજુ આપણી પાસે એ ગુલઝાર છે. જેમણે વાર્તા, કવિતા, નવલકથા લખી. સિનેમા સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિએ આટલું લખ્યું હોય, આટલું સરસ લખ્યું હોય, તેવું વિશ્વમાં પ્રથમ વખત બન્યું હોવું જોઈએ. સાહિત્યના જે ગિરીશૃંગો સર કરવાની કોઈ પણ સાહિત્યપ્રેમીને તાલાવેલી હોય એ બધા ગુલઝારે સર કર્યા છે. અને છતાં ગુલઝાર સૌમ્ય જોશીની પેલી અછાંદસ કવિતાની જેમ, ‘ભેંસ સ્થિતપ્રજ્ઞ.’
એક ચોપડી છપાવનારા હાથમાં નથી રહેતા આ માણસે ઉપલબ્ધિઓનો હિમાલય ભેગો કરી લીધો છે ! અને તોપણ તેમના એક ગીતની જેમ, તેઓ કંઈક શોધે છે. એમનું હ્રદય એ ફુરસતના રાત-દિવસો શોધે છે. આ વ્યક્તિને ફુરસતના એ દિવસો આપી પણ દઈએ, તોપણ એ લખવામાંથી ઊંચો નથી આવવાનો. એને કોઈની યુવાની ઉધાર આપી દઈએ, તો એ નવી પ્રતિભાઓ સામે સ્પર્ધા કરવાનો છે.
ગુલઝાર વિશે એક બે લેખમાં તો શક્ય નથી. તેમણે ખૂદ લખેલા પુસ્તકો અને તેમના પર અશોક ભૌમિક જેવા લેખકોએ કરેલું સંશોધન એ વાતની સાબિતી આપે છે કે કોઈ નાના મોટા આર્ટિકલ માટે ગુલઝાર બન્યા જ નથી. તોપણ આજે એમનો જન્મદિવસ છે.
तो जिंदगी कुछ ऐसी जगह पर ला के रख देती
ગુલઝારના જીવનમાં એના પિતા મખ્ખન સિંહ કાલરા સિવાય કોઈ ન હતું. ભાઈઓ અને માતાની સાથે વધારે બનતું નહીં. મખ્ખન સિંહ સંપૂર્ણ સિંહ કાલરાને દિલ્હીની મ્યુનિસીપલ બોર્ડ મિડલ સ્કૂલમાં પ્રવેશ અપાવવા માટે આવ્યા હતા. સંપૂર્ણ સિંહ જ્યાં રહેતા ત્યાં જ નજીકમાં પિતાએ દુકાન બનાવેલી હતી. નિશાળથી પરત ફર્યા પછી સંપૂર્ણ પિતાની મદદ કરતો હતો. આજે ગુલઝાર નહીં ને કોઈ આવી દુકાનની બાજુમાંથી પસાર થાય છે તો એ જૂના દિવસોમાં ખોવાય જાય છે. કહે છે, ‘હ્રદયની અંદર એક અજીબ પ્રકારની અનુભૂતિ થવા લાગે છે. કદાચ જીવન મને આવી જ કોઈ દુકાનમાં રાખી દેત તો ?’
वो किताब जिसने गुलजार को बनाया
દિલ્હીમાં ગુલઝારના પિતાની દુકાનની પાસે એક છાપાવાળાની દુકાન હતી. એ પુસ્તકો પૈસા લઈ થોડાં દિવસ માટે ઉધાર વાંચવા આપતો હતો. રાત્રે કરવા જેવું કંઈ રહેતું નહીં, એટલે દિલ્હીમાં ફાનસ નીચે ગુલઝાર પુસ્તકો વાંચ્યા કરતાં હતાં. એ તમામ પુસ્તકો સસ્પેન્સ થ્રીલર હતા. ડિટેક્ટિવ કથાઓનાં. દિવસો વિતતા ગયા અને એક એવો દિવસ પણ આવ્યો જ્યારે બધા પુસ્તકો વંચાય ગયા. તમે ગમે એટલું દોડો ક્યાંક તો અટકવું જ પડે. હવે છેલ્લુ પુસ્તક બાકી હતું. દુકાનદારે પૈસાની લાલચે ગુલઝારને તે પકડાવી દીધું. ગુલઝારે તેને વાંચ્યું. અને એ પુસ્તકે ગુલઝારની જિંદગી બદલી નાખી. પુસ્તકનું નામ હતું રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓનું સંકલન.
कोम्य़ुनिस्ट वाली बात
એક સાહિત્યિક પત્રિકાનું સંપાદન કરતાં ભીષ્મ સાહનીએ ગુલઝારની પાસે વાર્તા માંગી. ગુલઝારે પોતાની વાર્તા ‘ફસલ’ મોકલી. ગુલઝારને ખૂબ ડર લાગતો હતો, કારણ કે ભીષ્મ સાહની ખૂબ મોટું નામ હતું. જો તેમને વાર્તા પસંદ ન આવી તો ? પણ તેમને વાર્તા ગમી ગઈ. પત્રિકામાં છપાઈ ગઈ. તેમણે ખૂદ ગુલઝારને પત્ર લખ્યો અને શાબાશી આપી. થોડાં દિવસ બાદ આઈઆઈસીમાં ભીષ્મ સાહની સાથે ગુલઝારની મુલાકાત થઈ ગઈ. તેમણે ગુલઝારની ફસલ વાર્તા વિશે ચર્ચા કરતા કહ્યું, ‘સામન્તવાદ બંન્નેને પેદા કરે છે, ડાકુને પણ અને કોમ્યુનિસ્ટને પણ.’ ધીમેથી હસતા હસતા તેમણે ગુલઝારના કાન પાસે આવી કહ્યું, ‘બલરાજ સાહનીને પણ…’
बिमल रोय ने पितावाला काम कर दिया
ગુલઝારના પિતા મૃત્યુ પામ્યા. આ વાતની ખબર બધાને હતી માત્ર ગુલઝારને નહોતી. જ્યારે પાડોશીએ ગુલઝારને આ વિશે કહ્યું તો તેઓ દોડીને રેલવે સ્ટેશન ગયા. ત્યાં ફ્રન્ટીઅર મેલ હતી. જે એ સમયની સૌથી ઝડપી ટ્રેન કહેવાતી હતી. મુંબઈથી દિલ્હી પહોંચાડવા માટે 24 કલાકનો સમય લેતી હતી. ગુલઝાર જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે અંત્યેષ્ટી પૂર્ણ થઈ ચૂકી હતી. ગુલઝાર ફરી મુંબઈ આવી ગયા. બીજી બાજુ બિમલ રોયને પાંચ વર્ષથી કેન્સર હતું. તેઓ ધીમે ધીમે મરી રહ્યાં હતા. ગુલઝાર તેમની નજીક બેસી તેમને અમૃત કુંભની પટકથા સંભળાવતા હતા. જે બિમલ રોયને ખૂબ જ ગમતી હતી. 8 જાન્યુઆરી 1965ના દિવસે બિમલ રોયનું નિધન થયું. ગુલઝારે લખ્યું છે, ‘જ્યારે અમે તેમનો અગ્નિસંસ્કાર કર્યો ત્યારે તેમની સાથે મેં મારા પિતાનો પણ અગ્નિદાહ કરી નાખ્યો.’
बैतबाजी जिसने गुलजार को कविता रचने के लिए मजबूर किया
દિલ્હી યૂનાઈટેડ ક્રિશ્ચિયન સ્કૂલમાં ગુલઝાર ભણતા હતા. ત્યારે ઉર્દુના શિક્ષક હતા મૌલવી મુઝીબુર રહેમાન. તેઓ ગાલીબને ગાલીબ ચાચા કહીને સંબોધતા હતા. ક્લાસમાં તેમણે એક મઝાનું વાતાવરણ તૈયાર કરી રાખ્યું હતું. બૈત-બાઝી જેને ગુજરાતીમાં કહેવાય અંતાક્ષરી. જે રમાડવાના તેઓ શોખીન હતા. ઉર્દુના માસ્તર ક્લાસના બે ભાગ પડી દેતા હતા. પછી શાયરી-નઝમની સ્પર્ધા થતી હતી. જેથી નવી પેઢીને પણ શાયરીમાં ગતાગમ પડતી થાય. ક્લાસમાં અકબર રહીદ નામનો એક છોકરો હતો. ગુલઝાર એ છોકરાને યાદ કરીને લખે છે, ‘હું તેને શાયરીમાં કોઈ દિવસ હરાવી ન શક્યો. તેને બધુ યાદ રહી જતુ હતું. એક એક નઝમ, શાયરી, મુક્તક બધું કંઠસ્થ.’ ગુલઝાર છંદમાં ગોટાળો કરીને અકબર રહીમને હરાવવા માટે કંઈક બનાવટી રચના કરી નાખતા. મૌલવી સાહેબ પકડી લેતા. અકબર રહીમને કોઈ પણ ભોગે ધોબીપછાડ આપવા માટે ગુલઝારે પદ્યને કંઠસ્થ કરવાની શરુઆત કરી દીધી. અકબર તો હાર્યો નહીં પણ આટલી બધી કવિતાઓ મોઢે કરતાં કરતાં ગુલઝારની પ્રેઝન્ટેશન સ્ટાઈલ વિકસી ગઈ. બીજી વાત તેમના મનમાં એ ઉદ્દભવી કે આ લેખકો જેવું તો આપણે પણ લખવું જોઈએ અને તેઓ લખતા થયા.
कहानियों के बारे में आपकी क्या राय है?
રાવી પાર વાર્તાસંગ્રહમાં ગુલઝાર પટકથા અને વાર્તા વિશે એક મસ્ત વાત કરે છે, ‘પટકથા લખતા લખતા કોઈ નવું પાત્ર આડે આવી જાય તો તેના પર વાર્તા લખી નાખું છું. જે ફિલ્મમાં નથી સમાવી શકાતું તેને અલગ કરી નાખું છું. માણસના સંબંધો વિશેની એક નવી પાંખડી ખુલી ગઈ તો વાર્તા લખી નાખી. કેટલીક વાર્તાઓ ચહેરા પરના ખીલની જેમ નીકળે છે. સમાજ, સ્થિતિ અને વાતાવરણના કારણે.’
आदत बन जाती है
નવ વર્ષ ગુલઝાર કૂંવર લોજમાં રહ્યાં. એ સમયે દરિયામાં ભરતી આવતા ઘરમાં પાણી ઘુસી જતુ હતું. ઘરે પરત આવીને હળવેકથી પગ જમીન પર મારીને ગુલઝાર સહિત આસપાસના તમામ લોકો તપાસતા રહેતા કે ઘરમાં પાણી કેટલું ભરાયું છે. આ ઘટનાને જીવન સાથે સાંકળતા ગુલઝાર લખે છે, ‘નવ વર્ષ સુધી જો તમે રોજ, એક જ હેતુથી, એક જ કામ કરો. તો એ જીવનભર એક આદત બનીને તમારી સાથે રહી જાય છે. હું આજે પણ કોઈનાં ઘરમાં જઈ પગ પછાડી લઉં છું.’
~ મયૂર ખાવડુ
Leave a Reply