આટઆટલા વર્ષોથી આપણે ત્યાં ‘નોકરીની લાલચ આપી દુષ્કર્મ’ અને ‘લગ્નની લાલચ આપી બળાત્કાર’ જેવી હેડલાઈન્સ આવે છે. ‘દિવ અને ગોવા સહિતના સ્થળોએ છ મહિના સુધી ફેરવી બળાત્કાર’ અને ‘છ વર્ષ સુધી બળાત્કાર’ જેવા સમાચારો પણ છપાય છે. આવા મોટાભાગના કિસ્સાઓમાં સત્ય દિવાલ પર લખાયુ હોય એટલુ સ્પષ્ટ હોવા છતાં કોઈના પેટનું પાણી પણ નથી હલતું અને મેં આવા કિસ્સાઓમાં પુરુષના પોઈન્ટ ઓફ વ્યૂથી બે વાર્તા શું લખી કેટલીક જીવાતોએ ‘અરર માડી… આ તો #MeTooનો વિરોધ કરે છે, આની માનસિકતા તો જુઓ.’ કહીને મારા નામના છાજીયા લેવાના શરૂ કર્યા.
બિલિવ મી, વાસ્તવિકતા કાલ્પનિક વાર્તા કરતા અનેક ગણી ભયંકર હોય છે. મેં સમજી વિચારીને જ વાર્તા લખી છે. મને ખબર હતી કે આ લજામણીના છોડવાઓ લેખથી તો છળી જ મરવાના. એમને કહો કે ભલે મારી વાર્તાઓ કાલ્પનિક હોય પણ એના વિચાર બીજ જ્યાંથી ઉગ્યા છે તેવી જીવતી વાર્તાઓ મારી પાસે મોજૂદ છે. એ પુરુષો સાથે જે બન્યુ એ તમારી સાથે બન્યું હોય તો રાત્રે ઊંઘ જ ન આવે, અને આપઘાત કર્યા સિવાય બીજો કોઈ આરો પણ ન રહે. જે લલ્લુઓ સમાજ અને સદાચારના ઝંડા લઈને મારી બે વાર્તાઓ વિરુદ્ધ નીકળી પડ્યા છે, એમને કહો કે જરા ઘરની બહાર તો નીકળી જુઓ લલવાઓ. દુનિયા તમે ધારો છો એટલી નહીં, પણ તમે ધારી શકો એના કરતા વધારે ખરાબ છે. ‘અમર ચિત્રકથા’ કે ‘બાળ નરેન્દ્ર’ સિવાય દુનિયામાં ક્યાંય કશું જ સંપૂર્ણ સફેદ અને સંપૂર્ણ કાળું હોતુ નથી! હોવ… હમ્બો… હમ્બો…!
મેં ક્યાં એકપણ વાર્તામાં એકપણ પુરુષનો પક્ષ લીધો? એણે સાચુ કર્યુ એવું તો મેં કહ્યું જ નથી? કેટલાકનું પેટ એટલે બળે છે કે મેં એમાં સ્ત્રીનું ‘ત્રિયાચરિત્ર’ પણ ઉજાગર કર્યું છે. વર્ષો સુધી પેલો પરિણીત હોવા છતાં, મોટી ઉંમરનો હોવા છતાં એની સાથે સંબંધ રાખ્યો હોય. એના પૈસે ખાધુ-ખદોડ્યું હોય, સાથે ફરતી હોય ત્યાં સુધી #MeToo યાદ ન આવે. કોઈ વાંધો પડે, મતલબ સરી જાય કે પૈસાની જરૂર પડે ત્યારે બ્લેકમેઈલિંગ પર ઉતરી આવે. પેલો પૈસા ન આપે તો #MeToo કરવાની ધમકી આપે.
દહેજ વિરોધી કાયદાની જેમ જ વિરોધ #MeToo નો નહીં, પણ મી ટુના ખોટા ઉપયોગનો છે. તનુશ્રીનો કેસ જેન્યૂઈન છે. એ તરત જ પોલીસમાં પહોંચી હતી. વિરોધ એ સ્ત્રીઓનો છે જે લિગલ કંઈ કરતી નથી અને વર્ષો બાદ એકાદુ ટ્વિટ કરીને સોશિયલ મીડિયા ટ્રાયલ છેડી દે છે. એક ટ્વિટ કરીને છુટ્ટા, પેલો ખુલાસા કરે રાખે. વિરોધ જેન્યૂઈન કિસ્સાઓનો નથી, પણ સુકા ભેગુ લીલુ બાળવા સામે છે.
અખબારમાં જ્યારે સમાચાર છપાય છે કે, ‘નોકરીની લાલચે છ મહિના સુધી બળાત્કાર’ ત્યારે કેમ કોઈ નોકરી મેળવવવા માટે કોઈની પણ સાથે સૂઈ જવાની માનસિકતાનો વિરોધ નથી કરતું. જો લાલચ આપીને સેક્સ મેળવનારો ગુનેગાર હોય તો નોકરી મેળવવા માટે સેક્સ આપનાર ગુનેગાર કેમ નહીં? પેલાએ લાલચ આપી અને તું એની સાથે સૂઈ ગઈ. પછી પેલાએ નોકરી ન આપી એટલે તે એની સામે બળાત્કારની ફરિયાદ કરી એ બળાત્કાર કેવી રીતે થયો? એ માત્ર એક ફોક થયેલો સોદો હતો. પેલાએ સેક્સના બદલામાં જે આપવાનું વચન આપેલુ એમાંથી એ ફરી ગયો. પણ નોકરીની લાલચે કોઈની પણ સાથે સૂઈ જવું એ એક પ્રકારનો વિક્રય નથી? દેહવિક્રય? વેશ્યાઓ દેહના વિક્રયના બદલામાં રોકડા રૂપિયા લેતી હોય છે અને આવી ‘નોકરીની લાલચે બળાત્કાર’વાળી સેક્સના બદલામાં નોકરી. જો પેલાએ નોકરી આપી દીધી હોત તો પાછી એ ઘટના બળાત્કાર ન ગણાત. આવો તે કેવો બળાત્કાર? બળાત્કારમાં પણ શરતો લાગુ*?
એવું જ ‘છ મહિના સુધી દિવ-ગોવા સહિતના સ્થળોએ બળાત્કાર’નું છે. મેં તો અગાઉ પણ લખેલુ અને વ્યભિચાર પરનો સુપ્રિમનો ચુકાદો આવ્યો ત્યારે પણ કેટલીક ચર્ચાઓમાં કહેલું કે, ‘પરિણીત મહિલાઓની સેક્સ્યૂઅલ ઓટોનોમીનો કોર્ટે ફેંસલો લાવી દીધો પણ 16થી 18 વર્ષની ટીનેજર્સની સેકસ્યૂઅલ ઓટોનોમીનું શું?’ આપણે ત્યાં યુવક-યુવતી એક-બીજાના પ્રેમમાં હોય અને મરજીથી એક-બીજા સાથે સૂઈ જાય અને જો યુવતી 18થી ઓછી વયની હોય તો પેલો યુવક, એનો બોયફ્રેન્ડ, એનો પ્રેમી બાયડિફોલ્ટ બળાત્કારી ઠરે. બે પ્રેમીજનોનો સેક્સ એ બળાત્કાર ગણાય અને પ્રેમી બળાત્કારી! સાવ જ હમ્બો…હમ્બો…?
18 વર્ષની વય ઘટાડીને 16ની કરવાની ચર્ચા ચાલી ત્યારે આપણા ચિંતાચતુર સમાજે જ સરકાર જાણે ઘરે ઘરે સેક્સ કરવાનુ લાયસન્સ વિતરણ કરવા જવાની હોય એ રીતે એનો વિરોધ કરીને એ પરિવર્તન થવા ન દીધુ. પરિણામે આજે સ્થિતિ એ છે કે છોકરો-છોકરી પોતાની મરજીથી ઘરેથી ભાગી જાય. સેક્સ કરે. છોકરી 18થી નાની વયની હોય એટલે પેલીનો બાપ સીધી જ બળાત્કારની ફરિયાદ નોંધાવે. સેક્સ માત્ર સજાને પાત્ર?! પેલીએ એની મરજીથી કર્યુ હતું એનું શું? આપણા દેશમાં 16થી 18 વર્ષની યુવતીઓને કેમ સેક્સ્યૂઅલ ઓટોનોમી નથી? કારણ કે તેના પ્રેમીને બળાત્કારી બનાવી શકાય એ માટે? કેમ કોઈ કંઈ બોલતું નથી?
‘બે બે વર્ષ સુધી અલગ અલગ શહેરોમાં જઈને બળાત્કાર’ની ઘટનાઓમાં પણ એવું જ હોય છે. બધુ બરાબર જ ચાલી રહ્યું હોય કોઈ મુદ્દે વાંધો પડે કે કોઈ માંગ ન સંતોષાય એટલે ‘ફિટ’ કરાવી દેવાની ધમકી અને એનો અમલ. અંગત પળોના ફોટા-વીડિયોના આધારે બ્લેકમેઈલ કરતો પુરુષ જેટલો દોષિત હોય છે એટલી જ દોષિત સહમતિથી માણેલી પળોને ‘બળજબરી’ કે ‘મી ટુ’ ગણાવનારી સ્ત્રીઓ પણ હોય છે.
મને હજુ યાદ છે એક પ્રોફેસર સામે એક સાથે ચાર ચાર વિદ્યાર્થિનીઓએ કેબિનમાં બોલાવીને મોલેસ્ટેશનની ફરિયાદ કરેલી. પત્રો લખેલા. મામલો બહુ ચગ્યો. પ્રોફેસર સામે મીડિયા ટ્રાયલ ચાલી. એને જાત જાતના અને ભાત ભાતના વિશેષણો મળ્યાં. અખબારોમાં વિદ્યાર્થિનીઓના પત્રોના આધારે ‘રંગીન પ્રોફેસર’ કેબિનમાં બોલાવીને શું શું કરતા અને શરીરના કયા કયા ભાગે હાથ મુકતા એના રસપ્રચુર વર્ણનો પણ છપાયા. આવા કિસ્સાઓમાં પત્રકારોમાં ‘મસ્તરામ’ પ્રવેશી જતો હોય છે. એ વ્યક્તિએ એક પ્રોફેસર તરીકે આખી જિંદગીમાં મેળવી પણ નહીં હોય એટલી આબરૂ એક જ કિસ્સામાં ધૂળધાણી કરી દેવામાં આવી. પછી ધીમે ધીમે સત્યએ છાપરે ચડીને પોકાર્યુ. વળતા બદનક્ષીના કેસની તૈયારી થઈ. અન્ય એક પ્રોફેસરની સંડોવણી સામે આવી. પેલી યુવતીઓએ માફી માગી લીધી કે તેમણે બીજા એક પ્રોફેસરની ઉશ્કેરણીથી આ પ્રોફેસર પર ખોટા આક્ષેપો કરેલા. અખબારોમાં એક નાનકડી નોંધ આવી અને મામલો પૂરો. બાજી ફિટાઉંસ. એક પણ યુવતીનું નામ મીડિયામાં સામે ન આવ્યું કે એ હલકટ છોકરીઓ હતી કોણ જેમણે નજીવા અંગત સ્વાર્થ માટે એક પ્રોફેસરની જિંદગી પર કલંક લગાવી દીધુ?
સમજ્યાં?
વિરોધ એ સ્ત્રીઓ સામે છે જેઓ સ્ત્રીની આબરુ અને અસ્મિતા પરના લાંછનને કામ કરાવવા, કઢાવવા કે કોઈની સામેના બદલાનું અસ્ત્ર માને છે. જો એવી ઘટનાઓને અહીંથી જ ડામી નહીં દેવામાં આવે તો એ સમય દૂર નથી કે લોકો જેન્યૂઈન કિસ્સાઓને પણ શંકાની દૃષ્ટિએ જોતા થઈ જશે. ‘વાઘ આવ્યો રે વાઘ…’ની વાર્તા વાંચી છે? ન વાંચી હોય તો વાંચી લેજો. ‘વાઘ આવ્યો રે વાઘ’ જેવું ન થાય એ માટે જરૂરી છે કે માત્રને માત્ર જેન્યૂઈન કિસ્સાઓને સપોર્ટ કરવામાં આવે #MeTooની આડમાં થતી બ્લેકમેઈલિંગ કે બદલાની પ્રવૃત્તિઓને નહીં. અને ખાસ તો સપોર્ટ કરતા પહેલા સિક્કાની બીજી બાજુ ખાસ જોઈ લેવામાં આવે. કોઈ #MeToo લખે એટલે સીધુ હડૂડૂડૂ હૂશ કરીને પેલા પુરુષ પર તૂટી જ પડવું હંમેશા જરૂરી નથી હોતું. સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધો બહુ કોમ્પ્લિકેટેડ હોય છે એને કાળા અને સફેદના ખાનાઓમાં ફિટ કરી દેવાની ઉતાવળ નહીં કરવાની. એક સ્ત્રી અને એક પુરુષ એક-બીજાની મરજીથી એક-બીજા સાથે સૂઈ ગયા હોય એના વર્ષો પછી એમને એક-બીજા સાથે કોઈ કારણોસર વાંધો પડે તો એ એમનો અંગત ઝઘડો છે. આખો સમાજ એના માટે ઝંડા લઈને નીકળી પડે એ બિલકુલ જરૂરી નથી. તેઓ મરજીથી એક-બીજા સાથે સૂતા હોય તો એ સૂતા ત્યારે ક્યાં કોઈને પૂછવા આવેલા?
ફ્રી હિટ :
ઈતિહાસમાં દરેક સમાજમાં સ્ત્રી રાજનીતિની સાથે જ રહી છે, અને એણે રુપ અને સેક્સને અસ્ત્ર અને શસ્ત્ર તરીકે વાપર્યા છે. જે હાથથી ફેંકવામાં આવે તે અસ્ત્ર (રુપ) છે અને જે પોતાની પાસે રાખીને વાપરવામાં આવે તે હથિયાર શસ્ત્ર (સેક્સ) છે.
– ચંદ્રકાન્ત બક્ષી
~ તુષાર દવે ( સીટી ભાસ્કર, અમદાવાદ )
Leave a Reply