હોરર લખવા કરતા વાંચવાની, અને તે જો સ્ટીફન કિંગની નોવેલ પર આધારિત હોય, તો વાંચ્યા પછી જોવાની મઝા જ કંઈક અલગ છે. 2012માં મેં સ્ટીફન કિંગની આ પ્લેટફોર્મ પર વાત કરેલી. ત્યારથી લઈને અત્યારસુધી તેમના કેટલાય વીડિયો જોયા છે. અને તેમાંથી ખ્યાલ આવ્યો કે કિંગ જેટલું હોરર અને થ્રીલર ફિક્શન ક્રિએટ કરે છે, તેવા પોતાની નીજી જિંદગીમાં નથી. સાંઈરામ દવે એકવાર પોતાના મિત્રો સાથે હસતા હતા, ત્યારે અમારા મિત્ર અશોક ખુમાણે તેમને પૂછેલું, ‘મને તો એમ કે તમે અહીં પણ ડાયરાની જ વાતો કરતા હશો ?’ સાંઈરામે ત્યારે કહેલું, ‘એવુ કરીએ તો ભાઈ ગાંડા થઈ જઈએ, મગજના નટબોલ ઢીલા થઈ જાય.’ અને આવુ જ કંઈક કિંગમાં છે, તે લખે છે તો હોરર અને થ્રીલર જોનરનું, પણ તેમના વક્તવ્યમાં હ્યુમર ઠાંસોઠાંસ ભરેલું છે.
1990માં IT બની ચૂક્યું છે, પરંતુ ફિલ્મમેકર્સને કિંગની નોવેલમાં એ જાદુ જોવા મળે છે કે એકની એક સ્ટોરીને રિબૂટ કરી કરીને કહ્યા કરે. આવુ જ તેની કેરીમાં પણ થયેલું. જ્યારે કેરીની 2014માં રિમેક બની ત્યારે કિંગે કહેલું, ‘ઓલરેડી એક સુપરહિટ ફિલ્મ બની ચૂકી છે. ત્યારે શું કામે તેના પરથી ફરી ફિલ્મ બનાવવામાં આવી રહી છે ?’
પણ કિંગની મસમોટી નવલકથા તમે વાંચો કે નહીં, પણ તેની ફિલ્મોથી તમે દૂર ન રહી શકો. તો હવે જોકરની વાત કરીએ. નવું ટ્રેલર અને સપ્ટેમ્બરમાં જે IT ફિલ્મ આવશે, તેમાં જોકર છે. બેટમેનના જોકર માટે તમારે પરફેક્ટ માણસ શોધવો પડે. જે એક્ટિંગમાં પણ ધુંઆધાર અને ખૂંખાર હોય, પરંતુ એવુ સ્ટિફન કિંગના પેનીવાઈસ નામના ક્રિએચર જોકરમાં બિલકુલ નથી. તેને તમારે માસ્ક પહેરાવી દેવાનું. અને તે પણ કોઈપણ અભિનેતાને એટલે તમારો ખૂંખાર પેનીવાઈસ તૈયાર થઈ જાય. 1990માં આ ફિલ્મ બની ત્યારે મેકડોનાલ્ડના જોકરને તેણે પાછળ રાખી દીધેલો. વિચારવા જેવી વાત એ કે આ પેનીવાઈસ કઈ બલાનું નામ છે ? ગુગલ પર એક ફોટો પણ છે. જેમાં સ્ટિફન કિંગ એક ટેબલ પર બેસેલા છે, અને તે ટેબલ પર તેમના દ્વારા સર્જવામાં આવેલા ભૂતોની મંડળી સાથે તેઓ વાત કરી રહ્યા છે. તેમાં એક આ ક્લાઊન પેનીવાઈસ પણ છે. અરે જે.કે રોલિંગે એકવાર કહેલું, ‘હું હેરી પોર્ટરની અદભૂત દુનિયામાં આગળ શું બની શકે તેનો વિચાર કરી શકુ, પરંતુ કિંગના IT જેવું કેરેક્ટર આપવું તે તો મારા બસની વાત નહીં.’
તો ગાડી આડા પાટે ચઢી ગઈ. પેનીવાઈસ ક્લાઊન હકિકતે તો જૂના જમાનામાં બાળકોને હસાવવા માટેનું કામ કરતા. મનોરંજનમાંથી તેમનું અસ્તિત્વ નામશેષ થયું અને બીજા જોકરો નવા કોસ્ચ્યુમ સાથે આવવા લાગ્યા. પેનીવાઈસ ત્યાર પછી ખોવાઈ ગયો પણ રહી રહીને સ્ટિફન કિંગે આ જાનવરનું ઠેકાણું છે તેવુ લોકોને કહ્યું. અને તે ઠેકાણાનું નામ તેમની નવલકથા હતી. કિંગની નોવેલ હોય તો ઓલરેડી પોપ્યુલારીટીના આંકડાને પાર કરી જાય. 1986ની આ નોવેલ હિટ સાબિત થઈ. આજની તારીખે સુપરહિટ છે, પણ ફિલ્મ બન્યા બાદ તો વધારે હિટ સાબિત થઈ ગયેલી.
ફિલ્મનું કથાવસ્તુ જ્યોર્જથી શરૂ થાય છે. જ્યોર્જનો મોટોભાઈ બિમાર હોય છે. બહાર વરસાદની હેલી આવવાની હોવાના કારણે તે પોતાના નાનાભાઈને હોડી બનાવી આપે છે. જ્યોર્જ બહાર જઈ હોડીને રસ્તાના નાના ખાબોચીયામાં તરાવવા માટે મુકે છે, એટલામાં હોડી ગટરમાં ચાલી જાય છે. જ્યોર્જ એક તીણી ચીસ નાખે છે, નો… ગટરના ઢાંકણાની અંદર જુએ છે, ત્યાં એક અવાજ આવે છે, હેલ્લો જ્યોર્જ અને એ સાથે પેનીવાઈસની રમતીયાળ એન્ટ્રી થાય છે. પણ ગણતરીની સેકન્ડોમાં પબ્લિકને ગમતો પેનીવાઈસ ખૂંખાર બની જાય છે. અને જ્યોર્જને મારી નાખે છે. જો કે ફિલ્મની શરૂઆત તો 30 વર્ષ બાદમાં થઈ હોય છે. જ્યારે જ્યોર્જનો ભાઈ અને તેના સાથી મિત્રો મોટા થઈ ગયા હોય છે, અને પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે. ત્યાં અમેરિકાના શહેરમાં એક છોકરો ખોવાઈ જાય છે. એક હબસી વ્યક્તિ જુએ છે, તો ખ્યાલ આવે છે કે પેનીવાઈસ 30 વર્ષ બાદ પાછો આવી ગયો છે. અને જેમ અત્યારે હિન્દી ફિલ્મોમાં બને છે, તેમ પેલો હબસી બધાને ફોન કરે છે. એક બાદ એક લોકો એ ફોનથી પરેશાન થઈ જાય છે. અને પોતાના બાળપણને તથા પેનીવાઈસ સાથે થયેલી પહેલી મુલાકાતને વગોળવા માંડે છે, આમને આમ સ્ક્રિન પર ભય અને મોતનું વાતાવરણ ચાલ્યા કરે છે.
આપણને સૌથી ગમતી કોઈ વાત આ ફિલ્મમાં હોય તો તે પેનીવાઈસનો ખૂંખાર દેખાતો બંગ્લો છે. કોઈ ત્યાં જતુ નથી. પણ આ બાળકો આખરે પેનીવાઈસના પરાક્રમથી ત્રાંસીને તેને મારવા માટે તૈયાર થાય છે. 8 બાળકોની ફોજ અને બધા ‘લૂઝર 8’ તરીકે ઓળખાતા હોય છે. કારણ કે એક અડધો બેરો, એક હકલાતો, એકને દેખાય ઓછું… !
મોટા થાય છે અને એ શહેરમાં પાછા આવી બાળપણમાં કેવી રીતે પેનીવાઈસને મજો ચખાડેલો તેમ ચખાડવા જાય છે. પણ પેનીવાઈસ કઈ બલાનું નામ છે એ તેમને ખ્યાલ છે. જ્યારે જ્યારે પેનીવાઈસ આવે છે, ત્યારે ત્યારે એક ખોફ ક્રિએટ થઈ જાય છે, ક્યારે આ રમત કરતો જોકર પોતાની દહેશત ગર્દીમાં ઊતરી પડશે. મોં ધોવાની ગેન્ડીમાંથી ઊડતું લોહી, જ્યોર્જના મોટાભાઈને હજુ દેખાતો પોતાનો મરી ગયેલો ભાઈ અને એકને તો સૂમસાન જગ્યાએ પેનીવાઈસ હાઈ… હેલ્લો… કરતો જોવા મળે. રિતસર બ્લડ સરક્યુલેશન વધી જાય. તો સૌથી બિહામણી વસ્તુ એટલે તમે કાર લઈને જતા હો અને પેનીવાઈસ તમને એકને જ ફુગ્ગો લઈ દેખાઈ, તમે તેને જોવામાં રહો ત્યાં ફુગ્ગો તમારી સામે હોય, તે તો હાય-હોય કરતો હોય, પણ તમે જ્યારે ફુગ્ગાની સામે આવો એટલે તે ફુટે અને તેમાંથી લોહીના ફુવારા છુટે.
પેનીવાઈસ જેવા ક્લાઊન ભૂતકાળમાં હતા, પણ તેમનો પહેરવેશ જે ફિલ્મમાં બતાવવામાં આવ્યો છે, તેવો નહતો. નવજાગૃતિના (રેનેસા) કાળમાં લોકો કપડાં પહેરતા એ કપડાં પરથી આ જોકરના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા.
1990નું છોડો પણ સમયસાથે બદલેલી માર્કેટીંગ વ્યુહરચનાના કારણે તેનું જે માર્કેટિંગ થયું તેવુ જો ભારતમાં થયું હોય તો હલ્લો મચી જાત. એક છોકરો ગાયબ થઈ ગયો. જેવી રીતે ITમાં શહેરમાંથી છોકરા ગાયબ થાય છે અને પછી મિસિંગ નામના પોસ્ટરો ચિપકાવવામાં આવે છે. અદ્દલ આજ સ્ટ્રેટજી અપનાવવામાં આવી. એ વાસ્તવમાં જીવીત છોકરાનું પોસ્ટર બનાવીને ઠેર ઠેર અમેરિકા ભરમાં ચોંટાડવામાં આવ્યું. લોકો સમજી નહતા શકતા કે કેલિફોર્નિયામાં ગાયબ થયેલા છોકરાનું ન્યૂયોર્કમાં પોસ્ટર ચોંટાડી આ અમેરિકા કેમ ભારત બની રહ્યું છે, પણ પછી ખ્યાલ આવ્યો જ્યારે તે ખોવાયેલા છોકરાની બાજુમાં ‘IT’નું પોસ્ટર લાગ્યું.
હવે વિચારો આટલો ભયાનક ભૂત. 1990માં આટલું ડરાવતો હતો, તો સપ્ટેમ્બર 2017માં કેટલું અને કેવુ ડરાવશે ? ભયનું લખલખુ પસાર થઈ જાય લાખાભાઈ…! હવે તમે થીએટરમાં જાવ કે ન જાવ પેનીવાઈસ આવવાનો છે. અને આવીને રહેશે. 1990માં ટીમ ક્યૂરીએ પેનીવાઈસનો રોલ પ્લે કરેલો અને એ ઈતિહાસને પાછો બતાવવા બિલ સ્કેરગાર્ડ આવી રહ્યો છે. (તેના તો નામમાં જ સ્કેર છે) આ સિવાય નવા બાળકોના ચહેરા ટ્રેલરમાં જોયા છે, બાકી મોટેરા મહેમાનો કોણ હશે તેનો ખ્યાલ નથી. કિંગે આ નોવેલ અને ફિલ્મમાં પોતાની આઈડેન્ટીટી પણ છોડી છે, કારણ કે આ બાળકોમાંથી એક છોકરો મોટો થાય તે હોરર રાઈટર બને છે ! અને આપણે ગુજરાતીમાં હજુ ‘મને આમ પ્રેમ થયો’ સિવાય કંઈ બહાર નથી આવતું.
સ્ટીફન કિંગને કદાચ આ ફિલ્મ હિટ જાય તેનો ખ્યાલ હશે, કારણ કે 1990માં એ ચમત્કાર કરી ચૂક્યા છે એટલે કંઈ વધારે વાંધો નથી, પણ પહેલીવાર કિંગની નોવેલ પરથી તેમની બેસ્ટ સેલર ડાર્કટાવર સિરીઝ ફિલ્મ બનીને આવી રહી છે, ત્યારે કિંગને કદાચ પેનીવાઈસ જેવી જ બીક લાગતી હશે. ‘8 સપ્ટેમ્બર 2017માં… હેલ્લો જ્યોર્જ…’ એટલે કે એક મહિનાથી ઓછો સમય છે આપણી પાસે (હા… હા… હા… હા…)
~ મયુર ખાવડુ
Leave a Reply