Sun-Temple-Baanner

Annie Hall – Hollywood 100


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


Annie Hall – Hollywood 100


હોલીવૂડ હંડ્રેડ: ઍની હૉલ : પ્યાર મેં કભી કભી ઐસા હો જાતા હૈ…

મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ (શુક્રવાર) – હોલીવૂડ હંડ્રેડ – ૫ જુલાઈ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

પ્રેમ નામની વસ્તુ ગમે એટલી અવળચંડી, વાહિયાત અને ત્રાસદાયક કેમ ન હોય, પણ જીવનમાં સાલું એના વગર ચાલતું નથી. વૂડી એલનની સર્વશ્રેષ્ઠ ગણાતી ‘ઍની હૉલ’ નામની કોમેડી ફિલ્મનો આ મુખ્ય સૂર છે.

* * * * *

ફિલ્મ નંબર ૨૯. ઍની હૉલ

‘હોલિવૂડ હન્ડ્રેડ’ કોલમમાં આજે વૂડી એલનની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. વૂડી એલન ફક્ત મહત્ત્વના ક્ધટેમ્પરરી અમેરિકન ડિરેક્ટર જ નથી, તેઓ એક્ટર, લેખક અને પ્રોડ્યુસર પણ છે. તેમની ફિલ્મો રમૂજથી છલછલતી, હલકીફૂલકી અને જીવાતા જીવનથી નિકટ હોય છે. એમાંય સંબંધો વિશેની ફિલ્મો બનાવવામાં એમની માસ્ટરી છે. આજે એમની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાતી ‘ઍની હૉલ’નો વારો.

ફિલ્મમાં શું છે?

ફિલ્મની શરુઆત ઓડિયન્સની આંખોમાં આંખ પરોવીને કબૂલાત કરી રહેલા એલ્વી સિંગર(વૂડી એલન)ના ક્લોઝ-અપથી થાય છે. એલ્વી ન્યુયોર્ક વસતો અને ચાલીસનો થવા આવેલો યહૂદી સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. નાનપણથી જ એ મહાવિચિત્ર છે. એકવાર સ્કૂલમાં એણે લેસન કરવાનું બંધ કરી દીધું હતું. શા માટે? બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે અને ભવિષ્યમાં એનો નાશ થઈ જવાનો છે એવી ખબર પડવાથી એ ડિપ્રેશનમાં આવી ગયો હતો એટલે! હજુ ટીનએજર પણ થયો નહોતો ત્યારે એ ક્લાસની છોકરીઓના ગાલ પર બચ્ચી ભરી લેતો. છોકરીઓ ભેંકડો તાણતી. ટીચર એલ્વીને ઊભો કરીને ખખડાવતા. મોટા થયા પછી એલ્વીએ બે વાર લગ્ન કર્યાં, બન્ને વખત ડીવોર્સ થઈ ગયા. ત્યાર બાદ ઍની હૉલ (ડીએન કીટન) નામની ગર્લફ્રેન્ડ બની. એની સાથેના સંબંધ પણ એક વર્ષ પહેલાં પૂર્ણવિરામ મૂકાઈ ગયું. એલ્વીને સમજાતું નથી કેમ એની રિલેશનશિપ્સ, લવલાઈફ અને સેક્સલાઈફ સ્થિર કેમ રહી શકતા નથી. ફિલ્મની પહેલી દસ જ મિનિટમાં એલ્વીનું ઉત્પાતીયું, અધીરું, નિરાશાવાદી છતાંય રમૂજી વ્યક્તિત્ત્વ સરસ રીતે એસ્ટાબ્લિશ થઈ જાય છે.

વાર્તા હવે ફ્લેશબેકમાં ગતિ કરે છે. એક રાતે એલ્વી પ્રેમ કરવાના મૂડમાં છે, પણ ઍની રસ દેખાડતી નથી. બન્ને એલ્વીની પૂર્વ પત્નીઓ વિશે ચર્ચા કરવા લાગે છે. પહેલી પત્ની સાથેની સેક્સલાઈફમાં ક્યારેય જમાવટ થઈ જ નહોતી. બીજી વધારે પડતી બૌદ્ધિક હતી. એની સાથે પણ લગભગ એવું જ થયું. પછી ઍની મળી. બન્નેની પહેલી મુલાકાત ટેનિસ કોર્ટ પર થઈ હતી. શરુઆતમાં ઍની બહુ નર્વસ રહેતી, એનામાં આત્મવિશ્વાસની કમી હતી. બન્ને પ્રેમમાં પડ્યાં ને સાથે રહેવા લાગ્યાં. ઍની આગલી બન્ને સ્ત્રીઓ કરતાં જુદી હતી. સેક્સની ક્વોલિટી અને ક્વોન્ટિટી બન્ને હવે તર-બ-તર થઈ જવાય એવા હતા. એલ્વી જોકે માત્ર શરીર-કેન્દ્રી નહીં પણ ‘અર્થપૂર્ણ સંબંધ’ વિકસાવવા ઈચ્છતો હતો. એણે ધરાર ઍનીને કોલેજમાં કોઈક કોર્સ કરવા દાખલ કરી. મોટા થયા પછીય કંઈક ભણવાનું ચાલુ રાખીએ તો બુદ્ધિની ધાર નીકળતી રહે એવો તેનો તર્ક હતો. એેક વાર એલ્વીએ ઍનીને એના પ્રોફેસરના હાથમાં હાથ પરોવીને જતી જોઈ. પત્યું. એલ્વીએ દલીલ કરી કે આપણે એકબીજા સાથે ‘ફ્લેક્સિબલ’ રહેવાનું નક્કી કર્યું હતું, પણ ફ્લેક્સિબિલીટીનો અર્થ એવો નહીં કે તું પરપુરુષ સાથે ફર્યા કરે. બન્ને વચ્ચે બ્રેક-અપ થઈ જાય છે.

એલ્વી પાછો એકલો પડે છે. ફરી પાછું ડેટિંગ, ફરી નવા સંબંધોના અખતરા. બાપડો ક્યાંય ઠરતો નથી. એક વાર મધરાતે અચાનક ઍનીનો ફોન આવે છે: અબ્બી હાલ મારા ઘરે આવી જા. ઍની સખત ગભરાયેલી છે. એલ્વી ભાગે છે. ગયા પછી ખબર પડે છે કે ઍનીના બાથરુમમાં કરોળિયો ઘૂસી ગયો હતો તેથી એ ગભરાઈ ગયેલી! બન્ને વચ્ચે પાછા બુચ્ચા થઈ જાય છે. બન્ને નક્કી કરે છે કે ગમે તે થાય, આપણે હવે અલગ નહીં જ પડીએ. કમનસીબે એમની કુંડળીમાં સહજીવન લખાયું જ નથી. બન્નેને પ્રતીતિ થાય છે કે આપણી રિલેશનશિપમાં કંઈક ખૂટે છે. એમાં હવે પહેલાં જેવી મજા રહી નથી. બન્ને પાછાં અલગ પડે છે. ઍની બીજા શહેરમાં શિફ્ટ થાય છે, કરીઅર બનાવે છે. એલ્વી એક વાર જઈને એેને મળે છે. એના મનમાં હજુય આશા છે. એ ઍની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. ઍની ના ુપાડી દે છે. એલ્વી પોતાની બળતરા એક નાટક લખીને ઠાલવે છે. નાટક ઍની સાથેના એના સંબંધ પર આધારિત છે. નાટકમાં જોકે નાયિકા હીરોને હા પાડી દે છે. સમય વીતતો જાય છે. બન્ને પોતપોતાનાં જીવનમાં આગળ વધી ચુક્યાં છે. કદાચ બન્નેને નવા પાર્ટનર મળી ગયા છે. એલ્વીને સમજાય છે કે પ્રેમ નામની વસ્તુ ગમે એટલી અવળચંડી, વાહિયાત અને ત્રાસદાયક કેમ ન હોય, પણ જીવનમાં સાલું એના વગર ચાલતું નથી. બસ, એલ્વીના આ બ્રહ્મજ્ઞાન પર ફિલ્મ પૂરી થયા છે.

કથા પહેલાંની અને પછીની

‘ઍની હૉલ’ની પહેલા વૂડી એલન નિતાંતપણે કોમેડી ફિલ્મો બનાવતા હતા. ઈટાલિયન ફિલ્મમેકર ફેડરિકો ફેલિનીની ‘એઈટ એન્ડ અ હાફ’થી ખૂબ પ્રભાવિત થઈને (આ ફિલ્મ વિશે આપણે આ કોલમમાં વાત કરી ચુક્યા છીએ. જુઓ ‘મુંબઈ સમાચાર’, ૮ મે ૨૦૧૩) તેમણે પોતાની આગલી ફિલ્મમાં રમૂજનો ડોઝ થોડો ઓછો કરવાનો તેમજ માનવસ્વભાવની વિચિત્રતાઓ અને સૂક્ષ્મતાઓ પર ફોકસ કરવાનું નક્કી કર્યું. સહલેખક માર્શલ બ્રિકમેન સાથે તેઓ એકાંતરે ચર્ચા કરતા, નવા આઈડિયા વિચારતા, રિજેક્ટ કરતા. ફિલ્મનો પહેલો ડ્રાફ્ટ વૂડી એલને ચાર દિવસમાં લખી નાખ્યો હતો. મૂળ વાર્તામાં મર્ડર મિસ્ટરી કેન્દ્રમાં હતી જેના પર રમૂજ અને રોમાન્સ સારી પેઠે ભભરાવવામાં આવ્યા હતા. પછી રહસ્યમય ખૂનવાળો પ્લોટ ગાળી નાખવામાં આવ્યો. વૂડી એલને પછી તેને ‘મેનહટન મર્ડર મિસ્ટરી’ નામની ફિલ્મમાં ઉપયોગમાં લીધો. ફિલ્મનું ટાઈટલ પણ ખૂબ બદલ્યું. પહેલાં નામ રાખવામાં આવ્યું હતું, ‘એન્હેડોનિયા’ (મતલબ કે ખુશ થઈ શકવાની અક્ષમતા). પછી ‘ઈટ હેડ ટુ બી જ્યુ’, ‘મી એન્ડ માય ગોડ’, ‘એન્ઝાઈટી’ અને‘એલ્વી એન્ડ મી’ જેવાં ટાઈટલ્સ વિચારાયાં. આખરે ‘ઍની હૉલ’ ટાઈટલ ફાયનલાઈઝ કરવામાં આવ્યું.

‘ઍની હૉલ’નાં પાત્રો ખાતાં, પીતાં, સૂતાં, પ્રેમ કરતાં કરતાં, ચાલતાં ચાલતાં, બગીચાના બાંકડે બેસીને, સીધા કેમેરાની સામે જોઈને વાતો જ કરતાં રહે છે. શોટ્સ પણ લાંબા લાંબા હોય. ૧૯૭૦ના દાયકાની હોલીવૂડની ફિલ્મોમાં એવરેજ શોટની લંબાઈ ૪ થી ૭ સેક્ધડ જેટલી રહેતી, જ્યારે ‘ઍની હૉલ’ના શોટ્સની સરેરાશ લંબાઈ ૧૪.૫ સેક્ધડ છે. વાર્તા કહેવાની શૈલીમાં વૂડી એલને કેટલાય અખતરા કર્યા છે. જેમ કે, નાયક ઓચિંતા સૂત્રધાર બની જાય. હિરોઈન સાથે વાત કરતાં કરતાં એ અચાનક ઓડિયન્સ સાથે વાતો કરવા લાગે. એકદમ જ એનિમેશન ફિલ્મ જેવી ચિત્રપટ્ટી શરુ થઈ જાય. હીરો-હિરોઈન મોઢેથી એેક વસ્તુ બોલતાં હોય, પણ મનમાં બીજું કંઈક ચાલતું હોય તો એમની મૂંઝવણ કે ગૂંચવણ ‘મેન્ટલ સબટાઈટલ્સ’ રુપે પડદા પર ફ્લેશ થવા માંડે. હવે તો જોકે આ ટેક્નિક્સ ખૂબ સામાન્ય બની ગઈ છે.

ઓસ્કર ફંકશનમાં ‘ઍની હૉલ’ અને ‘સ્ટાર વોર્સ’ વચ્ચે તગડો મુકાબલો હતો. સૌએ માની લીધું હતું કે તમામ મહત્ત્વના ઓસ્કર અવોર્ડ્ઝ ‘સ્ટાર વોર્સ’ તાણી જશે, પણ એવું બન્યું નહીં. ‘ઍની હૉલે’ બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને બેસ્ટ એક્ટ્રેસના ઓસ્કર જીતી લઈને સપાટો બોલાવી દીધો. ‘ઍની હૉલ’ વૂડી એલનની કરીઅર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મ એવરગ્રીન ક્લાસિક ગણાય છે, પણ એલનને અસંતોષ રહી ગયો છે. તેઓ કહે છે કે, ‘મેં તો પ્રેમ અને સંબંધોને લઈને હીરોના મનમાં જે સતત ગડમથલ ચાલતી રહે છે તેને ફોકસમાં રાખ્યું હતું, આ ફિલ્મ તેના વિશે જ છે, પણ લોકો સુધી આ વાત બરાબર પહોંચી નહીં. તેમને હીરો-હિરોઈનના લવઅફેરમાં વધારે રસ પડી ગયો! હીરોનું માનસિક દ્વંદ્વ એકબાજુ રહી ગયું. મારી નિરાશાનું કારણ આ જ છે.’

ઐસા ભી હોતા હૈ. ક્લાસિક ફિલ્મનો મેકર સ્વયં પોતાનાં સૌથી મશહૂર સર્જનથી નાખુશ હોઈ શકે છે! ખેર, આપણને તો ‘ઍની હૉલ’ જોવાની ખરેખર બહુ મજા પડે છે. ફિલ્મની રમૂજ, સતત બબડાટ કરતા રહેતા હીરોની વિચિત્રતાઓની સાથે સાથે સ્માર્ટ લખાણ, ધારદાર નિરીક્ષણો – આ બધામાં એન્ટરટેઈનમેન્ટ ઉપરાંત ઊંડાણ પણ છે. વૂડી એલનની ફિલ્મો એડિક્ટિવ છે, એની આદત લાગી જાય છે. એમની અન્ય યાદગાર ફિલ્મો વિશે ફરી ક્યારેક.

* * * * *

‘ઍની હૉલ’ ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર : વૂડી એલન
સ્ક્રીનપ્લે : વૂડી એલન, માર્શલ બ્રિકમેન
કલાકાર : વૂડી એલન, ડીએન કીટન
રિલીઝ ડેટ : ૨૦ એપ્રિલ ૧૯૭૭

મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ડિરેક્ટર, ફિલ્મ, ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને એકટ્રેસ માટેના ઓસ્કર અવોર્ડ્ઝ

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.