Sun-Temple-Baanner

Black Swan – Hollywood 100


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


Black Swan – Hollywood 100


હૉલીવૂડ હન્ડ્રેડ – Film 80 – ‘બ્લેક સ્વાન’

Mumbai Samachar – Matinee – 9 July 2014

હૉલીવૂડ હન્ડ્રેડ – મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

પોતાના કામમાં શ્રેષ્ઠતા પુરવાર કરવા તમે કઈ હદે જઈ શકો? જો તમારામાં ‘બ્લેક સ્વાન’ની નેટલી પોર્ટમેન જેવું પેશન અને પાગલપણું હોય તો કદાચ જીવ પણ આપી દો! અફલાતૂન ડાન્સ અને મનની અટપટી માયાજાળની વાત કરતી આ ફિલ્મ દિલ-દિમાગ પર રીતસર કબજો જમાવી દે છે.

* * * * *

Film 80 – ‘બ્લેક સ્વાન’

આઈ એમ ધ બેસ્ટ

શું હજુ ત્રણચાર વર્ષ પહેલાં જ રિલીઝ થયેલી ફિલ્મને ઓલ-ટાઈમ-ગ્રેટ ફિલ્મ્સના લિસ્ટમાં શામેલ કરી શકાય? વાત જો ‘બ્લેક સ્વાન’ની કરતા હો તો જરૂર કરી શકાય!

ફિલ્મમાં શું છે?

ન્યૂયોર્કની એક બેલે કંપનીમાં નીના સેયર્સ (નેટલી પોર્ટમેન) નામની એક ડાન્સર છે. નાજુક નમણી અને વધુ પડતી માસૂમ દેખાતી નીના કાયમ ડરેલી-સહમેલી-કુંઠિત દેખાય છે. એના પરિવારમાં એકલી મા એરિકા (બાર્બરા હર્શી) જ છે, જે એને નાની બેબલીની જેમ ટ્રીટ કરતી રહે છે. એરિકા પોતે એક જમાનામાં બેલે ડાન્સર હતી. મા-દીકરીને એકબીજા માટે બહુ પ્રેમ છે પણ કોણ જાણે કેમ બન્નેનો વર્તાવ જોઈને આપણને ઓડિયન્સને થયા કરે કે ક્યાંક કશુંક નોર્મલ નથી.

નીના બહુ જ કાબેલ અને મહેનતુ નર્તકી છે. એનો ડિરેક્ટર તોમાસ લેરોય (વિન્સેન્ટ કેસેલ) ‘સ્વાન લેક’ નામના ડાન્સ ડ્રામાની તૈયારી કરી રહ્યો છે. અત્યાર સુધી બેથ (વિનોના રાઈડર) નામની યુવતી મેઈન ડાન્સર હતી, પણ તોમાસ કોઈ નવી છોકરીને એની જગ્યાએ કાસ્ટ કરીને બેથને ધરાર રિટાયર કરી દેવા માગે છે. આગળ વધતા પહેલાં ‘સ્વાન લેક’ બેલેની થીમ સમજી લઈએ. આ મૂળ એક વિખ્યાત રશિયન વાર્તા છે. એમાં ઓડેટ નામની રાજકુમારી શેતાની શક્તિ ધરાવતા જાદુગરના શ્રાપથી હંસ બની જાય છે. આખો દિવસ આંસુના પાણીથી બનેલાં સરોવરમાં તર્યા કરવાનું. ફક્ત રાતે જ મૂળ માનવસ્વરૂપ ધારણ કરી શકે. આ શ્રાપમાંથી મુક્તિ તો જ મળે તેમ છે જો કોઈ વર્જિન રાજકુમાર ઓડેટને આજીવન વફાદારીનું વચન આપે. આવો એક રાજકુમાર ઓડેટના ગાંડા પ્રેમમાં પડે છે, પણ પેલા જાદુગરની વંઠેલ દીકરી રાજકુમારને પોતાના તરફ આકર્ષીને ચલિત કરી દેવા માગે છે. વાર્તાના અંતમાં પ્રિન્સ અને પ્રિન્સેસ બન્ને સરોવરમાં કૂદીને આત્મહત્યા કરી લે છે.

‘સ્વાન લેક’ની આડવાત અહીં પૂરી થઈ. હવે ફિલ્મની વાર્તા પાછી આગળ વધારીએ. ડિરેક્ટર તોમાસની ઈચ્છા છે કે નિર્દોેષ હિરોઈન (સફેદ હંસ) અને ખતરનાક ખલનાયિકા (કાળો હંસ – બ્લેક સ્વાન)નો ડબલરોલ એક જ ડાન્સર કરે. નીના ઓડિશન આપે છે. કુમળા નાજુક સફેદ હંસ તરીકે નીના અફલાતૂન ઓડિશન આપે છે, કારણ કે અસલી જીવનમાં એ એવી જ છે, પણ બ્લેક સ્વાનની શેતાનિયત એ અસરકારક રીતે ઉપસાવી શકતી નથી. તોમાસ કહે છે – વ્હાઈટ સ્વાન તરીકે તું આઈડિયલ છે, પણ બ્લેક સ્વાન તરીકે તું મશીનની જેમ પર્ફોેર્મ કરે છે એનું શું? નીના કહે છે – હું મહેનત કરીશ, આઈ વોન્ટ ટુ બી પરફેક્ટ. તોમાસ કહે છે – પરફેક્શન એટલે બોડી મૂવમેન્ટ પર કંટ્રોલ હોવો એમ નહીં, પણ પોતાની જાતને છુટ્ટી મૂકી દેવી. આમ કહીને એ નીનાને જોરથી કિસ કરી લે છે. ગરીબડી લાગતી નીના ઓચિંતું આક્રમણ થતાં તોમાસના હોઠ કરડી લે છે. તોમાસ ચમકી જાય છે. એને થાય છે કે છોકરી બહારથી ભલે ઢીલી લાગે, પણ જરૂર પડે ત્યારે જોરુકી બની શકે તેમ છે. લીડ હિરોઈન તરીકે નીનાને પસંદ કરવામાં આવે છે.

ડાન્સ ડ્રામાના રિહર્સલ શરૂ થાય છે. તોમાસ સતત નીનાને ટોક્યા કરે છે – બ્લેક સ્વાન આવી ઠંડી ન હોય, તારે હીરોને મોહિત કરવાનો છે, સંકોચ છોડી દે, તારાં પર્ફોેર્મન્સમાં ગરમી લાવ. લીલી (માઈલા કુનિસ) નામની બીજી ડાન્સર સાથે એની તુલના કરતાં કહે છે છે કે જો, લીલી કેટલી મુક્તપણે બિન્દાસ થઈને નાચે છે. તારામાં આ જ ક્વોલિટીની ખામી છે. નીના સતત ટેન્શનમાં રહ્યા કરે છે. તોમાસ એક નંબરનો ફ્લર્ટ છે. એ નીના પર ચાન્સ મારવાની કોશિશ કરે છે. એને પૂછીય લે છે કે તારો ક્યારેય કોઈ બોયફ્રેન્ડ જેવું કોઈ હતું કે નહીં. નીના હા પાડે છે. સચ્ચાઈ એ છે કે નીના કદાચ ક્યારેય કોઈ પુરુષ સાથે રોમેન્ટિકલી ઈન્વોલ્વ થઈ જ નથી. તોમાસનો ઈશારો એ વાત તરફ છે કે જો તને સેક્સનો ઠીકઠીક અનુભવ નહીં હોય તો તું બ્લેક સ્વાનની કામુકતા પેદા કરી શકીશ નહીં. નીના સેલ્ફ-પ્લેઝરથી પોતાના જુવાન શરીરનો નવેસરથી પરિચય મેળવવાની કોશિશ કરે છે.

એક પછી એક વિચિત્ર ઘટનાઓ બનતી જાય છે. એક વાર માની ના હોવા છતાં નીના લીલી સાથે નાઈટક્લબમાં જાય છે. અહીં કેટલાક જુવાનિયા સાથે એની મુલાકાત થાય છે. લીલી એને નશીલી દવા પાય છે, એમ કહીને કે આની અસર થોડી કલાક જ રહેશે. નીના મસ્તીમાં આવી જાય છે. રાતે લીલીને એ પોતાની ઘરે લાવે છે. સવારે મોડી મોડી ઊઠે છે તો બેડરૂમમાં એ એકલી છે. ઘાંઘી થઈને એ રિહર્સલ પર પહોંચે છે. એ જુએ છે કે લીલી તો અહીં ક્યારની આવી ગઈ છે. નીના કહે છે – તેં મને ઉઠાડી કેમ નહીં? લીલી કહે છે – પણ હું તારી ઘરે આવી જ નથી, હું તો રાતે પેલા નાઈટકલબવાળા છોકરા સાથે હતી!

નીનાના મનની ભ્રમજાળ દિવસે દિવસે વધતી જાય છે. સચ્ચાઈ અને ભ્રમ વચ્ચેની ભેદરેખા ધીમે ધીમે ભુંસાતી જાય છે. એ સતત અસલામતીથી પીડાતી રહે છે. મને કાઢી મૂકવામાં આવશે તો? હું કાચી પડીશ તો? મારો રોલ લીલી છીનવી લેશે તો? અધૂરામાં પૂરું, એક વાર બેક્સ્ટેજમાં એ તોમાસ અને લીલીને સેક્સ માણતા જોઈ લે છે. એ ઓર ટેન્શનમાં આવી જાય છે. એની માને થાય છે કે નાટક ઓપન થતાં સુધીમાં છોકરી ક્યાંક ગાંડી ન થઈ જાય. તોમાસ ડમી તરીકે લીલીને તૈયાર પણ કરી દે છે.

શોના પહેલા દિવસે સ્ટેજ પર વ્હાઈટ સ્વાનનું પર્ફોેર્મન્સ આપતી વખતે પણ નીનાથી એકાદ ભૂલ પણ થઈ જાય છે, છતાં ફર્સ્ટ એક્ટ એકંદરે સરસ જાય છે. સેક્ધડ એક્ટમાં એણે બ્લેક સ્વાન બનવાનું છે. નીના ડ્રેસિંગ રૂમમાં જઈને જુએ કે લીલી બ્લેક સ્વાનનો કોસ્ચ્યુમ પહેરીને તૈયાર થઈ રહી છે. લીલી કહે છે – બ્લેક સ્વાન હું બનવાની છું. ક્રોધે ભરાયેલી નીના એના પર હુમલો કરે છે. ફૂલસાઈઝ અરીસો તોડી એનો તૂટેલો કાચ લીલીના પેટમાં હુલાવી દે છે. લીલી ખતમ થઈ જાય છે. નીના ડેડબોડીને એક ખૂણામાં છુપાવી ઉપર ટુવાલ ઢાંકી દે છે. પછી બ્લેક સ્વાનનો સ્વાંગ ધારણ કરી સ્ટેજ પર જાય છે. કામુકતા અને શેતાનિયતથી ભરેલું અદ્ભુત પર્ફોેર્મન્સ આપીને એ તોમાસ સહિત સૌને ચકિત કરી નાખે છે.

થર્ડ એક્ટમાં એણે ફરી પાછું માસૂમ વ્હાઈટ સ્વાન બનવાનું છે. એના ડ્રેસિંગ રૂમના બારણે અચાનક ટકોરા મારીને લીલી અંદર ડોકિયું કરીને કહે છે – મસ્ત પર્ફોેર્મ કર્યુું તેં! આટલું કહીને એ જતી રહે છે. નીના ગૂંચવાઈ જાય છે. લીલી બહાર છે તો મેં કોના પેટમાં કાચ હુલાવી દીધો હતો? એ જુએ છે કે કમરામાં લાશ અને ટુવાલ બન્ને ગાયબ છે, પણ ફૂલસાઈઝ મિરર તો તૂટેલો જ છે. એને અચાનક ભાન થાય છે કે લીલી સાથેની લડાઈ તો ભ્રમ હતો… અને એણે ખરેખર પોતાના જ પેટમાં કાચ ઘોંચી દીધો હતો. નીના રડી પડે છે. કાચની ફસાયેલી કરચ દૂર કરી, ઘાને દબાવી, મેકઅપ લગાવી જાણે કશું બન્યું જ ન હોય તે રીતે સ્ટેજ પર પહોંચી જાય છે. એ ફરી અદ્ભુત ડાન્સ કરે છે. ઓડિયન્સમાંથી એની મા ભીની ભીની આંખે દીકરીનું પર્ફોેર્મન્સ જોઈ રહી છે. ક્લાઈમેક્સમાં વ્હાઈટ સ્વાન આત્મહત્યા કરે છે એ સીનમાં નીનાએ ઉપરથી પડતું મૂકીને નીચે ગાદલા પર પછડાવાનું છે. નીના સરસ રીતે એ સીન કરે છે. ઓડિટોરિયમ તાળીઓના જોરદાર ગડગડાટથી ગુંજી ઊઠે છે. રોમાંચિત થઈ ગયેલો તોમાસ અને બીજા ડાન્સરો નીનાને કોન્ગ્રેચ્યુલેટ કરવા એની પાસે ધસી આવે છે… પણ સૌ જુએ છે કે નીનાના પેટમાં નીકળેલા લોહીનું ધાબું ધીમે ધીમે પ્રસરીને મોટું થઈ રહ્યું છે. સૌ આઘાત પામી જાય છે. આ શું થયું? નીના સંતોષપૂર્વક આ એક વાક્ય બોલે છે –

ઈટ વોઝ પરફેક્ટ…!

નીનાની એક જ ખ્વાહિશ હતી કે એક કલાકાર તરીકે બ્લેક સ્વાનનું પાત્ર ભજવવામાં પોતે કાચી ન પડે. એણે સપનું સાકાર કર્યું… પોતાના જીવના ભોગે.

કથા પહેલાંની અને પછીની

કમાલની ફિલ્મની છે આ. એમાંય તમને ડાન્સમાં રસ પડતો હશે તો એ તમારી મોસ્ટ ફેવરિટ ફિલ્મ બની જવાની. અહીં મનની અટપટી લીલા છે, મા-દીકરીનો કોમ્પ્લિકેટેડ સંબંધ છે, પ્રોફેશનલ જેલસી છે, માણસમાત્રમાં રહેતા શુભ અને અશુભ તત્ત્વોનું દ્વંદ્વ છે અને ખાસ તો, જે ક્ષેત્રમાં હોઈએ તેમાં શ્રેષ્ઠતા પામવાની વાત છે. જે રીતે નીના બ્લેક સ્વાનના પાત્રમાં લિટરલી જીવ રેડી દે છે તે રીતે નેટલી પોર્ટમેને પણ નીનાના અત્યંત કઠિન કિરદારને ધારદાર રીતે ઉપસાવવામાં કોઈ કસર છોડી નથી. નેટલી પર ઍસ્કર સહિત જાતજાતના અવૉર્ડ્ઝનો વરસાદ ન વરસ્યો હોત તો જ નવાઈ લાગત. આ ફિલ્મ નેટલીને બીજી રીતે પણ ફળી છે. પતિદેવ બેન્જામિન મિલેપીડ સાથે એની એની પહેલી મુલાકાત આ ફિલ્મના સેટ પર થઈ હતી. બેન્જામિન આ ફિલ્મના કોરિયોગ્રાફર છે.

નેટલી નાનપણમાં ૪ થી ૧૩ વર્ષની ઉંમર દરિમયાન બેેલેના ક્લાસમાં જતી હતી, પણ પછી ડાન્સિંગ છોડી દેવું પડ્યું. આ ફિલ્મની તૈયારીના ભાગરૂપે એણે એક વર્ષ બેેલેની ટે્રનિંગ લીધી. ડિરેક્ટર ડેરેન અરોનોફ્સ્કી હજુ તો પ્રોડ્યુસરો શોધી રહ્યા હતા, પણ નેટલીને શ્રદ્ધા હતી કે ફિલ્મ બનશે જ. એનો ઉત્સાહ અને ડેડિકેશન એટલા ગજબના હતા કે પોતાના ખર્ચે બેલેના ક્લાસ જોઈન કરી લીધા. પાંચ કલાક શરીર તોડી નાખે એવી ડાન્સ પ્રેક્ટિસ. નો સન્ડે. નેટલી પહેલેથી પાતળી પરમાર છે, છતાંય બેલેરિના તરીકેનો પરફેક્ટ લૂક અચિવ કરવા એણે ૨૦ પાઉન્ડ વજન ઓછું કર્યું.

મૂળ આઈડિયા ન્યૂયોર્કના થિયેટર અને ખાસ તો બેકસ્ટેજની ગતિવિધિઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવવાનો હતો. પછી બેકગ્રાઉન્ડ બદલી ગયું – નાટકને બદલે ડાન્સ ડ્રામા આવી ગયો. ડેરેનની ઈચ્છા એક રેસલર અને નર્તકીની લવસ્ટોરી બનાવવાની હતી, પણ તેમને બહુ જલદી સમજાઈ ગયું કે કુસ્તી અને ડાન્સની દુનિયા બહુ જ અલગ છે અને બન્નેએ એક જ ફિલ્મમાં ભેગી કરવા જેવી નથી. આથી એમણે બન્ને માહોલને છુટ્ટા પાડીને ૨૦૦૮માં ‘ધ રેસલર’ બનાવી અને ત્યાર બાદ ‘બ્લેક સ્વાન’. ‘ધ રેસલર’માં પણ પ્રોફેશનલ એક્સેલન્સની થીમ કેન્દ્રમાં છે. બધું મળીને ‘બ્લેક સ્વાન’ની સ્ક્રિપ્ટ તૈયાર થતાં દસ વર્ષ નીકળી ગયાં.

ફિલ્મનું બજેટ ભયંકર ટાઈટ હતું. ડેરેનની અપેક્ષા ૨૮થી ૩૦ મિલિયન ડૉલરની હતી, પણ મંજૂર થયા ફક્ત ૧૩ મિલિયન. એક વાયકા એવી છે કે એક વાર સેટ પર ડાન્સ પ્રેક્ટિસ કરતી વખતે નેટલી ઈન્જર્ડ થઈ ગઈ. પ્રોડક્શનના માણસોએ કહી દીધું – ડૉક્ટરના બિલનું બજેટ નથી, એની વ્યવસ્થા નેટલીએ જાતે કરવી પડશે. નેટલીએ કહ્યું – અરે ભાઈ, બજેટ ન હોય તો મારી વેનિટી વેન લઈ લો, પણ કમસે કમ અત્યારે તો ડૉક્ટરને બોલાવો. ડૉક્ટર આવ્યો, સારવાર કરી. બીજા દિવસે નેટલી સેટ પર આવી તો એની વેનિટી વેન ખરેખર ગાયબ હતી! મજા જુઓ. આવી કંજૂસાઈ વચ્ચે બનેલી ફિલ્મે ૩૨૯ મિલિયન ડૉલરનું જંગી બોક્સઓફિસ કલેક્શન કર્યું.

ફિલ્મ રિલીઝ થઈને વખણાઈ કે તરત સારાહ લેન નામની યુવતી માંડી મિડિયાને મુલાકાતો આપવા. ફિલ્મમાં એ નેટલી પોર્ટમેનની ડાન્સ ડબલ એટલે કે ડુપ્લિકેટ બની હતી. એના કહ્યા મુજબ, ફિલ્મના પ્રોડ્યુસરોએ એને સૂચના આપેલી કે ફિલ્મ અવૉર્ડ્ઝની સિઝન પૂરી ન થઈ જાય ત્યાં સુધી મીડિયા સામે મોં ન ખોલતી, કારણ કે સ્ક્રીન પર દેખાતા અદ્ભુત ડાન્સ નેટલીએ નહીં પણ ડુપ્લિકેટે કર્યા છે તે વાત જાહેર થઈ જશે તો અવૉર્ડ્ઝ પર એની માઠી અસર થશે! ‘હકીકત એ છે કે પિક્ચરમાં કોમ્પ્લિકેટેડ બેલે ડાન્સ મેં કર્યા છે, પણ પછી મારો ચહેરો ડિજિટલી રિપ્લેસ કરીને એની જગ્યાએ નેટલીનું મોઢું ફિટ કરી દેવામાં આવ્યું છે,’ સારાહે કહ્યું.

હોલીવૂડમાં તરત ચણભણ શરૂ થઈ ગઈ. તે સાથે જ ફિલ્મની ટીમ તરફથી બાઈટ્સ ને ક્વોટ્સ આવવા લાગ્યા. કોરિયોગ્રાફરે કહ્યું કે સારાહ ડાન્સ ડબલ છે તે વાત સાચી, પણ માત્ર એના ફૂટવર્કવાળા શોટ્સનો જ ફિલ્મમાં ઉપયોગ થયો છે. ચહેરો ડિજિટલી રિપ્લેસ કરવામાં આવ્યો છે તે વાત હંબગ છે. ડિરેક્ટર ડેરેને સીધું ગણિત સામે મૂકી દીધું – ‘મારા એડિટરે શોટ્સની ગણતરી કરી છે. આખી ફિલ્મમાં ડાન્સના કુલ ૧૩૯ શોટ્સ છે. એમાંથી ૧૧૧ શોટ્સમાં કમ્પ્યુટરની કોઈ કરામત કરવામાં આવી નથી. બાકીના ૨૮ શોટ્સમાં સારાહ લેન છે. મતલબ કે ડાન્સના ૮૦ ટકા શોટ્સમાં નેટલી પોર્ટમેન જ છે.’

આ ફિલ્મ બનાવવી કોઈ પણ સ્તરે સહેલી નહોતી. જોઈને તરત મનમાં વિચાર આવે કે આપણે ત્યાં આ કક્ષાની સાઈકોલોજિકલ થ્રિલર્સ કેમ બનતી નથી? ટૂંકમાં, ‘બ્લેક સ્વાન’ મસ્ટ-વૉચ છે. તે જોયા પછી કલાકો-દિવસો સુધી મનમાંથી ખસશે નહીં. આપણે તો આ ફિલ્મ કમસે કમ સાતેક વખત જોઈ છે. એમાંથી બે વખત થિયેટરમાં. તમારો સ્કોર જરૂર જણાવજો.

* * * * *

‘બ્લેક સ્વાન’ ફેક્ટ ફાઈલ

ડિરેક્શન – ડેરેન અરોનોફ્સ્કી
સ્ક્રીનપ્લે – માર્ક હેમેન, એન્ડ્રીસ હિન્ઝ, જોન મેકલોહલીન
કલાકાર – નેટલી પોર્ટમેન, વિન્સેન્ટ કેસેલ, માઈલા કુનિસ
રિલીઝ ડેટ – ૩ ડિસેમ્બર, ૨૦૧૦

મહત્ત્વના અવૉર્ડ્ઝ – નેટલી પોર્ટમેનને બેસ્ટ એક્ટ્રેસ માટેનો ઑસ્કર અવૉર્ડ. બેસ્ટ ફિલ્મ, ડિરેક્શન અને અચિવમેન્ટ ઈન સિનેમેટોગ્રાફી માટેઑસ્કર નોમિનેશન્સ.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2014 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.