Sun-Temple-Baanner

Jules and Jim – Hollywood 100


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


Jules and Jim – Hollywood 100


હૉલીવૂડ હન્ડ્રેડ – Film 95 – ‘ઝુલ એન્ડ જિમ’

Mumbai Samachar – Matinee Supplement – 5 Nov 2014

હૉલીવૂડ હન્ડ્રેડ

Film No. 95 – ‘ઝુલ એન્ડ જિમ’

* * * * *

ઝિંદગી ઈમ્તિહાન લેતી હૈ, દોસ્તોં કી જાન લેતી હૈ

ત્રણ માણસો – બે પુરુષ અને એક સ્ત્રી – એકમેકને ખૂબ પ્રેમ કરતાં હોય તો શું એમની દોસ્તી અકબંધ રહી શકે? પ્રેમ, સેક્સ, લગ્ન જેવાં તત્ત્વો ઉમેરાયાં પછી પણ મૂળભૂત મૈત્રી દૂષિત ન થાય તે શક્ય છે? આજે જે ફિલ્મની વાત કરવી છે એમાં એક ટ્રેજિક લવ-ટ્રાયેન્ગલની વાત છે. ડિરેક્ટર ફ્રાન્ઝવાં ત્રુફોનું બહુ મોટું નામ છે. ‘ન્યુ વેવ ફ્રેન્ચ સિનેમા’ તરીકે જાણીતા બનેલા દોરમાં જે ફ્રેન્ચ ફિલ્મો બની તેણે દુનિયાભરના દેશોમાં બનતી ફિલ્મો પર તીવ્ર પ્રભાવ પેદા કર્યો હતો. ત્રુફો આ ‘ન્યુ વેવ ફ્રેન્ચ સિનેમા’ના એક અગ્રેસર ફિલ્મમેકર છે. વિષયવસ્તુ પર આવીએ.

ફિલ્મમાં શું છે?

લગભગ સો વર્ષ પહેલાંની આ વાત છે. પેરિસમાં ઝુલ (ઓસ્કર વર્નર) અને જિમ (હેન્રી સીર) નામના બે પાક્કા દોસ્તાર રહે. બન્ને ભરપૂર જુવાનીથી છલકતા કલાપ્રેમી માણસો. ઝુલ (અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે આ નામ જુલ્સ એમ વંચાય છે) જર્મન છે ને ઓસ્ટ્રિયાનો વતની છે. સ્વભાવે શરમાળ અને અંતર્મુખ. એની તુલનામાં ફ્રેન્ચ જિમ ઘણો વધારે બહિર્મુખ. બન્ને જણા ફક્કડ ગિરધારીની માફક જીવન જીવે, ગર્લફ્રેન્ડ્ઝ બનાવે અને કળાની દુનિયામાં ખોવાયેલા રહે. એક દિવસ બન્નેનો ભેટો કેથરીન (ઝાન મોહો, અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે

ઉચ્ચાર થાય છે, જીન મોરૉ) નામની અલગારી યુવતી સાથે થઈ ગયો. કેથરીન જબરી બિન્દાસ. અતિ ચંચળ. કઈ ઘડીએ એનો કેવો મૂડ હશે અને ક્યારે શું કરી બસશે એ કોઈ કળી ન શકે. ઝુલ અને જિમ સાથે એનું જબરું ક્લિક થઈ ગયું. ત્રણેય સાથે પુષ્કળ સમય પસાર કરવા લાગ્યાં. ઝુલ અને જિમ બન્ને એના પ્રેમમાં પડી ગયા.

દરમિયાન પ્રથમ વિશ્ર્વયુદ્ધ ઘોષિત થયું. ઝુલ પોતાને વતન ઓસ્ટ્રિયા ચાલ્યો ગયો. સાથે કેથરીનને પણ લઈ ગયો. બન્નેએ લગ્ન કરી લીધાં. ઝુલ અને જિમ બન્ને પોતપોતાના દેશના લશ્કરમાં ભરતી થયા. બન્નેના મનમાં એક જ ફફડાટ રહ્યા કરે કે અમે બન્ને રહ્યા વિરોધી છાવણીના સૈનિકો, ક્યાંક સામસામા ટકરાઈ જઈશું તો? ક્યાંક મારા જ હાથે મારા દોસ્તનું મોત થઈ જશે તો?

સદભાગ્યે એવું ન બન્યું. યુદ્ધ પૂરું થયું. આ ચાર-પાંચ વર્ષના ગાળા બાદ જિમ દોસ્તને મળવા એના સુંદર મજાના ઘરે ગયો. કેથરીન અને ઝુલ એક દીકરીનાં મા-બાપ બની ચુક્યાં હતાં. જોકે પતિ-પત્ની વચ્ચેનો સંબંધ કથળી ચુક્યો હતો. ઝુલ પોતાના દોસ્ત સામે હૈયું ઠાલવતા કહે છે કે કેથરીન સાથે કેવી રીતે પનારો પાડવો એ જ મને સમજાતું નથી. અમારી વચ્ચે ઝઘડો થાય તો મારા પર ગુસ્સો ઉતારવા એ પરપુરુષો સાથે સંબંધો બાંધે છે. વચ્ચે છ મહિના સુધી એ ઘર અને નાનકડી દીકરીને છોડીને જતી રહી હતી. આમ છતાંય ઝુલ પત્નીને ખૂબ પ્રેમ કરે છે અને કોઈ પણ ભોગે એને ખોવા માગતો નથી.

જિમ અને કેથરીન વચ્ચે પણ એક સમયે કુમળી લાગણી હતી જ. કેથરીન વર્ષો પછી મળેલા જિમ સાથે ફ્લર્ટ કરવા લાગે છે. ઝુલને બધી ખબર છે. એ બાપડો કહે છે કે તમે વિના સંકોચે સંબંધ આગળ વધારી શકો છો, હું તમારી વચ્ચે નહીં આવું. ઝુલનું માનવું એવું છે કે જિમ ગમે તેમ તોય મારો જિગરી છે. કમસે કમ આ બહાને કેથરીન મારી આંખોની સામે તો રહેશે.

પણ આવા થૂંકના સાંધા જેવા સગવડિયા સંબંધો કેટલો સમય ચાલે? કેથરીન સાથેના સંંબંધમાં ટેન્શન થવા માંડ્યું એટલે જિમ પાછો ફ્રાન્સ જતો રહ્યો. એમની પાછળ પાછળ પતિ-પત્ની પણ ફ્રાન્સ આવ્યાં. કેથરીને જિમનું દિલ જીતવાની ખૂબ કોશિશ કરી, પણ જિમ આ વખતે મક્કમ હતો. એણે પોતાની એક એક્સ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું હતું.

સંબંધોમાં અસ્પષ્ટતા અને તનાવ સતત વધતાં ગયાં. એક દિવસ ત્રણેય ભેગાં થયાં ત્યારે કેથરીન જિમને ‘મારે તને કશુંક કહેવું છે’ કહીને પોતાની કારમાં બેસાડ્યો. પછી પોતાના હસબન્ડને કહેે – ઝુલ, તું હવે ધ્યાનથી જોજે. કેથરીને મનમાં જાણે કશીક ગાંઠ વાળી લીધી હતી. એનું વર્તન ભેદી બની ગયું હતી. એણે બ્રિજ પર કાર મારી મૂકી. બ્રિજ પર એક જગ્યાએ પાળી થોડીક તૂટેલી હતી. કેથરીને તે તૂટેલા ભાગ તરફ ગાંડાની જેમ કાર ભગાવી. કાર હવામાં ફંગોળાઈને સીધી નીચે ધસમસતી વહી રહેલી નદીમાં ખાબકી. ઝુલ સ્તબ્ધ થઈ ગયો. એક ઝટકામાં એણે પત્ની અને દોસ્ત બન્નેને ખોઈ નાખ્યાં. બસ, આ આઘાતજનક બિંદુ પર ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

હેન્રી-પીઅર રોશ નામના ફ્રેન્ચ લેખકે ‘ઝુલ એન્ડ જિમ’ નામની એક સેમી-ઓટોબાયોગ્રાફિકલ નોવેલ લખી હતી. જુવાનીમાં તેઓ પ્રણયત્રિકોણ જેવી અવસ્થામાંથી પસાર થયા હતા. તે અનુભવો અને લાગણીઓ તેમણે નવલકથામાં આલેખ્યાં છે. આ પુસ્તક કોઈએ વાંચીને પસ્તીમાં કાઢી નાખ્યું હશે, જે પેરિસની સેકેન્ડ-હેન્ડ ચોપડીઓ વેચતી કોઈ દુકાનમાં પહોંચી ગયું. ડિરેક્ટર ફ્રાન્ઝવાં ત્રુફો એક વાર અહીં જૂનાં થોથાં ઉથલાવી રહ્યા હતા ત્યારે અચાનક તેમના હાથમાં આ ચોપડી આવી ગઈ. એમણે ઊભા ઊભા બે-ચાર પાનાં વાંચી નાખ્યા. ખૂબ રસ પડ્યો એટલે પછી નિરાંતે આખી ચોપડી વાંચી. ત્યાર બાદ નવલકથાના લેખકને મળ્યા ને ફિલ્મ બનાવવા માટેના રાઈટ્સ માગ્યા. ત્રુફો તે વખતે ફ્ક્ત ૨૯ વર્ષના હતા, જ્યારે નવલકથાકાર રોશ ૭૪ વર્ષના. ત્રુફોની બે ફિલ્મો ઓલરેડી રિલીઝ થઈ ચૂકી હતી અને વખણાઈ ચૂકી હતી. રોશને ત્રુફોનો ઉત્સાહ સ્પર્શી ગયો. એમણે ત્રુફોને ફક્ત રાઈટ્સ જ નહીં, બલકે, સાઠ વર્ષથી સાચવી રાખેલી પોતાની પર્સનલ ડાયરીઓ પણ આપી. તે વખતે રોશે ક્યાં વિચાર્યું હશે કે આ માણસ જે ફિલ્મ બનાવવાનો છે તે માસ્ટરપીસ બનીને અમર બની જવાની છે! કમનસીબે વયોવૃદ્ધ રોશ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ ગુજરી ગયા. તેઓ ‘જુલ્સ એન્ડ જિમ’ જોઈ ન શક્યા તે વાતનો અફસોસ ત્રુફોને હંમેશાં રહ્યો.

ફિલ્મનું કાસ્ટિંગ થયું તે વખતે નાયિકાની ભૂમિકા અદા કરનાર ઝાન મોહો ઓલરેડી ફેમસ સ્ટાર હતી, પણ જિમ બનતો હેન્રી સીર સાવ નવો નિશાળિયો હતો. એ પેરિસની ક્લબોમાં સ્ટેન્ડ-અપ કોમેડી કરતો. એની કદ-કાઠી યુવાન વયના રોશ જેવા હોવાથી ત્રુફોએ એને ફિલ્મનો એક હીરો બનાવી દીધો. ઓસ્કર વર્નરને ત્રુફોએ એટલા માટે પસંદ કર્યા કે એની ડાયલોગ ડિલિવરી બહુ ધીમી હતી. ત્રુફોને ઝુલનાં કિરદાર માટે આવો જ કોઈ એક્ટર જોઈતો હતો. કેથરીનનું કિરદાર જેના પરથી ઘડ્યું હતું તે અસલી સ્ત્રીએ પ્રીમિઅર અટેન્ડ સુધ્ધાં કર્યું હતું. જોકે એણે કોઈને પોતાની સાચી ઓળખાણ નહોતી આપી!

‘ઝુલ એન્ડ જિમ’ બહુ જ લૉ-બજેટ ફિલ્મ છે. પૈસા ખૂટી પડતા તો ત્રુફો ગાંઠના પૈસા નાખતા. પ્રોપર્ટીને લાવવા-લઈ જવા માટે ઝાન મોહો પોતાની કાર વાપરવા આપતી. કપડાંનો ખર્ચ બચે તે માટે એ ખુદના કપડાં પહેરતી. આજે સાવ મામૂલી ફિલ્મોના ક્રૂમાં પણ દોઢસો-બસ્સો લોકો હોય છે, પણ ‘ઝુલ એન્ડ જિમ’ના યુનિટમાં બધા મળીને માંડ પંદર માણસો હતા. ઝાન મોહો ક્યારેક સૌને માટે રાંધી પણ નાખતી.

ટાઈટલ ભલે ‘ઝુલ એન્ડ જિમ’ રહ્યું, પણ ફિલ્મનો અસલી ‘હીરો’ તો કેથરીન છે. ફિલ્મની ડ્રાઈવર-સીટ પર કેથરીન બેઠી છે. વાર્તામાં જે અણધાર્યા ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ આવતા રહે છે તે કેથરીનનાં અનપ્રીડિક્ટિબલ વર્તન-વ્યવહારને કારણે આવે છે. કેથરીન મુક્ત પંખી છે. એ કોઈ એક જગ્યાએ કે કોઈ એક વ્યક્તિ સાથે બંધાઈને રહી શકે જ નહીં. એ સૌથી વધારે પોતાની જાતને પ્રેમ કરે છે. પ્રિયપાત્રને એ પ્રસન્નતા અને પીડા બન્ને એકસરખી માત્રામાં આપતી રહે છે. એની લાઈફસ્ટાઈલ છેલછોગાળા પુરુષ જેવી છે. અલબત્ત, કેથરીન ભલે આછકલાઈભર્યું વર્તન કરતી હોય, પણ એ કંઈ બાઘ્ઘી કે છીછરી સ્ત્રી નથી. એ બુદ્ધિશાળી છે. એ ભલે અવિચારીપણે જીવતી હોય તેવું લાગે, પણ મૂળભૂત રીતે એ વિચારશીલ સ્ત્રી છે. અંતમાં કેથરીન નદીમાં કૂદી પડે છે. તે જાણે કે મુક્તિની ક્ષણ છે. ‘થેલમા એન્ડ લુઈસ’ની બન્ને સહેલીઓ ફિલ્મની ક્લાઈમેક્સમાં કાર સહિત ખીણમાં કૂદી પડે છે, યાદ છે?

પ્રેક્ષક ભલે કેથરીન સાથે સહમત ન હોય પણ તેમને ક્યારેય કેથરીન પ્રત્યે અભાવ કે અણગમો જાગતો નથી. આ પ્રકારનું પાત્ર ઉપસાવવું ખૂબ કઠિન છે, પણ ઝાન મોહોએ ગજબની અસરકારકતાથી અને આંતરિક સૂઝબૂઝથી આ ભૂમિકા ભજવી છે. અમેરિકા જેવા આધુનિક દેશમાં આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે ત્યાંના રુઢિચુસ્ત ખ્રિસ્તીઓએ આવી ‘ચારિત્ર્યહીન’ નાયિકા વિરુદ્ધ ગોકીરો મચાવી દીધો હતો. સિનેમા એ ચર્ચ નથી. સિનેમાનો ઉદ્દેશ પ્રજાને ઉપદેશ આપવાનો કે સુધારવાનો ક્યારેય નહોતો. સમય જતાં આ ફિલ્મને એક કલ્ટ સ્ટેટસ મળ્યું. માસ્ટરપીસનો દરજ્જો મળ્યો.

કેટલાંય વિવેચકોની દષ્ટિએ ‘ઝુલ એન્ડ જિમ’ ત્રુફોની શ્રેષ્ઠ ફિલ્મ છે. ન્યુ ફ્રેન્ચ વેવ હેઠળ જે કોઈ ફિલ્મો બની હતી તેમાં ‘ઝુલ એન્ડ જિમ’ સંભવત – સૌથી વધારે પ્રભાવશાળી પુરવાર થઈ. તેણે ફિલ્મમેકિંગની એક નવી ભાષા, નવી શૈલી ઈન્ટ્રોડ્યુસ કરી. ન્યુઝરીલ ફૂટેજ, ફ્રીઝ ફ્રેમ, વોઈસઓવર દ્વારા વાર્તા આગળ વધારવી – આ બધાનો ત્રુફોએ બહુ સરસ રીતે ઉપયોગ કર્યો. માર્ટિન સ્કોર્સેેઝી જેવા હોલીવૂડના શહેનશાહ ગણાતા ફિલ્મમેકરે ૧૯૯૦માં ‘ગુડફેલાઝ’ બનાવી ત્યારે ‘ઝુલ એન્ડ જિમ’ની અસર હેઠલ લાંબા વોઈસઓવર, ફ્રીઝ ફ્રેમ અને ફાસ્ટ કટ્સનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ઑર એક માસ્ટર ફિલ્મમેકર ક્વેન્ટિવ ટેરેન્ટિનોએ પોતાની ‘પલ્પ ફિક્શન’ ફિલ્મમાં બે પાત્રોનાં નામ જુલ્સ (સેમ્યુઅલ જેક્સન) અને જિમ રાખ્યાં હતાં. હોલીવૂડના પૉલ માઝુર્સ્કી નામના ડિરેક્ટરે બનાવેલી ‘વિલી એન્ડ ફિલ’ તો લગભગ ‘ઝુલ એન્ડ જિમ’ની રીમેક જેવી જ છે. ૨૦૦૧માં આવેલી ઓસ્કરવિનર ફ્રેન્ચ ફિલ્મ ‘અમેલી’માં નાયિકાનું પાત્રાલેખન ઉપરાંત સ્ટોરીટેલિંગની સ્ટાઈલ પણ ‘ઝુલ એન્ડ જિમ’થી પ્રેરિત છે. ‘ઝુલ એન્ડ જિમ’ ખાસ જોજો. ફિલ્મ પસાસ વર્ષ જૂની છે, પણ આજેય તે તરોતાજા અને રિલવન્ટ લાગે છે. ક્લાસિક ફિલ્મોની આ જ તો વિશેષતા છે.

ફેક્ટ ફાઈલ

ડિરેક્શન – ફ્રાન્ઝવા ત્રુફો

સ્ક્રીનપ્લે – ફ્રાન્ઝવા ત્રુફો, જ્યોં ગ્રુઓલ્ટ
મૂળ નવલકથાકાર – હેન્રી-પીઅર રોશ
કલાકાર – ઝાન મોહો, ઓસ્કર વર્નર, હેન્રી સીર
ભાષા – ફ્રેન્ચ
રિલીઝ ડેટ – ૨૩ જાન્યુઆરી, ૧૯૬૨

મહત્ત્વના અવોર્ડ્ઝ – બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ એક્ટ્રેસ માટેનાં બાફ્ટા નોમિનેશન્સ

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2014 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.