શાહબુદ્દીન રાઠોળનો એક જોક હતો કે માણસ આખી જિંદગી સ્વાસ્થયના ભોગે સંપત્તિ મેળવે છે, અને ઘડપણમાં સંપત્તિના ભોગે સ્વાસ્થ્ય મેળવવાની કોશિશ કરે છે. પણ,જીવનના અંતે નથી રહેતું સ્વાસ્થ્ય કે નથી રહેતી સંપત્તિ… રોજબરોજના જીવનમાં આપણી આસપાસ આવી બદકહાણીઓ આપણે અનુભવીએ જ છીએ…
તાજેતરમાં GBD અર્થાત (ગ્લોબલ બર્ડન ડીસીઝ સ્ટડી) એ મેડિકલ જર્નલમાં આંકડો આપ્યો કે 195 દેશોમાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ભારત છેક 154માં નંબરે છે. અરે ભૂતાન, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ કરતા પણ આપણે પાછળ છીએ. શરમજનક બાબત છે, પણ કડવી હકીકત છે.
આપણે ભલે આરોગ્ય વિકાસની ગુલબંગો પોકારતા હોઈએ પણ હકીકતમાં તો ટી.બી., ડાયાબીટીસ, હ્ર્દયરોગો અને કિડનીના રોગોમાં આપણે જગતમાં અવવલ નંબરે બિરાજમાન છીએ.
આપણે પાપી પશ્ચિમની લાઇફસ્ટાઇલ જોઈને ઉકાળા કરીએ છીએ પણ સ્વિત્ઝર્લેન્ડ, નોર્વે અને સ્વીડન આ ઇન્ડેક્સમાં અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા નંબરે છે. જગતની હાઈએસ્ટ વસ્તી વાળું ચીન પણ 82માં નંબરે છતાં ભારત કરતા બમણું સ્વસ્થ છે, એમ કહી શકાય.
આંકડાઓની માયાજાળની બોરિંગ વાતો સાઈડ પર મૂકીએ અને કંઇક રસ પડે એવી વાસ્તવિક વાતો પર નજર કરીએ..
પહેલા તો આપણે આપણી લાઇફસ્ટાઇલ સુધારવી પડશે. આ દેશમાં મુખ્યત્વે બે પ્રકારના લોકો છે. એક ખાધપીધાં વગર ભૂખે ભરી જાય છે. (ઘણીવાર પીવાનો મેળ કરવામાં ખાવાનો મેળ વિખરાય જાય છે.) અને બીજા વર્ગને હોય એટલુ ગળચી જ લેવું છે.
પહેલો વર્ગ કુપોષણના પરિણામે એનિમિયા, ટી.બી. અને લોઅર ક્લાસમાં બીડી, સિગારેટ, દારૂ કે તમાકુને કારણે શ્વાસના રોગો, કિડની કે લીવરના રોગોથી પીડાય છે. આ સિવાય હવે એક અતિમહ્ત્વના સામાજિક રોગ ડીપ્રેશન અને સ્ટ્રેસને કારણે નાની ઉંમરમાં હાર્ટએટેક, હાયપટૅનશન સામાન્ય બની ગયા છે.
મૂળભૂત રીતે આપણે પ્રજા તરીકે અભાવો કરતા સ્વભાવથી વધારે દુઃખી થઈએ છીએ. જયને ત્યાં થૂંકાથૂંક કરવું, ખુલ્લેઆમ જાજરૂ-મૂતરડીએ ગંદગી ફેલાવવી. નાના બાળકોને પણ આ જ રીતે પ્રત્યક્ષ શીખ આપવી. કોઈ જાતના ખોરાકના આયોજન વગર આધેધડ ખાધા કરવું.
વસ્તી વધારાને કારણે સાવ નાનકડી કેબિનમાં દસ વીસ જણાએ ભરાયને રોજીરોટી માટે આજુબાજુવાળાની બીડીના ધુમાડા ને તમાકુની પિચકારીઓ સહન કરવું પડે. પણ એનો કડક શિસ્ત સિવાય બીજો કોઈ ઉપાય નથી.
16, 17 કે 18 વર્ષે છોકરીઓને પરણાવીને મમ્મીઓ બનાવી દેવી છે. ભગવાન(?) દીકરો ના આપે ત્યાં સુધી દીકરીઓ પેદા કરવાની ફેકટરી બનાવી દેવી છે. બિચારી સ્ત્રીઓ આજીવન લોહીની ઉણપ, વિટામિન-કેલ્શિયમની બીમારીથી પીડાતી રહે છે અને અમુક ઉંમર પછી તો એ રિકવર થવું પણ મુશ્કેલ.
લોઅર કલાસ તો આદતથી એવો મજબુર છે કે એને સંતરાનું જયુસ કે દારૂની બાટલી આપો તો બાટલી એને વધારે વ્હાલી લાગે. લીવર બગડી ગયું હોય, મોત નક્કી હોવા છતાં અમુક સ્ટેજે પહોંચ્યા પછી આ વ્યસનો છોડવા અઘરા છે.
એની વે, જૂની પેઢીની વાત મુકો. નવી પેઢી ભલે સમજદાર દેખાતી હોય પણ એમણે પ્રેમના નામે વહેમ અને દુનિયાની દેખાદેખીમાં સ્ટ્રેસ-ડિપ્રેશનને કાયમી સાથી બનાવી લીધો છે કે આ પ્રજા જો પોતાની માનસિકતા બદલીને સ્વસ્થ નહિ થાય તો આખી જિંદગી ગભરામણ, હાથ-પગ-કમરના દુખાવા કે અનિંદ્રાથી પીડાતી રહેશે. અને આ માનસિક રોગોનું શારીરિક રૂપમાં પરિવર્તન થાય ત્યારે એ અતિશય ભયાનક સ્થિતિ ઉભી થતી હોય છે. જેને અમારી ભાષામાં સાયકો સોમેટિક રોગ કહે છે. (આંતરડાના અલ્સર, કાયમી એસીડીટી, ડાયાબીટીસ, બ્લડપ્રેશરના અમુલ કારણોમાં આ સ્ટ્રેસ-ડીપ્રેશન પણ મોટાપાયે જવાબદાર છે.)
સદીઓથી સાદગી અને સ્વસ્થ જીવનની દુહાઈઓ દેતી ભારતીય પ્રજા ક્યારે પોતાની જ માનસિકતાથી ડાયવર્ટ થઈને બીમાર પ્રજા બની ગઈ એનો ખ્યાલ પણ આપણને આવા વૈશ્વિક અભ્યાસ સિવાય આવતો નથી. પશ્ચિમનો વિરોધ કરતા કરતા એની જીવનશૈલીથી આપણે એટલા ઈમ્પ્રેસ થઈ ગયા કે અમેરિકા અને જાપાનને આપણે ડાયાબીટીસ-બ્લડપ્રેશરમાં પાછળ મૂકી દીધું. અને જેને ભીખમંગાઓ કહીએ છીએ એવા પાકિસ્તાન-બાંગ્લાદેશ આપણાથી આગળ નીકળી ગયા…
જુઓ, અહીંયા વાત ગરીબીની કે વસ્તીની કે સરકારી બેદરકારીની હરગીઝ નથી. ભારત સરકાર હાલ જે ઉચ્ચતમ પ્રયત્નો કરે છે એનો તો હું નજરોથી અને પ્રવૃતિઓથી કાયમી સાક્ષી છું. વાંક ફક્ત અને ફક્ત પ્રજાનો છે. પ્રજાની હલકટાઈનો છે…
આપણે કઈ સ્વસ્થ બનવા માટે સંન્યાસી બની જવું ફરજીયાત નથી. ફક્ત વ્યસનોને અને સ્ટ્રેસને દૂર રાખીને ખાઈ-પીને (લિમિટમાં) જલસા કરવાના છે. આગામી ગ્લોબલ અભ્યાસમાં કમ સે કમ હેલ્થની બાબતમાં તો ‘અચ્છે દિન’ લાવવા જ જોઈએ એવી આશા છે.
~ ભગીરથ જોગીયા
Leave a Reply