કેટલા રૂપિયા કમાયા પછી સુખી હોવાનું લેબલ ખુદ આપણા કપાળે ચોંટાડવું જોઈએ? અને એટલી કમાણીનો સ્ટાન્ડર્ડ આંકડો આપણે નક્કી કરવાનો કે જગત નક્કી કરે? સુખી થયાનું સર્ટિફિકેટ ખુદ આપણે ઇસ્યુ કરવાનું કે જગત ફાડી આપે તો જ સ્વીકારવાનું?
કમાણી એ અર્થશાસ્ત્રનો વિષય છે, અને સુખ વળી સાઇકોલોજીનો. પણ આજના યુગમાં પૈસાને સંદર્ભમાં લઈને સુખની માપણી કરવી હોય તો એ પાછો સોશિયોલોજીનો વિષય બની જાય છે. ગજબનું ફ્યુઝન છે.
પહેલા તો એ ચોખવટ કે અહીં આપણે પૈસા હાથનો મેલ છે અને પૈસાદાર રાતે સુઈ નથી શકતા જેવી દોઢડાહી વાતો કરવી જ નથી. એવી વેવલી વાતો બે જ વર્ગ કરતાં હોય છે. એક જે પૈસા કમાઈ નથી શકતા અને બીજા જે ધનનો ઢગલો કમાયને તૃપ્ત થઈ ગયા છે, સાચા અર્થમાં. (અથવા તો દંભીના અર્થમાં પણ.)
આપણે વાત કરવી છે મિડલ ક્લાસના સુખની. લોઅર-અપર બન્ને મિડલ કલાસ એક બાબતે સાવ સરખા છે. બેયને પોતાની કમાણી, પોતાની સંપત્તિમાં કંઇક ખૂટતું હોય એમ જ લાગે છે. એટલે આર્થિક પરિસ્થિતિ સુધરી હોય તો પણ કમપેરિઝન કરતા કરતા સરવાળે દુઃખ જ હૈયામાં આવે છે.
અગાઉ તો અત્યારના કરતા વધારે અભાવો હતા. આવકના સાધનો ઓછા, પ્રગતિના સ્કોપ ઓછા, કમાનારા ઓછા ને ખાનારા વધારે એવી પરિસ્થિતિ લગભગ ઘેરઘેર હતી. છતાં અભાવો એટલા સ્પર્શતા નહોતા. મેળામાં જઇને ચકડોળની ચકરડી મારો કે ઠોઠા જેવી સાઇકલ લઈને ગામ આખામાં રખડી આવો એટલે સુખ જ સુખ… તો હવે કેમ દરેક ત્રીજા માણસને પાસે જે હોય એ પૂરતું નથી લાગતું?
હવે જમાનો પારદર્શક બની ગયો છે. જગતમાં જે કંઇ થાય છે એ ઈન્ટરનેટ થકી આપણી આંખોને. અને પછી આપણાં મનને અડી જાય છે. એટલે અગાઉ જે દેખાદેખી કે કમપેરિઝનની બળતરા સગાવહાલાઓ અને પડોશીઓ પૂરતી ગામની પાદર સુધીની મર્યાદામાં સમય જતી હતી હવે એ બળતરાઓ અને દુઃખો(?) ગ્લોબલ બન્યા છે. ‘દેખવું ય નહીં ને દાઝવું ય નહીં’ જેવી કહેવતો હવે નકામી છે, કારણ કે આપણી અનિચ્છાએ પણ સોશિયલ મીડિયામાં કે ગૂગલવર્લ્ડમાં જગતભરનું ગ્લેમર ઠલવાતું રહે છે. એટલે માસૂમ-કાચું-અધકચરું દિમાગ કાયમ પોતે કંઈ જ નથી એવી લઘુતાગ્રંથિમાં સબડતું જ રહે છે ફરજીયાત…
ધારો કે તમે સાવ ગરીબ છો અને બે ટંક ખાવા સિવાય ને રાતે ગોદડું ઓઢીને સુઈ જવા સિવાય તમારે કોઈ જ વૈભવ નથી. તમે કંઈક કરી બતાવીને આગળ વધવા સક્ષમ છો એ તને જાણો છો એટલે કાળી મજૂરી કરીને થોડાક વર્ષે એક સરસ મજાનો ફ્લેટ ખરીદો છો. એક નવું નક્કોર સ્કૂટર પણ છોડાવી લીધું છે. દર રવિવારે મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મો જુવો છો ને રેસ્ટોરન્ટમાં જમો છો. જીવન જુવો તો જલસો જ જલસો છે. થોડો સમય આ રાજા જેવું જીવન તમને સુખનો સમુદ્ર ભાસે છે. પણ પછી???
તમારું એડ્રેસ બદલાયું છે એટલે પડોશીઓ બદલાયા છે. તમારો પ્રોફેશન બદલાયો છે એટલે એ એક નવુ વર્તુળ ઉભું થયું છે,જે તમારા કાયમી ટચમાં છે. એટલે એમના વૈભવો એમની લાઇફસ્ટાઇલ તમે જોયા કરો છો. અને ફરીથી શરૂ થાય છે કમપેરિઝન… ઓહો ઓહો… એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તો પાંચ સાત લાખની એક-બે નહિ પણ એક ડઝન કારો પાર્ક થઈ ગઈ છે. સામે રહેતો પડોશી તો સિમલા મનાલી જવાનો છે એ પણ ફ્લાઈટમાં જઈને ફ્લાઈટમાં જ પાછો આવશે. સામેની સોસાયટીની દીકરીના લગ્નમાં અડધું ખોખું વાપરી નાંખ્યું બોલો. એક જ દીવાલની બીજી પાર રહેતો પડોશીની પત્ની રોજ નવું નવું શોપિંગ કર્યા કરે છે… હવે???
આ તે કંઈ જિંદગી છે? એક ફોરવહીલર તો હોવી જ જોઈએ. શિરડી નાસિક ફરીને ક્યાં સુધી સુખી રહી શકાય? એટલું સેવિંગ પણ નથી કે દીકરાના લગ્નમાં લાખો રૂપિયા વાપરીને વટ પાડી શકાય.. હાય રે કિસ્મત! જિંદગીમાં તે મને સુખ ના આપ્યું…
જોયું? દુઃખમાંથી સુખમાં પહોંચેલો માણસ પાછો દુઃખી થઈ ગયો… લોલ રે લોલ.. પણ એમ હારી જવાતું નથી. હજી મહેનત કરો. નવા નવા રસ્તે પ્રગતિ કરો. પૈસા કમાઓ. ટેલેન્ટ તો છે જ ને! થોડાક વર્ષોમાં બંગલો લીધો, મોંઘો ફોન. પંદર-સત્તર લાખની કાર. વર્ષે એકાદવાર મોંઘી મોટી વિદેશી ટુર. બે ત્રણ સ્કુટરો તો ખરા જ. એકાદ કલબમાં મોંઘી ફીઝ ભરીને મેમ્બરશીપ પણ લેવાય ગયા. અદેખા સગાવહાલાઓ અને જૂના પાડોશીઓની તો ઊંઘ ઊડી ગઈ હશે..અહા અહા…એ જુના બિલ્ડીંગવાળા કરતા કેટલા આગળ નીકળી ગયા હે! ઓરીજીનલ પૈસાદાર તો હવે થયા. જીવનમાં સાચું સુખ તો હવે જ મળ્યું. પહેલા તો સંતોષને સુખ માનીને પોતાને જ આશ્વાસન આપ્યા કરતા હતા.. અહીંયા તો પડોશીઓ પણ આપણા જેવા પૈસાદાર જ. ઓરીજીનલ વૈભવ તો આ લાઈફ જ છે. અને હવે તો બિઝનેસ સર્કલ પણ ઘણું સમૃદ્ધ અને વિશાળ છે..
સુખના હિલોળા લેતા લેતા તમે આસમાનમાં ઉડતા જીવો છો. જલસાથી… કોઈ અભાવ નથી.. કોઈ ફરિયાદ નથી. હવે તો એ લેવલે પહોંચી ગયા પછી કોઈ સાથે સરખામણી કરવાની જ જરૂર નથી તમારે. ઉલ્ટું, લોકો તમારી સાથે પોતાની સરખામણી કરીને સળગતા રહેતા હશે. વાહ વાહ કિસ્મત..
પણ એકદિન, અચાનક તમને સ્પાર્ક થાય છે કે જિંદગીમાં બધું મળી ગયું છતાં કંઈક ખૂટે છે. નાની મોટી વસ્તુ નથી ખૂટતી એ તો ચોક્કસ. બાકી એક કલાકમાં ખરીદી લીધી હોત! તો પછી આ સાલ્લું કયું તત્વ છે જે હજી, આટલું કમાય લીધા પછી, સમાજ જેને ટોપ પર પહોંચેલાનું સર્ટિફિકેટ આપે છે એ હદે અફળ થયા પછી પણ મનને શાંતિ નથી લેવા દેતું? કોઈ ઉપાય પણ મળતો નથી..
તમને મળ્યો તમારા દુઃખનો ઉપાય??? મને મળી ગયો છે. જુઓ સમજાવું.. તમારી પાસે બધુ જ છે એ મને ખબર છે. પણ તકલીફ એ છે કે તમારી પાસે છે એ બધું જ પાછું તમારા બિઝનેસ ગ્રુપના લોકો પાસે પણ છે, પડોશીઓ પાસે પણ છે અને તમારી કલબના બધા મેમ્બર્સ પાસે પણ છે. તમે વીસ લાખની કાર લીધી તો તમારા ગ્રુપમાંથી કોઈને કંઈ જ નવાઈ ના લાગી. તમારી જૂની માન્યતા પ્રમાણે કોઈ સળગી ના ઉઠ્યું. તમે વિદેશટુરમાં લાખો ખરચી આવ્યા તો પડોશીઓને એ ફોટા જોવામાં પણ રસ નહોતો. કારણ કે, એ લોકો પણ લાસ્ટ યર ત્યાં જઈ આવ્યા હતા. તમે લાખ રૂપિયાનો આઈફોન લીધો ત્યારે કોઈને સ્પેશિયલ જાણ ના કરી શક્યા. કારણ કે તમારા સર્કલમાં પાંચ જણા પાસે એ જ આઈફોન છે અને એમાંથી બે જણ તો બોર પણ થઈ ગયા છે. ફોરસ્ટાર ફાઈવસ્ટાર હોટેલના ફોટાઓ પણ તમે સોશિયલ મીડિયામાં શોખથી મૂકી શકતા નથી. કારણ કે બધા જ માટે આ બધું સાવ નોર્મલ થઈ ગયું છે. પોતાની ખુશી વહેંચવી કોની સાથે???
તો સમજી ગયા ને દોસ્તો… પહેલાં હતો વૈભવનાં અભાવનું દુઃખ, પછી કમપેરિઝન અને દેખાદેખીનું દુઃખ, અંતે ટોપ પર પહોંચી ગયા પછી સુખનાં શેરિંગના ઓપશનના અભાવનું દુઃખ…
હવે તો તમારી પાસે એક જ રસ્તો છે, ક્યાં તો સાવ ભગત બનો જાઓ ક્યાં તો “દુઃખ તો અપના સાથી હૈ…” ગાયા કરો… કારણ કે દુનિયા તો આ જ છે અને એની ગતીમાં ચાલતી દોડતી જ રહેવાની છે. ભૂલ તમારી હતી કે દુનિયાની અડફેટમાં વગર કારણે આવવા ગયા..
આપણે જો વહેમમાં રહીએ કે ફલાણી વસ્તુ કે ઢીકણી સંપત્તિથી મારી વાહ વાહ થઈ જાય તો એ વાત હવે આ જમાનામાં બાલિશ લાગે છે. સુખી થવા માટે સ્વકેન્દ્રીત થઈને પોતાની આંખોથી જ દુનિયા જોતા શીખવું પડશે. સમાજમાં વત પાડવા લાખો રૂપિયા ખર્ચીને સ્વિત્ઝરલેન્ડ કે પેરિસ જશો તો ત્યાં પણ તમારા જેવા હજારો પ્રવાસીઓ રખડતા હશે. મરસીડીઝ લઈને કોઈ મોટી કોંફરન્સમાં જશો તો બીજી બે ચાર એનાથીય મોટી બ્રાન્ડ આંખમાં ઉડતા કાંકરાની જેમ વાગશે. મોંઘા ફોન અને બાઇકમાં તો હવે કોલેજના બાળકોને ય જરાય નવાઈ નથી લાગતી. નક્કી આપણે કરવાનું છે કે આપણે કઈ વિચારધારા પ્રમાણે જીવવું!
બધો મોહ ત્યાગીને હિમાલય પર જતાં રહેવાનો પલાયનવાદ આપણને ફાવતો નથી. અને એ કોઈ પ્રેક્ટિકલ ઉપાય પણ નથી. તો પાછા કમપેરિઝન કરીને વધુ ને વધુ ઉંચી મહત્વાકાંક્ષાઓ બનાવી લેશો તો બેંકબેલેન્સ જેટલું જ મોટું દુઃખ ને અકળામણનું ચક્રવૃધ્ધિ વ્યાજ મફતમાં મળશે. અને કંઈ જ સપનાઓ ના જોઈને ‘માયા હૈ, ભરમ હૈ,’ કહેતાં રહેશો તો પાછા ભિખારી કે દંભીનું સર્ટિફિકેટ મળશે.. તો કરવું શું?
એક જ ઉપાય છે.. પૈસા કમાઓ, રાતદિવસ એક કરીને કમાઓ. બીજાઓની મહેનત કે એમની આવડતની કોપી કરીને શીખ લો. નહીં કે એમના ભૌતિક વૈભવને જોઈને કમપેરિઝન કર્યા કરો. ખુદ માટે કમાવું, ખુદને ગમે એ જલસા કરવા. ખાવું, પીવું, ફરવું, સૂવું, રમવું બધું જ… પણ બીજા સામે જોયા વિના માત્ર આપણને ગમે છે એટલા પૂરતું… જગતની પરવા કર્યા વગર કે એમના પર ઇમ્પ્રેશન પડશે કે નહીં એવી ખોટી બલતરાઓ કર્યા વિના જેમ ગમે એમ જીવવું… પોતે પાછળ રહી ગયા હો તો એનો અફસોસ કરીને આગળ નીકળવા મહેનત કરવી જ. પણ બીજાઓ જેટલું જ કે એથી પણ વધુ આગળ નીકળવાની દોડમાં હાંફી જશો તો કાયમી વફાદાર સંપત્તિમાં ડીપ્રેશન, હાયપરટેનશન, ડાયાબિટીસ કે ઉજાગરા જ મળશે…
પૈસા અતિજરૂરી તત્વ છે, એની અવગણના ના જ હોય. પણ એક હદ સુધી કમાયા પછી એ સમજી લેવું કે એક કરોડનો બંગલો હશે કે બે કરોડનો, વીસ લાખની કાર હશે કે ચાળીસ લાખની, બેન્ક બેલેન્સમાં એક કરોડ હશે કે દોઢ કરોડ… બધું એક સરખું જ થઈ રહેશે. જેટલાં આનંદથી જેટલાં વાપરી શકશો ને બીજાઓ માટે વાપરવા જેટલા દિલદાર બનશો એ જ સાચું સુખ…
બક્ષીબાબુએ કહેલું કે “કરોડો કમાય લીધા પછી પણ જે બુઢો માણસ પૈસા પૈસા કરતો હાંફયા કરે છે એની મને દયા આવે છે. સાઠ વરસની ઉંમર પછી હું જે પૈસા વાપરું છું એ જ મારા છે, બાકીના પર મારો કોઈ હક નથી.”
એક વિદેશી લેખકે કહેલું કે પૈસા છઠ્ઠી ઇન્દ્રિય છે, જેનાથી બાકીની પાંચ ઇન્દ્રિયો કાબુમાં રહે છે.. શાબાશ.. પણ હું કહું છું કે પૈસાને એવી મજબૂત ઇન્દ્રિય ના બનવા દેવી જે ખિસ્સામાં હોય તો છ એ છ ઇન્દ્રિયોને કાબુમાં કરનારું દિમાગનું જ બેલેન્સ છટકી જાય.. હા હા હા
~ ભગીરથ જોગીયા
Leave a Reply