વિહારે ગોઠવેલી ‘મોસ્ટ થ્રિલિંગ’ ટૂર શરૂ થઇ.
આગળની જીપમાં સોનેરી ગૂંચળાવાળો ગ્રીક પુરાણકેકથાના દેવ જેવો દેખાવડો કોમળ ગોરો જુવાન બેઠો હતો. વિહારે એનો પરિચય કરાવ્યો હતો. એ એક કાબેલ ધંધાદારી શિકારી હતો. આવો કોમળ માણસ કોઇના પ્રાણ હરવા જેટલો કઠોર કેમ બની શકતો હશે… મારી સ્મૃતિઓમાંથી એક પ્રત્યુત્તર આવ્યો – શરીરની બાહ્ય ત્વચાને હૃદયને કોઇ સંબંધ હોતો નથી એ તું કેમ ભૂલી જાય છે . .
ગુલાબની પાંદડીઓ જેવા હોઠવાળી બેહદ ખૂબસૂરત છોકરીએ પૂછ્યું તમે નાટકમાં કામ કરશો મેં રૂક્ષતાપૂર્વક જવાબ દીધો ના મને નાટક ફાવતું નથી આંખો પટપટાવી પછી હસીને બોલી… તમે સ્લેષમાં બોલો છો… હું તો અભિનયની વાત કરૂ છુ. મેં કહ્યુ – મને અભિનય નથી આવડતો. આવડી જશે… ટાણે જ ચિરાયુ બિમાર પડ્યો… એનાં પાત્રમાં તમે ચાલો તેમ છો. મેં નિરસતાપૂર્વક કહ્યું – મને કોઇનો વિકલ્પ બનવાનું પસંદ નથી. યુનિવર્સિટી ડેને થોડા જ દિવસ રહ્યા છે… અમારૂ નાટક રખડી પડશે… પ્લીઝ… એણે આજીજી કરી. તમે નાટક ડાયરેક્ટ કરો છો ? મેં પૂછ્યુ. ના. તો પછી… તમારી સુંદરતા ઉપર તમે એટલા બધાં મુસ્તાક છો, કે ડાયરેક્ટરને બદલે તમે… ? પરંતુ તમે જે ટોળાં જોયાં છે એ માંહેનો હું નથી… છીપમાંથી બે મોતી સરી પડ્યાં.
અમારી જીપની આગળ દોડી જતી શિકારીઓની કાબરચીતરી જીપ ઘાંસના ભાંઠાવાળા મેદાનમાં અથડાતી કુટાતી પૂર ઝડપે જિરાફનાં ટોળામાં પડી. જીપનાં હૂડ પરની ખાસ બેઠક પર પેલો દેખાવડો જુવાન બેઠો હતો. એના હાથમાં દોરડાનો વીંટો હતો. બીજો ગોરો શિકારી જુવાન સૂચના મુજબ જીપ હાંકતો હતો. અમારી પાછળની ખુલ્લી વાનમાં બીજા નિગ્રો મદદનીશ શિકારીઓ પ્રવાસ કરી રહ્યા હતા. પહેલા તો જિરાફનું ટોળું ધસમસતી આવતી જીપોને ભોળી આંખે તાકી રહ્યું. પછી ભયનો અણસાર આવતાં ટોળામાં હલચલ મચી ગઇ. મોટા ભારેખમ શરીર કઢંગી રીતે આમતેમ ભાગવા માંડ્યા. ભારે મોટી ભાગદોડ મચી ગઇ. સૌથી હૃષ્ટપૃષ્ટ દેખાતા એક જિરાઓ. ફને નિશાન બનાવી જીપ અને વાન તેની પાછળ પડ્યાં. અમારી જીપ એમની પાછળ હતી. જિરાફ ટોળા સાથે દોડતું રહ્યું. થોડી વાર પછી જિરાફને ટોળાંથી અલગ તારવવા જીપ સહેજ આડી ફંટાણી. જિરાફ ખુલ્લાં મેદાન ભણી જમણી તરફ ફંટાયું અને ટોળામાંથી વિરુધ્ધ દિશામાં દોડવા માંડ્યું. સામે છેડે પહોંચીને પાછાં વળતાં વાનને જોઇ જિરાફે વેગ પકડ્યો. પરંતુ આખરે જીપ અને વાને જિરાફને આંતરી લીધું. બન્ને શિકારી વાહન જિરાફનાડાબે-જમણે પડખે રહી એની સાથે સાથે દોડવા માંડ્યાં. કાબર ચીતરી જીપ જિરાફની લગોલગ દોડતી હતી. હૂડ પર બેઠેલો રૂપાળો જુવાન દોરડાનો ગાળીયો હવામાં ચક્રાકારે ઘુમાવી રહ્યો હતો. જિરફનું ટોળું બહુ દૂર પહોંચી ગયું. છૂટું પડી ગયેલું જિરાફ ઘેરાઇ ગયું.
જાદુઇ છડી લઇને આવેલી પરીના એક એક સ્પર્શે મારી રુક્ષતાનાં પર્ણો ખરી પડ્યાં અને મારા અસ્તિત્વની શાખાઓને વસંત બેઠી. મારી અંદર હજ્જારો લીલી કુંપળો ફૂટી નીકળી. એ મારા જીવનમાં વેદની ઋચાઓ જેવી પવિત્રતથી આવી અને મેં એને યજ્ઞવેદીની અગ્નિ શિખાઓ હવિને સ્વીકારે તેમ સ્વીકારી. પ્રતિભાવમાં એના હોઠ આછેરું ફરક્યા અને થોડા અશ્રાવ્ય શબ્દ સુગંધ બની હવામાં પ્રસરી ગયા. વાદળી કીકીઓને એણે પોપચાંના આગોશમાં છુપાવી લીધી. મેં એમાં મારા સ્વીકારનો પડઘો સાંભળ્યો.
જિરાફની બિલકુલ સમાંતરે જીપ પૂરપાટ દોડી રહી હતી. બેજી બાજુથી, જીરાફને જીપ બાજુ રાખવા વાન દબાણ કરી રહી હતી. જિરાફની મોટી ભોળી આંખોમાં આતંક છવાયો હતો. નજીક દોડી રહેલી જીપના પડખાંમાં જિરાફે અચાનક લાત મારી. પ્રચંડ તાકાતથી લાગેલા ધક્કાથી જીપ એક તરફના પડખે ઊંચી થઇ ગઇ. પછી ઊંધી વળવાની ક્ષણે જ એક ધમાકા સાથે નીચે પછડાણી અને ફરી ચારે વ્હીલ પર દોડવા માંડી. હૂડ પર બેઠેલા જુવાને કાબેલિયતથી દોરડાનો ગાળીયો હવામાં ચક્રાકારે ફેરવ્યો અને જિરાફના માથા તરફ ફેંક્યો…
યુગોથી અણૌકેલ પ્રેમની સમસ્યામો ઉકેલ શોધવાનો ઉપક્રમ ચાલુ હતો.
ના, પ્રેમ એટલો પોકળ નથી કે એની ઊંચાઇ કેવળ દેહ સુધી પહોંચતી હોય … એણે દલીલ કરી.
તો દેહના અસ્તિત્વનો પ્રેમ સાથે સાથેનો સંબંધ પણ નકારી શકાય નહીં – મેં કહ્યું.
પ્રેમની ચિરંજીવતાને સ્થૂળ દેહ સાથે તું મૂલવી રહ્યો છે – મિત્ર બોલ્યો.
તમામ મૂલ્યોનું અસ્તિત્વ દેહનાં અસ્તિત્વ સુધી જ હોય છે એ તું ભૂલી રહ્યો છે…
હું પ્રેમની શાશ્વતતાની વાત કરું છું… જે અશરીર આત્મા સાથે ગાઢ સંબંધ ધરાવે છે…
કંઇ જ શાશ્વત નથી, અમલ…
આત્મા… ?
એક વ્યાખ્યા… હું એમ માનુ છું. એ માત્ર અનુભૂતિ છે… કદાચ એક છલના… માત્ર દેહ જ હયાતી ધરાવતું સત્ય છે… જેનાં સિમાડાઓ સુધી જ સમગ્ર માનવીય ભાવો અને તેની પરિભાષાઓ વિસ્તરેલાં છે… એક સ્થિત્યંતર લગી, હું ધારું છું… આપણી ચર્ચાનું કેન્દ્ર આદમ-ઇવ છે…
અલબત્ત…
મારે એ જ કહેવું છે… .એ આદિમ વૃત્તિઓને ગમે તે રૂપાળું લેબલ લગાડો… શું ફેર પડે છે… ? આદિમ આકર્ષણ, જરૂરિયાત તથા લાગણીઓના ભેળસેળમાંથી તારા જેવા માણસોએ પ્રેમનો બહુ મોટો ગોટાળો પેદા કર્યો છે… બ્યુટિફૂલ ઇલ્યુઝન…
તારૂં વલણ નકારાત્મક છે… – અમલ ધુંધવાયો.
તને ગમે તેવી ભાષામાં વાત કરૂં… બે દેહનું અદ્વૈત રચાવું તે પ્રેમની આખરી તબક્કાની પરિણતિ છે…
વળી દૈહિક વાસનાઓની વાત…
હું પૂછું છું, એના વગર, માત્ર પ્રેમ દ્વારા માનવ જાતનું અસ્તિત્વ હોત ખરું… ? હું . . તું… ? અને આપણા આ વાદવિવાદો… ?!
તું બહુ નીચેના સ્તરે ઊતરી આવ્યો…
એક બીજા સ્તરે વાત કરૂં… જે કદાચ તારી સમજણમાં નહીં ઊતરે… કદાચ થોડું ઉતરે તો જાબરો આઘાત લાગશે… છતાં કહું… પ્રેમ-પુરૂષ અને સ્ત્રીનાં જિન્સની ગર્ભપ્રતિની પ્રાકૃતિક ગતિ અને તેનાઅ સ્વીકારની પ્રક્રિયાનું નામ છે… તેથી જ બે દેહનું મળવું – તે જિન્સની અત્યાવશ્યક માંગ છે, અને એ જ છે સ્થૂલદેહની અંતિમ માંગ છે અને એ જ છે સ્થૂળ દેહની અંતિમ પ્રાપ્તિ અને વૃત્તિ… બે ધ્રુવોનાં ધ્રુવીકરણની જબ્બરદસ્ત પ્રક્રિયા !… ગર્ભ પ્રતિ પાછા ફરવાની વૃત્તિ… !! હું તેમાં માનુ છું . . અમલ.
અમારો વિવાદ ચુપચાપ સાંભળી રહેલી વાદળી આંખોમાં વાદળોનો ઘટાટોપ ઊમડ્યો.
જિરાફ થાક્યું. ગતિ થોડી શિથિલ બની. જીપ અને વાનનો ચીપિયો વધુ સાંકડો થયો. જુવાન શિકારીએ દોરડાનો ગાળીયો જોરથી ઘુમાવી ફરી જિરાફ ઉપર ફેંક્યો. ગાળીયો જિરાફના ગળામાં આબાદ પહેરાવાઇ ગયો…
પેકેટમાં આંગળી જેવડી અતિ સુંદર જાપાની ઢીંગલી અને એક પત્ર હતાં. પત્રમાં લખ્યુ હતું, રૂચિર, શો રૂમના કાચ પાછળ લટકતી ઢીંગલીને જોઇ તું મજાકમાં કહેતો, એ મારી ઋચા છે. આજે તારા જન્મદિવસે મોમેન્ટો રૂપે તને આ તારી ઋચા… ટચુકડી ઢીંગલી… નાના હાથ પગ
લાલ ચટ્ટાક
ગાલ… વાદળી આંખો… અને સોનેરીવાળવાળી મોહક
ઢીંગલી… હા, ઢીંગલીનો મોમેન્ટો… ! લાગણીના અર્થ
કરવાનું મને ત્યારે ગમતું નહોતું.
જીપની રફ્તાર ઓછી કરવામાં આવી અને ગાળીયાના સ્પર્શે ભડકેલા જિરાફની ગતિ વધી. શિકારીએ દોરડાંનો બીજો છેડો વાનમાં રહેલા બીજા શીકારીઓના હાથમાં લંબાવ્યો. પછી તાકાતપૂર્વક દોરડું સતાણ કર્યું દતિવિરોધના કારણે ગાળિયો જીરાફની ડોક ફરતે વધુને વધુ ભીંસાતો ગયો…
તુમકો દેખા નહીં… મહેસૂસ કિયા હૈ મૈને… – એક જાણીતી ગઝલની પંક્તિ હું ગણગણી રહ્યો હતો. હું બેખબર હતો, આંસુના રેલા ગુલાબની પાંદડી જેવા હોઠને ભીના કરી રહ્યા હતા. ક્ષ્હર્ચાને અંતે એની આંખોમાં ઊમટેલા વાદળ મને યાદ આવ્યાં. ક્ષણભર ભીની આંખે મૂંગી મૂંગી મને જોતી રહી, હું એનો વિષાદ વાંચવા અસમર્થ હતો. ધીમેથી એણે નજર ઢાળી લીધી, પછી આર્દ્ર સ્વરે બોલી – દેહના જ આ બધા દુ:ખ છે ને. કદાચ અમારી ચર્ચામાં તારો જીવ દુભાયો હોય… કદાચ મારી અપેક્ષાઓ… ! – હા, તારી અપેક્ષાઓ અને – માન્યતાઓનું વ્યાજબીપણું મને પીડી રહ્યું છે, રૂચિર, પ્રેમ સાથે ગાઢ રીતે સંકળાયેલા દેહલગ્નની અનિવાર્યતા સમજવાની ક્ષણો મને વિદારી રહી છે… તેં મારી સમજણની બારી ખોલી ત્યારે મારા હાથમાં કશું રહ્યું નથી… દેહ લગ્નનું વચન જેને આપી ચૂકી છું તેને પ્રેમ કરતી નથી અને જેને ચાહુ છું તેને દેહથી સમર્પિત થઇ શકતી નથી, ત્રિશંકુ જેવી વેદના મને રાતદિન બાળી રહી છે… નથી વ્યક્ત થવાતું… નથી સહેવાતું… મને ઉગારી લે, રૂચિર…
ઉગરવાનું તો જાતે જ હોય છે, નિશા. આપણે જ બાંધીએ છીએ દ્વિધાના એકદંડિયા મહેલ આપણી ફરતે… અને પછી આક્રંદ પણ આપણે જ કરીએ છીએ… મારૂં મન તો હું ખુલ્લું રાખીને બેઠો છું… મારી અપેક્ષાઓને સંકોરતા મને વાર નહી લાગે… સહજતાની મોકળાશમાં આપણે મળ્યાં, ચાહ્યાં અને એ જ સહજતાની ખુલ્લાશમાં પરિસ્થિતિનો સ્વીકાર કરીએ… સહજના અભાવમાં દ્વિધાઓ જન્મે છે… હું માનુ છું કે દેહલગ્ન એ પ્રેમનો તબક્કો છે, જેના દ્વારા અદ્વૈત સધાય છે… પરંતુ એનો અર્થ એટલો જ, કે દેહલગ્ન એ મારા પ્રેમની અનિવાર્ય શરત હરગિજ નથી… હું પૂર્ણતામાં માનુ છું… દ્વિધાઓ અને વંચનાઓમાં નહી – એ આંસુઓ પાડતી રહીઅને હું ભાવુકતામાં તણાતો રહ્યો, – તેં મારા તરફી નિર્ણય લીધો હોત તો મેં મેં તેને તારા પ્રેમની અપ્રમાણિકતા જ ગણી હોત… કમ સે કમ એવી અપ્રમાણિકતા મેં આચરી નથી… તારૂ વચન ખુશીથી નિભાવી લે… પ્રેમનું બીજુ નામ મુક્તિ છે, નિશા… !
ફૂલ પર કોઇ પતંગીયું આવી બેસે તેમ મારા જીવનમાં એ આવી હતી અને એમ જ ઊડી ગઇ. મારે તો બસ એના આવવા અને ઊડી જવાના સમયને સાચવી લેવો છે… એ જ રીતે એનો સ્વીકાર મારે કરવો રહ્યો.
જીપના વિન્ડસ્ક્રિનના એક ખુણે લતકતી બેહદ ખૂબસૂરત નાનકડી ઢીંગલીએ અમાનુષી તાકાતથી દોરડું ખેંચ્યુ. ગાળીયો વધુ ભીંસાયો. જિરાફે છૂટવા ધમપછાડા શરૂ કર્યા. ધમપછાડા વધતા ગયા તેમ ગાળીયો બેસતો ગયો. જીપ અને વાનમનો ઘરઘરાટ, ખરીઓ પછડાવાનો અવાજ અને ખરીઓથી ઊડેલી ધૂળની ડમરીનાં વાદલની ઉપર જિરાફનું વેદનાગ્રસ્ત મોઢું આમતેમ છટપટાતું હતું. દયામણી આંખોના ડોળા ફાટી પડ્યા હતાં અને મોંમાંથી ફિણના ગોતા હવામાં ઊડી રહ્યા હતાં. ફૂલેલા નસકોરામાંથી સ્વાસ રૂંધાવાનો હિસ્સ… હિસ્સ અવાજ ગાજી રહ્યો હતો. ઢીંગલીએ છેલ્લો રાક્ષસી આંચકો માર્યો. ગાળીયો ચામડી ચીરી ગળાની અંદર ઊતરી ગયો. લોહીનાં નાનાં નાનાં ઝરણાં લાંબી ડોક પરથી વહેતાં થયાં. જિરાફની ગતિ શિથિલ બની. તરફડાટ વધ્યો. વિકૃત આનંદનાં અટ્ટહાસ્ય અને ચિચિયારીઓથી વાતાવરણ કંપી ઊઠ્યું. લોહીઝાણ સંહારલીલા ચાલુ રહી. દોરડું જિરાફની ડોકમાં ઊંડુ ઊતરી ગયું, લોહીની છોળ ઊડી અને કપાયેલા વૃક્ષની માફક ધમાકા સાથે જિરાફ જમીન પર પછડાયું… અરે … !… આ શું… ! મારો શ્વાસ કેમ રૂંધાઇ રહ્યો છે… ! મારા ગળે આ શેના રેલા વહી રહ્યાં છે… ! કોઇ બચાવો… બચાવો… મારી શ્વાસ નળી કપાઇ રહી છે… મારો સુંદર દેહ ધૂળમાં ખરડાઇ રહ્યો છે… ડોક મરડાઇ રહી છે… પ્રલંબ પાતળી શાખાઓ જેવા મારા પગની ખરીઓથી ધરતીમાં ખાડા પડી ગયા છે… ધૂળની ડમરી ઊડી રહી છે… અને… અને મારા પગ તરડાઇ રહ્યા છે… જો, વિહાર… મારા મૃત્યુની ભયાનક પીડા હું ભોગવી રહ્યો છું… જોઇ રહ્ય્ઓ છું… છતાં… છતાં મારા ગળામાંથી પીડાનો એક સિત્કાર પણ કાં નથી નિકળતો… ?!
કુદરતનો તને અભિશાપ છે… એણે સ્વર પેટી જ નથી આપી તને… – વિહારને બદલે આ કોણ બોલ્યું… ? ઢીંગલી… ?!
પણ… મારાથી દુ:ખ સહન થતું નથી… મારે રડવું છે… ચોધાર આંસુએ…
ના, તું રદી પન નહી શકે… આંસુની ભીનાશ પન નહીં…
કેમ… ?
કુદરતે તને અશ્રુ ગ્રંથી પણ નથી આપી…
તો પછી મારે શુ6 કરવું… ?
તારે કંઇ જ કરવાનું નથી… તારે મરી જવાનું છે… ચુપચાપ મરી જવાનું છે… વેદનાનો એક્કે સિસકાર કર્યા વગર… સુક્કી કોરી ધાકોર આંખો સાથે…
પતંગીયાની પાંખોવાળી અને વાદળી આંખોવાળી ઢીંગલી ધૂળની ડમરીની આરપાર ઊડી ગઇ… દૂર… બહુ દૂર…
~ ધર્મેન્દ્ર ત્રિવેદી
Leave a Reply