રાષ્ટ્રપતિની જગ્યા પર કેવા વ્યક્તિને બેસાડવો જોઈએ ? એવી કિલકારીયો ગુંજેલી કે, આ સીટ પર જે રાજકારણ સાથે સંબંધ કે ઘરોબો નથી ધરાવતો તેવા વ્યક્તિને બેસાડવો. તો બીજી તરફ એવા વ્યક્તિને સતાની કમાન સોંપી સુકાની બનાવવો જે રાજકિય છે. ગમે તેના પર ક્લિક કરો જવાબ કેંન્દ્ર સરકાર જ આપવાની છે. ભારતના રાષ્ટ્રપતિની ખોજ વિશે વર્તમાનપત્રોમાં નથી છપાતુ કે, જોઈએ છે… જોઈએ છે… જોઈએ છે… નહીંતર આ હોદ્દા માટે મુંગા લોકોને સૌથી પહેલા પ્રધાન્ય આપવુ જોઈએ. આમ પણ એક રમૂજ પ્રમાણે દુનિયામાં બહેરા અને મૂંગા લોકોને શાંતિનો નોબેલ પારિતોષિક નથી અપાતો. રાષ્ટ્રપતિની ખુરશી પણ એવી જ છે. તે બીજી બધી ખુરશીઓ કરતા થોડી અલગ પ્રકારની છે. તેમાં અવાજ ન થાય તેવા પ્રકારના સ્ક્રૂ ફિટ કરવામાં આવ્યા છે. તેને રાજકારણી પોતાના રંગે રંગી શકે છે. તેને ઢસડવામાં આવે ત્યારે તે અવાજ કરે છે. તેના પર ગમે તે વ્યક્તિને બેસાડી શકાય છે, જોગવાઈ માત્ર એટલી કે ઓળખીતો, માનીતો અને તમારી વાત માનતો હોવો જોઈએ.
રાષ્ટ્રપતિ જેવા પ્રતિષ્ઠા લાયક પદ માટેની ચૂંટણીમાં પણ કઈ પેનથી મતદાન કરવુ તેમાં વિવાદ થયેલો. ઈવીએમના જમાનામાં આ મુદ્દો હરિયાણાએ ઉઠાવેલો. હવે તો વિપક્ષને સંઘરેલો સાંપ પણ કામમાં નથી આવવાનો એવુ લાગી રહ્યું છે. કારણ કે અત્યારે ભાજપ પાસે સૌથી વધારે તાકત છે, અને એ જોતા તમામ વિપક્ષોએ જૂથબંધી કરવી રહી. રાજનીતિક તજજ્ઞોએ આપેલા આંકડા પર નજર કરવામાં આવે તો પણ, ભાજપનો રાષ્ટ્રપતિ આવશે તે નક્કી માનવામાં આવે છે. અત્યારે પત્તા તૈયાર છે, હવે ખોલવાના બાકી છે, એટલે ખ્યાલ આવી જશે કે કોણ પહેલો નાગરિક બનશે.
પ્રણવ મુખર્જી જ્યાં સુધી રાજકારણના રંગે રંગાયેલા હતા ત્યાં સુધી તેઓ બોલતા હતા, પરંતુ રાષ્ટ્રપતિની ખુરશીમાં બેસાડવામાં આવતા જ તેમનો રંગ ઉડી ગયો. ખૂદ હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં કહેલુ કે, મનમોહન સિંહ કરતા જો પ્રણવ મુખર્જીને વડાપ્રધાનની ખુરશી આપવામાં આવી હોત તો, કોંગ્રેસના આટલા ખરાબ હાલ ન થયા હોત. ખેર, આ તો આંધળાને પાટો બાંધવાની વાત થઈ. તો પણ પ્રણવ મુખર્જી ત્યારબાદ કશું ન બોલ્યા. સિવાય કે સરકારી જગ્યાઓમાં મુલાકાતો અને ભાષણો આપવા.
ભૂતકાળમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ પોતાના પગારમાંથી 50 ટકા હિસ્સો લેતા હતા, તેની પાછળનું કારણ તેમને વધારે જરૂર નહતી. જ્યારે 12 વર્ષનો તેમનો અદ્રીતીય કાર્યકાળ પૂર્ણ થયો ત્યારે તેમના ખાતામાં 10,000 રોકડા હતા ! આવા રાષ્ટ્રપતિ હવે કેટલા ?
તો બીજી તરફ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાદેવી સિંહ પાટિલ જેમણે પોતાના સમગ્ર કાર્યકાળ દરમ્યાન હવાઈ યાત્રાઓમાં સમય વિતાવ્યો. આટલી ઉડાન કેમ અને ક્યાં કરી તેમનો તેમને પ્રશ્ન પણ ન પૂછાયો.
અત્યારે જોવામાં આવે તો એક બીજી મહિલા છે, જેના પર રાષ્ટ્પતિની મહોર મારી શકવામાં આવે છે. અને તે છે સુષ્મા સ્વરાજ. જો આવુ બને તો સુષ્મા સ્વરાજ પ્રતિભા દેવી સિંહ પાટિલ બાદ બીજા મહિલા રાષ્ટ્રપતિ બની શકે છે. કદાચ ભાજપ પણ કોંગ્રેસની આટલી રાહ પર ચાલ્યા બાદ, પ્રતિભાદેવી સિંહની માફક પોતાની મહિલા રાષ્ટ્રપતિ ઘોષિત કરે તો નવાઈ નહીં. સુષ્મા સ્વરાજની સૌથી મોટી ખાસિયત તેમના નિવેદનો છે. લોકસભામાં બોલતા હોય તો પણ તેમની જીભ પર વિરોધનો સૂર હોતો નથી. ઉપરથી સોશિયલ મીડિયાના મદદગાર મહિલા તરીકે તેઓ ખ્યાતનામ થઈ ચુક્યા છે.
સુષ્મા સ્વરાજ સિવાય રાજકારણની ચોપાટ પર જે નામોના પડઘા પડી રહ્યા છે, તેમાં થાવર ચંદ ગહેલોત જે સામાજીક મુદ્દાઓના મિનિસ્ટર છે, અને કોઈ દિવસ સામે નથી આવ્યા. તો લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન ઉંમર અને વિશ્વસનીયતાના કારણે સુષ્માજીને પણ ઝાંખા પાડી શકે છે. આ રેસમાં ત્રીજી એક મહિલા પણ સામેલ છે. જેનું નામ છે દ્રોપદી મુર્મુ. ઓરિસ્સાના નિરક્ષિર વિવેકી સાંસદ છે. ઉપરથી જો તેમના નામ પર રાઈટ ક્લિક કરે તો 58 વર્ષની ઉંમરના તે સૌથી નાના મહિલા રાષ્ટ્રપતિ બનવાનો રેકોર્ડ પણ બનાવી દેશે. અને આગામી સમયમાં ભારતમાં 58 વર્ષના રાષ્ટ્રપતિ હોવા તે માત્ર ચોપડીઓમાં વાંચવા મળે તેવુ છે. આ પહેલા 64 વર્ષના નીલમ સંજીવ રેડ્ડીના નામે આ રેકોર્ડ છે.
હવે 25 તારીખે વડાપ્રધાન અમેરિકાને મળવા જશે, એટલે આ પહેલા રાષ્ટ્રપતિની તમામ વિધિ પૂરી કરવાની યોજના છે. ત્યારે કોણ પહેલુ નાગરિક બનશે તેની રાહ દેશ જોઈ રહ્યો છે.
મયુર ખાવડુ
( નોધ – આ લેખ રાષ્ટ્રપતિ ચુનાવ પહેલાનો લખાયેલ છે.)
Leave a Reply