Sun-Temple-Baanner

વર્લ્ડ કપ ફિવર અને અધ્યાત્મ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


વર્લ્ડ કપ ફિવર અને અધ્યાત્મ


વર્લ્ડ કપ ફિવર અને અધ્યાત્મ

અહા! જિંદગી – માર્ચ ૨૦૧૧માં- પ્રકાશિત

કોલમ : ફલક

ગ્રીક ભાષામાં અરેટી (arete) નામનો શબ્દ છે, જેનો અર્થ છે, એક્સેલન્સ. શ્રેષ્ઠતા. એક ગ્રીક કોન્સેપ્ટ પ્રમાણે, માણસે લાઈફ ઓફ અરેટી એટલે કે શ્રેષ્ઠતાભર્યું જીવન પ્રાપ્ત કરવું હોય તો મન, શરીર અને આત્મા ત્રણેયનો વિકાસ સાધવો પડે. આમ, શરીરને શ્રેષ્ઠ બનાવવા માટે એથ્લેટિક્સનો જન્મ થયો. સત્ત્વશીલ ખેલાડીઓ આ વાત સારી રીતે સમજે છે.

લગભગ યુદ્ધ જેવો માહોલ છવાયો છે. વિશાળ સ્ટેડિયમમાં પ્રચંડ માનવમેદની સતત ચિલ્લાઈ રહી છે. લાખો લોકો પોતપોતાનાં ઘરોમાં, ઓફિસમાં કે રસ્તા પર ઈલેક્ટ્રોનિક શો રૂમની પારદર્શક દીવાલ પાસે ખોડાઈને ટીવી પરથી ફેંકાતી તસવીરોને પાગલની જેમ રિએક્ટ કરી રહ્યા છે. ભારત જેવા ‘ક્રિકેટ-નેશન’નો તરફડાટ વર્લ્ડ કપની આ મોસમમાં પરકાષ્ઠાએ પહોંચી ગયો છે. તમને લાગે છે કે અસંખ્ય દષ્ટિઓનાં ત્રાટક વચ્ચે જીવ પર આવીને બાજી ખેલી રહેલા બન્ને બેટ્સમેન, બોલર અને ફિલ્ડર્સ આધ્યાત્મિક મનઃસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે? માત્ર ક્રિકેટરો જ શા માટે, ફૂટબોલ ગ્રાઉન્ડ પર દોડતા અને એકબીજા સાથે અફળાતા ખેલાડીઓ, બોક્સિંગ રિંગમાં એકમેકને પર એટેક કરતા બોક્સરો, ટૂંકમાં, દુનિયાભરના ઉત્તમ સ્પોર્ટસમેન એક પ્રકારની આધ્યાત્મિકતાનો અનુભવ કરતા હોય છે. અલબત્ત, પોતાની અનુભૂતિને વર્ણવવા માટે તેઓ ‘અધ્યાત્મ’ કે ‘આધ્યાત્મિકતા’ જેવા શબ્દો વાપરતા નથી તે અલગ વાત થઈ.

અધ્યાત્મિકતા એટલે, સાદી ભાષામાં, એવું કશુંક જે શારીરિકતા અને ભૌતિકતાથી પર છે, જેનો સંબંધ આત્મા સાથે, માણસના ખુદના હોવાપણાં સાથે છે. સ્પોર્ટ્સ અને સ્પિરિચ્યુઆલિટીનો સંબંધ પહેલી દષ્ટિએ વિરોધાભાસી લાગે. રમતગમત એટલે જ ભરપૂર શારીરિકતા, પરસેવો, કષ્ટ. શ્રેષ્ઠ ખેલાડી કે એથ્લેટ એ જે પોતાની શારીરિક ક્ષમતાનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકે, તો પછી શરીરને અતિક્રમી જવાની વાતનો કેવી રીતે મેળ પડે?

અમિત શેઠ નામના મુંબઈવાસી ગુજરાતી એક અઠંગ મેરેથોનરનર છે. પ્રચંડ શિસ્ત સાથે તેમણે પોતાનાં મન અને શરીરને કેળવ્યાં છે. વિશ્વભરના દેશોમાં યોજાતી મેરેથોનમાં તેઓ ભાગ લે છે. દુનિયાની સૌથી કઠિન અને ‘ધ અલ્ટિમેટ હ્યુમન રેસ’ ગણાતી ૮૯ કિલોમીટરની કોમરેડ્સ મેરેથોનમાં તેમણે ભાગ તો લીધો, પણ નિયત સમયમાં પૂરી ન કરી શક્યા. માત્ર ૪૦૦ મીટરનું છેટંુ રહી ગયું. તેમણે મનોમન ગાંઠ બાંધી લીધી, અૌર કઠિન ટ્રેનિંગ લઈને પોતાના શરીરને અૌર તૈયાર કર્યું અને પછીના વર્ષે એટલે કે ૨૦૧૦માં ૧૧ કલાક-૫૦ મિનિટ-૫૩ સેકન્ડ્સમાં આ અલ્ટ્રા-મેરેથોન સફળતાપૂર્વક પૂરી કરી નાખી. તેમનાં પત્ની નીપા કોમરેડ્સ મેરેથોન પૂરી કરનારાં પ્રથમ ભારતીય મહિલા હોવાનું માન ખાટી ગયાં.

અમિત શેઠે પછી પોતાના અનુભવો વર્ણવતું ‘ડેર ટુ રન’ નામનું અદભુત પુસ્તક લખ્યું છે. તેમાં એક જગ્યાએ તેઓ કહે છેઃ ‘હું કાયમ મારી જાત સાથે વાતો કરતો હોઉં છું. મારું દિમાગ ક્યારેય ચૂપ હોતું નથી. હું ઊંઘતો હોઉં ત્યારે પણ એ ચાલ્યા કરતું હોય છે. હું હંમેશાં ખોવાયેલો હોઉં છું, વિચારોનાં ટોળાંમાં. મારું દિમાગ ક્યારેય ‘મૌન’ હોતું નથી. ઓશો જેને ‘નો-માઈન્ડ’ કહે છે તે અવસ્થાની હું શોધમાં છું. મારે માત્ર ‘હોવું’ છે. મારે વિચારોથી સંપૂર્ણપણે મુક્ત એવી અવસ્થામાં, માત્ર અને માત્ર વર્તમાનમાં રહેવું છે. મારે વિચારોને ઠાલવી નાખવા છે. આ પ્રકારની અવસ્થાએ પહોંચવા માટે કેટલાક લોકો ધ્યાન ધરે છે. મને આવી ક્ષણો દોડતી વખતે પ્રાપ્ત થાય છે. દોડતો હોઉં તે દરમિયાન ક્યારેક અચાનક જ જાદુઈ ક્ષણ આવે અને મારામાં સભાનતા જાગે કે હું કશું જ વિચારી રહ્યો નથી, અનુભવી રહ્યો નથી. જાણે કે હું મારી જાતમાંથી બહાર આવીને ખુદને નિહાળી રહ્યો છું. જાણે કે હું માત્ર ‘છું’, વિચારમુક્ત, શૂન્ય… અને માત્ર સાક્ષીભાવે મારી જાતને દોડતો જોઈ રહ્યો છું. પ્યોર કોન્શિયસનેસ! નિર્ભેળ સુખની આવી ક્ષણો જોકે બહુ ઓછી આવતી હોય છે. તે થોડી સેકન્ડો તો માંડ ટકે પણ એક વાર સ્વાદ ચાખી લીધા પછી અવારનવાર તેની પ્રતીતિ કરતાં રહેવાનું મન થયા કરે. મજાની વાત એ છે કે આવી પળ ત્યારે જ આવતી હોય છે, જ્યારે હું સભાનતાપૂર્વક એની રાહ ન જોતો હોઉં. આમ, મારા માટે દોડવું તે કોઈ મંઝિલ સુધી પહોંચવાની પ્રક્રિયા નથી. મારા માટે દોડવું એ જ મંજિલ છે. મને દોડવું ગમે છે, કેમ કે જ્યારે હું દોડું છું ત્યારે બીજું કશું જ કરતો હોતો નથી. હું માત્ર દોડતો હોઉં છું. હું માત્ર ‘હોઉં’ છું.’

સ્પોર્ટસ યા તો એથ્લેટિક્સ સાથે અધ્યાત્મ કેવી રીતે સંબંધાઈ શકે તેનો જવાબ અમિત શેઠની આ વાતમાંથી મળે છે.

મનોવિજ્ઞાનમાં ‘ફ્લો’ નામનો એક શબ્દ પ્રયોજાય છે. ‘ફલો’ એટલે એવી અવસ્થા, જ્યારે માણસની સમગ્ર એકાગ્રતા કોઈ એક જ પ્રવૃત્તિમાં કેન્દ્રિત થઈ ગઈ હોય અને આસપાસ શું ચાલી રહ્યું છે એ તો ઠીક, પણ એના પોતાના વિશેની સભાનતા પણ એક તરફ હડસેલાઈ ગઈ હોય. યાદ રહે, આપણે સોફા પર પડ્યા પડ્યા એકધ્યાનથી ટીવી જોતાં હોઈએ અને ફેવરિટ સિરિયલમાં ખોવાઈ ગયા હોઈએ તે નિષ્ક્રિય યા તો ‘પેસિવ’ એેકાગ્રતા છે. સામે પક્ષે ખેલાડીની એકાગ્રતા ‘એક્ટિવ’ છે. એક સ્પોર્ટ્સમેન એકાગ્ર બને છે ત્યારે તે પોતાની તમામ માનસિક તાકાત કોઈ ચોક્કસ પ્રવૃતિમાં લગાવી દે છે. સામાન્યપણે આપણે ‘સાઈકિક એન્ટ્રોપી’ એટલે કે જાતજાતનાં વિચારો, ચિંતા, સ્ટ્રેસ વગેરેનો માનસિક કોલાહલ અનુભવતા હોઈએ છીએ, પણ ‘ફ્લો’થી માણસના હાથમાં ખુદની કોન્શિયસનેસ, ખુદની જાગૃતિની લગામ આવી જાય છે. ‘ફ્લો’ દરમિયાન માણસ આંતરિક શાંતિ અનુભવે છે, એક પ્રકારની આંતરિક તાકાતનો અને વધારે જીવંત હોવાનો અહેસાસ કરે છે. ઉત્તમ સ્પોર્ટ્સમેન પોતાની જાતને એવી રીતે ટ્રેઈન કરે છે કે જેથી તે ખુદને ‘ફ્લો’ની અવસ્થામાં વધુને વધુ લાંબો સમય કેદ કરી શકે. એની એકાગ્રતા ક્રમશઃ ઘૂંટાઈને જે સપાટી પર પહોંચે છે તે ધ્યાન કે ઈવન સમાધિની સ્થિતિ સાથે સામ્ય ધરાવે છે.

આધ્યાત્મિક ગુરુઓ ઘણી વાર ‘ઈન ધ ઝોન’ એવો શબ્દપ્રયોગ કરતા હોય છે. માણસ જાગૃતિની એક ઉચ્ચતર સ્થિતિ પર પહોંચે એટલે જાણે કે અચાનક જ કશુંક ‘ક્લિક’ થઈ જાય, એકદમ જ તેમની કાબેલિયત એવી કક્ષાએ પહોંચી જાય કે તેમનામાં કશુંક અસાધારણ કરી દેખાડે. શાંત ચિત્તે અને કુદરતી રીતે જ તેમનું પર્ફોર્મન્સ પરફેકશનની સીમાને આંબી લે. યુવરાજ સિંહ કે રવિ શાસ્ત્રીએ છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા ત્યારે તેઓ ચોક્કસપણે આ ‘વન્ડર ઝોન’માં હોવાના. અસરકારક લેખક અને વક્તા તરીકે ઊભરેલા ઇંગ્લેન્ડના ડેવિડ ઈક એક જમાનામાં પ્રોફેશનલ સોકર પ્લેયર હતા. એક મેચમાં શોર્ટ રેન્જથી ફેંકાયેલા બોલને લગભગ અશક્ય ગણાય તે રીતે તેમણે ગોલકીપર તરીકે રોકેલો. આ ઈન-ધ-ઝોન-એક્સપિરિયન્સને વર્ણવતા તેઓ કહે છે, ‘સામેની ટીમના ખેલાડીએ બોલને ફટકાર્યો એ પળે જાણે બધું જ સ્લોમોશનમાં જતું રહ્યું. કોઈએ જાણે મ્યુટ બટન દાબી દીધું હોય તેમ સઘળો કોલાહલ બિલકુલ શાંત થઈ ગયો. મેં ચિત્તાની જેમ ડાઈવ મારીને બોલને રોકી લીધો અને તે સાથે જ ક્ષણાર્ધમાં બધું નોર્મલ થઈ ગયું. બીજા ખેલાડીઓની હિલચાલ, અવાજો, બધું જ.’

ઉત્તમ ખેલાડી એ છે જેણે ઈચ્છા પ્રમાણે વત્તેઓછે અંશે ‘ઝોન’માં જઈ શકવાની કળાને હસ્તગત કરી લીધી છે. યુરો વ્લેસોવ નામના રશિયન વેઈટલિફ્ટરની વાત પણ સાંભળવા જેવી છે. ‘વેઈટ-લિફ્ટિંગના વિજયી પ્રયાસની જ્યારે એક્સટ્રીમ મોમેન્ટ આવે ત્યારે મસ્તકમાં લોહીનું ઘોડાપૂર વહેતું હોય તેવું લાગે. તે સાથે જ મારી ભીતર એકદમ શાંતિ પ્રસરી જાય. બધું જ પહેલાં કરતાં વધારે સ્પષ્ટ રીતે સમજાવા લાગે, દેખાવા લાગે. એ ક્ષણે એવો વિશ્વાસ પેદા થઈ જાય કે મારામાં આખા બ્રહ્માંડની તાકાત છે અને હું કંઈ પણ કરવા સમર્થ છું…’

એ અલગ વાત છે કે સ્પોર્ટ્સમેન પોતાના પીક પર્ફોર્મન્સિસ વિશે વાત કરતી વખતે યુરોસ્લેવ જેવી યા તો ‘ફ્લો’ કે ‘ઈન ધ ઝોન’ કે ‘સ્પિરિચ્યુઆલિટી’ પ્રકારની ભાષા વાપરતા નથી. કદાચ સ્પોર્ટ્સ કલ્ચરમાં બહુપરિમાણી સ્વાનુભવોને યથાતથ કમ્યુનિકેટ કરવા માટે પૂરતા શબ્દો ચલણમાં નથી પણ તેથી આ પ્રતીતિની સચ્ચાઈ કે એની ઘટ્ટતામાં કશો ફરક પડતો નથી. અધ્યાત્મને આમેય આપણે ધાર્મિકતા કે આસ્તિક હોવા સાથે સાંકળી લેતા હોઈએ છીએ. તો શું ઉત્કૃષ્ટ કક્ષાનો ખેલાડી નાસ્તિક હોય એટલે પોતાના શ્રેષ્ઠ પર્ફોર્મન્સ સાથે સંકળાયેલી આધ્યાત્મિક અનુભૂતિનો છેદ ઊડી જાય? ના. વ્યાખ્યાઓ બદલાઈ શકે છે, અભિવ્યક્તિ જુદી હોય છે, પણ મૂળ વાત તો એ જ રહે છે.

મેડિટેશન યા તો ધ્યાન એટલે આપણે જેને જાગ્રતશક્તિ કહીએ છીએ તેને શુદ્ધ કરવાની, વધારે ધારદાર બનાવવાની પદ્ધતિ. આ જીવનબળ છે, જે રોજિંદાં કામકાજમાં અને વાતોવિચારોમાં સતત ખર્ચાતી રહે છે. સફળ મેડિટેશન મનને એકાગ્ર કરીને એનર્જીને વહેતી કે ખર્ચાતી અટકાવી શકે. સ્પોર્ટ્સ પણ એ જ કરે છે. તે મનને એકાગ્ર કરે છે, વિચારોને બિનજરૂરી દિશામાં વહેતા અટકાવે છે, જેના લીધે જાગ્રતશક્તિનો વેડફાટ થતો અટકે છે. આ વાત માત્ર સ્પોર્ટ્સ સુધી સીમિત ક્યાં છે? નૃત્યકાર જ્યારે મગ્ન નૃત્ય કરે છે, પેઈન્ટર જ્યારે પોતાના કેનવાસ અને રંગોમાં લીન થઈ જાય છે ત્યારે ધ્યાનની આ જ સ્થિતિ પેદા થાય છે.

અમેરિકાની લેખિકા સુસાન સિંગે ‘સ્પિરિચ્યુઆલિટી ઓફ સ્પોર્ટ્સઃ બેલેન્સિંગ બોડી એન્ડ સોલ’ નામના પુસ્તકમાં લખ્યું છે કે એથ્લેટિક્સ અને સ્પોર્ટ્સનો ખરો અર્થ સમય જતાં ખોવાતો ગયો છે. સ્પોર્ટ્સની વિભાવનાને માત્ર મેડલ જીતવા કે પૈસા કમાવા પૂરતી સીમિત કરી દેવા જેવી નથી, સ્પોર્ટ્સ એના કરતાં ઘણું વિશેષ છે. ગ્રીક ભાષામાં અરેટી (arete) નામનો શબ્દ છે, જેનો અર્થ છે, એક્સેલન્સ. શ્રેષ્ઠતા. એક ગ્રીક કોન્સેપ્ટ પ્રમાણે, માણસે લાઈફ ઓફ અરેટી એટલે કે શ્રેષ્ઠતાભર્યું જીવન પ્રાપ્ત કરવું હોય તો મન, શરીર અને આત્મા ત્રણેયનો વિકાસ સાધવો પડે. આમ, શરીરને શ્રેષ્ઠ બનાવવા માટે એથ્લેટિક્સનો જન્મ થયો. સત્ત્વશીલ ખેલાડીઓ આ વાત સારી રીતે સમજે છે.

વર્લ્ડ કપની મેચો એન્જોય કરતી વખતે કોઈ ક્રિકેટરને આઉટસ્ટેન્ડિંગ પર્ફોર્મન્સ આપતાં જુઓ ત્યારે શોરશરાબા અને હલ્લાગુલ્લા વચ્ચે એ વાત યાદ કરી લેજો કે એ માણસ આધ્યાત્મિકતાના સીમાડાને ક્યાંક સ્પર્શી આવ્યો છે…

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2011 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.