Sun-Temple-Baanner

જિજ્ઞા વ્યાસમાં એવું તે શું છે?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


જિજ્ઞા વ્યાસમાં એવું તે શું છે?


જિજ્ઞા વ્યાસમાં એવું તે શું છે?

અમદાવાદ કૉલિંગ – અંક 7 એપ્રિલ 2013

કોલમ: Backstage

અમદાવાદની આ દરજ્જેદાર યુવા અભિનેત્રીને તમે ‘વેલકમ જિંદગી’ અને અન્ય નાટકોમાં જોઈ છે. મધુ રાયના શબ્દોમાં કહીએ તો, દર વખતે એનો અભિનય દલડું વીંધી નાખે છે!

* * * * *

‘ધર્મ અંગીકાર કરતી હશે બિચારી… એને એમ થઈ ગયું હશે કે કોઈ ધર્મના હોઈએ તો બરાબર, બાકી કારણ વગર શું કામ મરવાનું?’

મંચ પરથી બોલાયેલો આ એનો સૌથી પહેલો ડાયલોગ. ‘દોસ્ત, ચોક્કસ અહીં એક નગર વસતું હતું’ નામના અફલાતૂન નાટકમાં એક કૂતરીના સંદર્ભમાં આ બે વાક્યો બોલવાના હતા. ઉત્સાહી કન્યાનો આનંદનો પાર ન રહ્યો. 70 કલાકારોનો તોતિંગ કાફલો ધરાવતા નાટકનું રિહર્સલ શરુ થયું ત્યારથી મનમાં એક જ વાત રમતી હતી કે બેકગ્ર્ાઉન્ડમાં ટોળાનો હિસ્સો બની રહેવાને બદલે કશુંક બોલવાનો મોકો મળે તો કેવું સારું! ડિરેક્ટરના મનમાં આખરે રામ વસ્યા ને એણે કન્યાને આ બાવીસ શબ્દોનો ડાયલોગ બોલવા આપ્યો. રિહર્સલ પૂરું કરીને ઘરે પહોંચી ત્યારે આ ભવ્ય ન્યુઝ share કરવા એ રીતસર ઊછળી રહી હતી: ‘મમ્મી… મને લાઈન મળી!’

કટ ટુ 2012. ગુજરાતી તખ્તા પર સીમાચિહ્નરુપ બની ગયેલાં નાટક ‘સંતુ રંગીલી’ને રિવાઈવ કરવાની ગતિવિધિઓ ચાલી રહી છે. સંતુનું કેન્દ્રીય પાત્ર અભિનયસામ્રજ્ઞી સરિતા જોશીએ ભજવ્યું હતું. તેમની યશસ્વી કારકિર્દીમાં સંતુનું કિરદાર સૌથી યાદગાર પૂરવાર થયું છે. અત્યંત કઠિન અને ચેલેન્જિંગ એવું આ પાત્ર, જેને કેવળ અભિનયપ્રતિભાથી છલછલતી એક્ટ્રેસ જ સાકાર કરી શકે. ‘સંતુ રંગીલી’ના લેખક મધુ રાય નવા ડિરેક્ટરને અમેરિકાથી ફોન કરીને ખાસ ભલામણ કરે છે: સંતુના રોલ માટે જિજ્ઞા વ્યાસને કન્સિડર કરજો! ખેર, અન્ય પ્રોજેક્ટ્સ, વિદેશની ટૂર વગેરેમાં રોકાયેલી હોવાને કારણે જિજ્ઞા આ અદભુત ઓફક સ્વીકારી શકી નહીં તે અલગ વાત થઈ, પણ ખુદ મધુ રાય પોતે સર્જેલા સંતુનાં પાત્રમાં સરિતા જોશીની જગ્યાએ જિજ્ઞાને કલ્પી શક્યા તે કેટલી મોટી વાત છે.

‘મમ્મી… મને એક લાઈન મળી’થી શરુ થયેલી યાત્રા એક દાયકા પછી ‘સંતુ રંગીલી’ની ઓફર સુધી વિસ્તરી તે દરમિયાન જે કંઈ બન્યું તે સ્વયં જિજ્ઞા વ્યાસ પાસેથી જ સાંભળવા જેવું છે.

‘મેં જિંદગીનું સૌથી પહેલું નાટક જોયું ત્યારે ચોથી-પાંચમીમાં ભણતી હોઈશ,’ પાક્કી અમદાવાદી જિજ્ઞા પોતાના રણકદાર અવાજમાં ‘અમદાવાદ કૉલિંગ’ને કહે છે, ‘તે હતું, શર્મન જોશીનું ‘ઓલ ધ બેસ્ટ’. તે વખતે નાટક જોઈને અંદરથી મજા આવેલી, એટલું જ. તે પછી દસમા-અગિયારમા ધોરણ દરમિયાન ‘મારે એમને ગમવું છે’ નામનું એકાંકી જોયું અને તે વખતે પહેલી વાર મને તીવ્રતાથી ફીલિંગ થઈ કે મારે અહીં ઓડિયન્સમાં નહીં, પણ સામે સ્ટેજ પર હોવું જોઈએ!’

બેન્ક ઓફિસર મમ્મી-પપ્પાએ કહ્યું કે બેટા જરુર થિયેટર કરો, પણ પહેલાં ડિગ્ર્ાી લઈ લો. ડાહી દીકરીએ માત્ર ગ્ર્ોજ્યુએશન નહીં, પોસ્ટ ગ્ર્ોજ્યુએશન પણ કરી નાખ્યું. પછી 2001માં સૌમ્ય જોશીએ જેવું ‘ફેડ-ઈન’ નામનું થિયેટર ગ્ર્ાપ શરુ કયુર્ર્ કે પહેલાં જ દિવસથી જિજ્ઞા એનો હિસ્સો બની ગઈ. 2001માં જ રાજુ બારોટે ‘કંચન કરશે ગામને કંચન’ નામનું પ્રચારનાટક ડિરેક્ટ કર્યું હતું. જિજ્ઞાનું એ સૌથી પહેલું નાટક.

‘અને પછી આવ્યું સૌમ્યસરનું ‘દોસ્ત, ચોક્કસ અહીં…’ કે જેમાં મને પેલી લાઈન બોલવા મળી!’ જિજ્ઞા ખડખડાટ હસી પડે છે, ‘તે પછી ‘આઠમા તારાનું આકાશ’ નાટકમાં મારો પ્રોપર અને મહત્ત્વનો રોલ હતો. તે પાત્ર માટે લાંબા અને સુંદર વાળ હોવા જરુરી હતા. સુંદર તો ખબર નથી, પણ મારા વાળ લાંબા જરુર હતા… અને કદાચ એટલે મને સૌમ્યસરે સિલેક્ટ કરી હશે! પણ મારું બોડી બહુ જ સ્ટીફ (અક્કડ) રહેતું હતું. તેથી મારી બોડી લેંગ્વેજ પર મેં ખૂબ મહેનત કરી. મને ડર હતો કે મહેનત નહીં કરું કે ધાર્યું પર્ફોર્મન્સ નહીં આપું તો રોલ હાથમાંથી જતો રહેશે! એટલે છ-છ કલાક રિહર્સલ કરીને ઘરે આવું પછી રાતના એક-બે વાગ્યા સુધી જાગીને મહેનત કરું. મારી મોટી બહેને મને તે વખતે ખૂબ મદદ કરી હતી. નાટકનાં એક સીનમાં માટે એક વિશાળ પાઈપ પર નાચવાનું હતું. હું ઘરની અગાસીની પાળી પર ચડીને એની પ્રેક્ટિસ કરતી! અફકોર્સ, પાળીની બીજી તરફ બીજા ઘરની અગાસી જોડાયેલી હતી એટલે પડી જવાનો ડર નહોતો.’

કલાકાર તરીકેની શિસ્ત અને પુષ્કળ પરિશ્રમ કરી શકવાની ક્ષમતા – જિજ્ઞાના વ્યક્તિત્ત્વનાં આ બે બહુ મોટા પ્લસ પોઈન્ટ છે, જે તેનામાં ઠાંસી ઠાંસીને ભરેલી પ્રતિભાને ઑર ઝળહળતી કરી દે છે. અભિનયનાં ક્ષેત્રમાં ડગલાં માંડવાની અને સતત નિરીક્ષણ કરતાં રહીને શીખતાં રહેવાની પ્રક્રિયા શરુ થઈ ચૂકી હતી, પણ ‘આઠમા તારાના આકાશ’ નાટકથી જિજ્ઞામાં રહેલી અભિનેત્રી નક્કર અર્થમાં ઊઘડવા માંડી. આ નાટકનાં બાવન શોઝ થયા. એનએસડી, પૃથ્વી ફેસ્ટિવલ વગેરેમાં તે ભજવાયું. દરમિયાન 2005માં ‘ફેડ-ઈન’ દ્વારા અમદાવાદમાં ‘વિંગ્ઝ’ નામના ત્રણ મહિનાના થિયેટર ફેસ્ટિવલનું આયોજન થયું, જેમાં જિજ્ઞાને અલગ પ્રકારની તાલીમ મળી. તે પછી આવ્યું મુંબઈના મનહર ગઢિયા નિર્મિત ‘સાત તરી એકવીસ’ નામનું સુંદર પ્રોડક્શન, જેની સાત પૈકીની એક એકોક્તિ ‘એક નહીં લખાયેલી કવિતા’માં જિજ્ઞાએ સૌનું ધ્યાન ખેંચ્યું. મુંબઈના રંગકર્મીઓ સાથે સીધા સંપર્કમાં આવવાનો (અને તંદુરસ્ત સ્પર્ધામાં ઉતરવાનો) આ પહેલો અવસર હતો. એક સ્પર્ધા માટે તૈયાર થયેલાં ‘સૂરજવાળી રાત’ નામના એકાંકીમાં જિજ્ઞા ઈન્વોલ્વ થઈ, પણ ડિરેક્ટરને આસિસ્ટ કરવા અને લાઈટિંગની જવાબદારી સંભાળવા માટે. આ પણ તેનો પહેલો અનુભવ.

…અને તે પછી આવ્યું પ્રોઢ મા-બાપ અને યુવાન દીકરાના સંબંધોને અદભુત રીતે પેશ કરતું ‘વેલકમ જિંદગી’. જિજ્ઞા કહે છે, ‘સૌમ્યસર નાટક લખી રહ્યા હતા ત્યારથી હું તેમની પ્રોસેસનો હિસ્સો હતો. અમણે મને માનો રોલ આપ્યો ત્યારે મારું પહેલું રિએક્શન એ જ હતું કે ઈમ્પોસિબલ… આ રોલ તો હું ન જ કરી શકું! સરે કહ્યું કે મને ઠીક નહીં લાગે તો હું તને કાઢી મૂકીશ, હું નાટકને તો નુક્સાન નહીં જ થવા દઉં, પણ તું જો તો ખરી, મહેનત તો કર… અત્યારથી કામચોરી શું કામ કરે છે? અને મેં ડરતાં ડરતાં શરુઆત કરી. સામાન્યપણે રીડીંગ દરમિયાન હું સૌથી વધારે કમ્ફર્ટેબલ હોઉં છું, પણ આ નાટક તો વાચિકમ તબક્કાથી જ અઘરું પડવા માંડ્યું. હું રડું. રાતે સૂઈ ન શકું. રિહર્સલના એ છ મહિના મારા માટે જેટલા અદભુત હતા એટલા જ ટેન્શન અને સ્ટ્રેસવાળાં પણ બની રહ્યા.’

‘વેલકમ જિંદગી’એ ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી નાખ્યા. વર્ષો પછી દર્શકોએ કંઈક જુદી જ નાટ્યાનુભૂતિ કરી. આ મુંબઈનું પ્રોડક્શન હતું, જેમાં અમદાવાદના કલાકારોએ તરખાટ મચાવી દીધો. જિજ્ઞામાં રહેલી દરજ્જેદાર અભિનેત્રી આ નાટકમાં સોળે કળાએ ખીલી. ‘વેલકમ જિંદગી’એ એને વિઝિબિલિટી અને વ્યાપક સ્વીકૃતિ બન્ને અપાવ્યાં. એ કહે છે, ‘આ પ્લેના 350 શોઝ ઓલરેડી થઈ ચૂક્યા છે. પણ હજુય શો હોય તે દિવસે ફફડાટ તો હોય જ. આજની તારીખેય ‘વેલકમ જિંદગી’નો શો હોય તો બે-અઢી કલાક પહેલાં થિયેટર પર પહોંચી જવાનું અને રિડીંગ કરવાનું એટલે કરવાનું જ. આ નાટક પાસેથી મને સૌથી વધારે શીખવાનું મળ્યું છે.’

શીખવું! આંખ-કાન-દિલ-દિમાગ ખુલ્લાં રાખીને સતત શીખતા જવું અને એબ્સોર્બ કરતાં રહેવું તે જેન્યુઈન કલાકારની નિશાની છે. ‘વેલકમ જિંદગી’ પછીના સુંદર નાટક ‘102 નોટઆઉટ’માં જિજ્ઞા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે સંકળાયેલી છે. ઓડિયન્સને જોકે ભરપૂર સંતોષની વચ્ચે પણ જરા તકલીફ થઈ જાય છે. ‘ફેડ-ઈન’નું નાટક હોય અને જિજ્ઞાને મંચ પર અભિનય કરતી જોવા ન મળે તો કેમ ચાલે! ‘અમે બધા સાથે તો દુનિયા લઈએ માથે’માં, અગેન, જિજ્ઞાની એક નવી છટા જોવા મળી. આ નાટકમાં એણે સહેજ લાઉડ અને કેરિકેચરિશ અભિનય કરવાનો હતો. સંભવત: આ નાટક થોડા સમયમાં રિ-લોન્ચ થવાનું છે. ‘સૂરજવાળી રાત’ નાટકને ફુલલેન્થ કરવાનું પણ આયોજન છે.

જિજ્ઞાએ ઓછાં પણ મહત્ત્વનાં નાટકો કર્યાં છે. એના પ્રશંશકોની સૌથી મોટી ફરિયાદ આ જ છે: આટલી તગડી એક્ટ્રેસ… કેમ વધારે નાટકો કરતી નથી? એ કેમ ચારેકોર છવાઈ જતી નથી? એનામાં ગો-ગેટર વૃત્તિનો કેમ અભાવ વર્તાય છે? જિજ્ઞા પૂરેપૂરી માનસિક સ્પષ્ટતા સાથે જવાબ આવે છે, ‘હું એમ્બિશિયસ છું જ, પણ મારી એમ્બિશન ખૂબ બધા રુપિયા કમાઈ લેવાની કે બંગલા બંધાવીને કમ્પાઉન્ડમાં ફેન્સી ગાડીઓની વણઝાર કરી દેવાની નથી. મારી ભૂખ સરસ રોલ્સ માટે છે. મને નાટકો, સિરિયલો, ફિલ્મો બધું જ કરવું છે, મને ઓફર્સ પણ મળે છે, પણ મને એ સ્વીકારવાનું મન તો જ થાય જો સ્ક્રિપ્ટ અને રોલ દમદાર હોય. વળી, પ્રોજેક્ટનું એક્ઝિક્યુશન સરસ રીતે થશે એવો ભરોસો મને બેસવો જોઈએ. અફકર્સ, કામ એ કામ છે અને દરેક કામમાં કંઈક ને કંઈક તો શીખવાનું હોય જ છે, પણ જો રોલ સારો ન હોય અને હું દિવસ-રાત એમાં વ્યસ્ત રહું તો મને ડરે છે કે એક કલાકાર તરીકે તે મને કરપ્ટ કરી નાખશે.’

પોતાનો માંહ્યલો કરપ્ટ ન થાય તે માટે કલાકાર સતર્ક રહેતો હોય તેનાથી સુંદર વાત બીજી કોઈ ન હોઈ શકે. આ ઈમાનદારી, આ માંહ્યલો કરપ્ટ ન થવા દેવાની જીદ જ જિજ્ઞાને બીજા કરતા અલગ પાડે છે, એને ઊંચી ભ્રમણકક્ષામાં મૂકી દે છે.

ઓલ ધ વેરી બેસ્ટ, જિજ્ઞા!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.