Sun-Temple-Baanner

શેરડીનો સંચો અને લેખકની કલમ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


શેરડીનો સંચો અને લેખકની કલમ


શેરડીનો સંચો અને લેખકની કલમ

‘અહા! જિંદગી’ મેગેઝિન સપ્ટેમ્બર-૨૦૧૦ના અંકમાં પ્રકાશિત

કોલમ- ફલક

લેખક અને શેરડીના રસવાળા વચ્ચે ઝાઝો ફર્ક હોતો નથી. લેખક પોતાની અનુભવો, નિરીક્ષણો અને સમજને બરાબર નીચોવી કાઢશે…. પણ અનુભવો-નિરીક્ષણો-વિચારોનો સ્ટોક ખતમ થઈ ગયા પછી?

* * * * *

આમિર ખાને એક ઈન્ટવ્યુમાં કહેલું- ‘એક તબક્કે ‘પીપલી લાઈવ’માં નથ્થાનું મુખ્ય પાત્ર હું ભજવું તેવી શક્યતા ઊભી થઈ હતી. રાઈટરડિરેક્ટર અનુશા રિઝવી મારો વિડીયો ટેસ્ટ પણ લેવાની હતી. અમે જોવા માગતા હતા કે આ કેરેક્ટરમાં હું કેવોક દેખાઉં છું.. પણ ત્યાં જ અમને ઓમકારદાસ માણિકપુરી મળી ગયો. તે નથ્થાના રોલ માટે એટલો પરફેક્ટ હતો કે પછી મારો વિડીયોટેસ્ટ જ ન લેવાયો.’

છત્તીસગઢના દેહાતી કલાકાર ઓમકારદાસના અસલી જીવનના અનુભવોનું વિશ્વ દેખીતી રીતે જ મુંબઈમાં ફાઈવસ્ટાર જીવન જીવેલા કરોડપતિ આમિર ખાન કરતાં જુદું હોવાનું, નથ્થાના કિરદારથી વધારે નિકટ હોવાનું. નથ્થાના પાત્રમાં ઓમકાર જે અસર ઊપજાવી શક્યો છે તે આમિર ક્યારેય પેદા કરી શક્યો ન હોત. અભિનેતા હોય કે લેખક, આખરે તો તેણે ખુદના અનુભવો, અનુભૂતિઓ, નિરીક્ષણોમાંથી અને સમજના ડેમમાંથી પોતાની કલા માટે જરૂરી હોય એટલું પાણી ‘ખેંચવાનું’ છે.

લેખક અને શેરડીના રસવાળા વચ્ચે ઝાઝો ફર્ક હોતો નથી. શેરડીના રસવાળો છેલ્લું ટીપું નીકળી ન જાય ત્યાં સુધી સાઠાને સંચામાં પીલ્યા જ કરશે અને આખરે સાવ કૂચો થઈ જાય તે પછી તેને ફેંકશે. તે જ રીતે લેખક પણ પોતાના અનુભવો, નિરીક્ષણો અને સમજને બરાબર નીચોવી કાઢશે…. પણ અનુભવો-નિરીક્ષણો-વિચારોનો સ્ટોક ખતમ થઈ ગયા પછી? એનો પેલો ડેમ ક્યાં સુધી ભરાયેલો રહેશે? લેખકનું કૌશલ્ય આવી સ્થિતિમાં ઉપયોગી બને છે. લેખક તરીકે સારો એવો સમય સક્રિય રહેવાને લીધે તેનામાં અમુક સ્કિલ્સ વિકસી ચૂકી હોય છે. આ સ્કિલ્સના આધારે તે ‘ઓલરેડી વપરાઈ ચૂકેલા’ માલનું રિપેકેજિંગ તેમજ રિસાઈક્લિંગ શરૂ કરી દેશે. ગાડું ગબડતું રહેશે.

ઠોકઠોક કરીને ગાડું ગબડાવતા રહેવું એક વાત છે અને અને પૂરેપૂરી ગરિમાથી લેખનરથ ચલાવવો તે તદ્દન જુદી વાત છે. લેખકની આંતરિક ગરિમા તો જ જળવાઈ રહે જો તેનો ડેમ પાણીથી છલછલતો રહે… પણ ડેમ કંઈ અક્ષયપાત્ર નથી કે ક્યારેય ખાલી જ ન થાય. એમાં નવું પાણી ક્યાંથી આવશે?

જિંદગીના નવા અનુભવોમાંથી, નવા વળાંકોમાંથી, નવી પીડાઓમાંથી. અનુભવ જેટલો વધારે ઊંડાણભર્યો, વધારે ખળભળાવી દેનારો હશે, લેખક માટે તે એટલો વધારે ‘ઉપયોગી’ પૂરવાર થશે. લેખક અથવા તો કલાકાર પોતાના દુખોને ‘વાપરતો’ હોય છે. જોકે મોટાભાગના સીધાસાદા લેખકોની કમબખ્તી એ હોય છે કે એક તબક્કા પછી તેનું જીવન સ્થિર થઈ જાય છે, મનહ્યદયમાં નવાં સ્પંદનો જાગવાનું લગભગ બંધ થઈ જાય છે, અનુભવોની દુનિયા ખતરનાક રીતે સીમિત થઈ જાય છે. એણે શું કરવાનું?

‘ઘટના વિનાના કોઈ જીવનની કોઈ કલ્પના મારા મગજમાં આવી શકતી નથી,’ ચંદ્રકાંત બક્ષીએ ‘આભંગ’માં લખ્યું છે, ‘…અને સાચા કલાકારે તો ઘટનાની શોધમાં નીકળવું જોઈએ. જે મોમેન્ટે એને થાય કે હી ઈઝ ગેટિંગ સ્ટેલ એન્ડ ફ્લેટ ત્યારે એણે ઘટનાઓ પેદા કરવી જોઈએ. નહિતર હી વિલ વેર આઉટ… ઘસાઈ જશે.’

કે. માની લીધું કે તમે ઘસાઈ ગયા નથી. તમારી પાસે હજુ કહેવાનું ઘણું બધું છે. લેખક હોવાનો કાચો મસાલો ઓલરેડી તમારામાં છે. પણ માત્ર મસાલો પૂરતો છે? સમૃદ્ધ અનુભવો ધરાવનારો માણસ સારો લેખક બને જ તે જરૂરી નથી. તો શું કરવું? ‘ફાઉન્ટનહેડ’ અને ‘એટલાસ શ્રગ્ડ’ જેવી વિશ્વસ્તરે પ્રચંડ અસર ઊભી કરનાર નવલકથાઓની લેખિકા આયન રેન્ડે પ્રમાણમાં બિનઅનુભવી લેખકો માટે ઉત્તમ લખાણ લખવાના પાંચ પગથિયાં સૂચવ્યાં છે.

સ્ટેપ વન- સૌથી પહેલાં તો તમારા વિષયને મર્યાદામાં બાંધો. કોઈ પણ લેખ, પુસ્તક કે પ્રોજેક્ટ લખતાં પહેલાં આ ત્રણ સવાલોના જવાબ વિશે સ્પષ્ટ થઈ જાઓ ૧. મારે કોના વિશે લખવું છે? ટોપિકને ડિફાઈન કરો. જેતે પ્રોજેક્ટની પરિસીમાની ભીતર રહીને તમે તે ટોપિક પર પર્યા લખી શકશો તે વાતની ખાતરી કરો. ૨. મારે આ વિષય પર શું કહેવું છે? તમે તમારા લખાણ દ્વારા જે કમ્યુનિકેટ કરવા માગો છો તે વાત, તે દષ્ટિકોણ નક્કી કરો. ૩. શું મારે જે કંઈ કહેવાનું છે તે નવું છે? મૌલિક છે? જવાબ ‘ના’ હોય તો કાગળ પર પેન મૂકવાની તસ્દી જ ન લેશો.

સ્ટેપ ટુ- તમારા વાચકવર્ગને સમજી લો. આપણામાંના મોટા ભાગના બીજાઓ તેને વાંચી શકે તે માટે લખે છે. આથી તમારો સંભવિત વાચકવર્ગ કેવો છે તે પારખી લો કે જેથી તમે વધુમાં વધુ અસર જન્માવી શકો.

સ્ટેપ થ્રી- માળખું તૈયાર કરો. આ માળખું યા તો આઉટલાઈન સંપૂર્ણ છે કે કેમ તે ચકાસવા તમારે બે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પહેલો સવાલ છે, શું તમે તમારા માળખાને એક સંપૂર્ણ એકમ તરીકે જોઈ શકો છો? બીજો સવાલ, શું તમે જે માળખું બનાવ્યું છે તેમાં ‘કોઝ અને ઈફેક્ટ’ની લોજિકલ ચેઈન છે? મતલબ કે તેમાં કોઈ ઘટના યા તો કારણ અને ત્યાર બાદ તેની અસરો આ પ્રકારની તાર્કિક સુરેખતા છે? આખી વાત આખરે વાજતેગાજતે તમે જે તારણ કાઢવા માગો છો ત્યાં સુધી પહોંચે છે? જો જવાબ ‘હા’ હોય તો તમારી આઉટલાઈન પરફેક્ટ છે તેમ જાણવું.

સ્ટેપ ફોર- અટક્યા વગર લખો. વાતો, શબ્દો અને વાક્યોને તમારા સબકોન્શિયસ માઈન્ડમાંથી આવવા દો. બને તેટલું વધારે લખો. હવે પછીનું વાક્ય શું આવશે તે વિશે સભાનપણે વિચાર્યા વગર લખો.

સ્ટેપ ફાઈવ- હવે તમારા ડ્રાફ્ટની બહુ જ તટસ્થપણે કાટછાંટ કરો. એડિટિંગના પણ ત્રણ તબક્કા છે- (૧) તમારા લખાણનું સ્ટ્રક્ચર ધ્યાનમાં રાખો. લખાણ તાર્કિક રીતે આગળ વધી રહ્યું હોય અને તે વાચકની બુદ્ધિમત્તાનું અપમાન કરતું ન હોય તે વાતની ખાસ તકેદારી લો. (૨) લખાણ સાફ હોવું જોઈએ, વાચકને ગૂંચવી નાખે તેવું અસ્પષ્ટ કે ગોળગોળ નહીં. એક વાક્યમાં કે એક પેરેગ્રાફમાં બહુ બધી વાતો ઠૂંસી દેવી નહીં. તમે જે કમ્યુનિકેટ કરવા માગો છે એકઝેક્ટલી તે જ વાત બહાર આવી રહી છે કે કેમ તે જુઓ. તમારે કહેવું હોય કંઈક અને વાંચનારને સમજાય કશુંક બીજું જ તો લખવાનો ઉદ્દેશ જ માર્યો જશે.

લેખનશેલી એટલે કે લખવાની સ્ટાઈલ પર મહત્ત્વની છે. આ રહી આયન રેન્ડની ‘સ્ટાઈલ ટિપ્સ’-

– સાદા વિચાર કે વાતને ગુંચવી ન નાખો

– ભાષા જેટલી સરળ હશે એટલું વધારે સારું

– કારણ વગર વ્યંગોક્તિ ન કરવી. અપમાનકારક શબ્દો, અભદ્ર વિશેષણો તેમજ નિમ્નસ્તરીય રમૂજથી દૂર રહો

– ચવાઈને ચુથ્થો થઈ ગયેલા શબ્દપ્રયોગો કે અભિવ્યક્તિઓ ટાળો

– કારણ વગર સમાનાર્થી શબ્દો ન વાપરવો

બક્ષી જેને પોતાના હીરો માનતા હતા તે નોબલ પ્રાઈઝવિનર નવલકથાકાર-પત્રકાર અર્નેસ્ટ હેમિંગ્વેએ યુદ્ધનો ફર્સ્ટહેન્ડ અનુભવ લેવા પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ઈટાલિયન મોરચે એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે કામ કર્યું હતું. આ અનુભવ તેમની મશહૂર નવલકથા ‘અ ફેરવેલ ટુ આર્મ્સ’નો આધાર બની. તેમણે સ્પેનિશ સિવિલ વોર પણ નજીકથી નિહાળી, એક પત્રકાર તરીકે. હેમિંગ્વેએ ચાર લગને કર્યાં. જીવનના સૌથી પ્રચંડ અનુભવનો જોકે તેઓ ‘ઉપયોગ’ ન કરી શક્યા, કારણ કે તે અનુભવ આત્મહત્યાનો હતો. ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ લખ્યા પછી નવ વર્ષે, ૬૧ વર્ષની ઉંમરે તેમણે જીવન ટૂંકાવ્યું. કેટલું ઘટનાપ્રચુર જીવન… અને મોત!
અર્નેસ્ટ હેમિંગ્વેએ એક વખત વખત કહેલું- ‘હું ૯૧ પાનાં જેટલો કચરો લખું ત્યારે તેમાંથી માસ્ટરપીસને લાયક હોય તેવું એક પાનું માંડ નીકળે.’ ઈવન હેમિંગ્વેએ પણ ‘કેવી રીતે લખવું’ એના નિયમો આપ્યા છે- (૧) ટૂંકાં ટૂંકાં વાક્યો લખો, (૨) શરૂઆતમાં ફકરા નાના હોવા જોઈએ, (૩) ભાષા પાસેથી કસીને કામ લો, (૪) લખતી વખતે પોઝિટિવ અપ્રોચ રાખો, નેગેટિવ નહીં અને (૫) માત્ર ચાર નિયમોથી સંતોષ ન માનો!

હેમિંગ્વેનો અંતિમ નિયમ સૂચક છે. તેઓ કદાચ એમ કહેવા માગે છે કે લેખનકળા યા તો બીજી કોઈ પણ કળા માટે નિયમોની ‘ટૂલ કિટ’ હોઈ ન શકે. સૌએ પોતપોતાના નિયમો પેદા કરી લેવા પડે. ચંદ્રકાંત બક્ષી કદાચ એટલે જ કહે છે કે, ‘મારું એવું માનવું છે કે જો સાચો કલાકાર હોય અને એની પાસે અનુભવ હોય, રિફ્લેકશન એનાલિસિસ હોય અને ડેટા તો જરૂરી છે જ અને સેન્સિટિવિટી હોય, જેને માટે ગુજરાતીઓ ‘માંહ્યલો’ શબ્દ વાપરે છે, બિલ્ટઈન એવું કંઈક…એ જો હોય તો ભાષા પણ પોતાની મેળે આવી જાય છે…’

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2010 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.