૨૦૧૯ની ચુંટણી એ ૨૦૧૪ જેટલી નોર્મલ ચુંટણી નહિ હોય. જેવી રીતે ક્ષેત્રીય પક્ષો એકઠા થઇ રહ્યા છે એ રીતે એવું લાગે છે… ’મોદી લહેર’ એ દીવાલ સાથે અથડાશે જે દીવાલ ‘વિપક્ષ’ એ ભેગા થઈને ચણી છે… ફર્ક માત્ર એટલો છે જો આ વિપક્ષની દીવાલ ખરેખર મજબુત હોવી જોઈએ..
ઈતિહાસ તરફ નજર કરતાં એવું લાગે છે કે જેટલા પણ ગઠબંધન કોંગ્રેસ એ લીડ નથી કર્યા એ ગઠબંધન ૧, ૪, કે ૮ મહિનામાં ભુક્કો થઈને ભાંગી ગયા છે… (જેમાં ચૌધરી ચરણ સિંહ, દેવગોડાજી) અને ૨૦૧૯ પહેલાંના ગઠબંધનમાં પણ આવું જ કઈક દેખાય રહ્યું છે. ક્ષેત્રીય પક્ષનાં ‘દરેક’ નેતાઓની ‘પ્રધાનમંત્રી’ બનવાની મહેચ્છા અને કોઈ એક જ પક્ષનાં નેતાના નેતૃત્વ વગરનું ગઠબંધન એ ગઠબંધનને ઘણું કમજોર કરે છે..!! અને ગઠબંધનની એ જ મજબુરી છે કે જો કોઈ એક વ્યક્તિને નેતા જાહેર કરવામાં આવશે, તો ચૂંટણી સુધી ‘સત્તાની લાલચે’ ગઠબંધન ચાલી શકશે નહિ. એટલે નેતૃત્વવિહીન ગઠબંધન લોકસભા પછી ભેગું થઇ જશે.
ટૂંકમાં પ્રજાને પણ ખબર નથી કે મોદી સામે કોણ પ્રધાનમંત્રીનાં ઉમેદવારને એ લોકો ચુંટવા જઈ રહ્યા છે. આમ જોઈએ, તો બંધારણમાં એવું ક્યાંય લખ્યું નથી કે પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર પહેલેથી જ નિશ્ચિત હોવો જોઈએ. પરંતુ ઇતિહાસમાં નજર નાખીએ તો આપણને ખબર પડે કે જ્યારે પ્રધાનમંત્રી પદના કોઈ ઉમેદવાર નક્કી નાં હોય, તો પોસ્ટ-પોલ ગઠબંધન થઈને પક્ષોની સંમતીથી કોઈ અજાણ્યો ચહેરો જ પ્રધાનમંત્રી પદે આવી જાય હોય છે. જે અંધારમાં ચલાવેલા તીર જેવું છે. એટલે કે લાગ્યું તો સારું, નાં લાગ્યું તો દેશને ૫ વર્ષથી એવા પ્રધાનમંત્રી જોવા પડે છે જે ‘મજબુરી’થી સરકાર ચલાવતા હોય. ઘણી ડીલ એટલા માટે અટકી પડતી હોય છે, કે ગઠબંધનનાં પક્ષો એ ડીલ કરવા તૈયાર નથી હોતા. જેમાં ૨૦૦૪થી ૨૦૧૪ દરમ્યાન ‘ન્યુક્લિયર ડીલ, બંગલાદેશ જમીન વિવાદ’ જેવા અનેક પ્રશ્નો વિષે જાણકાર તો જાણતા જ હશે…!!
વાત કરીએ ગઠબંધનની, તો અહિયાં મહાગઠબંધનનો કોઈ ક્લીયર એજન્ડા જોઈ શકતો નથી. કલકત્તાની મમતાદીદીની રેલીમાં ભેગા થયેલા ૨૨ પક્ષોનાં મોઢે એક જ વસ્તુ હતી. મોદી-શાહ હટાવો—બીજેપી હટાવો. પણ અમે શું કરીશું…? એ વિષે કોઈ એ એક પણ શબ્દ ઉચાર્યો ન હતો. શ્રીમાન અરવિંદ કેજરીવાલ તો જે લોકોને ગાળો આપી આપી, જે લોકોનાં કૌભાંડનાં રોદણાં રોઈ રોઈને દિલ્હીની ગાદી પર બિરાજમાન થયા હતા, તે લોકો જોડે જ આજે ભેગા થઇ ગયા છે. પણ કેમ…? તો એનો જવાબ એટલો જ, કે મોદી-શાહ હટાવો નહીતો બંધારણ બદલાઈ જશે. પણ બંધારણ બદલાઈ કઈ રીતે…? શું આ દેશની પ્રજા એટલી મુર્ખ છે કે બંધારણ બદલાઈ જાય અને પ્રજા જોતી રહે…? કેજરીવાલ સાહેબ ‘ડર’ની રાજનીતિ કરી રહ્યા છે, એવું પ્રતીત થાય છે…!!
કોઈપણ નાનામાં નાના દેશની ચુંટણી પર દુનિયા આખીની નજર રહેતી હોય છે. માલદીવ જેવા નાના દેશમાં કોની સત્તા આવશે એનાં પર પણ ભારત અને યુ.એસ.એની નજર હતી. કારણ કે નવા ચુંટાઈને આવેલા પ્રધાનમંત્રી/રાષ્ટ્પતિ મોહમ્મદ સોહેલ જે પ્રો-ઇન્ડીયા માનસિકતા ધરાવે છે. જયારે તેમની પહેલાંનાં પ્રધાનમંત્રી પ્રો-ચીન માનસિકતા ધરાવતા હતા. જો આટલા નાના દેશ પર પણ દુનિયા આખીની નજર રહેતી હોય, તો શું ભારત જેવી મોટી લોકશાહી ધરવતા દેશ પર ચીન, પાકિસ્તાન અને અનેક દેશોની નજર નહિ હોય…? આપણા ‘વિરોધી’ ( મેં દુશ્મન નથી લખ્યું) દેશો જે પક્ષને લાવવા માંગતા હોય તેનાથી ઉલટા પક્ષને જ ભારત દેશની પ્રજા એ ચૂંટવો જોઈએ એવું મારું ગણિત કહે છે. તો જ ભારતની સવા ૧૦૦ કરોડ પ્રજાની આમાં ‘કુટનીતિક’ જીત કહેવાય…!!
થોડી વાત ઉત્તર પ્રદેશનાં ગઠબંધનની. એક બીજાની કટ્ટર વિરોધી ગણાતી બહુજન સમાજવાદી અને સમાજવાદી પાર્ટી ભેગા થઇ ગયા છે. પણ કેમ…? જવાબ એક જ છે મોદી હટાવો…!! આમ વોટ શેરની દ્રષ્ટીએ જોવા જઈએ તો આ બીજેપી માટે મોટો ફટકો છે. કદાચ બને એવું કે ભાજપને ૮૦ માંથી ૫૦% સીટ પણ નાં મળે. પણ આ રાજનીતિ છે, જ્યાં ૨ + ૨ = ૪ થાય જ એવું જરૂરી નથી હોતું. આ ગઠબંધનનું જાતિગત સમીકરણ ઉત્તર પ્રદેશમાં ઉલટું પડે તો, ભાજપને જોઈએ એટલું નુકસાન ન પણ થાય.
કઈ રીતે…?
જો (પાર્ટી A નાં સપોર્ટર + પાર્ટી Bનાં સપોર્ટર) એ (પાર્ટી A નાં Haters + પાર્ટી Bનાં Haters) કરતા વધુ હોય તો જ ગઠબંધને ફાયદો થવાના ચાન્સ છે. વિચારી લઈએ કે બહુજન સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનાં ગઠબંધન થયું છે. અને તેઓએ ભેગા થઈને નોઇડા સીટ પર એક ‘બ્રાહ્મણ’ ઉમેદવાર ઉતાર્યો છે. હવે સમાજવાદી અને બહુજન સમાજવાદી પાર્ટીના ‘કોર’ મતદારો એવું અનુભવે છે કે તેઓને રિપ્રેઝન્ટેટ કરતો ઉમેદવાર આવ્યો નથી, તો આ મત ક્યા જશે અને એનાથી ઉલટું જો કોઈ ‘જાટ’ ઉમેદવાર ઉતારવામાં આવે છે તો યાદવ અને બ્રાહ્મણને એવું થાય કે આ ઉમદેવાર તેઓને રિપ્રેઝન્ટેટ કરતો નથી, તો તેઓના કેટલાક મત ઉલટા પડે એવું પણ બને ને…? દરેક પક્ષ ‘જાતિગત’ રાજનીતિ કરતા હોય છે, એટલે જ ભેગા અને છુટા થવાનો ધંધો કરે છે. એમાં કોઈ એક પક્ષને દોષ આપવો જરૂરી નથી, આપણે પહેલેથી એટલા વહેચાયેલા છીએ કે આપણને આજે પણ વહેચવામાં આવે તો આપણે વધુ વહેચાઈએ છીએ. એક દિવસ આશાનું કિરણ પણ જાગશે, કે જ્યારે આનાથી ઉપર આવી જશું…
ચુંટણી ગમે તે હોય ‘મત’ ભારતીયો આપે છે, અને જીત હંમેશા ‘રાજ’’નેતા’ની જ થાય છે..!! એક દિવસ આવશે જેમાં ‘રાજ’નેતા નહિ નેતા જીતશે..!! Everything is fair in war and love…! પછી આ ૨૦૧૯ની લડાઈ છે. જેમાં બધા ભેગા થઈને લડે એમાં કઈ જ ખોટું નથી. બસ થોડો ‘મોદી હટાવા’ સિવાયનો કોઈ એજેન્ડા સાફ કરે, તો પ્રજા પણ તેમની નિયતને સમજી શકે..!! પણ એવું નહિ થાય… આ રાજનીતિ છે પત્તા ઓ છેલ્લે ખુલ્લે… રાજનેતા જીતે અને પ્રજા હારે…? કે જીતે…?
બસ ક્ન્ફ્યુશન આવું જ…!!
~ જય ગોહિલ
( Note : આ લેખકના અંગત મત છે, એટલે વિચારભેદની શક્યતા સહજ હોઈ શકે છે. કોઈ પણ કથન અંતિમ સત્ય તરીકે લેતા પહેલા પોતાના જ્ઞાન અને સમજ પૂર્વક એને તપાસવું. અસ્તુ…)
Leave a Reply