કોઈનું મનોબળ તોડવાની કોશિશ ન કરશો…
મને જન્મથી એક તકલીફ છે જીભ તોતડાય છે, મતલબ કે ( તોતડાપણુ ) આ કારણે મને પડેલી તકલીફો અને સમાજનું મારા તરફનું વલણ અહીંયા ટુંકમાં રજુ કરું છું.
પહેલું ધોરણ એટલે 5 વર્ષની નાની ઉમરમાં જ ઘરેથી દુર મને હોસ્ટેલમાં રહીને ભણવા મુકી દીધો હતો. હોસ્ટલમાં જ ધોરણ 1 થી 4 ની સ્કુલ હતી એટલે ત્યાંજ અભ્યાસ કર્યો 1 થી 4 ધોરણ સુધી તો ખબર જ ન પડી કે કેમના 4 વર્ષ નિકળી ગયા. હવે ધોરણ 5 માં આવ્યો એટલે બહાર બજારમાં સરકારી સ્કુલમાં એડમીશન લીધું પછી ખરેખર ખબર પડી કે મારી હકીકત શું છે.
હવે 11 વર્ષ થઈ ગયા હતા બધું સમજતો પણ થઈ ગયો હતો. હોસ્ટલમાં પણ મારી જીભ તોતડવાની ટેવના કારણે અન્ય મિત્રો ની વચ્ચે હંમેશાં હું હાસીપાત્ર બનતો તે સમયે બહું દુઃખ લાગતું કયારેક એકલો એકલો રડી પણ લેતો. હોસ્ટલમાં અધિકારીઓ, સાહેબો ધ્વારા પણ મશ્કરી થતી, એમ કહો કોઇએ પ્રોત્સાહન તો આપ્યું જ નહી.
હવે વાત કરું સ્કુલના દિવસોની તો ધોરણ 5માં બહારની નવી સ્કુલમાં ગયો શરૂઆતના એક મહિનામાં જ બધાને ખબર પડી ગઈ કે હું બોલવામાં તોતડાવ છું. એ પછી કોઈ શિક્ષકે મારા તરફ ધ્યાન આપતા નહી મને ડફોર સમજતા ક્યારેક હું સાચા જવાબ આપવાની કોશિશ કરું, પણ બોલવામાં સમય વધારે લાગે એટલે કોઈ સાંભળતું નહીં. મને સ્કુલની કોઈ અન્ય પ્રવૃત્તિમાં સામેલ કરવમાં આવતો નહીં,
ક્યારેય મને અને મારી ભાવનાઓ ને કોઈ શિક્ષકે સમજવાની કોશીષ જ કરી નહીં, સાચું કહું તો ધોરણ 7 માં સુધી હું સ્કૂલમાં એકલો એકલો રડતો બધાથી દુર રહેતો એવો અહેસાસ થતો કે મારી કોઈ કિંમત જ નથી.
એ પછી હાઈસ્કૂલમાં આવ્યો સ્કુલ પણ મોટી સંખ્યા પણ વધારે.
અને હવે 15 વર્ષ ઉંમર હતી એટલે ગણું બધું સમજતો હતો. હાઈસ્કૂલમાં પણ એવી જ પરિસ્થિતિ થઈ. બસ એકવાર ધોરણ 9માં અમારી સ્કુલના એક સાહેબને ખબર પડી કે મને બોલવામાં તકલીફ છે. અને જેના કારણે અન્ય છોકરાઓ મને ચીડાવે છે. એ વાત સાહેબ ને ખબર પડી એટલે બધાને ધમકાવી કહ્યું કે આજથી કોઈ ચીડાવશે તો હું તમારી ફરીયાદ પ્રિન્સીપાલ સાહેબને કરી તમારા વાલીઓને બોલાવીશ.
એ પછી ચીડાવાનું ઓછું થઈ ગયું પણ સંપૂર્ણ બંધ નહી. ત્યા પણ મને શિક્ષકો ડફોર જ ગણતા. કોઈ અન્ય પ્રવૃત્તિમાં સામેલ કરતા નહી. ખરેખર મને ઘણું દુઃખ થતું. મને એવું લાગતું કે હું આ બીજા કરતા સારું કરી શકું છું, પણ મને ચાન્સ જ મળતો નથી.
શિક્ષક દિનના દિવસે મને પણ શિક્ષક બનાવાની ઈરછા થતી, પણ શું થાય કોઈ સમજવા વાળું હતું જ નહી.
ધોરણ 12 સુધી તો આ સતત ચાલતું જ રહ્યું, અને એ પછી 2 વર્ષ ITI માં પણ મારી સાથે આવું જ વર્તન થયું. સમાજ, શિક્ષકો, અધિકારીઓ અને અન્ય લોકો કોઈ સમજી શક્યા નહી. મને પણ છોકરીઓ સાથે મિત્રતા કરવી હતી, પણ તૈયાર કોણ થાય? અને બની જાય તો પણ જાહેરમાં સ્વીકાર કરતી નહી.
આ એક તકલીફ ના કારણે બધી વાતે મને પાછળ છોડી દીધો. એ સમયે ખરેખર મારા માટે આ બધું અસહ્ય લાગતું, મેં આત્મવિશ્વાસ પણ ગુમાવી દીધો હતો. મને એવું લાગવા લાગ્યું કે આ દુનિયામાં મારી કોઈ કિંમત જ નથી. મને એવું લાગતું હતું, હું ઘણું બધું કરી શકું છું. પણ સમાજના વર્તને મને એવો અહેસાસ કરાવી દીધો હતો, કે મારી કોઈ કિંમત જ નથી. હું આ દુનિયા પર બોજ છું. જીવનમાં હું કંઇ નહી કરી શકું. આવા વિચારો ને કારણે આખરે કંટાળીને 19 વર્ષની ઉંમરે આત્મહત્યા કરવાનો નિર્ણય પણ લીધો હતો. ઘણું બધું પોઝિટીવ વિચાર્યુ છતા પણ મને આત્મહત્યા નો નિર્ણય યોગ્ય જ લાગ્યો હતો.
તેમ છતા પહેલા એક સાહેબ સાથે વાત કરી હતી કે મને આવા વિચાર આવે છે. તેમણે સમજાવી એક સલાહ આપી હતી કે કંઈક બનીને બતાવ, કંઈક એવું કામ કર કે લોકો તને ઓળખે. જેમાં તને જે કમજોરી લાગે છે તે જ કર. એ પછી કંઈક નવું કરવાની ઈરછા સાથે મહેનત કરવા લાગ્યો. સારા સારા વિચારો પ્રેકટીકલ લાઈફમાં ઉપયોગ કરવા લાગ્યો,
એમા પણ ફેસબુક , WhatsApp જેવું પ્લેટફોર્મ મળ્યું. તેનાથી વધુંને વધું કામ કરવા લાગ્યો. લખવાની શરૂઆત કરી અને આજે હું કંઇક તો છું એ અહેસાસ પણ થાય છે મને.
આજે એજ લોકો જે મારી મજાક કરતા તે મને ફોન કરી મળવા બોલાવે છે. માનની નજરે જુવે છે. આજે એજ સમાજ જે મારી કિંમત નહતો સમજતો તે સમાજ સાહેબ કહીને બોલાવે છે. આજે મેં એવુ ઘણું બધું કર્યુ છે, જેથી લોકો મને બીજા કરતા કંઈક વિશેષ નજરથી જોવે છે.
હવે મુળ વાત એ છે કે મને પ્રશ્ન ત્યા થાય છે કે મારા જેવા અને અન્ય તકલીફ વાળાને પણ આવી મુશ્કેલીનો સામનો કરવો જ પડતો હશે ને ? મારા જેવી માનસિકતાણ અનુભવતા હશે ને ? શું એમને સમાજ સાચી દિશા આપશે કે પછી તેમની પણ મજાક જ બનાવી દેશે..?
આ તો મારી વાતોનું એક પાનું જ છે. સમાજે તો એટલી હદ સુધી પાછળ મુકી દીધો હતો કે હું ક્યારેય 10 લોકોની વચ્ચે જાહેરમાં બોલી પણ શકતો નહી.
પણ આજે હુ માનસિક રીતે મજબૂત છું. તકલીફ તો આજે પણ એજ છે, પણ આજે પરિસ્થિતિ જુદી છે. આજે હું 500 માણસની વચ્ચે પણ ઉભો થઈ બોલી શકું છું. હવે મને શરમ સંકોચ કે મારા પર કોઈ હસસે તેવી બીક નથી લાગતી, આજે હું મારા વિચારો થી સ્વતંત્ર છું.
હવે આટલી બધી તકલીફ સહન કરી આટલો મજબૂત થયો છું. અનુભવો નો ભંડાર છે અને કંઈક નવું કરવાનું સાહસ છે. અને કંઈક કરી પણ રહ્યો છું.
હવે જ્યારે હું મારા વિચારો અને મારી રીતે જીવવા માગું છું. મને જ્યારે જરુર હતી ત્યારે સમાજે અને લોકોએ સાથ ન આપ્યો અને આજે એજ લોકો સલાહ આપવા આવી જાય છે. ” આવું નહી આવુ કર, આ નહી પેલું કર “
પછી હું સમાજનું અને લોકોની વાત શું કરવા સાંભળું ?
હું નથી ઈરછતો કે આ વાંચીને તમે મારા પર કોઈ દયા કરો, ખેદ વ્યક્ત કરો, મારે હવે તેની કોઈ જરુર જ નથી, આ તો તેવા બાળકોની વેદના છે. જે આવી તકલીફમાં આજે પણ જીવે છે. કોઈ બોલી નથી શકતું, કોઈ સાંભળી નથી શકતું, તો કોઈ જોઈ નથી શકતું, કોઈ પગથી અપંગ છે, કોઈ હાથથી છે, તો કોઈ માનસિક બિમાર છે.
જો ખરેખર સંવેદના જાગી હોય તો તેમની સામે પણ જોજો, કોઈ માનસિકતાણથી પીડિત તો નથીને…? જેમને તમારી જરૂર છે. એમના માટે કંઈ કરી ના શકો તો કાંઈ નહી, પણ તેમની મજાક બનાવીને તેમનું મનોબળ, આત્મવિશ્વાસ તોડવાની કોશિશ ના કરશો…
– નેલ્સન પરમાર
Leave a Reply