ખબર નહિ, અમુક લોકોના મગજમાં કેમ એવી છાપ પડી ગઈ છે કે ડેઈઝ સેલિબ્રેશન એ પશ્ચિમી સંસ્કૃતિ છે અને તેને ઉજવવાની જરૂર શું કામ ડેઈઝ સેલિબ્રેશન સામે આટલો વિરોધ કે ટીકા કેમ
પહેલા તો એ કે ઘણા એવા ડેઈઝ સેલિબ્રેશન આપણે ત્યાં થાય છે જે વિદેશોમાં થતા નથી એટલે કે નેશનલ અને ઓન્લી ફોર ઇન્ડિયામાં જ થતા હોય છે. જેમકે માતૃભાષા દિવસ, પણ આ મુદ્દે આ પછી વાત. એટલે પહેલી એ વાત ક્લીઅર કે ડેઈઝ સેલિબ્રેશન એ માત્ર પશ્ચિમી સંસ્કૃતિમાં જ થતી પ્રક્રિયા નથી. આપણે ત્યાં પણ ગુરૂપૂર્ણિમા, રક્ષાબંધન, ભાઈબીજ, વસંતપંચમી અને ઘણા દિવસો ઉજવાય છે.
હવે બીજી એ વાત કે આ ડેઈઝ ઉજવવાની જરૂર શું કામ આ દિવસોનો મુખ્ય હેતુ,
અમુક ડેઈઝની ઉજવણી કુદરતી સંપત્તિની જાળવણી અર્થે થાય છે જેમકે અર્થ ડે, એન્વાયરોન્મેન્ટ ડે, વોટર ડે, હેરીટેજ ડે વિગેરે જાગૃતતા માટે થાય છે
કુદરતી સંપતિની જાળવણી અર્થે ઉજવાતા દિવસોમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના સૌથી પહેલા રહેવી જોઈએ. પછી આપણી ને પારકી સંસ્કૃતિ. કારણકે, કુદરતી સંપત્તિનું સંવર્ધન કરવામાં કે નુકસાન પહોચાડવામાં કોઈ એક સંસ્કૃતિ કે દેશ કે લોકોનો ઈજારો નથી જ અને શક્ય પણ નથી. થોડું મોટું દિલ રાખીને આ સત્ય સ્વીકારવું જોઈએ. કુદરતી સંપતિને બગાડવામાં કે તેનું નુકસાન કરવામાં આપણે જેટલા જવાબદાર છીએ, તેટલા જ આપણે જાગૃત બનવાની કોશિશ કરીએ તો તેમાં શું કઈ ખોટું છે એક દિવસ પણ આપણે જો સભાનતાથી જીવશું તો તેમાં આખરે તો આપણું જ હિત છે ને !
અમુક દિવસોની ઉજવણી શારીરિક રોગની જાગૃતિ દર્શાવવા માટે થાય છે જેમકે, એઇડ્સ ડે, ડાયાબિટીઝ ડે, થેલેસેમિયા ડે, બ્લડ ડોનેશન ડે વિગેરે વિગેરે..
અમુક રોગોના નામ પણ હવે આજે આપણને ખબર પડે છે. પહેલાના સમયમાં મેડીકલી વિકાસ ન હોવાના લીધે અમુક રોગોનું નિદાન કે ઈલાજ શક્ય ન હતા. ઘણા સંતાન બાળપણમાં જ મૃત્યુ પામતા, તો કોઈ વખત યુવાનીમાં કે લાંબેગાળે અસર થતી અને પૂર્ણ જીવન વિતાવી શકતા નહિ. ત્યારે અમુક રોગોના નિદાનની પણ ચકાસણી કરવામાં આવતી નહિ અને ક્યારેક ઈલાજ પણ થઈ શકતો નહિ. છેવટે હવે અમુક ખાસ દિવસો થકી આપણે આપણા શરીર પ્રત્યે સભાનતા દાખવી શકીએ અથવા તો કોઈ સગા-સંબંધીને પણ શારીરિક રોગો પ્રત્યે જગાડી શકીએ.
હવે અમુક એવા દિવસો ઉજવાય છે જેનો હેતુ સંબંધો પ્રત્યે સભાનતા કેળવવાનો હોય છે જેમકે ફાધર્સ ડે, મધર્સ ડે, ફેમીલી ડે, ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે.
આ દિવસો સંબંધને જીવંત કરવા માટેનો પ્રયાસ છે. સૌથી પહેલા તો એ કે આપણે જન્મદિવસની ઉજવણી પણ શું કામ કરીએ છીએ અને એ પણ તારીખ, મહિના ને વર્ષ ઉપર. એ પણ પશ્ચિમી સંસ્કૃતિ આઈ મીન ઈ.સ. જ છે… જો આપણે જન્મદિવસ ઉજવવો જ હોય તો આપણી સંસ્કૃતિને વળગી રહેતા લોકોએ શક સંવત (ભારત વર્ષ) કે વિક્રમ સંવત (ગુજરાતી માસ) પ્રમાણે તેમનો જન્મ દિવસ ઉજવવો જોઈએ.
હવે બીજું એ કે આપણો જન્મદિવસ જેમ આપણને અતિ પ્રિય હોય છે, ગમ્મે(ગમે) તેટલી ઉમરના હોઈએ પણ આપણો જન્મદિવસ આપણા માટે કેવો ખાસ હોય છે ! બાળપણમાં તો મહિનાઓ પહેલા આ દિવસની ઈંતજારી રહેતી હોય. તો જેમ આપણો જન્મદિવસ આપણા માટે ખાસ હોય, તેમ આપણા થકી બનેલા પેરેન્ટ્સનો પણ ખાસ દિવસ હોવો જોઈએ કે નહિ કારણ કે, સંતાન આવ્યા પછી જ કોઈ પણ સ્ત્રી-પુરુષ માતા કે પિતા બને છે. અને આપણી સાથે એની આ પેરેન્ટિંગની નવી સફર, નવી જવાબદારી પણ શરુ થાય છે અને એટલે તેમના માટે અને આપણા માટે ખાસ દિવસ હોવો જોઈએ કે નહિ અને આપણને હોય કે ન હોય, તેમને આ દિવસનું મહત્વ હોય કે નહિ રોજ કેમ જાણે આપણે બહુ માનતા હોઈએ કે આદર કરતા હોઈએ એમ પાછા કહીએ કે આપણે તો રોજ ફાધર ડે ને મધર ડે. જો આવું જ હોત તો આજે આપણા દેશમાં આટલા વૃદ્ધાશ્રમો છે શું કામ અને રોજ ફાધર ડે, મધર ડે જ જેમને લાગતો હોય, તેમણે રક્ષાબંધનનો દિવસ પણ ઉજવાની જરૂર નહિ રહેતી હોય કારણ કે, બહેન ભાઈ કઈ એક દિવસ માટે થોડા એક બીજાના સ્નેહથી જોડાયેલા હોય
એવા પણ દિવસો ઉજવાય છે જેના લીધે અમુક ખાસ પળો જીવંત થઈ ઉઠે અને ક્યારેક અભાર વ્યક્ત કરવા માટેની નાનકડી એવી સીડી લાગે. જેમકે ડોક્ટર્સ ડે, ફ્રેન્ડશીપ ડે, યુથ ડે, ચિલ્ડ્રન્સ ડે, ફોટોગ્રાફી ડે, વેલેન્ટાઇન્સ ડે, ટીચર્સ ડે, એનીમલ ડે, પોસ્ટ ડે,
ક્યારેક અમુક દિવસોની ઉજવણી થકી ખાસ દિવસો તાજા થઈ જાય છે. ફોટોગ્રાફી ડે આવતા જ જૂના કે યાદગાર ફોટો શોધવાની ઈચ્છા થઈ જાય. તો ટીચર્સ ડે નજીક આવતા આપણા ટીચર્સ યાદ આવ્યા વગર ન રહે, ફ્રેન્ડશીપ ડેના દિવસે આપણી સ્કૂલ ને કોલેજની ટોળકી આઈ મીન ગ્રુપ યાદ આવ્યા વગર ન રહે, યુથ ડે અને વેલેન્ટાઇન્સ ડે આવતા જ ફરી યુવાનીમાં સારી પડીએ, તો ચિલ્ડ્રન્સ ડે આવતા જ બાળપણની યાદોમાં ખોવાઈ જઈએ. એનીમલ ડે થકી બાળપણમાં સાથે ગાળેલ શેરી-ગલી કે સ્કૂલ પાસે પશુ-પક્ષીઓની યાદ આવ્યા વગર ન રહે અને પોસ્ટ ડે આવતા જ આપણને આપણા રીલેટીવઝના કાગળોની ઈંતજારી કે સગાઈ વખતના કે પ્રેમપત્રો જેવા ખાસ કાગળોની યાદ અચુક આવે જ.
હિન્દી ડે, સંસ્કૃત ડે, માતૃભાષા દિવસ આ દિવસોની ઉજવણી ભાષાના બચાવ અને સંવર્ધન હેતુથી થાય છે.
આપણા દેશમાં વિવિધ ભાષાઓ બોલાય છે અને તેમના સંવર્ધન માટે એક દિવસ પણ એ દિવસમાં જો આપણે ઢાળી જઈએ તો ખરેખર આ દિવસની ઉજવણી સાર્થક થાય. જેમકે હિન્દી ડે પર આખો દિવસ માત્ર હિન્દી જ બોલવામાં આવે, કે સંસ્કૃત ડે પર અમુક શ્લોકોનું પઠન કરીએ કે પછી માતૃભાષાના દિવસે એકાદ તો પેઈજ માતૃભાષામાં લખીએ જ. કેમ શું માનવું છે તમારું
અમુક ખાસ મ્યુઝીક ડે, ડાન્સ ડે, સ્પોર્ટ્સ ડે, થીએટર ડે, બુક ડે આ બધા દિવસો આપણી સંસ્કૃતિને જીવંત રાખવા માટે ઉજવાય છે.
કોઈ પણ કલા વગર સંસ્કૃતિના પાયા હચમચી જ જાય. સંસ્કૃતિનું એક અભિન્ન અંગ કલા છે. ગમ્મે તેટલી સ્ટ્રેસમાં જીવતો માણસ કે વ્યસ્ત રહેતો વ્યક્તિ કોઈ પણ એક કલામાં રસ ધરાવતો જ હોય છે. ભલે સંગીત શીખ્યું ન હોય, તેમ છતાં સંગીત સંભાળવાનો તેને ગાંડો શોખ હોય. ડાન્સ પણ ક્યારેક મેડીટેશન તો ક્યારેક એકસરસાઈઝનું કામ કરે છે. સ્પોર્ટ્સ પણ સ્ટ્રેસ બસ્ટરમાં ખુબ ઉપયોગી માનવામાં છે. તો થીએટર, એક્ટિંગ, રાઈટીંગ, રીડીંગ, ડ્રોઈંગ આ બધી જ કળા એક અલગ ઓળખની સાથે, મન સાથે, પોતાની જાત સાથે આપણને જોડે છે.
ઘણા લોકોને દિવસોની ઉજવણી બાબતે ટીકા કરતા કે વિરોધ કરતા જોઉં છું ત્યારે ખુબ દુઃખની લાગણી થાય છે. અને સાથે સાથે પ્રશ્ન પણ થાય છે કે આમાંથી શું એક દિવસ પણ તેમના માટે મહત્વનો નહિ હોય કે પછી તેમને હજુ મહત્વતા સમજાઈ નહિ હોય !
હા, એ વાત પણ સાચી છે કે રોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે જેવા બિનઉપયોગી અને નિરર્થક દિવસો પણ ઉજવાય છે. એ પણ એટલા માટે કે આપણે ત્યાં કેમ સાતમ-આઠમ વીક, નવરાત્રિના નવ દિવસ, દિવાળીના પાંચ દિવસોનો સમાવેશ થાય છે તેમ ત્યાની સંસ્કૃતિમાં કોઈપણ જાતના તહેવારો ન હોવાથી ક્રિસમસ વીક ને વેલેન્ટાઈન વીક ઉજવતા હશે. આપણે જેમ દરેક ફળ અને શાકભાજીમાંથી ઠળિયા કે છાલ કાઢી નાખીએ છીએ એટલે કે બિનજરૂરી કે નકામી વસ્તુઓને કાઢી નાખીએ છીએ, તેમ અમુક દિવસો ભલે ન ઉજવીએ પણ જરરી કે મહત્વના લાગતા દિવસોનો તો સ્વીકાર કરી જ શકીએ. અને આપણા જીવનમાં પણ સમાવેશ કરી જ શકીએ કે નહિ
આપણા અમુક તહેવારો ને ખાસ દિવસો, રીવાજ અને વ્યવહાર કે ધર્મના નામે ઉજવીએ છીએ એનું શું આપણે પણ દરેક સંબંધ, સંસ્કાર કે સંસ્કૃતિ ટકાવી રાખવા કોઈ દિવસ, તહેવાર કે આવી ઔપચારિકતાનો આશરો નથી લેતા શું
આપણને એવું તો શું અભિમાન કે કોઈ સારી બાબતોને પણ આપણે સ્વીકારી શકતા નથી કે સારા પાસા જોઈ શકતા નથી અને પાછા આપણી સંસ્કૃતિને પણ ક્યાં સાચવી કે બચાવી શકીએ છીએ ખરા એના માટે પણ આપણે તસ્દી લઈએ છીએ ખરા ફાધર્સ ડે, મધર્સ ડે, વુમન્સ ડે, ફેમીલી ડે, ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે…. આ બધાનું આપણને જો માન કે ભાન હોત, તો ઘરડાઘર આપણા દેશમાં કે આપણી સંસ્કૃતિમાં હોત ખરા કેમ આપણે સારી બાબતો જોઈ કે પચાવી શકતા નથી આપણે એવો પ્રયાસ કરવો જોઈએ કે આ દિવસો થકી કોઈ એક પણ વ્યક્તિને કે સંબંધને માન સન્માન મળતું હોય કે બીજાને ભાન થતું હોય તો એમાં ખોટું શું છે એક દિવસના માધ્યમ થકી, ઉજવણી થકી જો અવેરનેસ આવતી હોય, તો એમાં આપણે એવું શું ગુમાવી દેવાના છીએ શું આપણા સંસ્કાર કે સંસ્કૃતિના પાયા એવા નબળા છે કે દિવસોની ઉજવણી કરવાથી કે તેમાંથી જાગૃતતા કેળવવાથી સંસ્કાર કે સંસ્કૃતિ નાશ પામે આપણી ધરોહર એટલી અણસમજુ છે કે સારી અને સાચી બાબતો વિશે સમજણ ન કેળવી શકે
ડેઈઝના સેલીબ્રેશનની આ રસપ્રદ વાતના મારા વિચારો વાચ્યા પછી ઘણા લોકો દિવસોની ઉજવણી માટે ટીકા કરતા કે વિરોધ કરતા બંધ થશે તેવી દિલથી ઈચ્છા કરું છું.
~ વાગ્ભિ પાઠક
( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૧૮ )
Leave a Reply