જીવનમાં આવેલા દરેક પુરુષોને સપ્રેમ
૧૯ નવેમ્બર ઇન્ટરનેશનલ મેન્સ ડે, ૧૯૯૯માં આ દિવસની સ્થાપના વેસ્ટ ઇન્ડીઝ, ત્રિનીદાદ યુનિવર્સીટીના પ્રોફેસર દ્વારા કરાઈ હતી. પુરુષોની આર્થિક સામાજિક અને મેળવેલી સિદ્ધિઓની ઓળખ અને ઉજવણી માટેનો આ દિવસ છે.
જો મહિલા દિવસને રંગેચંગે ઉજવાતો હોય તો પુરુષની સાચી છબીને પણ સમાજમાં બહાર લાવવી જોઈએ. મહિલા દિવસે શોશ્યલ મીડિયા ઉપર ઘણું લખાય છે તો આજે કેમ નહિ? સામાજિક અને કૌટુંબિક માળખાની જાળવણીમાં સૌથી મહત્વનો પિલ્લર પુરુષ છે એ માટે પણ તેને યોગ્ય સન્માન અને ઓળખ મળવી જોઈએ.
ક્યાંક વાંચ્યું હતું કે પુરુષો સુખ અને ખુશીથી નહિ પણ દુઃખ અને વેદનાથી શીખે છે. હું માનું છું સુખ મેળવ્યા કરતા વધારે વહેંચે છે, અને દુઃખ પચાવે છે. આજે દુનિયામાં દર ૫૦ સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. જેમાં મોટાભાગના પુરુષો અને કિશોરો હોય છે. કારણ એક છે કે તે મનની વાત બીજા કોઈને વહેચતો નથી. ખુલ્લા મને સમસ્યાઓ વિષે વાત કરતો નથી.
નાનપણથી જેમ બાળકીઓને શિખવાડવામાં આવે છે કે સૌથી મહત્વનું ઘરેણું લાજ શરમ અને શરીર છે એને સાચવો. એમજ બાળકને છોકરાને કહેવામાં આવે છે છોકરાઓ બહાદુર હોય રહે નહિ, લાગણીઓ વ્યક્ત કરવી એ નબળાઈ કહેવાય અને આજ માન્યતાઓ તેમને ખુલ્લા મને દુઃખની અભિવ્યક્તિ કરતા રોકે છે. પછી એ શારીરિક હોય માનસિક હોય કે આર્થિક હોય. અને તણાવ જીવનમાં ધીમું ઝેર બની જાય છે જે અંદરથી કોતરતું રહે છે.
હાર્ટએટેકના સૌથી વધુ કેસ પુરુષોના નોંધાય છે. એજ રીતે માનસિક રોગોનો આંકડો પણ પુરુષોનો મોટો છે. સ્ત્રીઓ માટે સમાજમાં જે પણ કઈ થઇ રહ્યું છે તેની સરાહના છે, સાથે પુરુષોના આરોગ્ય અને સ્વાસ્થનું ઘ્યાન રાખી શકે તેવી પણ યોજનાઓ થવી જોઈએ.
શિક્ષિત સમાજમાં પુરુષો અને તેમની સાથે સંકળાએલી સ્ત્રીઓ સ્વાસ્થ બાબતે જાગૃત હોય છે પરંતુ અર્ધ શિક્ષિત સમાજમાં પુરુષના આરોગ્ય વિશે કોઈ ખાસ યોજનાઓ નથી જેના પરિણામે ઉપર કહેલા રોગ અને સમસ્યાઓનું પ્રમાણ વધતું રહે છે. જેમ સ્ત્રીઓને અંગત સમસ્યાઓ છે, તેમ પુરુષોને પણ શારીરિક અને માનસિક વેદના અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થવું જરૂરી છે.
સાથે આર્થિક તંગી આજના સમયમાં મોટી સમસ્યા છે, જે સહુ પ્રથમ પુરુષના ખભે પહેલી આવે છે. દુનિયાનો કોઈ પણ દેશ હોય, ગમે તેટલો ઘનવાન કે શિક્ષિત સમાજ હોય પરંતુ ઘર કુટુંબની જવાબદારી સ્ત્રીની અને કમાણીની, વ્યવસ્થાની સાચવણી એ પુરુષની જવાબદારી છે એ પ્રમાણે બહારનું તણાવ અને પુરુષના માથે પ્રથમ આવે છે. ઘરમાં બીજા સભ્યો ઉપર તેની અવળી અસર ના પડે એ માટે તે મોટાભાગે ચુપ રહે છે જેના પરિણામે સ્વાસ્થ કથળે છે.
સ્ત્રીઓ મોટાભાગે આવેલ આપત્તિમાં ખુલ્લા મને રડી કે ચર્ચા કરી તણાવ ઓછું કરે છે સાથે આંતરિક મજબૂતાઈ મેળવી લે છે. જ્યારે પુરુષ કોઈ પણ ઉંમરે અંદરથી બાળક જેવો હોય છે. બાળપણમાં માતા, પછી પત્નીના સહારે તેમની મમતાની છાયામાં રહેલો હોવાથી સ્ત્રી જેટલી મજબૂતાઈ મેળવી શકતો નથી. આથી ઝડપથી ભાંગી જાય છે.
પુરુષને આ બાબતની જાણ નથી કે ઘરના સભ્યોને દુઃખ થશે એમ વિચારી છુપાવી રાખેલું પોતાનું દુઃખ જ્યારે અજગર બની બહાર આવશે ત્યારે આખો પરિવાર તેનો કોળીયો બની જશે. કારણ પુરુષ એકલો ક્યારેય નથી હોતો તેની સાથે આખો પરિવાર જોડેલો હોય છે માટે સહુને ખુશ રાખવા પોતાની કાળજી પ્રથમ જરૂરી છે.
હું માનું છું સ્ત્રીની માફક દરેક પુરુષે પોતાના સાથીની સામે ખુલ્લા મને દરેક દુખની ચર્ચા કરવી જોઈએ. જેને પ્રેમ કરતા હોઈએ તેને પોતાના સુખ દુઃખથી વાકેફ રાખવા જોઈએ. આમ કરતા મન હળવું રહે છે એને સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે.
– રેખા પટેલ (વિનોદિની)
Leave a Reply