હલ્લો, કેમ છો?
એક આવો ગમતો ટહુકો, જીવનમાં સંગીત પૂરે.
એકલતા આબાદ કરી, મન ઉપવન ખીલતો કરે.
આજકાલ દરેક જણાની પાસે મોબાઈલ ફોન હોય છે. બીજાઓ સાથે સંપર્કમાં રહેવાનું સાવ હાથવગું સાધન ફોન છે. એમાય સ્માર્ટફોન તો જાણે કુદરત કૃપા.
હજારો માઈલ દુર બેઠેલાને જાણે નજર સમક્ષ લાવી મુકે છે એ પણ તેમની વર્તમાન પળોની સાથે. દુરીનો અહેસાસ મિટાવી નજદીકી લાવી મુકે છે. દુઃખને ખુશીની ક્ષણોમાં ફેરવી નાખે છે.
બધાને આનો ફાયદા વિષે ખબર છે છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી. અથવા તો કરતા નથી. આનો પહેલો અને સરળ ઉપયોગ દુર રહેલા સંબંધોને જીવંત રાખવાનું. દરેક સંબંધ લાગણીનું ખાતર પાણી માંગે છે. સમય સમયે ખબરઅંતર પૂછતા રહેવાથી કે કારણ વિના ફોન કરીને ખાલી કેમ છો કહેવાથી સબંધોમાં ઉષ્મા જળવાઈ રહે છે.
ફોનની એક ક્લિક અને ઉષ્મા ભરી બે ચાર વાતો નવા જુના દરેક સંબંધોને દિવાળીના સમયે અભરાઈ ઉપર ચકમકતાં તાંબા પિત્તળના વાસણોની જેમ નવો નિખાર આપે છે. બાકી એજ જૂનાપુરાણા અભરાઈ ઉપર ઓરમાયા થઈને પડ્યા રહ્યા હોય તો એમ દુરથી કઈ તેની મીઠાશ સ્પર્શતી નથી. મળે ત્યારે કેમ છો પૂછી લેતા બાકી પોતપોતાના માળામાં ભરાઈ રહે તો સમય જતા ગમેતેવા સંબંધો સાવ ફિક્કા પડી જાય છે.
સામાન્યપણે દરેકે એક વાતની નોંધ લીધી હશે કે કોઈ સાથે અઠવાડિયામાં બે દિવસ ફોન કરતા હોવ ત્યારે થતો વાતો અને મહીને એકાદ દિવસ થતી વાતોમાં કેટલો ફર્ક હોય છે. એમાય સંબંધીઓમાં ખાસ આ ફર્ક નોંધાશે. હા બાળપણના મિત્રોની વાત જરાક અલગ હોઈ શકે છતાં ફર્ક તો રહેવાનો.
રોજ થતી વાતોમાં ભલે કોઈ ખાસ સમાચાર ના હોય પણ આપોઆપ દિલ ખુલ્લું થતું લાગે. કોઈ બનાવટની જરૂર ના પડે. એજ રીતે આજ સબંધોમાં પંદર દિવસે મહીને વાત થાય તો ફોર્માલીટી સભાનતા આવી જાય છે. જ્યાં પહેલા વાતોના ટોપિક ઓછા પડતા હતા સમય ખૂટી જતો હતો ત્યાં શું વાત કરવી એ પ્રશ્ન પણ થઇ આવે. આવું દરેકે ક્યાંક તો નોંધ્યુંજ હશે.
પતિપત્નીના કે બાળકોના એવા સાવ નજીકના સંબંધોમાં પણ જો રોજીંદી વાતોની આપલે ઘટતી જાય તો તેની અસર સ્પસ્ટ દેખાઈ આવે છે. જ્યારે ફોન નહોતા કે વપરાશ ઓછો હતો ત્યારે પરિવારના સભ્યો વચ્ચે અતુટ વાતોનો દોર રહેતો. એ આજે ટેલીવિઝન અને સ્માર્ટફોન પછી ખાસ્સો ઓછો થઇ ગયો છે. આ તો માત્ર એકજ છત નીચે રહેનારાની વાત છે તો પછી દુરના સબંધીમાં લાગણીઓમાં ઓટ આવે એ નક્કી છે.
આ દુરી અંતરની દુરી ના બને એ માટે એકબીજા સાથે સંપર્કમાં રહેવું ખાસ જરૂરી છે. એમાય ગમતી વ્યક્તિઓ સાથે અહં કે મોટાઈ છોડી સામેથી વાત કરી લેવી જોઈએ. આજકાલ હું બીઝી છું બહુ કામ છે એવી વ્યસ્તતાનો ડોળ કરી માણસ પોતાની મોટાઈ બીજાને બતાવવા જાણીને ફોન ઓછા કરે છે. આમ કરવામાં તેનુજ નુકશાન છે. એ જ્યારે બધાથી દુર થઇ જાય ત્યારે સમજાય છે. આવા ઘણા વ્યક્તિઓને સાચા સબંધો અને મિત્રોથી દુર થતા જોયા છે. આવા સંજોગોમાં હાથે કરી દુઃખી થવા કરતા ફોનનો સદુપયોગ કરવો સારો.
સામા છેડે એવી પણ વ્યક્તિઓ છે જે ફોનનો ઉપયોગ નથી કરી શકતી તો એ હાથે પત્ર લખીને પણ સંબંધોને સાચવી જાણે છે. વિમળાબા પોતાની યુવાનીમાં મેઘાવી શિક્ષિકા રહી ચુકેલા હતા. શબ્દો સાથે જીવનભરનો વ્યવહાર હતો. ગામ પરિવારમાં દરેક સાથે સંબંધો સાચવી જાણવામાં પાવરધા હતા. એથીજ દરેકમાં પ્રિય હતા.
સમય જતા યુવાની પછી ઘડપણ આવ્યું. શરીર ઢીલું પડતું ચાલ્યું. એમાય ખાસ તો સાંભળવાની તકલીફે બીજાઓ સાથે અંતર લાવી દીધું. પરંતુ શબ્દો સાથેની દોસ્તી અને હૈયાની મીઠાશ અકબંધ હતી. સંભળાતું નથી તો કઈ નહિ લખાય તો છે. તેમણે પ્રિયજનો સાથે પત્રવ્યવહાર શરુ કરી દીધો. દુર રહીને પણ તેઓ દરેક સાથે જોડાએલા રહ્યા. શબ્દો અને લાગણીઓને બસ બીજા સુધી પહોચાડવા જરૂરી છે.
ગમતા સ્વજનો મિત્રોનો ફોનમાં અવાજ સાંભળવા મળેતો આનંદમાં વધારો થાય છે, જે જીવંતતા બક્ષે છે. સ્વજનો સાથે જોડાએલ રાખે છે. એક જમાનો હતો કાગળ પત્રોનો જેમાં દિલની વાત પહોંચાડવામાં દિવસો નીકળી જતા, એ પણ મળે કે નહિ તેની સો ટકા ગેરંટી નહોતી. મળે તો એજ વ્યક્તિને મળે કે કોઈ બીજા એનો લાભ ગેરલાભ ઉઠાવે તેની જાણ નહોતી. એ પહેલાનાં સમયમાં સંદેશવાહક માટે દિવસોના દિવસો નીકળી જતા. કે પછી કોઈ એ ગામ કે સ્થળથી આવતું હોય તો સંદેશો લાવે, એ પણ બે લીટીમાં ખુશખબર કે “આવીને મળી જાવ” ના સંદેશમાં આખી દુઃખની દાસ્તાન વર્ણવી જાય.
આજે દીકરી પરદેશ વળાવી હોયતો પણ જાણેકે બાજુના ફળિયામાં હોય એટલી નજીક લાગે. ફેસટાઈમ દ્વારા તેની દરેક પ્રવૃત્તિમાં ખુશીમાં સામેલ થવાય. બહાર રહેતા બાળકોને માતા તેમની રોજીંદી ક્રિયાઓથી લઈને રસોઈ સુધ્ધા બનાવવામાં મદદ કરતી હોય છે. ખુબ સહજતાથી પ્રાપ્ત થતી આ ટેકનોલોજીનો લાભ લેવામાં પાછી પાની ના કરવી જોઈએ.
એક હલ્લો કહેવાથી જો ખુશ રહેવાતું હોય, ખુશી વહેચાતી હોય તો આ તો સાવ મફતમાં મળેલો ખજાનો કહેવાય. જીવનને મધુર અને ઉલ્લાસભર્યું બનાવવા સ્વજનો અને મિત્રોના સાથની હંમેશા જરૂર રહે છે. આ સાદ સંબંધોને તરોતાજા રાખે છે. સામા પક્ષે જરૂર કરતા ફોન દ્વારા પણ સામેવાળાના જીવનમાં હસ્તક્ષેપ કરવાથી મધુર સબંધોમાં કાયમી તિરાડ આવી શકે છે માટે કશાયનું અતિરેક સારું નહિ એટલી વિવેક બુદ્ધિ પણ આપણેજ કેળવવી જોઈએ.
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply