સાચું સુખ સહજીવનમાં
માણસ ટોળામાં રહેનારો જીવ છે. જન્મથી લઇ મરણ સુધી તેને સાથ સંગાથની જરૂર રહે છે. સાવ એકલા રહેનારને સમાજથી વિમુખ, ધૂની કે વિચિત્ર કહેવામાં આવે છે.
જન્મથી લઇ મરણ સુધી જીવનમાં દરેક તબક્કે અલગ સંબંધો અને પ્રેમનું મહત્વ જુદાજુદા સ્વરૂપે મળે છે. અલગ પ્રેમના પ્રકારોમાં જીવન જોડાએલું હોય છે. બાળપણમાં માતાપિતા અને સબંધીઓનો સ્નેહ મળે છે. બાળપણ આ બધાની વચમાં વીતે છે. તેમના પ્રેમ અને માર્ગદર્શન હેઠળ ઘણું શીખે છે.
મિત્રોનો સાથ સંગાથ ઝોળીમાં પાકેલા ફાળા સમાન આપોઆપ મળે છે જે જીવનભરના સંભારણના આપી જાય છે. આ પછી યુવાન અવસ્થામાં માયાવી રીતે બદલાવ લાવતો પ્રેમ જ્યારે જીવનમાં આવે છે ત્યારે ઘણું બધુ બદલાઈ જાય છે. સાચો પ્રેમ મળેતો જીવન હલકું સુગંધીદાર ફૂલ સમાન વીતે છે, પ્રગતિની સીડી બની જાય છે. જો એમાં સ્વાર્થ અને અવિશ્વાસ ભળી જાય તો એજ નર્ક સમાન બની જાય છે.
સુખરૂપ જીવન જાય એ માટે જીવનસાથીનું મહત્વ આગવું છે. લગ્ન પછી બે અલગ વ્યક્તિત્વ એક સાથે ચાલવાનો અને છેવટે એકત્વ ધારણ કરવાનો પ્રયાસ છે. જોકે એમ કરવામાં દરેકનો ગમો, અણગમો અને સ્વતંત્રતા જળવાઈ રહેવી જરૂરી છે. આમ ના થતા જીવનભરનાં સંબંધને વિચ્છેદન સુધી જતા વાર નથી લાગતી. છતાં આજના સમયમાં લગ્ન જીવનમાં સહનશક્તિ કરતા વધારે મહત્વ વિશ્વાસનું છે.
એક વખત હતો જ્યારે કજોડાના લગ્નો પણ કોઈ ધાંધલ વિના વર્ષો ચાલતા અને છેવટ સુધી નિભાવાઈ જતા. પરંતુ જેમ શિક્ષણ અને સ્વતંત્રતાને પ્રાધાન્ય મળતું ગયું તેમ વિચારોની પરિપકવતા વધતી, એ સાથે બાંધછોડ અને સહનશક્તિની ભાવનામાં ઘટતી રહી. તેમાય હવે લગ્નની ઉંમરમાં વધારો થતા સ્ત્રી અને પુરુષ બંને પાકટ થતા પોતાના વિચારોને વળગી રહેવાની અને એજ પ્રમાણે વર્તવાની આદત મજબુત બની જાય છે. પુખ્ત વિચારો સાથે સહેલાઈથી બીજાના વિચારોને રહેણીકરણીને નિસ્વાર્થ અપનાવી શકાતી નથી. આવા સંજોગોમાં કુમળા છોડને વાળો તેમ વાળી ઉક્તિ કામ નથી આવતી.
સજની અને સૌરભના લગ્ન ત્રીસી વટાવી ગયા પછી તેમની મરજી મુજબ થયા હતા. બંને પક્ષે દરેક ખુશ હતા. બત્રીસમાંથી બત્રીસ ગુણો મળતા આવતા હોવાનું જ્યોતિષી જણાવી ચુક્યા હતા. નવા જમાના પ્રમાણે એકમેકને સમજવા પુરતો સમય લઇ, એક વર્ષ આઝાદીથી વ્યક્ત કર્યું હતું. એકબીજાના શોખ આદતોને સહર્ષ અપનાવી છેવટે સંમતિની મહોર લગાવી લગ્ન કર્યું હતું.
વધુ સુખ અને મુક્ત રીતે જીવન જીવવા માટે એકજ શહેરમાં માતાપિતાથી અલગ ઘર વસાવી બંને ખુશ હતા. સજનીને જાણે સ્વર્ગ મળી ગયું હતું. ઘરમાં બધુજ મરજી મુજબ થતું હતું, એ પણ સૌરભને દરેક રીતે ખુશ રાખતી. ટૂંકમાં બંને એકમેકને અનુરૂપ થવા કરતા. આ બધું કરવું એ સમયની માંગ હતી, અંદરખાને કોઈને બદલવું નહોતું સામેની વ્યક્તિને બદલાવવું વધારે હતું. આથી થોડાજ સમયમાં સ્વતંત્ર વિચારો, ઈચ્છાઓ એ માથું ઉચકવા માંડ્યું.
આ પહેલાના જીવનમાં બંને પોતાની મરજી પૂર્વક જીવ્યા હતા. એજ જીવનની આદત હતી, થોડી બાંધછોડ પછી ગમતું કરવાની ઇચ્છાઓ વધતી ચાલી, ત્યારે પ્રેમમાં તિરાડો પડવા લાગી. આમ પણ સમાજમાં સ્વતંત્રતા અને મહત્વકાંક્ષા સાથે સહનશક્તિનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. બાળકો નાનપણથી માતાપિતા કે વડીલોને પોતાના હક માટે માથું ઉચકતા જોઈ રહ્યા છે, આવીજ સમજદારી કેળવી મોટા થઇ રહ્યા છે.
જીવનમાં આવતા આવા પ્રશ્નો,ઘટનાઓ જીવનની રાહ બદલી નાખે છે. આરોપો અને આક્ષેપોના હેઠળ તેમનો ત્રણ વર્ષનો પ્રેમ સંબંધ ડિવોર્સના કાગળિયાં સાથે સમેટાઈ ગયો. બંનેના લગ્નજીવન દરમિયાન બાળક નહોતું આથી છુટા થવું સહેલું રહ્યું. બાકી માત્ર સહી સિક્કાથી અલગ થવું આટલું સહેલું હોત?
ડિવોર્સ એટલે આજીવન સાથ નિભાવવાના વચન સાથે થયેલું લાગણીઓનું ગઠબંધન તોડવાની કાનૂની રસમ. જે કોર્ટના કાગળિયાં ઉપર સહી સિક્કા કરી પૂરી કરાવાય છે. શું આમ કરવાથી દો જિસ્મ એક જાન બનેલા અલગ થઇ શકે છે ખરા?
આમ જોતા એ યુગલ મનથી તો ત્યારેજ અલગ થઇ ચુકેલા હોય છે જ્યારથી તેમની વચમાં ડિવોર્સ શબ્દનો જન્મ થયો હશે. માત્ર કાગળિયાં ઉપર સહી સિક્કા બે જણાને પરાણે સાથે રહેવા મજબુર કરી શકે છે પરંતુ બે પરસ્પર લાગણી પ્રેમ ઘરાવતા યુગલોને અલગ કરી શકતા નથી.
ડિવોર્સના સમયે કેટલીક વખત માતા પિતા કોઈને બાળકોની જવાબદારીઓ લેવી નથી હોતી. જ્યારે પણ આવું બને ત્યારે વચમાં પિસાતા બાળકોની સ્થિત ખુબજ દયાજનક બની જાય છે. માતાપિતાનો સાથે પ્રેમ બાળકોનાં ઉછેરમાં મોટો ભાગ ભજવે છે. લાગણીઓનું, પ્રેમનું સાચું પોષણ નાના બાળકો માટે જરૂરી છે. પરંતુ આવા સમયે ઘરમાં થતો કંકાસ તેમના માનસપટ ઉપર અવળી અસર પણ આપી શકે છે. પરિણામે તેમનો સર્વાંગી વિકાસ અટકી જાય છે અથવા તો માનસમાં વિકૃતિઓ ઘર કરી જાય છે.
બાળકોને માતા પિતા બંનેના પ્રેમની હૂંફની સરખી જરૂરીયાત હોય છે ત્યારે તેમને બેમાંથી એકને પસંદ કરવાના બને છે. જે બાળકો બે હાથમાં મુકાએલી ચોકલેટની પણ પસંદગી નથી કરી શકતા ત્યારે તેમને ભાગે આવતું આટલું કપરું કરવું પડે ત્યારે તેમની મનોસ્થિતિ અંગે વિચાર સરખો પણ કરી જોયો છે ખરો?
બે વ્યક્તિ વચ્ચે જો પ્રેમ હોય તો ગમે તેવી મુશ્કેલીઓ સામે પણ એક સાથે લઢી લેવાની તાકાત આપોઆપ આવી જાય છે. પ્રેમનો અભાવ હોય તો નાની સરખી મુશ્કેલી બંનેને એકબીજાથી દુર કરવા કારણભૂત બની જાય છે. જે સંબંધમાં આંખ આડા કાન કરવા પડે, કે સંબંધ પરાણે પકડી રાખવો પડે તેને કેમ કાયમી માનવો. પ્રેમ લડાઈ કરાવે છે તો સુલેહ પણ એજ કરાવે છે.
ગમા-અણગમાને, ગુસ્સા-દુઃખને, છૂટથી વ્યક્ત કરી શકાય, એજ સાચો સંબંધ ગણાય. ગમતું કરવાની અને હકથી પ્રેમ માંગવાની જ મઝા સંબંધોને જીવંત રાખે છે. ખુલ્લા મને જ્યાં ફરિયાદ ના થઇ શકે ત્યાં બધું મનમાં ઘોળાઈને ખટાશ પેદા કરે છે. ત્યાં મીઠાશની માંગ કેવી રીતે કરવી? ઇચ્છાઓને દબાવી ના દેતા તેને વ્યક્ત કરવાની આવડત પણ શીખવી જરૂરી છે. એકજ વાતને અનેક રીતે વ્યક્ત કરી તેના જુદાજુદા પ્રતિભાવ સામેવાળા ઉપર પાડી શકાય છે. પોતાની માંગ અને જરૂરીયાત દર્શાવી શકાય છે.
વડીલો કહેતા એમ લગ્નજીવન સમજદારી અને સમર્પણની ભાવનાથી ટકી શકે છે. કોઈ પણ દેશ કે સમાજમાં બે વ્યક્તિએ સાથે રહેવા સંસાર ટકાવી રાખવા મારું છોડી આપણું અપનાવવું પડે છે. હક અને ફરજ બંનેનો જરૂરીયાત પ્રમાણે ઉપયોગ કરીને લગ્નજીવન ખુશીથી જીવી શકાય છે.
પતિ પત્નીએ એકબીજાને હકથી ગમતું નાગમતું કહી શકાય, એટલાજ છૂટથી મનની વાત સામે મૂકી શકાય તેટલો કમ્ફર્ટઝોન આપવો જોઈએ. મતભેદ ચાલી શકે છે મનભેદ નહિ. ગમતા મીઠા દુર્લભ સંબંધોને કાયમી જકડી રાખવા માટે બાંધછોડ સાથે પારદર્શક રહેવું જરૂરી છે.
– રેખા પટેલ (ડેલાવર)
Leave a Reply