Sun-Temple-Baanner

પ્રાચીન ભારતનો ઇતિહાસ – (સાહિત્યમાં )


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


પ્રાચીન ભારતનો ઇતિહાસ – (સાહિત્યમાં )


✍ પ્રાચીન ભારતનો ઇતિહાસ – (સાહિત્યમાં ) ✍

***** આ લેખ સાહિત્યરસિક મિત્રો અને ઈતિહાસ રસિક મિત્રો અવશ્ય વાંચે *****

👉 સૌ પ્રથમ તો આપણે પ્રાચીન ભારતનો ઈતિહાસ કેવો છે તે જાણી લેવું આવશ્યક છે.
આ ઈતિહાસ સંપૂર્ણતયા ઈતિહાસ છે કે એનો માત્ર ઉલ્લેખ થયો છે તે જાણી લેવું જ જોઈએ.
બીજું કે આપણા ગ્રંથોમાં બીજાં દેશો અને બીજી પ્રજાનો ઉલ્લેખ ક્યાં ક્યાં થયો છે એ પણ જાણી લેવું અત્યંત જરૂરી છે.

👉 આપણું જ લિખિત અને કથિત સાહિત્ય જ જગતમાં સર્વપ્રથમ છે એમાં તો કોઈ જ શંકાને સ્થાન નથી જ પણ ઇતિહાસમાં કોને પિતા કહેવો?
અને તેને શા માટે પિતા કહેવામાં આવે છે? તેનું કાર્ય શું છે ? અને તે કેટલે અંશે સાચું છે ? તે દર્શાવવાનો મારો મતલબ કે અંગુલીનિર્દેશ કરવાનો આ મારો પ્રયાસ માત્ર છે !

👉 ઇતિહાસની ચર્ચા આપણે આગળ જતાં કરશું !! પણ એ પહેલા આપણે આપણા દેશમાં ઇતિહાસના પ્રાપ્ય સાધનો અને પ્રાપ્ત સાહિત્ય કયું છે ? અને તે કેટલું જુનું છે તે પણ જાણી લઈએ તો સારું છે !!!

👉 પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને શાસનનો અભ્યાસ કરતાં પહેલાં, ઇતિહાસની પ્રાપ્ત અને ઉપલબ્ધ સામગ્રીનો અભ્યાસ કરવો જરૂરી છે,
જેનાં દ્વારા આપણે પ્રાચીન ભારતનાં ઇતિહાસ વિષે જ્ઞાત થઈએ છીએ. જેમ કે, ભારતના પ્રાચીન સાહિત્ય અને ફિલસૂફીના સંબંધમાં માહિતીના ઘણાં માધ્યમો ઉપલબ્ધ છે,
પરંતુ ભારતના પ્રાચીન ઇતિહાસ વિશેની માહિતી સંતોષકારક નથી.
તેમની ગૌણતાને કારણે, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ એવં શાસનનો કોઈ વ્યવસ્થિત ઇતિહાસ મળતો નથી.
તેમ છતાં, એવાં સાધનો ઉપલબ્ધ જરૂર થયાં છે જેનાં અભ્યાસ અને સર્વેક્ષણ દ્વારા આપણને ભારતની પ્રાચીનકાળની વાર્તાઓની આપણને જાણકારી મળે છે.
આ સાધનોનો અભ્યાસ કર્યા વિના કોઈને ભારતના ભૂતકાળ અને વર્તમાનનાં નિકટતમ સંબંધોની જાણકારી એવાં સ્રોત્રો દ્વારા મળે છે.

👉 આ સાધનોનો અભ્યાસ કર્યા વિના, ભારતના ભૂતકાળ અને વર્તમાનનાં આ સંકળાયેલા નિકટતમ સંબધો વિષે આપણે જાણી શકીએ છીએ જ !!!

👉 પ્રાચીન ભારતનાં ઈતિહાસ ની જાણકારીનાં સાધનોને બે ભાગમાં વહેંચી શકાય છે —–

✅ [૧] સાહિત્યિક સાધન
✅ [૨] પુરાતાત્વિક સાધન (જે દેશી અને વિદેશી બંને છે )

👉 સાહિત્યિક સાધનોનાં પણ બે પ્રકાર છે ——

✅ [૧] ધાર્મિક સાહિત્ય
✅ [૨] પ્રમાણભૂત સાહિત્ય (લૌકિક સાહિત્ય)

👉 ધાર્મિક સાહિત્યનાં પણ બે પ્રકાર છે ——

✅ [૧] બ્રાહ્મણ સાહિત્ય
✅ [૨] બીનબ્રાહ્મણ સાહિત્ય

👉 બ્રાહ્મણગ્રંથનાં પણ બે પ્રકાર છે ——-

✅ [૧] શ્રુતિ – જેમાં વેદ, બ્રાહ્મણ ઉપનિષદ વગેરે વગેરે આવે છે.
✅ [૨] સ્મૃતિ – જેની અંતર્ગત રામાયણ – મહાભારત, પુરાણ સ્મૃતિઓ આદિ આવે છે.

👉 પ્રમાણભૂતસાહિત્યનાં પણ ચાર પ્રકાર છે —–

✅ [૧] ઐતિહાસિક સાહિત્ય
✅ [૨] વિદેશી વિવરણ
✅ [૩] જીવની અને કલ્પનાપ્રધાન
✅ [૪] ગલ્પ સાહિત્ય

👉 પ્રાચીન ભારતનાં ઇતિહાસની જાણકારીના પ્રમુખ સાધન સાહિત્યિક ગ્રંથો જ છે કે જેને બે ઉપખંડોમાં વહેંચી શકાય છે.

✅ [૧] ધાર્મિક સાહિત્ય
✅ [૨] પ્રમાણભૂત સાહિત્ય (લૌકિક સાહિત્ય)

👉 આનું પૃથકરણ કરવું અત્યંત આવશ્યક છે.

👉 બ્રાહ્મણ એટલે કે ધાર્મિક સાહિત્ય ————

👉 બ્રાહ્મણ ગ્રંથ પ્રાચીન ભારતીય ઈતિહાસનું જ્ઞાન પ્રદાન કરવામાં અત્યાધિક સહયોગ આપે છે.
ભારતનું પ્રાચિનતમ સાહિત્ય પ્રધાનત: ધર્મ સંબંધી જ છે !એવાં અનેક બ્રાહ્મણ ગ્રંથો છે કે જેનાં દ્વારા પ્રાચીન ભારતની સભ્યતા તથા સંસ્કૃતિની વાતો જાણી શકાય છે.

👉 એમાં નિમ્નલિખિત મુખ્ય છે —

➡ [૧] વેદ ——-

👉 વેદમાં આપણને પ્રાચીન એટલે કે પ્રાગ ઐતિહાસિકકાળની માહિતી મળે છે. આવાં ગ્રંથોમાં વેદ સર્વાધિક પ્રાચીન છે સમગ્ર વિશ્વભરમાં અને એજ સૌથી પહેલા આવે છે મારો મતલબ છે કે એ જ સૌથી પહેલાં રચાયા છે.

👉 વેદ આર્યોનાં પ્રાચીનતમ ગ્રંથો છે. જે કુલ ચાર છે ——

✅ (૧) ઋગ્વેદ
✅ (૨) સામવેદ
✅ (૩) યજુર્વેદ
✅ (૪) અથર્વવેદ

👉 આનાં દ્વારા આર્યોનાં પ્રસાર, પારસ્પરિક યુદ્ધ, અનાર્યો, દાસો અને દસ્યુઓ અને તેમનાં નિરંતર સંઘર્ષ તથા એમનાં સામાજિક, ધાર્મિક તથા આર્થિક સંગઠનની વિશિષ્ટ માત્રામાં જાણકારી પ્રાપ્ત થાય છે.
બિલકુલ આ જ પ્રકારે અથર્વવેદ દ્વારા તત્કાલીન સંસ્કૃતિ તથા વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.

➡ [૨] બ્રાહ્મણ ગ્રંથ ———

👉 વૈદિક મંત્રો તથા સંહિતાઓની ગદ્ય ટીકાઓને બ્રાહ્મણ ગ્રંથ કહેવામાં આવે છે. પુરાતન બ્રાહ્મણ ગ્રંથોમાં એતરેય,શતપથ,પંચવિશ, તૈતરીય આદિ વિશેષ મહત્વપૂર્ણ છે.
ઐતરેયનાં અધ્યયનથી રાજ્યાભિષેક તથા અભિષિક્ત નૃપતિઓનાં નામોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
પણ શતપથનાં એકસો અધ્યાય તો ભારતના પશ્ચિમોત્તર દેશો કે રાજ્યો જેવાં કે ગાંધાર તથા કૈકેય આને પ્રાચ્ય દેશ કુરુ, પાંચાલ, કોશલ તથા વિદેહસંબંધમાં અતિહાસિક માહિતી આપણને ઉપલબ્ધ કરાવે છે.

➡ [૩] ઉપનિષદ ———-

👉 ઉપનિષદ – ઉપનિષદોમાં “બૃહદારણ્યક” તથા “છાંદોન્ય” સર્વાધિક પ્રસિદ્ધ છે.
આ ગ્રંથોમાં બિંબિસારનાં પૂર્વેનાં ભારતની અવસ્થા જાણી શકાય છે.રાજા પરીક્ષિતની વાત તો આપણને આ બ્રાહ્મણો દ્વારા રચાયેલી સંહિતા દ્વારા જ આપણને ખબર પડે છે.
આ ઉપનિષદમાં જ રાજા પરીક્ષિત અને જનમેજયની વાત આવે છે !!!

👉 આ ઉપનિષદોથી એ તો સ્પષ્ટ થઇ જ જાય છે કે આર્યોનું દર્શન વિશ્વનાં અન્ય સભ્યદેશોનાં દર્શનથી સર્વોત્તમ તથા અધિક આગળ હતું !!!
આર્યોનાં આદ્યાત્મિક વિકાસ પ્રાચિનતમ ધાર્મિક અવસ્થા અને ચિંતનનાં જીવતાં જાગતાં ઉદાહરણો આ ઉપનિષદોમાં આપણને મળે છે.

➡ [૪] વેદાંગ ——–

👉 વેદાંગ – યુગાંતરમાં વૈદિક અધ્યયન માટે ૬ વિદ્યાઓની શાખાઓનો જન્મ થયો છે જેને આપણે વેદાંગ કહીએ છીએ!
વેદાંગનો શાબ્દિક અર્થ છે- વેદોનું અંગ, તથાપિ આ સાહિત્ય પૌરુષેય હોવાનાં કારણે એને શ્રુતિ સાહિત્યથી પૃથક ગણવામાં આવે છે.
એ આ પ્રકારે છે – શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુકત,છંદશાસ્ત્ર તથા જ્યોતિષ!
વૈદિક શાખાઓ અંતર્ગત જ એમનું પ્રુથકૃ-પૃથક વર્ગ સ્થાપિત થયો અને આ જ વર્ગોનાં પાઠય ગ્રંથોનાં રૂપમાં સુત્રોનું નિર્માણ થયું.

👉 કલ્પસુત્રોને ચાર વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યાં છે ——

✅ [૧] શ્રૌત સૂત્ર – જેનો સંબંધ મહા યજ્ઞો સાથે હતો.
✅ [૨] ગુહ્ય સૂત્ર – જે ગૃહ સંસ્કારો પર પ્રકાશ નાંખે છે.
✅ [૩] ધર્મ સૂત્ર – જેનો સંબંધ ધર્મ તથા ધાર્મિક નિયમો સાથે હતો.
✅ [૪] શુલ્વ સૂત્ર – જે યજ્ઞ, હવન -કુંઠ વેદી,નામ આદિ સાથે સંબધિત છે.

👉 વેદાંગથી જ્યાં એક તરફ પ્રાચીન ભારતની ધાર્મિક અવસ્થાઓનું જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યાં બીજી તરફ એની સામાજિક અવસ્થાનું પણ !!!

➡ [૫] રામાયણ – મહાભારત ———

👉 વૈદિક સાહિત્યનાં ઉત્તરભાગમાં રામાયણ અને મહાભારત નામનાં બે મહાન મહાકાવ્યોનું પ્રણયન થયું.
સંપૂર્ણ ધાર્મિક સાહિત્યમાં આ બંને મહાકાવ્યો પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
રામાયણની રચના મહર્ષિ વાલ્મીકિએ કરી હતી એનાથી તો તમે સૌ વિદિત જ છો અને એમાં ભગવાન રામની કથા આવે છે એ પણ તમે સૌ જાણો જ છો !
આ અતિપ્રખ્યાત મહાકાવ્યમાં રાજ્ય સીમા, યવનો અને શકોના નગર, શાસનકાર્ય, રામરાજ્ય આદિનું વર્ણન આવે છે.
“મહાભારત” એ તો સૌથી મોટું મહાકાવ્ય છે.
મૂળ મહાભારતનું પ્રણયન ભગવાન વેદવ્યાસજી એ કર્યું હતું !
મહાભારતનું વર્તમાન રૂપ પ્રાચીન ઇતિહાસ કથાઓ, ઉપદેશોનો ભંડાર છે.
આ ગ્રંથમાંથી જ ભારતની પ્રાચીન સામાજિક તથા ધાર્મિક અવસ્થાઓ પર પ્રકાશ પડે છે.

👉 આ બંને મહાકાવ્યોની વિશેષતા એ છે કે એ આર્ય સંસ્કૃતિના દક્ષિણમાં પ્રસારનો નિર્દેશ કરે છે.
રામાયણમાં તત્કાલીન પૌર જનપદો અને મહાભારતમાંથી “સુધમાં”અને “દેવસભા”ની આપણને જાણકારી પ્રાપ્ત થાય છે.
એમાંથી એ બાબતમાં પણ આપણે જ્ઞાત થઈએ છીએ કે રાજા કેટલી હદ સુધી સ્વેચ્છાચારી હતો અને ક્યાં સુધી એનો પ્રભાવ અને એના કાર્યની સીમાઓ આ રાજનીતિક સંસ્થાઓ તથા પ્રજા પ્રતિનિધિત્વ દ્વારા પરિમિત હતી.

➡ [૬] પુરાણ ———–

👉 મહાકાવ્યોની રચના પશ્ચાત જ પુરાણો આવે છે જેની સંખ્યા કુલ અઢાર છે. એની રચનાનું શ્રેય `સૂત`લોમહર્ષણ અથવા એમના પુત્ર ઉગ્રશ્રવસ અથવા ઉગ્રશ્રવાને જાય છે.

👉 પુરાણોમાં પાંચ પ્રકારના વિષયોનું વર્ણન સિદ્ધાંતત: આ પ્રકારે છે—-

✅ [૧] સર્ગ
✅ [૨] પ્રતિસર્ગ
✅ [૩] વંશ
✅ [૪] મનવંતર
✅ [૫] વંશાનુચરિત

👉 સર્ગ બીજ એ આદિ સૃષ્ટિનું પુરાણ છે.
પ્રતિસર્ગ પ્રલય પછીની પુન:સૃષ્ટિની વાત કરે છે.
વંશમાં દેવતાઓ અને અને ઋષિઓના વંશવૃક્ષોનું વર્ણ કરવામાં આવ્યું છે.
મન્વન્તરમાં કલ્પના મહાયુગોનું વર્ણન મળે છે જેમાં પ્રત્યેકમાં મનુષ્યના પિતા એક મનુ હોય છે અને વંશાનુચરિત પુરાણોનું એ અંગ છે….
જેમાં રાજવંશોની તાલિકાઓ આપવમાં આવી છે અને રાજનીતિક અવસ્થાઓ, કથાઓ અને ઘટનાઓનું વર્ણન છે.
ઉપર્યુક્ત પાંચ પુરાણોના વિષય હોવા છતાં પણ અઢાર પુરાણોમાં વંશાનુચરિતનું પ્રકરણ પ્રાપ્ત નથી થતું.
એ આપણું દુર્ભાગ્ય છે કે કારણકે પુરાણોમાં જ ઐતિહાસિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ વિષયોને આવરી લેવાયા છે એ તો વંશાનુચરિત છે !!!
વંશાનુચરિત માત્ર ભવિષ્ય,મત્સ્ય,વાયુ, વિષ્ણુ,બ્રહ્માંડ તથા ભાગવત પુરાણોમાં જ પ્રાપ્ત થાય છે.
ગરુડ પુરાણમાં પણ પૌરવ, ઈશ્વાકુ અને બાર્હદય રાજવંશોની તાલિકા પ્રાપ્ત થાય છે પણ એની તિથિ પૂર્ણતયા અનિશ્ચિત છે.

👉 સવાલ એ છે કે પુરાણોએ તો બધું વર્ણિત કર્યું જ છે તેમ છતાં એ ઈતિહાસ તો નથી જ નથી !!!
આ પુરાણોમાં વર્ણવાયેલી ભવિષ્યશૈલીમાં કલિયુગનાં નૃપતિઓની તાલીકોની સાથે શિશુનાગ,નંદ,મૌર્ય, શૃંગ,કણ્વ, સાતવાહન,તથા ગુપ્તવંશની વંશાવલીઓ પણ પ્રાપ્ત થાય છે.
શિશુનાગોમાં જ બિંબિસાર એવં અજાતશત્રુનો ઉલ્લેખ મળે છે.

👉 આ રીતે જોવાં જઈએ તો પુરાણોમાં માત્ર ઇસવીસનની ચોથી શતાબ્દી સુધીની જ સ્થતિ-પરિસ્થિતિનો ઉલ્લેખ કરાયો છે એ પછીનો તો નહીં જ !!!
મૌર્યવંશના સંબંધમાં વિષ્ણુપુરાણમાં જ પૂરો ઉલ્લેખ જોવાં મળે છે.
બરોબર એવી જ રીતે મત્સ્ય પુરાણમાં માન્ધ્ર વંશનો પૂરો ઈતિહાસ જાણવા મળે છે.
જયારે વાયુપુરાણ એ ગુપ્ત સમ્રાટોની શાસન પ્રણાલી પર પ્રકાશ નાંખે છે !!!
આ પુરાણોમાં શુદ્રો અને મલેચ્છોની પણ વંશાવલી આપવામાં આવી છે.
આમીર,શક,ગર્દભ, યવન,તુષાર,હૂણઆદિનો પણ એમાં ઉલ્લેખ કરાયો છે !!!

👉 આને ઐતિહાસિક ગ્રંથો તો ના જ કહેવાય એ વધારે ધાર્મિક અને સાહિત્યિક છે. પણ આ પુરાણોની અવધિ જ્યાં પૂરી થાય છે તેનું સ્થાન સ્મૃતિઓએ લઇ લીધું છે

👉 ભારત એટલે કે આર્યાવર્તનો ઈતિહાસ એ પુરાણોમાં વર્ણિત નથી જ.
કારણકે પુરાણો તો ઘણાં પ્રાચીન ગ્રંથો છે લગભગ ૬૦૦૦ થી ૭૦૦૦ વર્ષ જૂનાં પણ એ ત્યારથી તે લગબગ આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં સુધીની જ માહિતી આપણને ઉપલબ્ધ કરાવે છે
તેમ છતાં પુરાણો ધાર્મિક વધારે છે એટલે આપણે જેને ઈતિહાસ કહીએ છીએ તેની માહિતી વિગતે તેઓ પાડી શકતાં નથી પણ આધારસ્તંભ જરૂર એને ગણાવી શકાય !!!

➡ [૭] સ્મૃતિઓ ———

👉 બ્રાહ્મણ ગ્રંથોમાં આ સ્મૃતિઓનું પણ એક વિશેષ મહત્વ છે.
મનુ,વિષ્ણુ,યાજ્ઞવલ્ક્ય,નારદ,બૃહસ્પતિ, પરાશર આદિઓની સ્મૃતિઓ પણ ઘણી જ પ્રચલિત છે જે ધર્મશાસ્ત્રના આધારભૂત ગ્રંથો તરીકે સ્વીકારવામાં આવી છે !!!
મનુસ્મૃતિ કે જેની રચના સંભવત: ઈસવીસન પૂર્વે બીજી શતાબ્દીમાં થઇ હતી જેમાં આપણને ધાર્મિક તથા સામાજિક અવસ્થાઓ વિષે વિશેષ જાણકારી પ્રાપ્ત થાય છે.
નારદ તથા બૃહસ્પતિ સ્મૃતિ કે જેની રચના લગભગ ઈસવીસનની પ્રથમ શતાબ્દીથી ત્રીજી સદીની આસપાસ થઇ હતી એવું માનવામાં આવે છે.
રાજા અને પ્રજાની વચ્ચે બંધાતા ઉચિત સંબંધો અને એમની વિધિઓ વિષે આમ આપણને જાણવાનું મળે છે.
આ અતિરિક્ત પરાશર,અત્રિ હરિસ, ઉશનસ,અંગિરસ,યમ, ઉમવ્રત,કાત્યાયન, વ્યાસ,દક્ષ,શરતાતય, ગાર્ગેય વગેરેની સ્મૃતિઓ પણ પ્રાચીન ભારતની સામાજિક અને ધાર્મિક અવસ્થાઓના વિષયમાં બતાવે છે.
આનો રચનાકાળ તો કોઈપણ રીતે નિશ્ચિત તો નથી જ થતો પણ આ બધી સ્મૃતિઓ ઇસવીસનની છઠ્ઠી સુધી લંબાઈ જરૂર હશે એવું માનવાનું મન અવશ્યપણે થાય છે !!!

👉 ટૂંકમાં… ઇસવીસનની પૂર્વેની બીજી સદીમાં મનુ સ્મૃતિ થઇ તે પછી અનેક સ્મૃતિઓ રચાઈ તેમાં છેક છઠ્ઠી સદી સુધીનો નો ઇતિહાસ આપણને નજર સમક્ષ કરાવે છે એ વાત તો આપણે સ્વીકારવી જ રહી.

👉 મારાં મંતવ્ય પ્રમાણે તો આ બધી સ્મૃતિઓ એ મૌર્યકાળ સુધી જ સીમિત છે એ ગુપ્તકાલીન ઈતિહાસ સુધી તો નથી જ પહોંચતી !!!
મૌર્યકાળ પણ આમ તો ક્યાંય પણ ઉલ્લેખ થયો નથી જ પણ આ સ્મૃતિનો રચનાકાળ એ સમય સુધી અને ઇસવીસનની ત્રીજી સદીસુધીનો જરૂર છે !!!
પણ આ ઐતિહાસિક ગ્રંથો ન હોવાથી એમાં આપણે જેને ઈતિહાસ કહીએ છીએ એ ઇતિહાસની માહિતી ક્રમબદ્ધ રીતે તો આમાંથી પણ પ્રાપ્ત નથી થતી.
આ બધાંજ ગ્રંથો મૌર્યો પૂર્વેની જ વાત કરે છે જેમાં કશું ખોટું પણ નથી જ !!!

👉 એક વાત તો છે આ બધાં ગ્રંથોની રચના એ કંઈ ઈતિહાસનું વર્ણન કરવાં માટે તો નથી જ થઇ ને અને ઈતિહાસ તો શરુ થાય છે સિકંદરના આગમનથી અને મગધના નંદવંશથી !!!
તેમ છતાં એમાં આર્યાવર્તના પ્રાચીન ઈતિહાસની માહિતી આપણને જરૂર મળે છે.
જો એ ના મળી હોત તો આપણે એનાથી જ્ઞાત જ ના થયાં હોત ને !!!
એને એ દ્રષ્ટીએ જોવું જોઈએ અને એનું મહત્વ પણ એ જ દ્રષ્ટિએ છે !!!
આ બધાં જ ધાર્મિક ગ્રંથો હતાં ….. એને ઈતિહાસ તો ના જ કહી શકાય !!!
એ સમયનું વર્ણન અને એ સમયના રાજાઓ ને સમાજરચના અને વર્ણવ્યવસ્થા અને જાહેર જીવન પર એમાં પ્રકાશ જરૂર પાડવામાં આવ્યો છે એમ અવશ્યપણે કહી શકાય એમ જ છે !

👉 આ બધાં જ બ્રાહ્મણ ગ્રંથો છે !!!
હવે વાત કરીએ બૌદ્ધ સાહિત્યની …….એટલે કે બીન બ્રાહ્મણ ગ્રંથોની !!!

➡ બીનબ્રાહ્મણ (અબ્રાહ્મણ) ગ્રંથ ———–

👉 ધાર્મિક સાહિત્યનાં બ્રાહ્મણ ગ્રંથોની અતિરિક્ત બીનબ્રાહ્મણ ગ્રંથોમાંથી પણ આપણને જે તે સમયની વિભિન્ન પરિસ્થિતિ અને અવસ્થાઓ વિષે માહિતી પ્રાપ્ત થાય છે

➡ [૧] બૌદ્ધ ગ્રંથ ———-

👉 બૌદ્ધ મતાવલબ્ધિઓએ જે પ્રકારે સાહિત્યનું સૃજન કર્યું છે,
એમાં ભારતીય ઇતિહાસની જાણકારી માટે પ્રચુર સામગ્રીઓ નિહિત છે. “ત્રિપિટક” એમનો મહાન ગ્રંથ છે.
સૂત, વિનય તથા અભિધમ્મ એ સાથે મળીને જ “ત્રિપિટક” ક્હેવાય છે !!!
બૌદ્ધ સંઘ, ભિક્ષુઓ તથા ભિક્ષુણીઓ માટે આચારણીય નિયમવિધાન વિનય પિટકમાં પ્રાપ્ત થાય છે.
સુત પિટકમાં બુદ્ધદેવના ધર્મોપદેશ છે. ગૌતમ બુદ્ધ નિકાયોમાં વિભક્ત છે –

👉 પ્રથમ દીર્ઘ નિકાયમાં બુદ્ધના જીવન સાથે સંબંધિત એવં એમનાં સંપર્કમાં આવેલી વ્યક્તિઓનું વિશેષ વિવરણ છે.
બીજા સંયુક્ત નિકાયમાં ઈસવીસનની છઠ્ઠી શતાબ્દી પૂર્વેનાં રાજનીતિક જીવન પાર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
પરંતુ સામાજિક અને આર્થિક સ્થિતિની જાણકારી આમાંથી અધિક માત્રામાં પ્રાપ્ત થાય છે.
ત્રીજા મઝિમ નિકાયે ભગવાન બુદ્ધને વૈદિક શક્તિઓથી યુક્ત એક વિલક્ષણ વ્યક્તિ માન્યાં છે.
ચોથા અંગુત્તર નિકાયમાં સોળ મહાનપદોની સૂચિ મળે છે.
પાંચમાં ખુદ્દક નિકાય કે જે લઘુ ગ્રંથોનો સંગ્રહ છે જેમાં આપણને ઈસવીસન પૂર્વે છઠ્ઠી શતાબ્દિથી લઈને મૌર્યકાળ સુધીનો ઇતિહાસ પ્રાપ્ત થાય છે.
અભિધમ્મ પિટકમાં બૌદ્ધ ધર્મનાં દાર્શનિક સિદ્ધાંત છે.
આ સિવાય પણ કેટલાંક બૌદ્ધ ગ્રંથો પણ છે. મિલિન્પન્હમાં યુનાની શાસક મિનેન્ડર અને બૌદ્ધ ભિક્ષુ નાગસેન સાથેનો વાર્તાલાપ છે.

👉 “દીપવંશ’માં આપણને મૌર્યકાળની માહિતી પ્રાપ્ત થાય છે.
“મહાવંશ” પણ મૌર્યકાળનાં ઈતિહાસને જ દર્શાવે છે.
“મહાબોધિવંશ”ને તો મૌર્યકાળનો ઈતિહાસ જ માનવામાં આવે છે.
“મહાવસ્તુ”માં ભગવાન બુદ્ધનાં જીવનને કેન્દ્રસ્થાને લઈને છઠ્ઠી શતાબ્દી ઇસવીસન પૂર્વેનાં ઈતિહાસને પ્રસ્તુત કરવામાં આવ્યો છે
“લલિતવિસ્તાર”માં ભગવાન બુદ્ધની એહિક લીલાઓનું વર્ણન છે જે મહાયાન સંબંધિત છે.
પાલીની “નિદાન કથા” બોધિસત્વોનું વર્ણન કરે છે.
યાતિમોક્ખ, મહાવગ્ગ, ચુગ્લવગ્ગ, સુત વિભંગ એવં પરિવારમાં ભિકખુ-ભિકખુનીયોનાં નિયમોનો ઉલ્લેખ થયેલો જોવાં મળે છે.
આ પાંચેય ગ્રંથો “વિનય” અંતર્ગત આવે છે.
અભિધમ્મનાં સાત સંગ્રહ છે જેમાં તત્વજ્ઞાનની ચર્ચા વિશેષ કરવામાં આવી છે.
ઐતિહાસિક જ્ઞાન પ્રાપ્તિ માટે ત્રિપિટકોનું અધ્યયન અત્યંત આવશ્યક છે.
આ પ્રકારે બૌદ્ધગ્રંથોમાં જાતક કથાઓનું પણ બીજું મહત્વપૂર્ણ સ્થાન છેજેની સંખ્યા ૫૪૯ છે.
“એનું મહત્વ માત્ર એટલાં નત્થી કે એનું સાહિત્ય અને એની કળા શ્રેષ્ઠ છે, પ્રત્યુત ત્રીજી શતાબ્દી ઇસવીસન પૂર્વેની સભ્યતાનાં ઇતિહાસની દ્રષ્ટિથી પણ એનું મહત્વ વધારે ઊંચું માનવામાં આવે છે !!”
આ જાતક કથાઓમાં ભગવાન બુદ્ધનાં જન્મ પૂર્વેની કથાઓ ઉલ્લિખિત છે.

👉 આ બૌદ્ધ સાહિત્ય જે મૌર્યકાળ અને શૃંગ વંશ સુધી જ સીમિત રહ્યું !!!શૃંગ વંશ અને મિનેન્ડર પછી લગભગ બૌદ્ધ સાહિત્ય લખાતું જ બંધ થઇ ગયું હોય એવું પ્રતિત થાય છે.

➡ [૨] જૈન ગ્રંથો ———–

👉 પ્રાચીન ભારતનું અતિહાસિક જ્ઞાન પ્રાપ્ત કરવાં માટે આ જૈન ગ્રંથો પણ ખુબ જ ઉપયોગી છે.
એ પ્રધાનત: ધાર્મિક વધારે પડતાં છે. આ ગ્રંથોમાં “પરિશિષ્ટ પર્વત”વિશેષ મહત્વપૂર્ણ છે.
“ભદ્રબાહુ ચરિત્ર” બીજો પ્રસિદ્ધ જૈન ગ્રંથ છે જેમાં જૈનાચાર્ય ભાદ્ર્બહુની સાથોસાથ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનાં સંબંધમાં પણ આપણને ઉલ્લેખ મળે છે.
આ ગ્રંથોની અતિરિક્ત કથા-કોષ. પુણ્યાશ્રવ-કથાકોષ,ત્રિલોક પ્રજ્ઞસ્તિ, આવશ્યક સૂત્ર, કાલિકા પુરાણ, કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર આદિ અનેક જૈન ગ્રંથો ભારતીય ઇતિહાસની સામગ્રીઓ પ્રસ્તુત કરે છે.

👉 એની અતિરિક્ત દીપવંશ, મહાવંશ, મિલિન્દપન્હો,દિવ્યાવદાન આદિ ગ્રંથની આ બંને ધર્મો તથા મૌર્ય સામ્રાજ્યનાં સંબંધમાં યત્ર-તત્ર ઉલ્લેખ કરતાં નજરે પડે છે !!!
આ જૈન ગ્રંથો પણ ઇતિહાસમાં મૌર્યકાળ સુધી જ સીમિત રહ્યાં છે !!!

➡ પ્રમાણભૂત સાહિત્ય (લૌકિક સાહિત્ય) ——–

👉 ઐતિહાસિક સામગ્રીઓની ઉપલબ્ધિનાં દ્રષ્ટિકોણથી આ પ્રમાણભૂત (લૌકિક) સાહિત્યને પ્રમુખટ: બે વિભાગમાં વહેંચી શકાય તેમ છે.

➡ [૧] ઐતિહાસિક ગ્રંથ ——–

👉 સમગ્ર વિશ્વમાં એવાં અનેક વિશુદ્ધ ઐતિહાસિક ગ્રંથો છે કે જેમાં માત્ર સમ્રાટ તથા તેમનાં શાસન સંબંધિત તથ્યોનો જ ઉલ્લેખ કરાયો છે.
આવાં ગ્રંથોમાં કલ્હણ કૃત “રાજતરંગિણી”નામનો ગ્રંથ સર્વ પ્રથમ આવે છે જે પૂર્ણત: ઐતિહાસિક છે.
આ ગ્રંથ કાવ્યાત્મક છે તેમ છતાં એમાં કથા-વાહિક રૂપમાં પ્રાચીન ઐતિહાસિક ગ્રંથો રાજ્ય શાસકો અને પ્રશસ્તિઓનાં આધાર પર ઐતિહાસિક વૃત્તાંત પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.
આ પ્રમાણભૂત ગ્રંથની રચના ઇસવીસન ૧૧૪૮માં શરુ કરવામાં આવી હતી.
કાશ્મીરનો સંપૂર્ણ ઈતિહાસ અને કાશ્મીરનાં બધાં નરેશો અને એમના રાજવંશ અને તત્કાલીન પ્રજાનું જાહેર જીવન અને તેમનો ઈતિહાસ તથા એ વિષયક જાણકારી આ સુવિખ્યાત ગ્રંથમાંથી આપણને મળે છે.
આમાં ક્રમબધ્ધતાનો પુરતો ખયાલ રાખવામાં આવ્યો છે જે ઇતિહાસમાં ખુબ જ મહત્વનું છે !!

👉 એક વાત તો છે કે આની પહેલા જે પણ કંઈ ઈતિહાસ વિષે લખાયું એ માત્ર એ સમયનો ચિતાર જ આપતું હતું એને ઈતિહાસ તો ના જ ગણી શકાયને !!!
સંસ્કૃત સાહિત્ય તો આ પહેલાં પણ વિપુલ માત્રામાં રચાયું હતું.
એવું પણ નથી ભારતના બધાં વંશોમાં કોકને કોક તો ઉત્તમ સાહિત્યકાર થયો જ હતો કે થયાં હતાં !!!
પણ એ બધાં સાહિત્ય પ્રકાર તરીકે જ ઉત્તમ નીવડયા છે નહીં કે ઇતિહાસકાર તરીકે !!!
તત્કાલીન વંશમાં થયેલો સાહિત્યકાર એની પૂર્વેના વંશ વિષે લખે તો કાં તો એનો આશય ઉત્તમ સાહિત્ય રચવાનો હોય કે જેમાં કલ્પનાશક્તિ અને ભાષાનું જ્ઞાન વિશેષ મહત્વનો ભાગ ભજવતી હોય છે.
આવું જ બન્યું છે મધ્યકાલીન ઈતિહાસ સમાપ્ત થયો ત્યાં સુધી તો!!!
આમ તો ……. છેક અત્યાર સુધી આવું જ બન્યું છે પણ સમયે સમયે માહિતી વધારે ઉપલબ્ધ થતી હોવાનાં કારણે જ આપણે આપણા ભવ્ય ભૂતકાલીન ઈતિહાસ વિષે માહિતગાર થઇ શકીએ છીએ જ !!!
જેમાં આપણને ઘણા ઉત્તમ સાહિત્યકારો અને સાહિત્ય પ્રકારો મળ્યાં છે.
એની વાત થોડી અહીં કરીશું બાકીની વાત જે તે રાજાઓ વખતે !!!
પણ આપણી મનોવૃત્તિ એવી છે ને કે આપણું ધ્યાન મહારાષ્ટ્રથી ઉત્તર સુધી અને ગુજરાત થી પશ્ચિમ બંગાળ સુધી જ આપણે ઇતિહાસની ખંખોળ કરીએ છીએ.
અરે છેક કાસ્પિયન સી સુધી કે ચીન સુધી પહોંચી જઈએ છીએ.
પંજાબ,સિંધ ,અફઘાનિસ્તાન અને તુર્કસ્તાન સુધી પહોંચીએ છીએ પણ ભારતનાં દક્ષિણનાં રાજ્યો વિશેનો ઈતિહાસ જાણવાનું આપણને કોઈ જ કુતુહલ થતું જ નથી.
એ તો જગજાહેર છે કેને દ્રવિડો જે ઈરાન બાજુથી આવ્યાં એ દક્ષિણમાં સ્થિત થયાં હતાં આટલું જ આપણે જાણીએ છીએ.
એમણે ભારતમાં આવીને અને અહી રહીને શું કર્યું એ આપણે જાણવું જ નથી.
આ પ્રાંતવાદ નહીં તો બીજું શું છે !!!!
તાત્પર્ય એ છે કે દક્ષિણ ભારતનો પણ ભવ્ય ઈતિહાસ છે !!!
એ વિષયક ઘણું બધું લખાયું છે જેનાં નામ તમને ખબર ના હોય એ સ્વાભાવિક પણ છે.
પણ એના ઈતિહાસ વિષે ઘણું ઘણું લખાયું છે એ પણ એટલી જ સાચી વાત છે.

👉 આ દ્રવીડીયન લોકો તામિલ કહેવાયાં……
તામિલ અને એની બાજુના પ્રદેશોની ભાષા એ વખતે તો એક જ હતી
પછી કાળક્રમે એમની ભાષા બદલાતી ગઈ પણ તોય તેમણે સંસ્કૃતભાષાનો આધાર ના જ છોડયો તે ના જ છોડયો !!!
તે વખતે તો બધું જ સંસ્કૃતમાં જ લખાતું હતું !!!
આ ઐતિહાસિક ગ્રંથોમાં તમિળ ગ્રંથો પણ આવે છે.
એ છે — નાન્દિવક લામ્બકમ, ઓટ્ટકત્તુતનનું કુલોત્તુંગજ – પિલલૈત મિલ, જય ગોન્ડારનું કલિંગત્તુંધરણિ, રાજ-રાજ-શૌલન ઉલા અને ચોલવંશ ચરિતમ !!!
આ જ શ્રેણીમાં સિંહલનાં પણ બે ગ્રંથો આવે છે – દીપવંશ અને મહાવંશ
આમાં બૌદ્ધ ભારતનો ઉલ્લેખ સવિસ્તર છે.

👉 હવે વાત ભારતના ઉત્તમ સાહિત્યની કે જેમાં ભારતનો ઉલ્લેખ થયો છે
આ બધું જ ઉત્તમ સાહિત્ય છે એમાં તો કોઈ જ બે મત નથી !!!
એમાં કાવ્યાત્મક શૈલીની સાથે સંસ્કૃત નાટ્યપ્રકાર વધુ ફૂલ્યો ફાલ્યો છે.
સંસ્કૃત નાટકો એની ચરમ સીમા એ એ વખતે પણ હતાં અને આજે પણ છે.

👉 ગુપ્તકાલીન વિશાખદત્તનું “મુદ્રારાક્ષસ”એ સિકંદરના આક્રમણનાં શીઘ્ર બાદ જ ભારતીય રાજનીતિનું ઉદઘાટન કરે છે
આ નાટકનાં વખાણ જેટલાં કરીએ ઓછાં જ છે .
આ નાટક એનાં મૂળ સ્વરૂપે આજે ક્યાંય પણ ઉપલબ્ધ નથી થતું એ આપણી કમનસીબી જ છે !!!
માત્ર આ નાટકનાં કેટલાંક અંશો આપણને “નાટ્ય દર્પણ”માં પ્રાપ્ત થાય છે.
પણ કોઈને એ વાતનો ખ્યાલ નથી કે આ વિશાખદત્તે એક નાટક “દેવીચન્દ્રગુપ્તમ”પણ લખ્યું હતું જે ઐતિહાસિક છે
કારણકે એમાં ગુપ્ત્વંશી શાસક રામગુપ્ત ના વિષયમાં આપણને ઘણી માહિતી પ્રાપ્ત થાય છે.
રાજા પોરસ કે જેણે સિકંદરનાં દાંત ખાટા કરી દીધાં હતાં એ જ તો “મુદ્રારાક્ષસ”નાં પ્રમુખ પત્રોમાંનાં એક છે
એની સાથે સાથે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય , મુત્સદ્દી ચાણકય તથા કેટલાંક તત્કાલીન નૃપતિઓનો પણ એમાં ઉલ્લેખ થયેલો જોવાં મળે છે
કૌટિલ્યનું “અર્થશાસ્ત્ર” પણ આજ સંદર્ભમાં મહતવપૂર્ણ ગ્રંથ છે અને એની રચના તો મુદ્રારાક્ષસની પૂર્વે થઇ હતી !!!
આ ગ્રંથોમાં રચનાકારો એ તત્કાલીન શાસન- પધ્ધતિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે
રાજાનાં કર્તવ્ય, શાસન- વ્યવસ્થા, ન્યાય આદિ અનેક વિષયોના સંદર્ભમાં કૌટિલ્યે પ્રકાશ પાડયો છે
વાસ્તવમાં મૌર્યકાલીન ઇતિહાસનો આ ગ્રંથ એક દર્પણ છે !!!

👉 પાણિનીનું ” અષ્ટાધ્યાયી” એક વ્યાકરણ ગ્રંથ હોવાં છતાં પણ એમાં મૌર્ય પૂર્વ તથા મૌર્યકાલીન રાજનીતિક અવસ્થા પર પ્રકાશ પાડે છે
આજ રીતે પાતંજલિનું “મહાભાષ્ય”પણ રાજનીતિનાં સંબંધમાં ચર્ચા કરે છે
આમેય પાતંજલિએ પાણિનીનાં અઘરાં પુસ્તક “અષ્ટાધ્યાયી”ને સીધી સરળ ભાષામાં સમજાય એ માટે એની એક ટીકા રૂપે જ “મહાભાષ્ય ” લખ્યું હતું
આ પાતંજલિ એ જ પુષ્યમિત્ર શૃંગને બીજાં અશ્વમેઘ યજ્ઞ વખતે હવન કરાવ્યું હતું ને !
એ સ્વાભાવિક છે કે એમાં પુષ્યમિત્ર શૃંગ સિવાયના અન્ય શૃંગવંશના રાજાઓનો તેમાં ઉલ્લેખ ના જ હોય !!!
“શુકનીતિસાર” પણ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ગ્રંથ છે જેમાં તત્કાલીન ભારતીય સમાજનું વર્ણન આપણને મળે છે.
જ્યોતિષ ગ્રંથ “ગાર્ગી સંહિતા”એ તો પુરાણનો જ એક ભાગ છે જેમાં આપણને યવનોનાં આક્રમણનો ઉલ્લેખ મળે છે.
કાલિદાસનું માસ્ટરપીસ નાટક “માલવિકાગ્નિમિત્રમ”સાહિત્યિક હોવાની સાથે સાથે ઘણી બધી ઐતિહાસિક સામગ્રીઓ આપણને પૂરી પાડે છે.
આ નાટકમાં મહાકવિ કાલીદાસે પુષ્યમિત્ર શૃંગનાં પુત્ર અગ્નિમિત્ર તથા વિદર્ભરાજની રાજકુમારી માલવિકાની પ્રેમ કથાનો ઉલ્લેખ થયેલો જોવાં મળે છે
કાલિદાસે પ્રાચીન ઈતિહાસ પણ ઘણાં મહાકાવ્યો અને નાટકો લખ્યાં છે જે બધા જ ઐતિહાસિક સામગ્રીઓ પૂરી પાડે છે
પણ વાત ભારતના ઇતિહાસની થતી હોય તો “વિક્રમોવર્ષીયમ”ની પણ કરવી જ જોઈએ જે રાજા વિક્રમાદિત્ય અને ઉર્વશીની પ્રેમકથાનું વર્ણન કરે છે.
આજ વિક્રમ એટલે ગુપ્તકાલીન રાજા વિક્રમાદિત્ય દ્વિતીય !!
આ સિવાય ઘણાં નાટકો અને ઘણું ઘણું સાહિત્ય રચાયું છે પણ જો એની વાત કરવાં બેસીએને તો એક મહાગ્રંથ રચાઈ જાય એટલે અહીં માત્ર આટલું જ પીરસ્યું છે
બાકીની વાત જે તે રાજાઓ અથવા જે તે સાહિત્યકાર વિષે જો કરું તો એમાં આવશે !!!

👉 એક પ્રશ્ન જરૂર મનમાં થતો હશેને બધાંને કે માત્ર ભારતના સાહિત્યકારો કે ઈતિહાસકારોએ જ ભારત વિષે લખ્યું છે.
કોઈ વિદેશી સાહિત્યકાર કે ઈતિહાસકારો એ આ વિષે લખ્યું છે ખરું અને જો લખ્યું તો એનું ઐતિહાસિક મહત્વ કેટલું ?
લખ્યું તો છે પણ એ કેટલું પ્રમાણભૂત તે મારાં મનમાં શંકા-કુશંકા પ્રેરનારું જ છે !!!

➡ [૨] વિદશી વિવરણ ———

👉 દેશી સાહિત્યકારો અને ઈતિહાસકારો સિવાય વિદેશી સાહિત્યકારો અને ઈતિહાસકારોએ પણ ભારતનાં ઈતિહાસ પૃષ્ઠ નિર્મિત કર્યા છે.
અનેક વિદેશી યાત્રીઓ એવં લેખકોએ સ્વયં ભારતની યાત્રા કરીને કે લોકો પાસે સાંભળીને ભારતીય સંસ્કૃતિનું ગ્રંથોમાં પ્રનાયણ કર્યું છે.
એમાં યુનાન,રોમ, ચીન, તિબેટ, અરબ આદિ દેશોના યાત્રી શામિલ છે.
યુનાનીઓનું વિવરણ તો સિકન્દરની પૂર્વેનું પણ પ્રાપ્ત થાય છે. એમના સમકાલીન તથા એમની પશ્ચાતની પરિસ્થિતિઓથી સંબંધિત છે.

👉 સ્કાઈલેક્સ પહેલો યુનાની સૈનિક હતો કે જે સિંધુ નદીનો પતો મેળવવા માટે પોતાના શાસક ડેરિયસ પ્રથમના આદેશથી સર્વ પ્રથમ ભારતની પવિત્ર ભૂમિ પર પોતાના કદમ પાડયા હતાં !!!
આનાં જ વિવરણથી એ ખબર પડે છે કે ભારતીય સમાજમાં ઉચ્ચ્કુલીન જનોનું બહુજ સન્માન હતું !!!
હેકેટિયસ એ બીજો યુનાની લેખક હતો કે જેણે ભારત અને વિદેશોની વચ્ચે કાયમ થયેલાં રાજનીતિક સંબંધોની ચર્ચા કરી છે.
હેરોડોટસ – હેરિયોડોટસ કે જેને ઇતિહાસનો પિતા કહેવામાં આવે છે એમણે એમ લખ્યું હતું કે —
“ભારતીય યુધ્ધ્પ્રેમી હતાં.”
આ જ ઇતિહાસકારનાં ગ્રંથથી એ પણ ખબર પડે છે કે ભારતનો ઉત્તરી અને પશ્ચિમી દેશો સાથે મધુર સંબંધ હતો.
ટેસિયસ કે જે ઈરાની સમ્રાટ જેરેક્સસણો વૈદ હતો અને એણે સિકંદરની પૂર્વેનાં ભારતીય સમાજના સંગઠન,રીતિ રીવાજ,રહેણી-કરણી ઇત્યાદિનું વર્ણન કર્યું છે.
પણ એનાં વિવરણ અધિકાંશત: કલ્પના પ્રધાન અને અસત્ય છે.

👉 આ વિદેશી વિવરણ આગળ વધારીએ તે પહેલાં ઇતિહાસના પિતા ગણાતાં હેરોડોટસ – હેરિયોડોટસ વિષે થોડું પિષ્ટપેષણ કરી લઈએ.
આ લેખ લખવાં પાછળનો મારો મુખ્ય ઉદ્દેશ જ આ છે.

➡ હેરોડોટસ – હેરિયોડોટસ ——– એક વિશ્લેષણ

👉 માન્યું કે હેરિયોડોટસ એ ઇતિહાસનો પિતા કહેવાય છે પણ તેમનો સમય મર્યાદિત છે.
એમનો સમય છે ઇસવીસન પૂર્વે ૪૮૪ થી ઇસવીસન પૂર્વે ૪૨૫નો.
દુનિયામાં અને ભારતમાં પણ જેને ભવ્ય ઈતિહાસ કહીએ છીએ કે જેને સુવર્ણ અક્ષરોમાં અંકિત કરવામાં આવે છે એ તો આ સમય પછીનો જ છે.
ગ્રીક, રોમન અને ઈજીપ્ત અને ચીનની સંકૃતિ પણ તે સમયમાં ઘણી જ પ્રાચીન હતી
પણ આ બધી કંઈ એ ભારતની પ્રાચિનતમ સંસ્કૃતિને તો ના જ પહોંચે એ તો સાવ દીવા જેવી સ્પષ્ટ વાત છે.
ભારતીય સંસ્કૃતિની ભવ્યતાના જે પુરાવાઓ પ્રાપ્ત થયાં છે એવાં આ બધામાંથી તો નથી જ પ્રાપ્ત થયાં
જો કે આ બધી જ ભવ્ય હતી એ તો અવશ્યપણે સ્વીકારવું પડે એમ છે એમાં એ સંસ્કૃતિને નીચી ઉતારવી એવું તો હું નહીં જ કરું !!!
પણ આ બધામાં સૌથી મહત્વની વાત છે આપણા ધાર્મિક ગ્રંથો !!!
હવે આ ગ્રંથો તો ઘણાં પહેલાં રચાયા છે અને હેરોડોટસ – હેરિયોડોટસ પછી પણ રચાયાં છે !!!
બીજી વાત એ કે એ સમયમાં તો પ્રિન્ટ મીડિયા પણ બહુ ઉપલબ્ધ નહોતું કે જેની હજારો પ્રતો બહાર પડી શકે
અરે ભાઈ એ વખતે તો કંઈ એમેઝોન કે ફ્લીપકાર્ટ ઉપલબ્ધ નહોતું કે એ તમને જયારે જોઈએ ત્યારે મળી જાય !!!
આ ગ્રંથો સીમાઓ પર કરીને વિદેશ પહોંચ્યા હતાં તો ખરાં એમ આપણે માની લઈએ તો પણ એ સંસ્કૃતમાં હતાં પર્સિયનમાં નહિ જ !!!
આ ભાષાથી હેરોડોટસ – હેરિયોડોટસ જ્ઞાત થયાં એ કેવી રીતે ?
હેરોડોટસ – હેરિયોડોટસ સાહિત્યકાર હતાં અને અન્ય ભાષાઓના પણ જાણકાર હતાં
પણ એમાં ક્યાંય પણ સંસ્કૃત ભાષાનો ઉલ્લેખ નથી
બાય ધ વે સંકૃત દળદાર સાહિત્ય તો કૌટિલ્યના અર્થશાસ્ત્ર પછી રચાયું છે.
સંસ્કૃતનાં જાણકાર હોય એવું પણ આપણે માની લઈએ તો પણ માત્ર એક જ ગ્રંથનો ઉલ્લેખ કેમ ?
એમાં પણ માત્ર કાશ્મીરનો જ કેમ ?
આ બધાં સવાલો જરૂર જવાબ માંગી તેવાં છે !!!
દેખીતી વાત છે કે એમણે કોઈ દ્વારા સાંભળેલું હોય અને એમણે લખ્યું હોય એવું પણ બની શકે છે કદાચ !!!
પણ જેમને ભારતની ભૂમિ પણ કદમ જ ના મુક્યો હોય અને એ ભારતીયોને મળ્યા જ ના હોય તો તેઓ ભારત વિષે કઈ રીતે લખી શકે ?
એ સમયમાં પ્રજા હતી પણ ઈતિહાસ બહુ માર્યાદિત હતો.
આપણા દેશમાં પણ યુધો તો થયાં છે હેરોડોટસ – હેરિયોડોટસની પૂર્વે પણ અને ત્યાર પછી પણ
એક વાત છે કે જે ઇતિહાસની વાત હેરોડોટસ – હેરિયોડોટસ કરે છે એ એમના સમયની કે એ પૂર્વેની જ હોય !!!
એટલેકે ઇસવીસન પૂર્વે ૪૮૪થી ઇસવીસન ૪૨૫ સુધીની જ આવે.
એનાં પછીની તો નાં જ આવે ને એ ભારતનો ઈતિહાસ તો ત્યાર પછીથી શરુ થયો છે.
બીજી વાત એ છે કે પર્શિયન,ઇન્ડો આર્યન ગ્રીક અને ચીનનાં જ સંપર્કમાં તે સમયનું ભારત હતું.
ચીની મુસાફરો તો પછીથી આવ્યાં અને એની પહેલાં આવ્યાં યુનાનીઓ એટલે કે સિકંદર !
સિકંદરની વાત પણ સાલી ગળે ઉતરે એવી તો નથી જ નથી.
એ જો મગધ જતા પહેલા હાર્યો હોય કે ત્યાંથી પાછો ફર્યો હોય અને પોરસ સામે તેને લડાઈ થઇ હોય એનાં કોઈ પણ દાર્શનિક પુરાવાઓ મળ્યાં જ નથી.
રાજા પોરસ જ જીત્યો હતો અને સિકંદર હાર્યો હતો.
આ બધું જ સિકંદરને બચાવવા અને એની આબરૂ સાચવવા જ લખાયું હતું.
પણ એ પહેલા પણ યુનાનીઓએ ભારત પર આક્રમણ કર્યું તો હતું જ તેમાં તેઓ સફળ પણ રહ્યાં હતાં.
પછી તેઓ ઇસવીસનની બીજી સદી પૂર્વે હાર્યા પુષ્યમિત્ર શૃંગ સામે.
આનો તો ઇતિહાસમાં ઉલ્લેખ થયેલો જોવાં મળે છે.
પણ એ પહેલાનો ઉલ્લેખ કેટલો વિશ્વસનીય ગણાય ?
જેમણે સિંધુ નદી જોઈ જ નથી કે એની સભ્યતાનો પુરતો અભ્યાસ પણ કર્યો નથી એ જ્યારે કાશ્મીર માટે કશ્યપ ઋષિનાં નામનો ઉપયોગ કરે ત્યારે એક આશ્ચર્ય જરૂર થાય છે મનમાં !!!
આ આખી વાત એવી છે કે ભારતને તેઓ છેક ગ્રીસથી ચીન સુધીનાં ઉત્તરીય ભાગ તરીકે જ જોતાં હતાં.
તેઓ એ ભૂલી ગયા કે ભારત તો દક્ષિણમાં કન્યાકુમારી અને પૂર્વમાં આસામ -ત્રિપુરા અરુણાચલ સુધીનું છે.
મગધ પહેલાં ક્યાંય ઐતિહાસિક યુધ્ધો થયાં જ નથી.
તો પછી હેરોડોટસ – હેરિયોડોટસ એવું કઈ રીતે કહી શકે કે ભારતની પ્રજા યુદ્ધ પ્રેમી હતી !!!
ઉત્તરાખંડમાં બદ્રીનાથ અને કેદારનાથ તો અતિપુરાણા છે તો એનો કેમ કોઈએ ઉલ્લેખ ના કર્યો ?
રહી વાત યુનાની અને ભારતીય સંબંધોની તો એ વાત તો સાચી છે કે સંબંધ તો પહેલેથી હતો અને છેક શૃંગકાળ સુધી રહ્યો હતો
આમ તો એ ગુપ્તકાળ પછી જ અસ્ત થયેલો જોવાં મળે છે !!
એક માત્ર કાશ્મીરનું નામ આપવાથી કોઈ મોટો ઇતિહાસકાર નથી બની જતો.
ભારતમાં માત્ર એક કાશ્મીર જ નહોતું એ વખતે !!!

👉 હવે હેરોડોટસ – હેરિયોડોટસ એ વધારે મહત્વના ગણાય છે ગ્રીકો -પર્શિયન યુદ્ધને કારણે
એમણે જે પાંચ ગ્રંથો લખ્યાં છે “હિસ્ટરીઝ”નાં નામે તેમાં આને જ વધારે પ્રાધાન્ય આપ્યું છે અનેએ સમયનો ચિતાર એમણે આપ્યો છે.
એમનું કાર્ય અને એમનું જ્ઞાન વિશાળ છે એમાં તો બે મત નથી
પણ તેઓ ઘણી બધી જગ્યાએ મ્હાત પામ્યાં છે એ પણ એટલું જ સાચું છે હિંદ મહાસાગરને ઇરેથ્રીયન સી કહ્યો છે અને આલ્પ્સ પર્વતમાળાને નદી કહી છે
જે ભૌગોલિક રીતે સાચું નથી આવી તો ઘણી માહિતી છે કેનું કોઈ જ ઐતિહાસિક મુલ્ય નથી !!!
ગ્રીકો અને પર્શિયનોને આપણે ક્યાં સુધી માથે ચડાવીને ફરવાનાં છે ?
સીધી અને સટ્ટ વાત એ છે કે એમણે કાશ્મીરમાં કશ્યપ નામનો ઉપયોગ કર્યો જ નથી
કારણકે તેઓ પોતે પણ એ વિષે અજ્ઞાત જ હતાં
જે વાત આપણા પુરાણોમાં છે એ બહાર લાવ્યાં છે તો કલ્હણ “રાજતરંગિણી” દ્વારા એ પહેલાં કોઈ જ નહીં !!!
જે માહિતી વર્ષો સુધી ધરબાયેલી હતી એ લોકો સુધી પહોંચી.
એક વાત કહું જો પુરાણમાં અ વાત હતી અને કાશ્મીરનો સુવર્ણયુગ હતો છઠ્ઠીથી આઠમી સદીનો તો આ વાત કોઈએ તે વખતે તો કરી જ નહોતી ને !!!!
કાશ્મીર તો હેરોડોટસ – હેરિયોડોટસ પહેલા પણ હતું અને ત્યાર પછી પણ હતું
તો આજે કેમ આ નામનો ઉપયોગ થાય છે એ મને કોઈ કહેશો જરા !!!
૧૨મી સદીથી આ ૨૧મી સદી સુધી તો આ વાત કોઈએ પણ ક્યાંય પણ નથી કરી.
જેનાં મનમાં કોઈ શંકા થતી હોય એ ફરીથી ઇતિહાસના પાનાંઓ ઉથલાવી જાય !!!
આ એટલાં માટે લખ્યું કે લોકો હેરોડોટસ – હેરિયોડોટસનાં નામે ચરી ખાય છે.
એમના નામ મુકીએ તો આપણી વિદ્વત્તા દેખાયને એટલાં માટે એથી વિશેષ કશું જ નહીં.
એમાં તેઓ સત્યતાની ચકાસણી કરવાનું ભૂલી ગયાં છે………… ધેટસ ઓલ !!!

👉 પાછાં વિદેશી વિવરણ પર આવી જઈએ …….

➡ વિદેશી વિવરણ (ચાલુ ) ———

👉 સિકંદરના સમયમાં પણ એવાં ઘણાં લેખકો હતાં કે જેમણે ભારત સંબંધિત અનેક ગ્રંથોની રચના કરી
આ બધાં લેખકો -ઈતિહાસકારો સિકંદરનાં ભારત પરનાં આક્રમણ સમયે એની સાથે જ ભારત આવ્યાં હતાં.
આમાં અરિસ્ટોબુલસ,નિઆર્ક્સ, ચારસ, યુમેનીસ આદિનાં નામ ઉલ્લેખનીય છે.
સિકંદર પશ્ચાતકાલીન યાત્રીઓ અને લેખકોમાં મેગેસ્થેનીસ,પ્લની,તાલિમી,ડાયમેક્સ,ડાયોડોરસ, પ્લુટાર્ક, એરિયન,કર્ટિયસ, જસ્ટિન, સ્ટ્રેબો આદિનાં નામો ઉલ્લેખનીય છે.
મેગેસ્થેનીસ તો યુનાની શાસક સેલ્યુકસ તરફથી રાજદૂતનાં રૂપમાં ચંદ્રગુપ્ત મૌર્યનાં દરબારમાં આવ્યાં હતો.
તે વખતે કદાચ આ બધાં એમની સાથે આવ્યાં હોય એવું માનવામાં આવે છે.
જયારે સત્ય તો એ છે કે આમાંથી પ્લુટાર્ક જે થયો છે તો ઇસવીસન ૪૬ થી ઇસવીસન ૧૨૦ સુધી.
એરિયનનો સમય છે ઇસવીસન ૮૬ થી ઇસવીસન ૧૪૬નો……. જો કે કેટલાંક એનો સમય ઇસવીસન ૮૯ થી ઇસવીસન ૧૬૦નો બતાવે છે!!!
સ્ટ્રેબોનો સમય છે ઈસ્વીસન પૂર્વે ૬૪થી ઇસવીસન ૨૪.
આ ત્રણ નામોની સાલવારી મેં એટલાં માટે આપી છે કે તેઓએ જ સિકંદર પર લખ્યું હતું અને એને માટે જ કદાચ તેઓ ભારત આવ્યાં હોય એવું બને અને કદાચ ના પણ આવ્યાં હોય એવું પણ બને !!!
આ રીતે જોવાં જઈએ તો સિકંદર થયો હતો એનો કોઈ પુરાતાત્વિક પુરાવો મળતો જ નથી અને એને વિષે લખ્યું છે સિકંદરના મર્યા પછી ૪૦૦ વર્ષ બાદ.
હવે આને કઈ રીતે સાચું પુરવાર કરી શકાય તે તમે જ કહો !!!

👉 મેગેસ્થીનીસની “ઈન્ડીકા” ભારતીય સંસ્થાઓ, ભૂગોળ, સમાજના વર્ગીકરણ તથા મગધની રાજધાની પાટલીપુત્ર આદિનાં સંબંધમાં પ્રચુર સામગ્રીઓ આપે છે.
યદ્યપિ આ ગ્રંથનું મૂળ રૂપ તો અપ્રાપ્ય જ હોય એ સમજી શકાય તેવું છે પણ આમાંથી ટાંકેલા અનેક ઉદાહરણો અનેક લેખકોનાં ગ્રંથોમાં મળી આવે છે.
ડાયમેક્સ તો રાજદૂતનાં રૂપમાં બિંદુસારના દરબારમાં કેટલાંક દિવસો સુધી રહ્યો હતો અને એણે પોતાનાં એ સમયની સભ્યતા તથા રાજનીતિનો ઉલ્લેખ કર્યો છે.
આ લેખનું પણ મૂળ પુસ્તક અનુપલબ્ધ છે.
તામલી એ ભારતીય ભૂગોળની રચના કરી હતી.
પ્લિનીએ પોતાના પુસ્તક “પ્રાકૃતિક ઈતિહાસ”માં ભારતીય પશુઓ, ઝાડપાન. છોડો, ખનિજઆદિનું વર્ણન કર્યું છે.
આ એરેલિયનનાં લેખ તથા કર્ટિયસ, જસ્ટિન અને સ્ટ્રેબોનાં વિવરણ પણ પ્રાચીન ભારતનાં ઈતિહાસનાં અધ્યયનની સામગ્રીઓ પ્રદાન કરે છે.
“ઇરિથિયન – સાગરનો પેરિપ્લસ”નામનાં ગ્રંથ કે જેનાં રચયિતાનું નામ અજ્ઞાત છે એણે પણ ભારતનાં વાણિજ્યનાં સંબંધમાં પ્રકાશ પાડયો હતો !!!

👉 ચીની યાત્રીઓ પણ ઘણાં આવ્યા ને ઘણું ફર્યા અને ભારતભ્રમણ પણ કર્યું હતું
જેમાં હ્યુ – એન -સંગ અને ફાહિયાન મુખ્ય છે.
તેમને પણ ભારતનાં ઈતિહાસ પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે!!!
ભારતનાં ઈતિહાસને વર્ણવતું ભારતીય લેખકનાં એક પુસ્તકનો ઉલ્લેખ રહી જાય છે એ છે —- બાણભટ્ટનું “હર્ષચરિત” !!
જો કે આનો રચનાકાળ છે છેક ઇસવીસનની સાતમી સદીનો !!!
ત્યાર પછીનો ઈતિહાસ તો ઘણો જાણીતો છે અને એની પ્રાપ્ય માહિતી પણ
તેમ છતાં ઇસવીસનની ૧૪મી સદી પછીના જ ઈતિહાસકારો એ ભારતનું યોગ્ય વર્ણન કર્યું છે પાશ્ચાત્ય સાહિત્યકારો અને ઈતિહાસકારોએ ઓછું જ !!!

👉 ભારતની ભૂમિ પર પગ મુક્યા વગર જેમણે જેમણે ભારતના ઇતિહાસના ગુણગાન ગાવાનો પ્રયત્ન કર્યો છે એ ઈતિહાસ સાથેનાં એક ચેડાં જ સાબિત થયાં છે
પછી એ દેશી હોય કે વિદેશી એનાથી ભારતનાં ઈતિહાસને કોઈ જ ફર્ક પડતો નથી અને નથી કયારેય પડવાનો
જેને જે લખવું હોય તે લખે …..
બાકી …… ઈતિહાસ તો યથા તથા યશોગાથા જ બની રહ્યો છે અને બની રહેશે !!!

!! જય ભારત !!
!! જય હિંદ !!

———– જનમેજય અધ્વર્યુ

⚔⚔⚔⚔⚔

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.