હિન્દુ નવવર્ષ વિક્રમ સંવત ૨૦૮૦
વિક્રમ સંવત અને શક સંવત કયું માનવું અને એમાં ચૈત્ર મહિનામાં કયું સંવત શરૂ થાય છે એ વિશે લોકો અસમંજસમાં છે. આ વિશે થોકબંધ સ્ટેટસો લખાય છે. શાસ્ત્રો આ વિશે શું કહે છે એ જાણ્યું હોત તો એમાં j આનો જવાબ છે / સ્પષ્ટતા છે. ચલો એ વિષયમાં હું જ થોડોઘણો પ્રકાશ પાડી દઉં.
પ્રથમ કેલેન્ડર ૩૧,૧૨૫ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, વિશ્વભરમાં ૩૦થી વધુ કેલેન્ડર, ભારતમાં 20 પંચાંગ બન્યાં છે. કહો કે અમલમાં છે વિશ્વની શરૂઆત થઈ ત્યારથી સમયનું ગણિત ચાલતું આવ્યું છે. આને હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં કાલ ગણના કહેવામાં આવે છે. તેની ગણતરી મુજબ આજથી વિશ્વનું ૧ અબજ ૯૭ કરોડ ૨૯ લાખ ૪૦ હજાર ૧૨૫મું વર્ષ શરૂ થયું છે. આજે આપણે તેને હિન્દુ નવા વર્ષ તરીકે ઉજવીએ છીએ.
વિશ્વની શરૂઆતથી અત્યાર સુધી, જુદા જુદા સમયગાળામાં બનાવવામાં આવેલ કુલ કેલેન્ડર લગભગ ૩૦ છે. તે જ સમયે, ભારતમાં અત્યાર સુધીમાં માત્ર ૨૦ પંચાંગ જ બન્યા છે. દરેક યુગમાં ગ્રહોની ગતિ બદલાતી રહેતી હોય છે, જેના કારણે ઋતુઓ પણ આગળ-પાછળ થઈ જાય છે. આ કારણોસર, સમયની ચોક્કસ ગણતરી માટે પણ ગણિતની પદ્ધતિ બદલાતી રહી.
કેવી રીતે થાય છે કાલગણના ? – સમયની ગણતરી કરવા માટે, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ગતિવિધિઓને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૃથ્વી પર ઋતુઓ અને દિવસના બદલાવ માટે સૂર્ય અને ચંદ્ર જવાબદાર છે. પૃથ્વી ચંદ્રની સાથે સૂર્યની આસપાસ ફરે છે. આ કારણોસર ત્રણેયની ગતિવિધિને સમજીને જ સમયની ચોક્કસ ગણતરી કરી શકાય છે. આ માટે જ્યોતિષના પુસ્તકોમાં ઘણા સૂત્રો અને સિદ્ધાંતો આપવામાં આવ્યા છે, જેમાંથી આ ગણતરીઓ કરવામાં આવે છે.
દરેક યુગમાં રાજાઓ પોતાનું કેલેન્ડર ચલાવતા હતા. રાજા એક નવું સંવત ચલાવતા જેથી પ્રજાને સંદેશોકે નવો યુગ શરૂ થવાનો છે. એવું નથી કે દરેક રાજા નવું સંવત ચલાવી શકતા હતા, ઘણા રાજાઓ તેમના સમયમાં જૂની ગણતરીને જ માન્યતા આપતા હતા. પરંપરા અને શાસ્ત્રો અનુસાર, નવા સંવતની શરૂઆત પહેલા, રાજાએ તેના રાજ્યના તમામ લોકોનું દેવું ચૂકવવાનું હતું. આ પછી જ નવું સંવત શરૂ થઈ શકશે. અત્યાર સુધીના મુખ્ય ભારતીય કેલેન્ડર વિશે જાણી લેવું આવશયક છે. જો કે, માત્ર શાલિવાહન અને વિક્રમ સંવત હજુ ચલણમાં છે.
યુધિષ્ઠિર કાળમાં ૪પ્રકારના પંચાંગ
——————————-
મહાભારત કાળ લગભગ ૫૦૦૦ વર્ષ જૂનો માનવામાં આવે છે. આ સમયગાળામાં ૪ સંવત શરૂ થયા હતા.
(૧) યુધિષ્ઠિર સંવત — આ સંવત ઇસવિસન પૂર્વે ૩૧૩૯માં યુધિષ્ઠિર રાજા બન્યા ત્યારથી શરૂ થયું હતું. જેની શરૂઆત માઘ માસથી થઈ હતી.
(૨) કાલી સંવત — ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી ચૈત્ર શુક્લ પ્રતિપદાથી કાલી સંવતની શરૂઆત થઈ.
(૩) જય સંવત — બગવાં શ્રી કૃષ્ણના મૃત્યુના છ મહિના પછી, જ્યારે ગુરુએ તેની રાશિ બદલી, ત્યારે જય સંવત્સરની શરૂઆત થઈ. તેની શરૂઆત કોણે કરી તેનો કોઈ ઉલ્લેખ નથી.
(૪) સપ્તર્ષિ સંવત — ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુના ૨૫ વર્ષ પછી ઉત્તરાખંડમાં યુધિષ્ઠિરનું અવસાન થયું. તે સમયે સપ્તર્ષિ નામનો સંવત્સર શરૂ થયો.
વાત હવે વિક્રમ સંવતની
——————————-
પરમાર વંશના ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યે આ કેલેન્ડરની શરૂઆત કરી હતી. તેની શરૂઆતની તારીખ ઇસવિસન પૂર્વે ૫૭ – ૫૮ બીસી માનવામાં આવે છે. આ હિસાબે આ ૨૦૮૦ વર્ષ જૂનું કેલેન્ડર છે. રાજા વિક્રમાદિત્યના દરબારમાં નવ રત્નોમાંથી એક વરાહમિહિર હતા, જે એક જ્યોતિષી અને ખગોળશાસ્ત્રી હતા. જેની મદદથી આ સંવતમાં સચોટ ગણતરીઓ કરવામાં આવી હતી. આચાર્ય વરાહમિહિરે ઘણા જ્યોતિષ ગ્રંથોની રચના કરી હતી, જે આજે પણ જ્યોતિષના વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે.
વિક્રમ સંવતના મહિનાઓનું નામ દેવતાઓ કે મનુષ્યોના નામ પર નથી પરંતુ સૂર્ય અને ચંદ્રની ગતિના આધારે રાખવામાં આવ્યા છે. જે જ્યોતિષની મદદથી બનાવવામાં આવે છે, તેથી તેને વૈજ્ઞાનિક અને અધિકૃત સંવત માનવામાં આવે છે. આ કેલેન્ડર મુજબ આખા વર્ષ દરમિયાન તીજ-તહેવારોની તારીખો નક્કી કરવામાં આવે છે.
વિક્રમ સંવતની શરૂઆત અને મહિનાઓને લઈને ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેનો તફાવત… ભેદ છે આ બે વચ્ચે ! ચૈત્ર શુક્લ પ્રતિપદાને ઉત્તર ભારતમાં વિક્રમ સંવતની શરૂઆત માનવામાં આવે છે. તે જ સમયે, નવા મહિનાની શરૂઆત પૂર્ણિમાના બીજા દિવસથી થાય છે. તેથી જ ઉત્તર વિક્રમ સંવતના મહિનાઓને પૂર્ણિમંત કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કારતક શુક્લ પ્રતિપદાથી વિક્રમ સંવતનો પ્રારંભ થાય છે. જેમાં અમાવસ્યાના બીજા દિવસથી નવો માસ શરૂ થાય છે. તેથી જ દક્ષિણ વિક્રમ સંવતના મહિનાઓને અમાંત કહેવામાં આવે છે.
શાલિવાહન સંવત
——————————-
પરમાર રાજા વિક્રમાદિત્યના પૌત્રે આ સંવતની શરુઆત કરી હતી. જે આજે પણ ચાલુ જ રહ્યું છે. પણ તે ઇસવીસન ૭૮માં શરૂ થયું હતું તે પણ ચૈત્ર મહિનાથી જ શરૂ થાય છે. વિક્રમ સંવત અને શાલિવાહન સંવત વચ્ચે ખાડો મોટો સમયગાળો છે – ૧૩૫ વર્ષનો કેટલાકના મનમાં ભ્રમ છે કે ગુપ્ત સમ્રાટ વિક્રમાદિત્યએ શરૂ કર્યું હતું વિક્રમ સંવત પણ એ સરાસર ખોટું છે. ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના ઇસ્વિસન ૨૪૦માં થઈ હતી, ચંદ્રગુપ્ત પ્રથમ ઈસ્વિસન ૩૨૦માં રાજગાદી પર બેઠાં હતાં. ચંદ્રગુપ્ત દ્વિતિય જેમણે વિક્રમાદિત્યની પદવી ધારણ કરી હતી એમનો શાસન કાળ ઇસ્વીસન ૩૭૫માં શરૂ થયો હતો એમણે ગુપ્ત સંવત શરુ કરેલો. ગ્રંથકારો એને વિક્રમસંવત કે શક સંવત પણ કહે છે, જે સદંતર ખોટું છે. શક સંવત તો કુષાણ વંશના રાજા કનિષ્ક દ્વારા શરૂ કરવામાં આવ્યું હતી. પણ એના કોઈ ચોક્ક્સ પ્રમાણ મળતાં નથી ઇતિહાસકારો અને અસંખ્ય સંસ્કૃત પુસ્તકકારો આને વરાહમિહિર અને ચૈત્ર પક્ષ સાથે જોડે છે પણ તે આધારભૂત પ્રમાણ નથી.
જે પહેલું હોય એ જ માન્ય ગણાય, ચૈત્ર મહિના અંગે પણ મે સ્પષ્ટતા કરી જ દીધી છે. બાય ધ વે આ સ્પષ્ટતા મેં નથી કરી, આપણા પ્રાચીન ગ્રંથોએ જ કરી છે.
આ આધારભૂત પ્રાચીન ગ્રંથો છે
——————————-
મહાભારત
બ્રહ્માંડ પુરાણ
વાયુ પુરાણ
સૂર્ય સિદ્ધાંત
આ ગ્રંથો વાંચો અને ખોટી માન્યતાઓમાંથી બહાર આવી જાવ બધાં અને લાઈક્સ ઉઘરાવવા માટે ખોટેખોટા સ્ટેટ્સ n મૂકો તો વધારે સારું.
સારાંશ – વિક્રમ સંવત જ સાચું ગણાય.
!! અસ્તુ !!
———— જનમેજય અધ્વર્યુ
Leave a Reply