કોલેજકાળમાં આપ સૌએ કાલીદાસ સહિતના તેજસ્વી નાટ્યકારોના જીવન સાથે સંકળાયેલ રસપ્રદ દંતકથાઓ ભણી જ હશે. આજે હું તમને કેટલાક કોલમિસ્ટોની દંતકથા સંભળાવું. આ કથાઓ મગજ અને હ્રદયમાં નહીં, પણ માત્ર અને માત્ર દાંતમાં લેશો, તો નબળા પડી ગયેલા આપનાં દાંત ડેન્ટીસ્ટની મુલાકાત લીધા વિના કોલમિસ્ટોની કથાઓ સાંભળીને જ નીકળી જશે.
દંતકથા : 1
વર્ષો પહેલા સૂરજગઢ રાજ્યમાં એક યુવા લેખક છાપાવાળાઓ પાસે પોતાની વિજ્ઞાનકથા ‘સૂરજ ઉગે તો ઠીક બાકી હાથેથી ખેંચી લઈશું’ છપાવવા માટે ગયો. છાપાવાળાઓને તેમાં રસ ન હતો. તેમણે કથા કમજોર આંકી, છાપામાં જગ્યા નથી તેવું કહી છોકરાને હાલતો કર્યો. એક વર્ષ પછી ફરી એ છોકરો ગયો. આ વખતે તેની પાસે વિજ્ઞાનવાર્તા હતી. છાપામાં જગ્યા નથી આમ કહેતા, ફરી ઘટનાનું પુનરાવર્તન થયું.
આ ઘટનાના એક વર્ષ બાદ છાપાવાળાઓએ છોકરાને બોલાવવા એક પટ્ટાવાળાને મોકલ્યો. છોકરો હરખભેર પોતાની વાર્તા અને નવલકથા લઈ ઓફિસે પહોંચ્યો. ત્યાં છાપાવાળાએ કહ્યું, ‘આવો…. આવો….તમારા માટે આખરે છાપામાં જગ્યા થઈ ગઈ છે.’
છોકરાએ ખુશ થતા કહ્યું, ‘બોલો સાહેબ પહેલાં વાર્તા છાપીએ કે નવલકથા ?’
સાહેબે કહ્યું, ‘હાઈકુ હોય તો આપો.’
દંતકથા : 2
દંદુભી રાજ્યમાં ત્રણ શ્રેષ્ઠ રહસ્યકથા લખનારા લેખક રહેતા હતા. એક દિવસ ત્યાંના રાજાની આજ્ઞાથી છાપાના તંત્રીએ ઉચ્ચકોટીની રહસ્યવાળી નવલકથા છાપવાનું નક્કી કર્યું. તેમણે રાજ્યનાં ત્રણે શ્રેષ્ઠ નવલકથા લેખકોને આમંત્રણ પાઠવ્યું. ત્રણે લેખકોએ અસંખ્ય પ્લોટ કહ્યા, પણ તંત્રીને પસંદ ન આવ્યા. ઉપરથી માથું દુખી જતા પેરાસિટામોલ લેવી પડી. આ ત્રણ પાસે નવલકથા લખાવ્યા સિવાય છૂટકો ન હતો, કારણ કે ખાવા પીવા ત્રણ જ હતા. કંપારી છૂટી જાય તેવી કથાઓ સાંભળી સાંભળી કંટાળેલા છાપાવાળાએ તેમને બીજા દિવસે આવવાનું કહ્યું.
બીજા દિવસે માત્ર એક જ લેખકને આવેલો જોઈ તંત્રી મૂંઝવણમાં મુકાયા. આ અંગે તેમણે સામે ઉભેલા લેખકને પૂછતા તેણે જવાબ આપ્યો, ‘ઓફિસેથી નીકળ્યા બાદ બંન્ને લેખકો વચ્ચે યુદ્ધ થયું. સામ સામે બંન્નેએ એકબીજાનું કાસળ કાઢી નાખ્યું. હવે હું જ એક બાકી છું. બોલો મેં ગઈકાલે સંભળાવેલ એ જય-પરાજય નવલકથા તમે છાપામાં છાપશો. હું જાણું છું છાપવી જ પડશે, તમારી પાસે આ સિવાય કોઈ વિકલ્પ જ નથી.’ એમ કહી તે ખંધુ હસ્યો. અદ્દલ નવલકથાના ખલનાયકની જેમ.
છાપાવાળાએ કહ્યું, ‘નહીં. હવે તમે આ બંન્ને લેખકની માથાકૂટ પરથી કથા તૈયાર કરી આવતા અઠવાડિયે પ્રકરણ મોકલવા માંડો. દંદુભી રાજ્યના લોકોને રસ જાગે અને છાપાની વધારે કોપી વેચાઈ આ માટે આપણે ‘‘દંદુભી રાજ્યમાં ઘટેલ સત્યકથા પર આધારિત’’ એવું મથાળું પણ મારીશું.’
દંતકથા : 3
ચંદ્રગઢ રાજ્યમાં એક યુવા લેખક છાપામાં પોતાની કોલમ છપાવવા માટે ગયો. છાપામાં જગ્યા ન હોવાથી તંત્રીએ તેને ના પાડી દીધી. યુવા લેખક તો મફતમાં પણ ઢસડવા માટે તૈયાર હતો. વીસ વર્ષ બાદ ‘90 વર્ષની યુવા વય’ ધરાવતા એક સર્જકનું નિધન થતા, છાપાએ 20 વર્ષ પહેલા મફતમાં કોલમ લખવા આવેલા છોકરા પર નજર દોડાવી. ખૂબ શોધ્યો પણ છોકરો મળ્યો નહીં. આખરે કોઈએ છોકરો ગામડે તબેલો ચલાવતો હોવાની માહિતી આપતા તેને કોલમ રાઈટીંગનું કહેણ મોકલવા બે લોકો ગયા. તબેલામાં ઘણી તપાસ કરી પણ કોઈ મળ્યું નહીં.
એક છોકરો ભેંસના વાડામાં વાસીંદુ કરતો હતો. તેની પાસે જઈ છાપાના કર્મચારીઓએ કહ્યું, ‘એક છોકરો છે, લેખક છે, છાપામાં લખવા માગે છે, તેને અમે તક આપી રહ્યાં છીએ, તો ક્યાં છે એ યુવા સર્જક ?’
છાપાવાળાઓ 20 વર્ષ પહેલાના યુવકને પણ યુવા જ ગણતા હતા. જે હવે પોતે આધેડ થવા આવ્યો હતો. પેલા છોકરાએ જવાબ આપ્યો, ‘એ તો મૃત્યુ પામ્યા.’
‘લે કેવી રીતે ?’ છાપાવાળાએ પૂછ્યું.
છોકરાએ હાથમાં રહેલું તગારું નીચે મુકતા કહ્યું, ‘એક દિવસ તેઓ પોતાનો લખેલો નિબંધ ભેંસને સંભળાવતા હતા. તેમનું લખાણ સાંભળી ભેંસે બે મહિનાથી દૂધ દેવાનું બંધ કરેલું. આંચળમાં હડતાળ પાડી શકાય, કાનમાં તો નહીં ? એક વખત ગુસ્સામાં ભેંસ તેમના પર બેસી ગઈ અને તેમનું દુ:ખદ અવસાન થયું.’
છાપાવાળાએ કહ્યું, ‘સારું થયું, બાકી આપણા છાપાની હાલત શું થાત ? એક તો છાપુ બીજા રાજ્યના છાપાની તુલનાએ ઓછું ચાલી રહ્યું છે. એવામાં આવા લોકોની કોલમ. છીછીછીછી…..’
આ વાત સાંભળ્યા બાદ છાપાવાળાઓને જતા જોઈ છોકરાએ રોક્યા, ‘પૂરી વાત તો સાંભળતા જાઓ, એમની અવસાન નોંધ હું તેમના હજાર ઉપર લેખ સાથે પાડોશી રાજ્યમાં છપાતા છાપાને આપવા ગયેલો. તેઓ ખુશ થયા અને મફતમાં અવસાન નોંધ સાથે શ્રદ્ધાંજલી પણ છાપી આપી. આજે અજ્ઞાત લેખકના નામે તેમની કોલમ છપાઈ છે. ભેંસને ન ગમ્યું એમાં એવું થોડું છે માણસને પણ ન ગમે. તુંડે તુંડે મતિભિન્ના:’
દંતકથા : 4
જગતપુરી નામના વિશાળ રાજ્યમાં એક છાપાના તંત્રીએ પોતાના કર્મચારીઓને કહ્યું, ‘હું થોડા સમય માટે એક શોધમાં જઈ રહ્યો છું. તમે છાપાને સંભાળી લેજો અને રાજાને તમામ હિસાબ આપતા રહેજો. હું એક એવા ભગીરથ કાર્યની શોધમાં જઈ રહ્યો છું જેની આપણને ખૂબ જ આવશ્યકતા છે. જો એ નહીં થાય તો સમજો આપણે છાપાનાં વેચાણમાં પાછળ રહી જઈશું.’
આટલું બોલી જગતપુરી છાપાના તંત્રી જંગલમાં નીકળી પડ્યા. આશરે બે વર્ષ પછી તેઓ પરત ફર્યા. સૌના મગજમાં એક જ સવાલ હતો કે આપણા તંત્રી શ્રી ક્યાં ગયેલા ?
તેમની દાઢી અને મૂંછ વડવાઈની ગરજ સારતી હતી. કપડાં લઘરવઘર થઈ ગયા હતા. છાપામાં ‘કવિતાના નામે કકળાટ’ કોલમ લખતા જીથરેશ્વરની માફક તેમનો ચહેરો પ્રતિબિંબિત થતો હતો. બધાએ એક અવાજે તેઓ ક્યાં ગયા હતા એ પૂછ્યું.
ઢીલા મોંઢે તંત્રીએ કહ્યું, ‘હું ઉચ્ચકોટીનો હાસ્ય લેખક શોધવા ગયેલો.’
બધાએ ફરી એકસાથે પૂછ્યું, ‘મળ્યો ?’
તંત્રીએ કહ્યું, ‘હાસ્યલેખક તો ન મળ્યો, પણ 20,000 ચિંતનાત્મક લેખકો અને 40,000 સંબંધોના સરવાળા-બાદબાકી લખનારા મળ્યા. બાર બળદગાડામાં એમનાં લેખો ભેગા કરીને લાવ્યો છું. આપણે બધા એકસાથે મહેનત કરીશું, તો તેમાંથી એક હાસ્ય લેખક અચૂક મળી જશે.’
~ મયૂર ખાવડુ
Leave a Reply