ફેસુબકીયા જનમાનસ પર પ્રથમ તિવ્ર અસર એ પડશે કે, આજે હોળીના તહેવાર પર ફિલ્મનું લખવું કેટલું યથાયોગ્ય ? આજ તો હોળી વિશેનું મુકવાનું હોય. કોઈએ કીલથી ભરી મુક્યા હોય અને બે દિવસ સુધી નિરંતર રંગ શરીરમાંથી ન નીકળે તેના ફોટો શેર કરવાના હોય. હોળીના કલર અને ક્વોટેશનનું કોમ્બિનેશન મિક્સ કરવાનું હોય. જેમ કાળામાં ધોળો મિક્સ કરો તો કંઈક આવું થાય ! પણ એનિમેશન એ રંગબીરંગી દુનિયા છે એવું નથી લાગતું ? દુનિયાભરમાં તેની હોળી રમાય છે, ઉજવાય છે. હોળી કોઈ દિવસ મ્યુઝિક વિનાની નથી હોતી. તેમાં મ્યુઝિક પણ એટલો જ ભાગ ભજવે અને એટલે જ હિન્દી ફિલ્મોમાં હોળી એમ નેમ રમી નથી નાખતા, તેમાં ગીત આવે હોળી રમાય અને પછી તે સિક્વન્સ કમ્પલિટ થાય. આજે કોકોની વાત કરવી છે. રંગબેરંગી ફિલ્મની. આમ તો ફિલ્મ સાથે નેટવર્કની માફક કનેક્ટિવીટી હોવા છતા કોઈ દિવસ ફિલ્મોની વાતો એટલી લખતો નથી, પણ કોકો આ બધાથી અલગ છે. તેમાં મ્યુઝિકની ભરમાર છે. જેમ હિન્દી ફિલ્મોમાં હોળી અને ગીતો હોય.
મેક્સિકો અને મોટાભાગે ગણો તો સ્પેનમાં એવી માન્યતા પ્રવર્તે છે કે, દર નવ મહિને બીજી રીતે 1 વર્ષે આપણા ગુજરી ગયેલા લોકો જેને ઈંગ્લીશ ભાષામાં એન્સીટર્સ કહેવાય તેને યાદ કરવામાં આવે. તેના ફોટા મુકવામાં આવે. તેની ભાવતી વસ્તુ તેની સમીપ રાખવામાં આવે. અને માન્યતામાં એટલો અંધવિશ્વાસ કે તે લોકો આવશે પણ ખરા ! બસ આજ મૂળ કન્સેપ્ટને સાકાર કરતી કથા એટલે કોકો.
પહેલા તો એમ લાગે કે, કોકો એટલે કે લીડ કેરેક્ટરમાં કોઈનું નામ હશે, પણ ના એવું છે નહીં. એક ફેમિલી છે. ફેમિલીના તમામ વડવાઓ જેમણે ચંપલનો વ્યવસાય કરેલો છે. ચંપલનો વ્યવસાય એટલા માટે કે તેમની પરદાદીના પતિને મ્યુઝિકનો ઘણો જ શોખ હતો. અને પ્રસિદ્ધી મેળવવા તે થોડો ટાઈમ માટે ફેમિલી સાથે છેડો કાપી ચાલ્યા જાય છે, તે કોઈ દિવસ આવતા નથી. પત્નીને એવું લાગે છે કે, પતિ બેવફા નીકળ્યો એટલે તે પોતાની દીકરી કોકો સાથે અલગ રહેવા ચાલી જાય છે. નવું મકાન બનાવે છે. ચંપલનો વ્યવસાય કરે છે. અને આ ચંપલનો વ્યવસાય તેની આવનારી પેઢી પણ સ્વીકારી લે છે. હવે પરદાદી તો મૃત્યુ પામી ચુક્યા છે. જીવીત છે, તેમના દિકરી. જે લગભગ મરવાની ઉંમરે પહોંચી ચૂક્યા છે. એમની દિકરીને ત્યાં પણ દિકરા આવી ગયા છે. તેમના પણ દિકરા આવી ગયા છે. કોઈને મ્યુઝિકનો શોખ નથી. મ્યુઝિક તો પાપ કહેવાય તેવું તેમનું માનવું છે. ઘરના કોઈ લોકો મ્યુઝિક સાથે સંબંધ રાખવા માગતા નથી. કેમ ? તો કે, આપણા પરદાદાની ભૂલ. જે આપણા પરિવારને છોડીને ચાલ્યા ગયા હતા. એવામાં ફિલ્મમાં બાળ કલાકાર તરીકે ઉભરતા મિગલ રિવેરોનો જન્મ થાય છે. જેને સંગીતનો ખૂબ શોખ છે. અને તેને પોતાના ફેવરિટ સિંગર અર્નેસ્ટો ડેલા ક્રૃઝ જેવું બનવું છે. પણ પરિવાર તેની વિરૂદ્ધમાં છે. એટલામાં ગામમાં થાય છે એક મ્યુઝિકનો પ્રોગ્રામ. આપણા મિગેલને તેમાં ભાગ લઈ પોતાના રોલ મોડેલ જેવું બનવું છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે, પરિવાર વિરૂદ્ધમાં છે. એવામાં એન્સિટર્સને યાદ કરવાનો વખત આવી જાય છે. આખા શહેરમાં તેની તાડામાર તૈયારીઓ થઈ રહી છે. મિગેલ છુપીને કોમ્પિટિશનમાં ભાગ લેવા જાય છે, ત્યાં દાદીને ખબર પડી જાય છે, અને તે તેનું ગિટાર તોડી નાખે છે. અત્યાર સુધી તેની કોકો દાદી ખાલી એક શબ્દ બોલતી હોય છે, પાપા… કારણ કે, મ્યુઝિક માટે ઘર છોડી ગયેલા તેના પપ્પા તેને ખૂબ યાદ આવતા હોય છે. હવે મેમરી તો છે નહીં, બધુ ભૂલી જાય છે. જ્યાં આ મ્યુઝિશ્યનની તસવીર લગાવવામાં આવી છે, તેનું માથુ પણ ઉડાવી દેવામાં આવ્યું છે. જેથી ફોટો ફ્રેમમાં હવે ગ્રેટ ગ્રેટ પરદાદી અને માત્ર કોકો દેખાય છે.
ગિટાર તૂટી ગયું છે, આ દુખમાં મિગેલ ગામના બીજા મ્યુઝિશ્યનો પાસેથી ગિટાર ઉધાર માગે છે, પણ કોઈ આપતું નથી. એટલે યાદ આવે છે કે અર્નેસ્ટો ડેલા ક્રૃઝની જે ખાંભી છે, ત્યાં તેનું હિસ્ટ્રીકલ ગીટાર પડ્યું છે, તે ઉઠાવી લાવું. ચોરી કરવા જાય છે, પણ એ દિવસ પૂર્વજોને આપવાનો છે, લેવાનો નહીં એટલે જ્યાં પોતાના પૂર્વજો છે એ દુનિયામાં પહોંચી જાય છે. બધાના ચહેરા નથી દેખાતા ખોપડીઓ સાથેના સ્કેલિટન દેખાય છે. હવે મિગેલ માટે મુસીબત નંબર વન તેને સુર્યાસ્ત સુધીમાં પોતાની દુનિયામાં વંશજો પાસેથી આશિર્વાદ લઈ પાછા ફરવાનું છે. બાકી તે આ દુનિયામાં મૃત્યુ પામેલા ઉમેદવારો સાથે અટકી જાય. સમસ્યા નંબર 2 તેની પાસે તેની મ્યુઝિકથી નફરત કરતી પર પર દાદીનો ફોટો છે એટલે તે દાદી પોતાના પરિવારને વર્ષમાં એકવાર પણ મળી ન શકે. મળવા માટે ફોટો યોગ્ય જગ્યા પર હોવો જોઈએ. સમસ્યા નંબર 3 ત્યાં પણ તેનો પરિવાર તેની વિરૂદ્ધમાં છે, જે બધા ઓફ થઈ ચૂક્યા છે તે ! કે મિગેલને મ્યુઝિક છોડાવી પાછો ધરતી પર મોકલવો.
એટલામાં મિગેલની મુલાકાત થાય છે… હવે તમે ડાઊનલોડ કરી જોઈ લેજો… એનિમેશનની રંગબેરંગી દુનિયામાં કોમેડીની એક સફર હોય છે, પણ કોકો એટલે આ બધાથી અલગ તરી આવે કારણ કે તેમાં મિસ્ટ્રી છે. મિસ્ટ્રી એટલે તેના હાથમાં જે ફોટો છે, કપાયેલો છે. અત્યાર સુધી તે એમ માને છે કે, મારા પિતા એટલે ગ્રેટ ગ્રેટ અર્નેસ્ટ્રો ડેલા ક્રૃઝ, પણ ના આ તેની ભૂલ છે. જેને તે હકિકતે પોતાનો પિતા માને છે, તે સંગીતની દુનિયાના વિલન છે, ચોર છે, મ્યુઝિકલ ચોર છે. પ્રિતમની માફક ગણી શકો… મિગલનું મગજ ત્યારે ભારતીય લોકોની જેમ કામ કરે છે. આપણને એમ હોય કે બેન્કમાં રૂપિયા વધારે સમય રાખવાથી વ્યાજ મળે, પણ એ નથી ખબર રહેતી કે કોઈ બેન્કમાં વધારે સમય રૂપિયા રાખવામાં આવે તો તેનાથી બેન્કને જ ફાયદો થાય, આપણને નહીં.
તેને તેના રિયલ પિતા મળે છે, જેને તે ઓળખી નથી શકતો, પણ તેનો કુતરો ઓળખી જાય છે. જેને પછીથી આ મૃત્યુલોકની અસીમ શક્તિઓ ભેટમાં મળી જાય છે. કૂતરો ઉડી શકે છે, પણ પંખ એવા લાગેલા છે કે માંડ માંડ. હવે આ તો એક સિમ્પલ સ્ટોરીલાઈન છે કે, પરિવાર સંગીતની વિરૂદ્ધમાં હોય અને છોકરાને ઘરથી બેદખલ કરવામાં આવે, જે આપણે રોકસ્ટારમાં જોયું છે. પણ એનિમેશનમાં અને આ સ્ટોરી લાઈન પત્યા પછી 109 મિનિટની આ ફિલ્મ જેટલી સ્પીડમાં ભાગે છે, તેટલું તો એલન મસ્કનું નવું રોકેટ ફાલ્કન હેવી પણ નહીં ઉડ્યું હોય. મિગેલ નામના બાર વર્ષના છોકરાનું સપનું બે દુનિયામાં અટવાય ચૂક્યું છે, એક જે પૃથ્વી પરથી તે આવ્યો છે ત્યાં અને બીજુ જે પરલોકમાં તે પહોંચી ગયો છે ત્યાં. બધાને સંગીતથી નફરત છે. જેમને મનાવવાના પણ છે.
છેલ્લે તો કોકો દાદીનું મૃત્યુ ઘણું બધુ શીખવી જાય છે. હમણાં શ્રીદેવીનું મૃત્યું થયું પછી અર્જૂન કપૂર જેમ પરિવાર સાથે જોડાયો એમ જ કોકો દાદીનું નિધન થતા પરિવાર સાથે મ્યુઝિક જોડાઈ જાય છે. છેલ્લે તો ખાધુ પીધુને રાજ કીધુ, મગર કિન્તુ પરંન્તુ… તમને ખબર છે કે અર્નેસ્ટો ડેલા ક્રૃઝ સંગીત ચોર છે, હત્યારો છે, તેના પરિવારને મ્યુઝિકથી અળગો કરનારો તેનો રોલ મોડેલ જ છે, પણ ત્યાંસુધી પહોંચવું કેમ તે જાણવાની મઝા જ કંઈક અલગ હોય છે. જેમ સસ્પેન્સ ફિલ્મો અને નોવેલો સાથે બને છે કે, એકવાર રહસ્યની આંટીઘુટી ખુલી ગઈ પછી એ વાંચીને કે જોઈને શું કરવું. મઝા ત્યાં છે કે એ રહસ્ય કઈ રીતે સામે આવે છે ? કેમ ખુલે છે ?
એનિમેશન તો રંગે રંગાયેલું હોય, પણ આવી રીતે રંગે રંગાયેલું હોય તેની જોયા પછી જ ખબર પડે. એકમાત્ર એનિમેશન તમે ગણી શકો જેમાં તમામ કલરોનો યુઝ થયેલો છે. અર્નેસ્ટોએ પહેરેલો સફેદ કોટ ! પણ અંદર શા માટે કાળા કલરનું રાખવામાં આવ્યું છે, કારણ કે તે અશુભ તત્વનું પ્રતીક છે. તેવી રીતે પરિવારમાં પણ બે જુડવા દાદના મૃત્યુ પછી કોઈના વસ્ત્રો સરખા નથી. અહીં કલરફુલ આઉટફિટે પોતાનો ભાગ ભજવ્યો છે. ત્યાં સુધી કે ફિલ્મના ટાઈટલ શબ્દો પણ ચાર અલગ અલગ રંગમાં છે. માણસ મરી જાય પછી તેનું શું આવું થતું હશે ? તે પણ જોવાની ફિલીંગ અવનવી છે. નેપાળ, કોરિયા, સ્પેન અને મેક્સિકોમાં આવી પરંપરામાં માનવામાં આવે છે, પણ ભારતમાં આ પરંપરા કાગડાના પરિપ્રેક્ષ્યમાં દર્શાવવામાં આવે છે. કાગડો આવે ખીર ખાય અને એ આપણા વંશજો. એટલે ભારતમાં આ એનિમેશન બને તો કલર કોમ્બિનેશન થાય જ નહીં, ખાલી કાળો કલર રહે અધૂરામાં કંઠનો રંગ કાગડામાં નવું રૂપ ધારણ કરતા પૂરો થાય. ગુગલમાં સર્ચ કર્યું તો ખબર પડી કે અમદાવાદ PVRમાં 2017માં રિલીઝ થયેલી આ ફિલ્મનો હજુ એક શૉ છે, પણ પબ્લિક થાય તો જોવા મળશે. અને હવે છે કે નહીં તે પણ ખબર નથી.
~ મયુર ખાવડુ
Leave a Reply