Cannes-કથાઃ વાત અતૃપ્ત પ્રેમ અને અધૂરી ઝંખનાઓની…
——————————
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
——————————
કાન (Cannes) ફિલ્મ ફેસ્ટિવલનું થોડા દિવસ પહેલાં જ રંગેચંગે સમાપન થયું. તેમાં સર્વશ્રેષ્ઠ ઘોષિત થયેલી ટોપ-થ્રી ફિલ્મો વિશે આજે વાત કરવી છે. ફિલ્મોની વાત કરતાં તેમને જે અવોર્ડ મળ્યા છે તેનાં નામ (અને ઉચ્ચારો) વિશે બહુ કન્ફ્યુઝન રહ્યા કરે છે, તે જરા દૂર કરીએ. ગુજરાતી ફિલ્મમેકર પાયલ કાપડિયાની ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ ફિલ્મે એક બહુ મોટો અવોર્ડ જીતીને તરખાટ મચાવી દીધો છે ને ચારે કોર પાયલ… પાયલ થઈ રહ્યું છે. પાયલે જે જીત્યો એ Grand Prix અવોર્ડ મોટો કે Palme d’Or અવોર્ડ મોટો? જોઈએ.
કાન ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાન્સમાં યોજાય છે એટલે અવોર્ડનાં નામ પણ ફ્રેન્ચ ભાષામાં હોવાના. કાન ફિલ્મોત્સવનો સૌથી મોટો, સૌથી પ્રતિતિ ને અવોર્ડ નંબર વન એટલે Palme d’Or (પાલ્મા ડો’ર). Palme એટલે પામ ટ્રી, તાડનું ઝાડ અને d’Or એટલે ગોલ્ડન, સોનાનું. આને અંગ્રેજીમાં ગોલ્ડન પામ અવોર્ડ કહે છે. જે ફિલ્મને આ અવોર્ડ મળે તે કોમ્પિટીશન રાઉન્ડની તમામ કેટેગરીમાં સર્વશ્રે સાબિત થઈ ગણાય. તેથી જે ફિલ્મને ગોલ્ડન પામ અવોર્ડ મળી જાય તેને પછી બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ બેસ્ટ ડિરેક્ટર કે એવો બીજો કોઈ અવોર્ડ ન મળે.
કાન ફિલ્મોત્સવનો સેકન્ડ બેસ્ટ અથવા તો રનર-અપ અવોર્ડ એટલે Grand Prix. આને આપણે ‘ગ્રાન્ડ પ્રિક્સ’ બોલીએ છીએ, પણ સાચો ઉચ્ચાર ‘ગ્રાં પ્રિ’ છે. ગ્રાં એટલે અંગ્રેજીમાં ગ્રાન્ડ અને પ્રિ એટલે અવોર્ડ. કાન ફિલ્મોત્સવમાં હરીફાઈમાં ઉતરેલી થર્ડ બેસ્ટ ફિલ્મને જ્યુરી પ્રાઇઝ મળે છે. હવે આ ત્રણેય અવોર્ડ જીતી ચૂકેલી ફિલ્મોમાં શું છે તે ટૂંકમાં જોઈએ.
અનોરાઃ
અંગ્રેજી ભાષામાં બનેલી આ અમેરિકન ફિલ્મ આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પાલ્મા ડો’ર અવોર્ડ જીતીને સર્વોત્તમ સાબિત થઈ. એની સ્ટોરી કંઈક એવી છે કે ન્યુ યોર્ક શહેરમાં અનોરા નામની એક રૃપકડી સેક્સ વર્કર રહે છે. એ સ્ટ્રિપર તરીકે પણ કામ કરે છે. એક વાર એનો બોસ એક યુવાન ક્લાયન્ટ પાસે એને મોકલે છે. એનું નામ છે, ઇવાન. એ રશિયન છે અને એના પિતાજી રશિયામાં મજબૂત રાજકીય કનેક્શન ધરાવતા અતિ શ્રીમંત બિઝનેસમેન છે. ઇવાને તો માત્ર મજા કરવાના આશયથી અનોરા નામની આ કાલગર્લને બોલાવી હતી, પણ અનોરા એટલી ચામગ છે કે ઇવાન એના પ્રેમમાં પડી જાય છે. અનોરાને પણ આ જુવાનિયો ગમી જાય છે. એક તબક્કે આ પ્રેમીપંખીડાં નક્કી કરે છે કે હાલો, આપણે પૈણી જઈએ. તેઓ કાયદેસર લગ્ન સુધ્ધાં કરી લે છે… પણ લવસ્ટોરીમાં વિઘ્ન ન આવે એવું બને? એમના પ્રેમલગ્નની વાત અમેરિકાથી ઉડતી ઉડતી છેક રશિયા સુધી પહોંચે છે. ઇવાનનાં માતાપિતા ધૂંવાફૂંવા થતા ન્યુ યોર્ક ધસી આવે છે. તેઓ ઇવાનને ખખડાવે છેઃ એક વેશ્યા હમારી બહૂ કૈસે બન સકતી હૈ? તૂને ખાનદાન કી ઇજ્જત મિટ્ટી મેં મિલા દી…’ મમ્મી-પપ્પા ઇવાન અને અનોરા પર દબાણ કરે છે કે તમે તમારાં લગ્ન ફોક કરો. પછી શું થાય છે એ આપણે ફિલ્મમાં જોઈ લેવાનું છે.
‘અનોરા’ના ડિરેક્ટર છે, શોન બેકર. તેમણે ઘણી ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મો બનાવી છે. તેમને પણ આપણા સંજય લીલા ભણસાલીને જેમ તવાયફો અને રૃપજીવિનીઓ પર ફિલ્મો બનાવવામાં બહુ મોજ પડે છે. શોન બેકરે અગાઉ સેક્સ વર્કર્સને કેન્દ્રમાં રાખીને ચારેક જેટલી ફિલ્મો બનાવી છે. કાન ફિલ્મોત્સવમાં પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે અનોરાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ મિકી મેડિસને કહ્યું હતુઃ ‘શૂટિંગ વખતે શોન બેકર અને એમની પ્રોડયુસર પત્ની સામન્થા અમને અલગ અલગ સેક્સ પોઝિશન કરી દેખાડતાં કે જેથી મને અને હીરો માર્ક આઇડેલ્શટાઇનને ખબર પડે કે અમારે કેમેરા સામે એક્ઝેક્ટલી શું કરવાનું છે!’
‘અનોરા’ની સ્ટોરી સાંભળીને તમને પણ ‘પ્રીટી વુમન’ (૧૯૯૦) યાદ આવી ગઈ હશે, રાઇટ? આ અવોર્ડવિનિંગ સુપરહિટ ફિલ્મમાં પણ એક સેક્સ વર્કર (જુલિયા રોબર્ટ્સ) અને ધનિક બિઝનેસમેન (રિચર્ડ ગેર)ની લવસ્ટોરી જ છેને.
ઓલ વી ઇમેજિન એઝ લાઇટઃ
ભૂતકાળમાં જે કામ કોઈ ભારતીય ફિલ્મે કર્યું નથી તે આ વખતે ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’એ કરી દેખાડયું. એણે ગ્રાં પ્રિ પ્રાઇઝ જીતીને તરંગો સર્જી નાખ્યાં. આ ફિલ્મમાં બે સ્ત્રીઓની વાત છે. ના, બે નહીં પણ ત્રણ સ્ત્રીઓની વાત. એક છે પ્રભા (કની કુશ્રુતિ) નામની એક મલયાલી નર્સ, જે મુંબઈની એક હોસ્પિટલમાં કામ કરે છે. બાપડી દુખિયારી છે. એનો પતિ પૈસા કમાવા વિદેશ ગયો હતો ને પછી ઓચિંતા ગાયબ થઈ ગયો છે. ન કોઈ ફોન, ન કોઈ સમાચાર. પ્રભા બીજી એક નર્સ સાથે રૃમ શેર કરે છે. એનું નામ છે, અનુ (દિવ્યા પ્રભા). એનો એક પ્રેમી છે, પણ પ્રેમ કરવાની જગ્યા નથી! પ્રાઇવસીનો અભાવ એ એની સૌથી મોટી સમસ્યા છે. એક દિવસ પ્રભાને એક ભેદી પાર્સલ મળે છે. એમાં એક પ્રેશર કૂકર છે. પાર્સલ પર મોકલનારનું નામ લખાયું નથી, પણ એ વિદેશથી આવ્યું છે એટલું સમજાય છે. શું આ એના લાપતા પતિદેવે મોકલ્યું હશે? પ્રભા અને અનુ મુંબઈથી રત્નાગિરી જાય છે, જ્યાં એમને એક ત્રીજી સ્ત્રી મળે છે – પાવર્તી (છાયા કદમ). એની પાછી એક અલગ કથા છે.
છાયા કદમને આપણે છેલ્લા થોડા મહિનાઓમાં બે મસ્ત ફિલ્મોમાં તદન જુદાં જુદાં અવતારમાં જોયાં છે – ‘લાપતા લેડીઝ’ અને ‘મડગાવં એક્સપ્રેસ’માં. ફિલ્મની મુખ્ય અભિનેત્રી કની કુશ્રુતિને આપણે નજીકના ભવિષ્યમાં ‘એક રૃકા હુઆ ફૈંસલા’ નામની હિન્દી ફિલ્મની હિન્દી રિમેકમાં જોવાના છીએ, જેના ગુજરાતી ડિરેક્ટર છે, દર્શન ત્રિવેદી. ટૂંકમાં, કની કુશ્રુતિની કરીઅરના બન્ને લેટેસ્ટ ડિરેક્ટર ગુજરાતી છે – પાયલ કાપડિયા અને દર્શન ત્રિવેદી.
એમિલિયા પેરેઝઃ
જ્યુરી પ્રાઇઝની વિજેતા ફિલ્મ ‘એમિલિયા પેરેઝ’ સ્પેનિશ ભાષામાં બનેલી ક્રાઇમ મ્યુઝિકલ ફિલ્મ છે. અહીં રીટા નામનું એક પાત્ર કેન્દ્રમાં છે. એ વકીલ છે. એની પાસે ડિગ્રીઓ તો ઊંચી ઊંચી છે, પણ એના કદર કરનારા કોઈ નથી. એ જે ફર્મમાં જોબ કરે છે એનું એક જ કામ છે – ક્રિમિનલ્સના કેસ લડવાના ને એમને છોડાવવાના. એક વાર મિનિટાસ નામના એક ખૂંખાર ગુંડાનો કેસ એને સોંપાય છે. મિનિટાસ હવે ખોટાં કામોમાંથી નિવૃત્તિ લઈ લેવી છે, કેમ કે પોતાના મનમાં રમી રહેલી એક ઇચ્છાને પૂરી કરવા માગે છે. શું ઇચ્છા છે આ ગુંડાની? લિંગ પરિવર્તન કરાવીને પુરૃષમાંથી ી બની જવાની!
આ ફિલ્મના ડિરેક્ટર છે, જેક્વેસ ઓડ્રિઆર્ડ. ફેમસ પોપ સિંગર સેલેના ગોમેઝે આમાં અભિનય કર્યો છે. મજાની વાત એ છે કે ફિલ્મની ચાર અભિનેત્રીઓને સંયુક્તપણે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ અપાયો છે. આપણી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની તમામ અભિનેત્રીઓને જે રીતે સાગમટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવોર્ડ અપાયો હતો, એમ.
તક મળે ત્યારે આ ત્રણેય કાન ફિલ્મો જોઈ લેવી જોઈએ એવું કહેવાની જરૃર છે ખરી?
– શિશિર રામાવત
#CinemaExpress #Chitralok #cannes2024 #AllWeImagineAsLight #AmeliaPerez #Anora #GujaratiSamachar
Leave a Reply