કુછ ભી કાયમ નહીં હૈ, કુછ ભી નહીં…
——————————
એક સિનિયર કવિ મંચ પરથી છડેચોક બોલ્યા હતા કે શું ગુલઝાર ફિલ્લમવાળા ન હોત તો કોઈ એની શાયરી સાંભળવાની તસ્દી સુધ્ધાં લેત ખરા?
—————————–
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર – 1 માર્ચ 2024
—————————–
ગુલઝારના ચાહકો ગેલમાં છે. કેમ ન હોય? એમને તાજેતરમાં સાહિત્ય ક્ષેત્રનો અતિ પ્રતિતિ જ્ઞાનપીઠ અવોર્ડ અનાયત કરવાની ઘોષણા કરવામાં આવી છે. વાસ્તવમાં બે સાહિત્યકારોનાં નામ ૨૦૨૩ના જ્ઞાનપીઠ અવોર્ડ માટે ઘોષિત થયાં છે – જગદગુરૂ રામભદ્રાચાર્યને સંસ્કૃત સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરવા બદલ અને ગુલઝારને ઉર્દૂ સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરવા બદલ. ભારતમાં પહેલી વાર એક ફિલ્મી હસ્તીને જ્ઞાનપીઠ માટે પસંદ કરવામાં આવ્યા છે, અને એ પણ ‘સાહિત્યકાર’ કે ‘લેખક’ તરીકે નહીં, પણ ‘ગીતકાર’ તરીકે.
જ્ઞાનપીઠ પુરસ્કાર ૧૯૪૪થી અપાય છે. આટલા વર્ષોમાં ગુલઝાર પાંચમા ઉર્દૂ સાહિત્યકાર છે, જેમને આ અવોર્ડ મળ્યો હોય. ઘણા વાંકદેખાઓને એ વાતે વાંધો પડયો છે કે ગુલઝાર તો ફિલ્મી માણસ છે. એ ફિલ્મી ગીતો, ફિલ્મી લેખન અને ફિલ્મના ડિરેક્શનને કારણે ફેમસ છે. એમને શા માટે ‘ઉર્દૂ સાહિત્યકાર’ ગણીને આવડો મોટો અવોર્ડ આપી દો છો? આ લોકોને કદાચ યાદ નથી કે બોબ ડિલન નામના અતિ વિખ્યાત અમેરિકન પોપ સિંગર અને સોંગ રાઇટર છે, એમણે પરંપરાગત અર્થમાં ‘સાહિત્યસર્જન’ કર્યું નથી, છતાંય એમને ૨૦૧૬માં સાહિત્ય માટેનું નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.
ગુલઝારે કવિતામાં ત્રિવેણી નામનો એક સ્વતંત્ર પ્રકાર પેદા કર્યો છે. શેરમાં જેમ બે પંક્તિઓ હોય, તેમ ત્રિવેણીમાં ત્રણ પંક્તિઓ હોય. એક જગ્યાએ ગુલઝાર લખે છે, ‘શુરૃ શરૃ મેં તો જબ યહ ફોર્મ બનાઈ થી, તો પતા નહીં થા યહ કિસ સંગમ તક પહુંચેગી. ત્રિવેણી નામ ઇસલિએ દિયા થા કિ પહલે દો મિસરે, ગંગા-જમુના કી તરહ મિલતે હૈં ઔર એક ખ્યાલ, એક શેર કો મુકમ્મલ કરતે હૈં, લેકિન ઇન દો ધારાઓં કે નીચે એક ઔર નદી હૈ – સરસ્વતી. જો ગુપ્ત હૈ, નઝર નહીં આતી. ત્રિવેણી કા કામ સરસ્વતી દિખાના હૈ.’
ઉદાહરણોથી સમજીએ.
ઉડકે જાતે હુએ પંછી ને બસ ઇતના હી દેખા
દેર તક હાથ હિલતી રહી વહ શાખ ફિઝા મેં
ને હવે ત્રીજી પંક્તિ-
અલવિદા કહને કો? યા પાસ બુલાને કે લિએ?
બીજું ઉદાહારણ-
રાત કે પેડ પે કલ હી તો ઉસે દેખા થા-
ચાંદ બસ ગિરને હી વાલા થા ફલક સે પક કર.
સૂરજ આયા થા, જરા ઉસકી તલાશી લેના.
૧૯૭૨-૭૩ના ગાળામાં ગુલઝાર રચિત આ ત્રિવેણીઓ ‘સારિકા’ સામયિકમાં છપાવાનું શરૂ થયું હતું. તે વખતે કમલેશ્વર ‘સારિકા’ના તંત્રી હતા. ત્રિવેણીને એક સ્વીકૃત, પક્વ પદ્યપ્રકાર બનતાં બે-અઢી દાયકા લાગી ગયા. ગુલઝાર ક્યારેય સ્થગિત થતા નથી. એમની સર્જક ચેતના સતત વિકસતી રહી છે. એ સિવાય તેઓ નવલકથા જેવા ગદ્ય સ્વરૃપમાં ખેડાણ શા માટે કરે? ‘દો લોગ’ એમની પહેલી નવલકથા છે, જે એમણે ૮૨ વર્ષની ઉંમરે લખી હતી!
૯૦ વર્ષીય ગુલઝારે જીવનમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે, છતાંય – કદાચ એટલે જ – એમની તરફ તીર છૂટતાં રહે છે. જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં એક વાર શીન કાફ નિઝામ નામના સિનિયર કવિ મંચ પરથી છડેચોક બોલ્યા હતા કે શું ગુલઝાર ફિલ્લમવાળા ન હોત તો કોઈ એની શાયરી સાંભળવાની તસ્દી સુધ્ધાં લેત ખરા?
કોઈને પણ ક્રોધિત કરી મૂકે, અકળાવી મૂકે એવી આ ટિપ્પણી છે. ગુલઝારની કવિતામાં જોકે ક્રોધ, આક્રોશ અને નિર્ભાન્તિના ભાવ ખાસ બળકટ હોતા નથી. તેથી નસરીન મુન્ની કબીર નામનાં લેખિકા અને ડોક્યુમેન્ટરી ફિલ્મમેકરે જ્યારે પૂછ્યું કે ગુલઝારજી, શું તમે હંમેશા આશાવાદી હો છો? ત્યારે ગુલઝાર જવાબ આપે છે, ‘એવોય સમય આવ્યો છે જ્યારે હું બહુ નિરાશાવાદી બની ગયો હોઉં, અને એવોય સમય આવે છે જ્યારે હું સંપૂર્ણપણે આશાવાદી હોઉં. પણ આમ તમે જુઓ તો હું ‘ડાર્ક મૂડ’માં ખાસ હોતો નથી. સમસ્યાઓ અને અડચણો તો આવ્યા કરે, પણ ડાર્ક મૂડ? ના. જિંદગી બદલાતી રહે છે એમાં જ એનું સૌંદર્ય સમાયેલું છે.’
આમ કહીને ગુલઝાર પોતાની જ એક કવિતા ટાંકે છેઃ
કુછ ભી કાયમ નહીં હૈ કુછ ભી નહીં
રાત-દિન ગિર રહે હૈ ચૌસર પર
ઔંધ-સીધી-સી કૌડિયોં કી તરહ
માહ-ઓ-સાલ હાથ લગતે હૈં
ઉંગલીયોં સે ફિસલતે રહતે હૈં
કુછ ભી કાયમ નહીં હૈ કુછ ભી નહીં
ઔર જો કાયમ હૈ એક બસ મૈં હૂં
મૈં જો હર પલ બદલતા રહતા હૂં…
———————————
ગુલઝારઃ ઇનસાઇડર કે આઉટસાઇડર?
———————————
શું પોતાની જિંદગીએ જે રીતે આકાર લીધો છે તેનાથી ગુલઝાર સંતુષ્ટ છે? આ પ્રશ્નનો બાર વર્ષ પહેલાં ગુલઝારે જે જવાબ આપ્યો હતો તે નસરીન મુન્ની કબીરના ગુલઝાર સાથેની ગોષ્ઠિ સ્વરૂપમાં સંગ્રહાયો છે (આ અગ્રેજી પુસ્તકનું નામ છે, ‘ગુલઝાર – ઇન ધ કંપની ઓફ અ પોએટ’). આ જવાબ સંભવતઃ આજે પણ પ્રસ્તુત હોવાનોઃ
‘મને હંમેશા એવું થતું કે એક દિવસ હું સફળ લેખક બનીશ. સફળ એ અર્થમાં કે મારાં લખાણો અંદરથી બોદા નહીં, નક્કર હશે, અર્થપૂર્ણ હશે. હું થોડાં વર્ષ પીડબ્યુએ (પ્રોગ્રેસિવ રાઇટર્સ અસોસિયેશન)નો સભ્ય રહ્યો છું એટલે મારામાં એટલો કોન્ફિડન્સ તો આવી જ ગયો હતો કે હું જે લખીશ તેનો સંબંધ જીવાતા જીવન સાથે હશે અને તેનું કંઈક સોશિયલ રિલેવન્સ તો જરૂર હશે. સફળતા એટલે માણસની પોતાની નજરમાં સફળતા. તમે જે કહેતા હો અને કરતા હો તેમાં કન્વિક્શન હોવું જ જોઈએ. આ કન્વિક્શન તમારી ભીતરથી આવેલું હોવું જોઈએ. જો તમે જ તમારાં કામ બાબતે દઢ નહી હો, તમને જ તમારા કામમાં પૂરેપૂરો ભરોસો નહીં હોય તો તમે કોઈને કન્વિન્સ નહીં કરી શકો. આવા કામનું પછી કશું મહત્ત્વ રહેતું નથી.’
સિનેમા એક લોકપ્રિય માધ્યમ છે. લોકપ્રિયતા ભોગ માગી લે છે, લોકપ્રિયતાની કિંમત ચુકવવી પડે છે. સાહિત્યના પ્રસ્થાપિત લેખકોને ઘણી વાર લોકપ્રિય ફિલ્મરાઇટરની સૂક્ષ્મ ઇર્ષા થતી રહે છે. ઘણા સાહિત્યકારો ગુલઝારને ‘આઉટસાઇડર’ ગણે છે. ગુલઝાર ૧૯૬૦ના દાયકાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. શું તેમને લાગે છે કે એ કમસે કમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઇનસાઇડર છે? ગુલઝાર કહે છે, ‘મને આવો સવાલ પૂછાય છે ત્યારે હું મારી જાતને પ્રશ્ન કરું છું. હું ક્યાંનો છું? મારું પોતીકું કહેવાય એવું શું છે? હું સાહિત્યમાંથી સિનેમામાં આવ્યો હતો. મારે ફિલ્મનાં ગીતો અને સ્ક્રીનપ્લે લખતાં ને પછી ફિલ્મ ડિરેક્ટ કરતાં શીખવું હતું. હું ફિલ્મી દુનિયામાં જોકે અનીચ્છાથી પ્રવેશ્યો હતો, પણ હું અહીંથી ગયો મારી મરજીથી. હું હજુય આ સિનેમાની દુનિયાનાં ચક્કર મારતો રહું છું, પણ બહારથી. આટલા દાયકા પછીય મને લાગે છે કે હું સિનેમાનો જીવ નથી. આઇ ડોન્ટ બિલોન્ગ ટુ ફિલ્મ્સ…’
– શિશિર રામાવત
#gulzar #CinemaExpress #Chitralok #gujaratsamachar
Leave a Reply