Sun-Temple-Baanner

ભૂખ્યો-તરસ્યો કલાકાર કમાલ કરી જાણે છે!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ભૂખ્યો-તરસ્યો કલાકાર કમાલ કરી જાણે છે!


ભૂખ્યો-તરસ્યો કલાકાર કમાલ કરી જાણે છે!
—————————————

સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
————————————–

બે પળ માટે હિન્દી સિનેમાના કોઈ એવા હથોડાછાપ હીરોને યાદ કરો, જેણે કેવળ મારામારીથી ભરપૂર મસાલા ફિલ્મો જ કરી હોય. ધારો કે, સુનીલ શેટ્ટી. એકાદ ‘ધડકન’ જેવા અપવાદને બાદ કરતાં સુનીલ શેટ્ટીએ કદી ‘અભિનયના અજવાળાં’ પાથરવા પડે એવી ફિલ્મો કરી નથી. હવે ધારો કે લાંબા સમયથી સ્ક્રીન પરથી ગાયબ રહ્યા બાદ, જનતાના ચિત્તમાંથી લગભગ ભૂંસાઈ ગયા બાદ, વર્ષો પછી શેટ્ટીસાહેબ ઓચિંતા કોઈ ફિલ્મ કરે, જેમાં એક પણ એક્શન સિક્વન્સ કે સ્ટંટ નથી, એમણે માત્ર ને માત્ર અભિનય કરવાનો છે ને એ એવો હાઇક્લાસ અભિનય કરે છે કે તમે નસીરુદ્દીન શાહની કક્ષાના અભિનયસમ્રાટોને પણ ઘડીભર ભૂલી જાઓ. આવું થાય ત્યારે ઓડિયન્સને કેવો સુખદ આંચકો લાગે! તાજેતરમાં બેસ્ટ એક્ટરનો ઓસ્કર અવોર્ડ જીતી લેનાર બ્રેન્ડન ફ્રેઝરને ‘ધ વ્હેલ’માં જોઈને ઓડિયન્સને એક્ઝેક્ટલી આવો જ સાનંદાઘાત લાગ્યો હતો. લોકોને થયુઃ હેં? આ બ્રેન્ડન ફ્રેઝર?પેલો ‘જ્યોર્જ ઇન ધ જંગલ’માં વાંદરાવેડા કરનારો ને ‘મમી’ સિરીઝની હોરર-એક્શન ફિલ્મોમાં મારામારી ને હો-હો ને દેકારો કરનારો હીરો તે આ જ? આ માણસને એક્ટિંગ કરતાં પણ આવડે છે? ને એ પણ આવી બેનમૂન એક્ટિંગ?

બ્રેન્ડન ફ્રેઝરને કોઈએ ‘અભિનેતા’ તરીકે કલ્પ્યો જ નહોતો. એ તો ડેરેન અરોનોફ્સ્કી જેવા વર્લ્ડક્લાસ ડિરેક્ટરની પારખુ નજરને દાદ દેવી પડે, જેમને બ્રેન્ડન જેવા સાવ વિસરાઈ ચૂકેલા, ફિલ્ડમાંથી લગભગ બહાર ફેંકાઈ ગયેલા સ્ટારમાં અભિનેતા દેખાયો. ‘ધ વ્હેલ’માં બ્રેન્ડને જે રોલ કર્યો છે એ ખાસ્સો અઘરો છે. શું છે આ ફિલ્મમાં? સાવ ટૂંકમાં કહીએ તો, ચાર્લી નામનો એક આધેડ ઇંગ્લિશ ટીચર છે. એ એટલી હદે મેદસ્વી છે કે ઇવન ઓનલાઇન ક્લાસ લેતી વખતે કેમેરાની સામે આવવામાં પણ એને શરમ આવે છે. એ જો તબિયતનું ધ્યાન ન રાખે તો એને કોઈ પણ ઘડીએ હાર્ટએટેક આવી શકે એમ છે. ચાર્લી સમાજથી કપાઈ ગયેલો એકલવાયો આદમી છે, ડિવોર્સી છે, આઠ-આઠ વર્ષથી એણે પોતાની દીકરીનું મોઢું સુધ્ધાં જોયું નથી. એ દીકરીને યેનકેન પ્રકારેણ પોતાની સાથે રહેવા બોલાવે છે અને પછી એક બાપ તરીકે એની સાથે લાગણીના સ્તરે સંધાન કરવાની ભરપૂર કોશિશ કરે છે. જે પહેરતાં ચાર કલાક અને ઉતારતાં દોઢ કલાક થાય એવો કડાકૂટભર્યો બોડી સૂટ પહેરીને બ્રેન્ડને આ અત્યંત કોમ્પલેક્સ રોલમાં પહેલાં તો હૃદયદ્રાવક અભિનય કરીને ને પછી ઓસ્કર અવોર્ડ જીતી લઈને સિક્સર પર સિક્સર ફટકારી છે.

બ્રેન્ડનની ખુદની કહાણી ખાસ્સી પ્રેરણાદાયી છે. એક માણસે ખૂબ સફળતા જોઈ હોય, પુષ્કળ નામ-દામ કમાયાં હોય ને પછી એની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં એક પછી એક એવી ઘટના-દુર્ધટના બનતી જાય કે તમામ સ્તરે એની પડતી શરૃ થઈ જાય, એ હતો- ન હતો થઈ જાય, ગુમનામીના અંધકારમાં એ ખોવાઈ જાય… શું આવું થાય એટલે માણસે ‘જેવા મારા નસીબ’ કહીને બેસી રહેવાનું? કે પછી પાર વગરની રિબામણી વચ્ચે પણ પોતાના માંહ્યલાને જીવતો રાખવાનો અને હાર માન્યા વગર તક મળતાંની સાથે જ પૂરેપૂરા જોશ સાથે નવેસરથી ત્રાટકવાનું? બ્રેન્ડન ફ્રેઝરે આ બીજો વિકલ્પ પસંદ કર્યો હતો.

– – –

બ્રેન્ડનની હોલિવુડ કરીઅર તો શરૃ થઈ હતી છેક ૧૯૯૧માં, પણ આખી દુનિયાનું એના તરફ ધ્યાન ખેંચાયું હતું ૧૯૯૭માં, ‘જ્યોર્જ ઇન ધ જંગલ’ નામની એક્શન એડવન્ચર ફિલ્મ પછી. બ્રેન્ડન પાસે રૃપાળા રાજકુમાર જેવો દેખાવ હતો, ધારદાર કોમેડી ટાઇમિંગ હતી અને અફ કોર્સ, આ પ્રકારની ફિલ્મમાં જરૃર પડે એ પ્રકારનું પર્ફોર્મન્સ આપવાની ક્ષમતા હતી. સ્પેશિયલ ઇફેક્ટ્સથી ભરપૂર ‘ધ મમી’એ (૧૯૯૯) બ્રેન્ડનને સાચા અર્થમાં ગ્લોબલ સુપરસ્ટાર બનાવી દીધો. આ ફિલ્મની બબ્બે સિક્વલ બની. દુર્ભાગ્યે ૨૦૦૮માં આવેલી બીજી સિક્વલ ‘ધ મમીઃ ટોમ્બ ઓફ ધ ડ્રેગન એમ્પરર’ ખાસ કશા તરંગો પેદા કરી ન શકી. આ દાયકામાં જ બ્રેન્ડનની પડતી શરૃ થઈ ગઈ હતી.

માત્ર કરીઅર નહીં, બ્રેન્ડનના શરીરની પણ અવદશા શરૃ થઈ ગઈ હતી. ફિલ્મોમાં સ્ટન્ટ્સ અને જોખમી એક્શન સીન્સ કરવાને કારણે એનું શરીર ખરાબ રીતે ડેમેજ થઈ ચૂક્યું હતું. એની કરોડરજ્જુ પર એક કરતાં વધારે વખત સર્જરીઓ કરાવવી પડી, partial knee ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડયું, સ્વરપેટીનું ઓપરેશન કરાવવું પડયું. બીમારીઓનો આ તબક્કો સાત વર્ષ ચાલ્યો. કોઈ પણ એક્ટર માટે ભયંકર અવહેલનાની વાત એ હોવાની કે જે ફિલ્મની શૃંખલા પોતે સફળ બનાવી હોય એની જ સિક્વલમાંથી એને પડતો મૂકવામાં આવે. સુપરહિટ ‘જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ’ની સિક્વલમાં બ્રેન્ડનને પડતો મૂકીને ડ્વેન જોન્સનને લેવામાં આવ્યો. સુપરમેનની ફિલ્મ માટે એને કન્સિડર કરવામાં આવ્યો હતો, પણ એ ફિલ્મ બની જ નહીં. બ્રેન્ડનને મળતી ફિલ્મોની ઓફરની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો. અધૂરામાં પૂરું, એણે હોલિવુડના એક મોટા માથા સામે પંગો લઈ લીધો.

વિચિત્ર લાગે એવો આ કિસ્સો છે. ફિલિપ કર્ક નામના એક મહાશય એ સમયે હોલિવુડ ફોરેન પ્રેસ અસોસિયેશનના પ્રેસિડન્ટ હતા. હોલિવુડમાં એમની પોઝિશન ખાસ્સી પાવરફુલ ગણાય. બ્રેન્ડને આક્ષેપ કર્યો કે ફિલિપ કર્કે મારી સાથે સેક્સ્યુઅલ દુર્વ્યવહાર કર્યો છે. શું સેક્સ્યુઅલ દુર્વ્યવહાર? બ્રેન્ડન કહે છે કે એક ભીડભાડભરી પાર્ટીમાં ફિલિપ કર્કે મારા નિતંબ પર હાથ મૂક્યો અને ગંદો ચાળો કર્યો. ફિલિપ કર્કની આ ચેષ્ટાથી પોતે ભયાનક વિચલિત થઈ ગયો હતો એવું બ્રેન્ડન કહે છે. સામે પક્ષે, ફિલિપ કર્ક એના આ આક્ષેપને સાવ પાયાવિહોણો ગણાવે છે. એ કહે છે કે અરે, એ તો મેં જસ્ટ મસ્તીમાં બ્રેન્ડની પૂંઠે ટપલી મારી હતી. આટલી નાની અમથી વાતની બ્રેન્ડન બઢાવીચઢાવીને વિકૃત રીતે કેમ પેશ કરે છે? સાચું-ખોટું જે હોય તે, પણ આ આક્ષેપબાજી પછી બ્રેન્ડનને જાણે બ્લેક-લિસ્ટ કરી દેવામાં આવ્યો. ફિલિપ કર્કની થોડીઘણી બદનામી થઈ હશે, પણ એનું ખાસ કંઈ બગડયું નહીં. ઊલટાનું બ્રેન્ડનની ટીકા થઈ. કહેનારાઓએ કહ્યું કે કોઈ નવોદિત હિરોઈનનું જાતીય શોષણ થયું હોય તો સમજી શકાય, પણ બ્રેન્ડન જેવો ભડભાદર એક્શન હીરો આવી અમથી ચેષ્ટાને કારણે ભયંકર વિચલિત થઈને ટ્રોમામાં જતો રહે એ વળી કેવું? ખેર…

મુશ્કેલીઓ કાયમ ટોળામાં આવે છે. આ બધી ધમાલ વચ્ચે એક તરફ બ્રેન્ડનના ડિવોર્સ થઈ ગયા ને બીજી બાજુ, એની માતાનું મૃત્યુ થયું. બ્રેન્ડનની કરીઅર લગભગ ઠપ્પ થઈ ગઈ. એને મામૂલી ફિલ્મો અને ટીવી શોઝમાં છોટા-મોટા રોલ મળતા હતા. સમજોને કે ગ્લોબલ ઓડિયન્સની સ્મૃતિમાંથી એ જાણે સાવ ભૂંસાઈ જ ગયો.

ટનલ ભલે ગમે તેટલી અંધારી હોય, પણ એનો છેડો તો આવે જ છે. ઓસ્કર નોમિનેટેડ ડિરેક્ટર ડેરેન અરોનોફ્સ્કી એક દાયકાથી ‘ધ વ્હેલ’ ફિલ્મ માટે યોગ્ય એક્ટરની શોધ કરી રહ્યા હતા, પણ એમના મનમાં કોઈ એક્ટર બેસતો જ નહોતો. નસીબયોગે એમની નજરે બ્રેન્ડનની ૨૦૦૬માં આવેલી ‘જર્ની ટુ ધ એન્ડ ઓફ નાઇટ’ નામની ફિલ્મનું ટ્રેલર પડયું. ડેરેનને થયું કે અરે, આ એક્ટર તો સાવ ભૂલાઈ જ ગયેલો. ‘ધ વ્હેલ’માં બ્રેન્ડનને લીધો હોય તો કેવું? એમણે બ્રેન્ડનને મળવા બોલાવ્યો. કોઈ પણ ડિરેક્ટર એક્ટરોમાં હંમેશા આ એક વસ્તુ શોધતો હોય છેઃ કામ કરવાની ભૂખ. ડેરેને જોયું કે ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગયેલો બ્રેન્ડન સારી ફિલ્મ કરવા માટે ભૂખ્યો ડાંસ થઈને બેઠો છે. એમણે ‘ધ વ્હેલ’ માટે બ્રેન્ડનને કાસ્ટ કરી લીધો અને પછી, અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. ઓસ્કરવિનર બ્રેન્ડનના કરીઅરની લગભગ બંધ પડી ગયેલી ગાડી પાછી ટોપ ગિયરમાં ન દોડે તો જ નવાઈ.

સો વાતની એક વાત. જો કલાકારની ભીતર રહેલો artist જીવતો, ધબકતો અને ભૂખ્યો હશે તો યોગ્ય તક મળતાં જ એ કશુંક અસાધારણ કરી દેખાડી શકે છે!

– શિશિર રામાવત

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.