શેખર કપુરમાં એવું તે શું છે?
——————–
સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
——————–
સૌથી પહેલાં તો, એ શેખર કપૂર (Kapoor) નહીં, પણ શેખર કપુર (Kapur) છે. દીર્ઘ ‘પૂ’નહીં, હૃસ્વ ‘પુ’. શેખર કપુર એટલે ભારતના સાચા અર્થમાં ક્રોસઓવર ફિલ્મમેકર, જેમણે ‘માસૂમ’, ‘મિસ્ટર ઇન્ડિયા’ અને ‘બેન્ડિટ ક્વીન’ જેવી જબરદસ્ત હિન્દી ફિલ્મો બનાવ્યા બાદ વિદેશ જઈને ઓસ્કર કક્ષાની અંગ્રેજી ફિલ્મો બનાવી. આજકાલ શેખર કપુર પાછા ન્યુઝમાં એટલા માટે છે કે એમણે ઓર એક ‘વોટ્સ લવ ગોટ ટુ ડુ વિથ ઇટ?’ નામની પ્રમાણમાં ઓછા બજેટ અને તામજામવાળી ઓર એક અંગ્રેજી ફિલ્મ ડિરેક્ટ કરી છે.
શેખર કપુર બૌદ્ધિક માણસ છે, વિદ્રોહી છે,’મિસફિટ’ છે. ચાર્મિંગ તો ખરા જ. એમના ઇન્ટરવ્યુઝ અને વકતવ્યો એમની ફિલ્મો જેટલાં જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. એમણે જેટલી ફિલ્મો બનાવી છે એના કરતાં વધારે ફિલ્મો છોડી છે. તેથી તેઓ ખાસ્સા બદનામ પણ થયા છે. તેઓ નેલ્સન મંડેલાની બાયોપિક બનાવવાના હતા, ‘બુદ્ધા’ બનાવવાના હતા, સુશાંત સિંહ રાજપૂતને લઈને યશરાજ બેનર હેઠળ ‘પાની’ નામની અતિ મહત્ત્વાકાંક્ષી ફ્યુચરિસ્ટિક ફિલ્મ બનાવવાના હતા, કંગના રનૌતને લઈને એક ફિલ્મ બનાવવાના હતા કે જેમાં કંગના ૮૫ વર્ષની વૃદ્ધાનો રોલ કરવાની હતી. આ સિવાય પણ તેમની બીજી ઘણી દેશી-વિદેશી ફિલ્મો વિશે જાહેરાતો થયેલી. આ ફિલ્મોની પૂર્વતૈયારીના ભાગ રૃપે એમણે વર્ષો સુધી કામ સુધ્ધાં કર્યું, પણ કોઈને કોઈ કારણસર આ ફિલ્મો અટકી પડી. શેખર માટે ફિલ્મ સૌથી ઉપર છે, ફિલ્મસ્ટાર નહીં. તેમણે કેટલીય વાર જાહેરમાં કહ્યું છે કે મને મોટા સિતારાઓ સાથે કામ કરવું ગમતું નથી. આ સિતારાઓ વ્યક્તિ તરીકે મજાના હોય છે, પણ ફિલ્મની વાત આવે ત્યારે તેઓ પોતાની સાથે સ્ટાર હોવાનો ભાર લઈને આવે છે, જે શેખરની તાસીરને માફક આવતું નથી. ‘એલિઝાબેથ’ (૧૯૯૮) ફિલ્મ માટે શેખરે જ્યારે કેટ બ્લેન્શેટને લીડ રોલમાં સાઇન કરી ત્યારે એને કોઈ ઓળખતું નહોતું. આ ફિલ્મને બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ પિક્ચરનાં ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં. એ જ રીતે શેખરે એક હીથ લેજર નામના અજાણ્યા એક્ટરને પોતાની ‘ધ ફોર ફેધર્સ’ ફિલ્મમાં કાસ્ટ કર્યો હતો. આ એક્ટર આગળ જતાં બેટમેન શૃંખલાની ક્લાસિક ફિલ્મ ‘ધ ડાર્ક નાઇટ’ના ખતરનાક જોકર તરીકે વર્લ્ડ-ફેમસ થઈ ગયો.
————–
તમારા ભીતર બેઠેલા બાળકને સાંભળજો!
————–
૨૦૧૬ના એક રાત્રે શેખર કપૂર પોતાની ડાયરી (એટલે કે બ્લોગ)માં લખે છેઃ ‘અત્યારે મધરાત થઈ ગઈ છે. મારે સૂઈ જવું જોઈએ. એવા કેટલાય દિવસો હોય છે કે જ્યારે ફિલ્મના ડિરેક્ટર હોવાને નાતે ખરેખર તો મારે ક્રિયેટિવ બાબતોમાં ધ્યાન આપવાનું હોય, પણ તેને બદલે મારે સાવ મામૂલી વહીવટી કામોમાં પુષ્કળ સમય વેડફવો પડે છે. આજે જબદસ્ત ક્રિયેટિવ, અત્યંત પ્રામાણિક કહી શકાય એવું કશું જ મારી ભીતરમાંથી બહાર ન આવ્યું. અંદરથી કશુંક તીવ્રતાથી બહાર આવવા મથતું હોય એની સામે તરત તર્કના ચુકાદાની દીવાલ ખડી જતી હોય છે. તમે વિચારવા લાગો કે મને આ જે આઇડિયા આવ્યો એ ખરેખર સારો છે? કે ફાલતુ છે? આ વિચારો ક્યાંય સુધી મનમાં ને મનમાં ઘુમરાયા કરે. આ આત્મસંશય તમને થકવી નાખે. જેમ સ્કૂલનો માસ્તર તોફાની છોકરાને ધમકાવીને ચૂપ કરી દે એમ તમારા મનમાંથી ઊગેલો પેલો ક્રિયેટિવ વિચાર પણ પછી શાંત થઈને ખૂણામાં લપાઈ જાય. ફરી એક વાર માસ્તરની એટલે કે આત્મસંશયની જીત થાય. ફરી એક વાર તમારો ક્રિયેટિવ જુસ્સો પાંજરામાં કેદ થઈ જાય. ફરી એક વાર તમે ક્રિયેટિવ કામ છોડીને ચીલાચાલુ કામમાં જોતરાઈ જાઓ. ફરી એક વાર તમારા અંદરના અવાજને વ્યક્ત કરવામાં તમે નિષ્ફળ જાઓ. આવું વારે વારે થયા કરે એટલે તમારી ભીતર બેઠેલા પેલા બાળકની ચીસો સંભળાવાનું જ બંધ થઈ જાય. ચેતી જજો! જો પેલા બાળકની નિર્દોષતા હણાઈ જશે તો તમારી પ્યોર ક્રિયેટિવ ઇન્સટિંંક્ટ નિર્ભેળ ક્રોધમાં પરિવતત થઈ જશે. પછી આત્મસંશય પણ આ ક્રોધને રોકી નહીં શકે. તમારી ભીતર બેઠેલા બાળકની વ્યક્ત ન થઈ શકેલી લાગણીઓની શેતાની તાકાતથી ડરજો.’
ડોક્ટરપુત્ર શેખર નાનપણમાં ભણવામાં જરાય સારા નહોતા. તોય જોકે તેઓ કોલેજ કર્યા પછી લંડન જઈને ચાર્ટર્ડ અકાઉન્ટ જરૃર બન્યા. થોડાં વર્ષ સીએ તરીકે જોબ પણ કરી, પણ એમનું ચિત્ત કામમાં ચોંટતું નહોતું. તેઓ પાછા ભારત આવી ગયા. શેખર કહે છે, ‘આઇ વોઝ અ વિક્ટિમ ઓફ એજ્યુકેશન સિસ્ટમ. મેં વિદ્રોહ કર્યો. હું સિસ્ટમમાંથી બહાર આવી ગયો કે જેથી મારા માટે અનુકૂળ હોય એવું વાતાવરણ હું ખુદ રચી શકું, એક્સપ્લોર કરી શકું ને મને ખબર પડે કે હું આખરે કોણ શું અને મારે લાઇફમાં કરવાનું શું છે.’
સગા મામાઓએ (દેવ આનંદ, વિજય આનંદ, ચેતન આનંદ) શેખર કપુરને ફિલ્મી હીરો બનાવવાની બહુ કોશિશ કરી, પણ એક્ટર તરીકે તેઓ સદંતર નિષ્ફળ રહ્યા.સ્વેદેશગમન બાદ આખરે બાર વર્ષે ૩૮ વર્ષીય શેખરને ‘માસૂમ’ (૧૯૮૪)ના ડિરેક્ટર તરીકે બ્રેક મળ્યો. ‘માસૂમ’ની સફળતાએ તેમને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ‘હોટ પ્રોપર્ટી’ બનાવી દીધા.૧૯૮૭માં સુપરડુપર હિટ ‘મિસ્ટર ઇન્ડિયા’ આવી. શેખરનું કદ ઓર વધી ગયું. ‘બેન્ડિટ ક્વીન’ (૧૯૯૪)ની સફળતાએ શેખર માટે આંતરરાષ્ટ્રીય સ્ટારડમના દરવાજા ખોલી નાખ્યા. ‘આ ફિલ્મ પછી હું વિદેશ જતતો રહ્યો, કેમ કે મારે ‘એ’-ટીમ (એટલે કે સિનેમા જગતના સર્વશ્રે કલાકાર-કસબીઓ) સાથે રમવું હતું. ‘એ’-ટીમના ખેલાડીઓની સામે મારે મારી જાતને ચકાસવી હતી,’ શેખર કહે છે. એમને આમેય ક્મ્ફર્ટ ઝોનમાં પૂરાઇ રહેવું કદી ગમ્યું નથી. તેઓ અનુભવોથી કદી ડર્યા નથી. ઇન ફેક્ટ, નવા નવા અનુભવ મેળવવાની વૃત્તિ જ એમનો ડ્રાઇવિંગ ફોર્સ રહી છે. એટલેસ્તો વચ્ચે એમણે ‘મેટરહોર્ન’ નામનું એક જર્મન મ્યુઝિકલ ડ્રામા ડિરેક્ટ કર્યું હતું, એમને જર્મન ભાષાનો ક-ખ-ગ પણ આવડતો નહોતો છતાંય.
—————–
શિખર, પછી તળેટી અને પછી બીજું શિખર
——————
શેખર કપુર કહે છે, ‘ હ્યુમન માઇન્ડને ડેટા સમજાતો નથી, હ્યુમન માઇન્ડને વાર્તાઓ સમજાય છે. હું મનમાં ને મનમાં સતત એક પછી એક વાર્તાઓ બનાવતો હોઉં છું. હું કોઈની સાથે બેઠો હોઉં ત્યારે મનોમન એ માણસ વિશે વાર્તા ઘડી નાખું. જો હું વાર્તાઓ ન કહેતો હોઉં તો હું કોણ છું? વાર્તાઓ વગર હું શું છું? આ વિરાટ અનંતમાં આપણે સૌએ ‘હું કોણ છું?’ ને ‘હું ક્યાં છું?’ એ સવાલો સામે સતત ઝઝૂમતા રહેવું પડે છે. સેન્સ-ઓફ-આઇડેન્ટિટી ઊભી કરવા માટે કલાકારે વાર્તાઓ રચતા રહેવું પડે છે. સર્જનાત્મકતા ક્ષણોના પરપોટામાં પ્રગટે છે. એ ક્ષણ અચાનક આવે અને જતી રહે. પોતાની ઓળખ શોધવાની મથામણમાંથી અને ઇન્ફિનિટી સામે ચાલતી નિરંતર લડાઈમાંથી ક્રિયેટિવિટી, સ્ટોરી-ટેલિંગ, આર્ટ ઇત્યાદિ પ્રગટે છે.’
આટલું કહીને તેઓ ઉમેરે છે, ‘સમગ્ર કળા કોન્ફ્લિક્ટ (ટકરાવ, અથડામણ) પર ઊભી છે. કળાનું સર્જન એટલે આ ટકરાવમાંથી સંવાદિતા પેદા કરવી. મ્યુઝિક કંપોઝર શું કરે છે? એ એકબીજા સાથે કોન્ફ્લિક્ટમાં હોય એવી મ્યુઝિકલ નોટ્સને એવી રીતે વણે છે કે એમાંથી સંગીતનું સર્જન થાય. મ્યુઝિક ઇઝ કોન્ફ્લિક્ટિંગ નોટ્સ. ચિત્રકાર રંગો વચ્ચે, સ્ટ્રોક્સ વચ્ચેના કોન્ફ્લિક્ટમાંથી સંવાદિતા પેદા કરે છે. એવું જ વાર્તાનું છે. વાર્તા મોરલ કોન્ટ્રોડિક્શન એટલે કે નૈતિકતાના ટકરાવમાથી જન્મે છે.’
૭૭ વર્ષીય શેખર કપુરે જીવનમાં ઘણા ચડાવઉતાર જોયા છે. ભવિષ્યમાં તેઓ કઈ ફિલ્મો બનાવવાના છે ? આનો ઉત્તર કદાચ તેમની પાસે પણ નથી. તેઓ સરસ કહે છે, ‘તમે એક શિખરથી સીધા બીજા શિખર પર કૂદી ન શકો. બીજા શિખર સુધી પહોંચતા પહેલાં તમારે પહેલા શિખર પરથી નીચે ઉતરવું પડે છે…!’
– શિશિર રામાવત
Leave a Reply