Sun-Temple-Baanner

છળ : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


છળ : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)


નાથા બાપાના ઘરમાં અચાનક ભયાનક દેકારોથયો, શેરીમાં પડતા ખીડકી બહારના ઓટલે બેસીને દાતણ કરી રહેલા નાથાબાપાના હાથમાંથી લોટો છટકીને પડ્યો ધુળમાં . . . નાથા બાપાના ચહેરા પર સ્પષ્ટ અણગમો ઉપસી આવ્યો અને ધોતીયું સંકોરતાસંકોરતા અંદર દોડ્યા. ઓટલા પર બેસી દાતણ કરી રહેલા તમામ માટે આ બનાવ કંઇ નવો નહોતો છતાં સૌ નાથાબાપાની ખડકી સામે એકત્રિત થઇને જોણું જોવા ટોળે વળ્યા. ફળીયામાં નરબદામાં, પ્રસુતીમાં મૃત્યુ પામેલી તેમની દિકરીના ભાણેજને વાળ પકડીને ધીબેડતા ધીબેડતાકહેતા હતા, “હાળા અક્કરમી, અભાગીયા, મરતો ય નથી ને અમને હખે જીવવાય દેતો નથ ? આ તારા દાદાએ રૂપીયે રૂપીયો બસાવીને આ બધુ ઉભુ કઇરૂ સે ને તેં તૈણ લીટર દુધ ઢોળી નાઇખું ? તારૂ આઇખુ ક્યાં ફાઇટીતી નાલાયક , . . ? અભાગીયો . . . સગીમાંનેય ખાઇ ગ્યો ! ગધેડીના, તું કાં નો મરી ગ્યો એની હાઇરે ?” બધાએ ભેગા થઇનેબાડીયાને છોડાવ્યોને માડીને કીધું “માડી, માં વીનાનાસોકરાને આમ નો મરાય હાવ .. . કોક દી આડુ અવળું વાગી જાહે ને તો પસે રોતાય નૈ આવડે . . . ” નરબદા ડોસી બોલ્યા “માઇ ગ્યો મરી ગ્યો તો . . . તમારે હું સે એમાં . . . ?”

નરબદામાંનો ક્રોધ પોતાના તરફ વળે તે પહેલા જ સૌ છાનામાનાં ડેલી બહાર નીકળી ગયા. પશો બોલ્યો “આ ડોહી રાખસછે, ફુલ જેવા સોકરાને આમ ધીબેડે સે તો ઉપરવાળો પુછશે નૈ કોક દી? એની માં બચાકડી આને જલમ દેતાવેંત સરગાપર વઇ ગઇ ને સોકરૂ આ ડાકણના હાથે ચડી ગ્યું. હવે તમે જ ક્યો, સોકરાને આમ કાંઇ વાતેવાતે ધીબાય ? ને ઇય કોય ઢોરને ય નો મારે ઇમ ?” બધાના મોઢા પર સંમતિની રેખાઓ ખેંચાઇ, પણ નરબદામાંની બીકે કોઇ બોલ્યુ નહીં. “હઇશે . . . ભાઇ, સોકરાના કરમમાં કઠણાઇ લઇખી હોય તો ઇમાં મારૂ તમારૂ હાલે સ કાંઇ ?” જ્ઞાનની આડમાં નિ:સહાયતા છુપાવતા સૌ વિખેરાઇ ગયા. નાથા બાપાનો લોટો એક નવા ગોબા સાથે તડકો નિકળ્યો ત્યાં સુધી શેરીમાં જ પડ્યોરહ્યો.

બાડીયાનું મુળ નામ તો સુરેશ. તેના જન્મ વખતે પ્રસુતિમાં ઉભીથયેલી સમસ્યાના કારણે તેની માં મૃત્યુ પામેલી અને અધુરામાં પુરૂ તેની જમણી આંખ ત્રાસી. નાની ઉંમરે વિધુર થયેલા સુરેશના પીતાજીએ બીજા લગ્ન કરવા માટેની વેવાઇની શરત રૂપે બાડીયાને તેના મોસાળ મોકલી દીધેલો. નરબદામાં તેને પોતાની એકની એક વહાલસોઇ દીકરીને ભરખી જનાર કાળદૂત ગણતા અને તેના પર પોતાનો અણગમો વ્યક્ત કરવાનું લાગ આવે ચુકતા નહીં. નરબદામાંને આ દિકરી સિવાય બે દિકરા, એટલે કે બાડીયાના બે મામા. ગામલોકના કહેવા મુજબ “બકરી કસાઇ વાડે આવી”ત્યારે મોટા મામા પરણેલા હતાં અને નાના મામા અપરિણીત હતાં. શારીરિક ખોટ અને લલાટે બુંદિયાળના લેખ લખાવી જન્મેલો સુરેશ માત્ર મોટી મામીના થોડા ઘણા પ્રેમ અને લાડમાંમોટો થતો ગયો. નરમદામાં તેને ખરા દિલથી ધિક્કારતાં. એનું મૂળ કારણ એ કે સુરેશ દેખાવે પણ મા પર ગયેલો. તે સામે આવે એટલે ડોસીને પોતાની વહાલસોયી દિકરી યાદ આવી જાય અને એ વાત પણ તાજી થાય કે આ કાળમુખાના પાપે જ મારી દિકરી મરી ગઇ ! લગભગ ઘરના સૌ સુરેશ વાંકમાં આવે તેની રાહ જોઇને જ બેઠા હોય. કોઇ પણ નાની અમથી ભુલ થઇ નથી ને બાડીયાને ઢોર માર પડે. મોટી મામીથી સહન ન થાય એટલે વચ્ચે પડીને છોડાવે.

બપોર પડતાં નરબદામાં બજરની ડાબલી લઇને ઓટલે બેઠાં ને એમનું ધ્યાન પડ્યું લોટા પર. આજુબાજુ નજર દોડાવી ને પછી મધ્યમ સુરે બુમ પાડી . . . “સુર્યા . . . એ સુર્યા . . . ક્યાં ગ્યો એલા સુર્યા ?” બે ત્રણ બુમો પછી પણ કોઇ પ્રત્યુત્તર ન મળતા ડોસી બગડ્યા અને ઉઠીને ડેલીની વચ્ચો વચ ઉભા રહીને કમરે બેય હાથ ટેકવીને બરાડ્યા “બાડીરાંડના, કયુંની રાડુ નાખુ છુ ઇ હંભળાતુ નથ્ય ?સીધે સીધો વયો આવ્ય નકર સોડા પાડી નાખીશ”. કોપભવનની ગરજ સારતી પોતીની ઓરડીમાંથી સુરેશ થરથરતા પગે ફળીયામાં આવીને નીચે મોઢે ઉભો રહ્યો. “બારો જા, શેરીમાં તારા દાદાનો કળશ્યો પઇડો સે ઇ લઇ આવ્ય, કામ કરતા જોર પડે સે ને હમણા ખાવા ટાણું થાહે તંયે મારાજ ને ખાવા તો બકડીયુ ભરીને જોહે . . .”બીતા બીતા નરબદા માં ની બાજુમાંથી પસાર થતા બાડીયાના શરીરમાંથી ભયનું લખલખું છુટીગયું પણ લોટો લઇને ઓસરીની ધારે મુકી ને પાછો સીધો કોપ ભવનમાં !

થોડી વાર થઇ ને નરબદા માંને બજર ખુટી. તેમણે આજુ બાજુ જોયું અને ડેલીમાં નજર નાખતા બુમ પાડી . . . “સુરેશ. . . એલા એય સુરેશ . . . “કોપભવનના કમાડ સહેજ ખુલ્યા, ને તિરાડમાંથી એક સારી અને એક ત્રાંસી એમ બે ત્રસ્ત આંખો તગતગી. ડોસીના અવાજમાં હળવાશ અનુભવાતા બાડીયો હળવે પગલે ફળીયામાંથી ખડકી બહાર આવીને તેમની સામે ઉભો રહ્યો. ડરેલા બાડીયાની હડપચી પકડીને મોં ઉંચુ કરીને પોતાના સવારના કૃત્યને સાચુ ઠરાવતા હોય તેમ નરબદામાં બોલ્યા “સુર્યા . . . મારો ડાયો દિકરોસો ને ? જો મેં કાંઇ અમથું માઇરુ તું તને ? તેંઆટલું બધું દુધ ઢોળી નાઇખુ તો કાળ ચડી ગ્યો, ને મારાથી મરાય ગ્યું . . . બૌ વાઇગુ નથીને તને સુર્યા . . . ? “બાડીરાંડના માંથી અચાનક સુર્યો બની ગયેલો સુરેશ હતપ્રભ થઇને ડોસીના મોં સામે અચરજથી જોઇ રહ્યો. અચાનકના આ હૃદયપરિવર્તનને સમજવા તેનું બાળમાનસ મથતું રહ્યું. ડોસીબોલ્યા “સુર્યા વાણીયાની દુકાને ધોડા ધોડ જા, ને કેજે નરબદા માંના ખાતે એક બજરની ડાબલી દ્યો . . .આ મારી બજર ખુટી ગૈ સે ને તીમાં”.પોતાના એક વ્યક્તિ તરીકેના આ અણધાર્યા સ્વિકારે, તેના માર ખાઇ ખાઇને ખેંચાઇ ગયેલા સ્નાયુઓમાં એક નવું જોમ ભર્યું અને “સુરેશભાઇ”એ મલકાતા મોંએ વાણીયાની દુકાનવાળી શેરી ભણી ડગલાં ભર્યાં.

ઘરના તો ઠીક, પણ શેરીના નાના મોટા સૌ તેને બાડીયો કહીને જ બોલાવે.શેરીના બાળકોમાં પણ “સુરેશ” અળખામણો ! શેરીમાં બેટ બોલરમતા બાળકોને જોઇને સુરેશ પણ દોડી જાય અને થીગડાવાળી ચડ્ડી ચડાવતા ચડાવતા કહે “એલાવ, મનેય રમાડોને . . . ?” શેરીના બાળકો અંદરો અંદર આંખમિચકારીને સુરેશ ને કહે “હાહા . . . રમાડવી છી ને . . . હાઇલ દા દે . . તું મોડો આઇવોને એટલે ફિલ્ડીંગ ભઇર, હાવછેલ્લે તારો દા . . .” સુરેશપોતાનો દાવ આવશે એવી આશાએ ફિલ્ડીંગ ભર્યા કરે અને બમણા ઉત્સાહથી દૂર દૂર જતા દડાનેલઇ આવે. પરંતુ જ્યારે તેનો દાવ આવે ત્યારે બધા એક થઇનેઅંચાઇ પર ઉતરી આવે ને તેનો દાવ ગુપચાવી જાય ! હંમેશ થોડી ધોલઘપાટ અને અપમાન બાદબાડીયો રીસાઇને “તમે હંધાય અંચાઇડાવસો,હવે તમારી હાઇરે રમે ઇ બે બાપનો . . .” કરતોક સુરેશ ઉપડે. નારાજ થઇને ઢીલાપગે ઘર ભણી જઇ રહેલા સુરેશની પીઠ પાછળ અશ્લિલ હસ્ત ચેષ્ટાઓ અને ખાખા-ખીખીની છોળોઉડે. સુરેશની મુંઝવણ બે-ધારી, ઘરે કોઇને જો આ વાતની ફરીયાદ કરે તો ઉલટાની પોતાને જબે-ચાર પડે તે અલગ ! એક બે દિવસ સુરેશ રમવા જાય નહી એટલે શેરીની વાનર ટોળીનેસુરેશની ખોટ સાલે. બોલ લેવા તેના જેટલા દુર અને ઉત્સાહથી બીજુ જાય કોણ ?એકઠા થઇને સુરેશને પાછો શીશામાં ઉતારવાની વ્યુહ રચના ઘડાય અને એકાદ આગળ પડતોહિંમતવાન સુરેશને પટાવવાનું બીડુ ઝડપે. તે છોકરો મોં પર નિર્દોષતા ધારણ કરીનેનરબદામાંના ઘરની ડેલી પાસે ઉભો રહીને મધ્યમ સુરે બુમ પાડે “સુરેશ . . . એલા એયસુરેશ . . .” પણ સુરેશ પોતાની સાથે થયેલી અંચાઇ ભુલ્યો ન હોય. ડેલીની નજીકઆવીને નકારમાં માથુ ધુણાવે અને કહે “મારે ઘરમાં હાકલા સ,નથ્ય રમવું તમારી હારે . . . અંચાઇડાવ” પેલો પણ કંઇ એમ હાર થોડો માની લે ?ઠાવકાઇથી કહે “સુરેશ તારુ તો મન મોટું સે, તેદી મેં બધાને નોતું કીધું કે આવું થોડું કરાય ?બચાડો ધોડી ધોડીને ઠુસ થઇ ગ્યો ને તમે એને બે દડાય નો રમવા દ્યો,એમ હાવ થોડું હાલે ? બાડીયાના સ્થાને વપરાયેલ સુરેશ નામોલ્લેખે જ તેને અરધોપીગળાવી દીધો હોય. પટાવનાર ખંધુ બાળક પણ સુરેશના ચહેરા પરના મુંઝવણભર્યા મિશ્રભાવોને ઓળખી લે અને કહે “હાઇલને ભઇલા,ભાયુ હારે આમ થોડી જીદ હોય ? સંધાયરાહ જોવે સે, હાલ્ય મારો ભાઇ કરૂ . ..” અને રમતમાં પોતાનો દાવ આવશે ત્યારે કેવા ફટકા લગાવશે તેના સ્વપ્નો આંખમાંભરી બાડીયો ફરી એક વાર મુર્ખ બનવા તરફ ડગલું માંડે છે.

થોડા દિવસો પૂર્વે બનેલી ઘટનાને બાળ સહજ રીતે ભુલી ગયેલો બાડીયોસમી સાંજે શેરીના બીજા છોકરાઓ સાથે ફરી રમતમાં જોડાઇ ગયો હતો. રમી રમીને થાકી ગયેલાસૌ સાંજ પડતાં શેરીના નાકે આવેલા લીમડા નીચે બેઠા. બાડીયાની નજીક ગણાતું એક બાળકબોલ્યું “આબાડીયાને કેટલું દુ:ખ સે હેં ? આપણને જો કોઇ અટલું મારતું હોય ને તો આપણે તો નોહલાવી લૈ હો . . . એક વાર ઘરેથી ભાગી જાઇ ને,તો હઉ ને ખબર પડી જાય કે કેમ મરાય છ !” બીજા બધાએ ટાપસી પુરાવી. બાડીયો થોડીવાર મૌન થઇ ગયો. તેની આંખોમાં ઢળતા સુરજની છાયાઓ ક્ષણે ક્ષણે રંગ બદલી રહી હતી.

ગંભીર થઇને જાણે પોતાની જાતને કહેતો હોય તેમ બોલ્યો “ભાયુ,આજે તમે પેલી વારકુ પુયસુ એટલે કવ સુ. તમે જો કોઇનેય ક્યોને તો શેરીના હડમાનનીઆણ્ય સે. મને ય બઉ મુંજારો થાય સે ઘણી વાર તો. પણ તમે જ ક્યો હું સુ કરૂ ?ઘણી વાર રાતે સે ને, મને મારી માં બઉ સાંભરે સ. ઘણી વાર ઇની હાઇરે વાતુય કરૂ સુ .. . ‘માં તને સેજેય વસાર નો આઇવો ? મને હાવ આમ એકલો મેલીને વઇ ગઇ ?એક તો તું વઇ ગઇ, ને ઉપરથી આ સંધાય મને બુંદીયાળ કે . . . હવે તું કે, મારૂહાલતુ હોત તો મેં તને જાવા દીધી હોત કાંઇ ?અકલમઠ્ઠા સે હઉ. પણ માં મને ખબર સે કે નરબદામા,મોટા મામા, નાના મામા, દાદા, ઇ બધાયને સે ને, તું બઉ વાલી હતી, નેએમાંય તુ વઇ ગઇ એટલે એની દાઝ કાઢેય કોની ઉપર ?હાચુ કવ ને તો ઘણી વાર તો મારાથી માર નથી સેવાતો. રાતે ડીલ દુખે,કોઇ પુસે ય નય ને એકલા એકલા બવ રુંગા આવે,પણ એક વસાર આવે ને એટલે બઉ ટાઇઢક થાય . . . ક્યાં હુધી આ બધાય આવા નિંભર રેહે ?મારી મારીને કોઇ દી થાકહે નૈ ? આજેનૈ ને કાલે આ બધાયને ભાન પડસે, તાણે આ બધાય મને તારા જેટલું જ વાલ કરવાના સે.’ તમેહંધાય જોજો, એક દી આ બધાય મને એટલું વાલ કરસેને કે હું મુંઝાઇ જાવાનો . . . !”

સુરેશના નાના મામાના લગન લેવાણા અને બધું રંગે ચંગે પત્યું.રંગે ચંગેમાં બાડીયાની અકારણ ધોલાઇના કાર્યક્રમોનો પણ સમાવેશ થઇ જાય . . . ! લગ્નમાંબાડીયાને એક જોડ નવા કપડા બનાવડાવી દેવાયેલાં. આ કપડા પાછળ પણ એક કલ્લાકની ચર્ચાઅને અંતે સૌ એટલા માટે સંમત થયેલા કે ઘરનો ભાણેજ લઘર-વઘર હોય તો વેવાઇને કેવું લાગે? લગ્નપત્યા પછી ઘરમાં નવી આવેલી બાડીયાની નાની મામી ઘરમાં કોનું શું સ્થાન છે તેનોક્યાસ કાઢી રહી હતી. તેના ઘરમાં આગમન અને પ્રથમ રાત્રીએ પહેલા માળે આવેલી તેમનીરૂમના કમાડ બંધ કર્યા ન કર્યા એટલામાં જ નીચે ફળીયામાં બોલેલી ધડબડાટી, રીડીયારમણઅને બાડીયાને પડી રહેલો માર જોઇને તેને “સુરેશ ભાઇ”ના ઘરમાંના મોભાનો અંદાજ તો આવી જ ગયેલો !

એમાં થયેલું કંઇક એવું કે સુરેશની ઓરડી ઉપર જવાના દાદરને અડીનેજ આવેલી. નાના મામા નવી રૂમઝુમ મામીને લઇને ઘરમાં પ્રવેશ્યા. તેમના વધામણા અનેઅન્ય વીધિઓની સાથોસાથ મામાના ભાઇબંધોએ મેડીના રૂમને શણગારવાનું શરૂ કરેલું. સુરેશનેબીજું તો કોઇ કામ હતું નહીં, એટલે એ ક્યારનો કૌતુકથી ઉપર નીચે આવ-જા કર્યા કરતો.આ બધું જોઇને તેના મનમાં ધમસાણ ઉપડ્યું . . . તેને કંઇક પણ જવાબ મળે એવા સ્થાન એટલેકે મોટી મામીને પુછ્યું “હેં મામી, નાના મામાના દોસ્તારુ ઉપરનારૂમમાં હું કરે સ ? ડાલો એક ફુલ લાઇવા સે ને કયુંના મંડાણા સ. મામા હવે રોજની ઘોડી આયાં નીસે ફળીમાં નઇ હુવે ? નેનવી મામીની હારે ઉપર હુવાના છ ? મોટી મામી એ જવાબ દેવાનું ટાળીને હકારમાં માથુંધુણાવ્યું. સુરેશ વળી બોલ્યો “એક વાત કવ ?નાના મામાને સરમ નૈ આવે ? મામાતો ઠીક જણ સે, પણ ઓલી આઇવી સે ઇ તો બાઇમાણહ સેને ? ઇને એના બાપા વઢશે નૈ ?”મોટી મામીને મરવા જેવું થયું ! થોડા ગુસ્સે થઇને કહ્યું “નવરીના તારે સુંપંચાત આ બધી, જઇને શેરીમાં તારા જેવડા હારે રમ . . .”

સુરેશની આ પૃચ્છાઓ સાંભળી ગયેલા નરબદામાંને અજંપો હતો.”માનો ન માનો આ બાડીયો લખણ જળકાઇવાવગર રે નૈ !” મોડીરાતે વર વધુ ઉપરના માળે ગયા અને માંડ દરવાજા બંધ કર્યા હશે ત્યાં જ એક બિલાડી દાદરપાસે ફરતી ફરતી આવી. સુરેશે તેને ભગાડી પણ બિલાડી બહાર ભાગવાને બદલે ઉલટાની દાદરચડવા માંડી. બિલાડીને ભગાડવા સુરેશ પણ દોડાદોડ પાછળ પાંચ સાત પગથીયા ચડ્યો. અંધારામાંસુરેશ પર જ નજર રાખીને બેઠેલા નબળી દૃષ્ટિવાળા નરબદામાંને સુરેશ દેખાયો પણ બિલાડીન દેખાઇ. એમને ફાળ પડી કે “નક્કીઆ બાડીયો કમાડની તિરાડમાં થી મામા-મામી હું કરે છ ઇ જોવા જ જાતો લાગે છે!” અને હંમેશની માફક સુરેશનો કોઇ પણ ખુલાસો ગ્રાહ્યરાખ્યા વગર જ તેની સામુહિક ધોલાઇ થઇ !

જીવન પાછું ઘરેડમાં આવી ગયું છે. સુરેશની નિયમિત ધોલાઇ,કામ પડે તો “સુરેશભાઇ” નો ટહુકો અને વાંકમાં આવે ત્યારે”બાડીરાંડનો” . . . આ બધાથી ટેવાઇ ગયેલા સુરેશને અવારનવાર પોતે મરણતોલઘાયલ થયો છે અથવા માંદો પડ્યો છે અને હોસ્પિટલમાં દાખલ છે,ઘરના સૌ તેના પલંગની આજુબાજુમાં ચિંતાતુર વદને ઉભા છે,પોતે ભાનમાં આવે ત્યારે સૌ સુરેશ બેટા . . . સુરેશ બેટા કહી સંબોધે છે . . . તેનાપલંગ પાસે ટેબલ પર જાતભાતના ફળો પડ્યા છે . . . પોતાની ખુબ જ કાળજી લેવાઇ રહી છે .. . એવા સ્વપ્નો રુટિનમાં જોયા કરે છે !

એક દિવસ સુરેશ શાળાથી પાછો આવીને પાણી પીને ઓસરીની ધારે બેઠોહતો. ફળીયામાં સવારે નાખેલી ચણ ખાવા ઉતરી આવેલા કબુતરો અને ચકલીઓને ચણતા,અંદરો અંદર ઝગડતા વિસ્મય પૂર્વક જોઇ રહ્યો હતો. ત્યાં નરબદામાં રાસોડામાંથીબાંધેલું ભાથું લઇને બહાર આવ્યા. થોડી વાર સુરેશની આ બાળ સહજ પ્રવૃત્તિ જોઇ રહ્યા.આજે ખેતરે ગયેલા નાનકા અને તેની વહુનું ભાથું પોતે આપવા જવાનું હતું. ખેતર સાવનજીક હોવા છતાં સુરેશને જોઇ ને નરબદામાં ને આળસ થઇ આવી . . . બોલ્યાં “સુર્યા. . . નિહાળ્ય તો જઇ આઇવો ને ? માં નું એક કામ નો કઇર ?જા આ બપોરા નાના મામા-મામીને ખેતરે આપી આયને ભઇલા . . .” સુરેશની આંખમાં પોતેપણ એક ઉપયોગી વ્યક્તિ છે એ વાતની ચમક આવી ગઇ. દફ્તરનો ઓરડીમાં ઘા કરીને દોડીને પાછાઆવેલા સુરેશે ખુમારી પુર્વક નરબદામાના હાથમાંથી ભાથાની પોટલી,પાણીની ઢોચકી લઇ લીધા અને બોલ્યો “બા, હું દઇને આવુ સુને. . . તમે બેહો તમતમારે. . . મોજ કરો . . .”. એક હાથમાં ઢોચકી અને બીજા હાથમાં ભાથાની પોટલી લઇનેડેલીની બહાર નીકળી રહેલા સુરેશને જોઇ રહેલી બે ક્ષિણ આંખોમાં ક્ષણિક અપરાધભાવ ડોકાઇગયો.

ઓસરી પરના ઢોલીયા પર આડા પડેલા નરબદામાંની આંખો હજુ મિંચાઇ નમિંચાઇ ત્યાં જ ડેલીના બારણા ધડધડયા . . . બહારથી સુરેશનો હાંફળો ફાંફળો અવાજસંભળાયો . . . “બડી એ બડી . . . જટ કમાડ ખોઇલ . . . ન્યાં ખેતરે રામાયણ થૈ સે. . .” નરબદામાંએ દોડીને સાંકળ ખોલી તો પરસેવે રેબઝેબ સુરેશ ખેતર તરફ આંગળીચિંધીને માંડ માંડ બોલ્યો “મામા ને મામી શેઇડીના વાડમાં બાધ્યા સ,ને મામીના તો લુગડાય ફાટી ગ્યા સે . . . જલ્દી હાલ નકર મામી મરી જાહે . . . મામીનેહેઠી પાડીને મામા એની ગળકી દાબે સે, મામી કેવી ચીહુ નાખતા તા . . . ઓયમાં ઓયમાં ! નરબદામાંને શું સુઝ્યુ તે બાજુમાં રહેતા ભગાબાપાના યુવાન દિકરાને ય સાથે લીધો. ખેતરેપહોંચ્યા તો બધું સુમ સામ . . . નરબદામાં એ બુમ પાડી “નાનીયા . . . ક્યાંગ્યો નાનીયા . . . ? એલી વઉ . . .”
વાડની વચ્ચોવચથી કપડા સરખા કરતા કરતાં બહાર નિકળતા નાનીયા અનેતેની નવી પત્ની સુમસામ ખેતરમાં અચાનક જ સામે માંને જોઇને ડઘાઇ ગયા. ભગાબાપાનોયુવાન દિકરો આખો તાલ પામી ગયો હોવાથી મોં ફેરવીને ખી ખી કરતો હસ્યો . . . અનેનરબદામાંને કાળ ચડી ગયો . . . બાજુમાં જ ડાહ્યા ડમરા થઇને ઉભેલા સુરેશને ઉંધાહાથની એક અડબોથ મારી. સુરેશ પડ્યો ખેતરના ધોરીયામાં . . . સુરેશને પોતાનો શું વાંકછે એ તો ન સમજાયું પણ એટલું જરૂર સમજી ગયો કે આજે તેની અભુતપૂર્વ ધોલાઇ થવાની છે. આજ્ઞાન લાધતા જ તેણે ધોરીયામાંથી ઉભા થઇને ઘર ભણી દોટ મુકી પરંતુ ધોરીયાના કાદવનાલીધે બે ત્રણ વાર લપસી પડ્યો. સુરેશ હવે હાથમાં નહી આવે એ વાતની પ્રતીતિ થતાં જ નરબદામાંએધોરીયાના કાંઠે પડેલો એક નાનો પણ વજનદાર પથ્થર ઉંચકી અનેનાસવાનો પ્રયત્ન કરી રહેલા સુરેશ તરફ ફેંક્યો. પાછુ જોતા જોતા નાસી રહેલો સુરેશખરેખર તો પથ્થરના રસ્તામાં હતો જ નહીં, પણ પોતાના તરફ ફેંકાઇ રહેલાપથ્થરની બીકમાં તેણે ઉલ્ટી છલાંગ લગાવી. આ છલાંગે તેને સીધો પથ્થરના રસ્તામાં લાવીદીધો !

પથ્થર સીધો સુરેશના માથાના પાછળના ભાગે અથડાયો અને એક બોદો અવાજખેતરમાં પ્રસરી ગયો. સુરેશનું શરીર, અચાનક સેલ ખલાસ થઇ ગયેલા રમકડાની માફક સ્લો મોશનમાંઢળી પડ્યું. મામા મામીના ઝગડાનું શરમ જનક ફારસ,નરબદામાંનો ગુસ્સો બધું એક જ ક્ષણમાં વરાળ થઇ ગયું. નરબદામાંને ફાળ પડી. સુરેશનેઉભો કરવાના પ્રયત્નો થયા, પણ સુરેશ હોશમાં હોય તો ને ? ગાભાનાઢીંગલા જેવા સુરેશના શરીરને બન્ને હાથમાં ઉપાડીને આગળ નરબદામાં અને પાછળ તેમનીસાથે આવેલો યુવાન અને નાના મામા-મામી. ઘરે અને ઘરે થી ભગાબાપાના ટ્રેક્ટરમાં જીલ્લામથકે આવેલા ખાનગી દવાખાને. ડોક્ટરની પુછપરછના જવાબમાં પશ્ચાતાપમાં સળગી રહેલાનરબદા બાએ જે હતું તે જણાવી દીધું. ડોક્ટરે નરબદામાંને સારા એવા ઝાપટ્યા અને સુરેશનેસીટી-સ્કેન અને બીજા ટેસ્ટ કરાવવા મોકલી આપ્યો.

“ઇ તો બાળ કેવાય એને તો આ દુનિયાદારીમાં ખબર નો પડી ને એણે તો એને જેવું લાઇગુ એવુ કીધું, મું જ નઠારી સુ, સેજેય વચાઇરા વના એને આમ પાણો મારતા મારો જીવ કેમ હાઇલો ? ફટ ભુંડી . . . તારા ધોળામાંધુળ્ય પડી. દિકરી તો ગઇ, અને એના સોરાને હાચવવાના બદલે આમ હાવ ઢોરની જેમ રાખતી તી . . . કેદી સુટય હું ? એ ભોળાનાથ . . . મારા ભોળુડાને મેં કાયમ દુભાઇવો જ સે . . . મારી સોડીય મને માફ નૈ કરે કોઇ દી ? જો એને કાંઇ થૈ ગ્યું ને તો . . . . ઇને હું સું જબાપ દૈશ ? જરૂર હોય તો મને ઉપાડી લે પણ મારા સુર્યાને સાજો નરવો કરીદે પાસો”. નરબદામાં આજુબાજુમાં બેઠેલાઓની હાજરી ભુલી જઇ સ્વગત જ વલવલાટ કરીરહ્યા હતાં. તેમની આંખોમાંથી અવિરત આંસુ સરી રહ્યા હતાં. બધા તેમને સમજાવી રહ્યા”માં, આ તો તમે મોટા એટલે અમારાથી કાંય બોલાયનય. અમનેય થાતુ ઘણી વાર. પણ હવે ભગવાને તમને સુજાડ્યુ સે તોધરપત રાખો થોડી . . . હૌ હારા વાનાં થાહે . . . !”

નાકમાં ઓક્સિજનની નળી, ડાબા હાથની નસમાંચડી રહેલા ગ્લુકોસના બાટલાની સોઇ સાથે હોસ્પિટલની પથારીમાં પડી રહેલા સુરેશની આંખોની પાંપણો થોડી થથરી . . . એક ઉંડો શ્વાસ લેવાયો અનેએટલા જ જોરથી છોડાયો . . . માંડ સ્વસ્થ થયેલા નરબદામાંનું હૈયુ ફરી કકળી ઉઠ્યું .. . “જોને નાનીયા, બચારો બેભાન સે તોય નિહાકા નાખે સ . . . હું ય અભાગણી . . “અને ઘરની બન્ને વહુઓ નરબદામાંને હાથ પકડીને બહાર લઇ ગઇ. થોડીવારે નાનીયો દોડતો બહારઆવ્યો. માંને કહે “હાલ જલદી, સુર્યો ભાનમાંઆવી ગ્યો સ . . . તારી પ્રાથના કામ આઇવી . . .”
સુરેશે ધીમેકથી આંખો ખોલી. માથામાં તિવ્ર સણકા આવતા તેણે ફરી આંખોમીંચી દીધી. થોડી વારે હિંમત કરીને ફરી આંખો ખોલી. તેની નજરના પરિઘમાં થોડી ધુંધળીઆકૃતિઓ દેખાઇ . . . તેણે આંખોને આ આકારો પર ફોકસ કરવા પ્રયત્ન કર્યો પણ આંખોખેંચાવા લાગી એટલે થોડી વાર શાંત પડ્યો રહ્યો. તેને થયું “આ બધું આમ કાં ? હું થ્યું સ મને ?” થોડી વારે ફરી આંખો ખોલી . . . ધીમે ધીમે દૃષ્યસ્પષ્ટ થયું. આ આકારો તો નાથાબાપા, માં, નાના, અને મોટા મામા, બન્ને મામીઓ અનેબીજા થોડા પાડોશીઓના ચહેરા હતાં. આ ચહેરાઓની પાછળ સફેદ દિવાલો, રૂમ માં ચારે તરફ નજર નાંખી તો જાણે હોસ્પિટલનો કોઇરૂમ . . . અદ્દલ તેના સ્વપનાઓમાં આવતો એવો જ રૂમ . . . ! સુરેશને થયું “માળું પાછુ સપનું ? ઇય ધોળે દીયે ?”

પોતાની પથારીનીચાદર રૂમની ચોખ્ખાઇ, પલંગની બાજુમાંના સ્ટીલના સ્ટેંડ પર લટકાવેલા ગ્લુકોઝની બોટલઅને તેમાં થી નિકળતી પ્લાસ્ટીકની નળી. આ નળીની વચ્ચો વચ આવેલા પ્લાસ્ટીકના કનેક્ટરમાંબાટલામાંથી આવતા ગ્લુકોઝના પ્રવાહીના ટીંપા પડી રહ્યા છે ટપ . . . ટપ . . . ટપ . .. હકીકતને સપનું સમજીને બે ઘડીનું સુખ માણી રહેલા સુરેશની આંખોમાં સંતોષ અને ચહેરા પર ખુશી પ્રસરી ગઇ. ત્યાં તોતેની નજર બાજુમાંના સ્ટીલના ટેબલ પર પડી . . . તેના બાળ મનમાં વિચાર આવ્યો”ઓહ્હ્હ્હો . . . સફરજન ય સે ને પાસા . . . !” તેણે હવે આસપાસના ચહેરાઓતપાસવા શરૂ કર્યા. સૌના ચહેરા પર વધુ તો ચિંતા અને થોડી રાહતના ભાવો કળાયા.”કેમ સ સુરેશ તને હવ ? બૌ દુખતુ તો નથી ને દિકરા ?” જેવા પ્રશ્નનોજવાબ આપતા આપતા તેને હવે પ્રતિત થયું કે પોતે સાચે જ હોસ્પિટલમાં છે અને બધા તેનીકાળજી લઇ રહ્યાં છે ! હાજર સૌ સુરેશના મોં પર છવાયેલી પ્રસન્નતાને સમજી શકતા ન હતાં ! નરબદામાંએસજળ આંખે સુરેશની બાજુમાં બેસીનેતેના માથે હેતપૂર્વક હાથ ફેરવ્યો અને બોલ્યા “મારા સુરેશ દિકરાને કેમ સે હવે ? બટા . . . હવે હું તને કોઇ દી નૈ મારુ હો . . . ?

સુરેશને અચાનક મોળ ઉપડી, ચક્કર આવવા જેવું થયું. સુરેશની અંદર એક ખાલીપો ફેલાઇ ગયો. તેને થયું કે નરબદામાં અને ઘરના સૌ જો ખરેખરતેને મારવાનું છોડી દેશે તો પછી પેલું સ્વપ્નો જોવાનું સુખ, રાતે માં સાથેના વાર્તાલાપ અને વલોપાતનું શું ? રૌરવ નરક જેવી કેટલીયપીડાઓ સાહન કરીને કેટલીય રાતો સુધી દુખતા શરીરે જોયેલા સુ:ખદ સ્વપ્નાઓને રોળાઇ જતાંજોઇને બાડીયા એ નરબદામાં નો હાથ માથેથી ઝટકાવી નાંખ્યો, અરધો પરધો પથારીમાં ઉભો થઇ ગયો “કાં . . . કાં . . .કાં નૈ માઇર . . . ? મેં એવો તે હુંગુનો કઇરો સે ? તમે બધાય તો સાવઅંચાઇડા સો . . . આવુ નો હાલે હો . . .” !!!


– ધર્મેન્દ્ર ત્રિવેદી

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.