-: એક સ્વાનુભવ :-
યુ.સે. અને સાં.પ્ર.વિભાગના કાર્યક્રમોમાં માત્ર સાહસિકતા જ નહીં, ચારિત્ર પણ ઘડાય છે.
ગુજરાતના યુવકોમાં સાહસિકતા આરોપવાની જવાબદારી જેના શિરે હતી તેવા યુ.સે. અને સાં.પ્ર.વિભાગના રાજકોટ વર્તુળના આસિ. ડિરેક્ટર શ્રી મનોજ શુક્લના માર્ગદર્શનમાં સન. ૧૯૯૨ માં જુનાગઢ થી છેક કનકાઇ-બાણેજ સુધીની “સાસણમાં પગપાળા પરિભ્રમણ” નામની એક સાહસયાત્રા થયેલી. આ કાર્યક્રમમાં મનોજ શુક્લને પ્રથમ વાર મળવાનું થયેલું. થયું જાણે એવું કે આ કાર્યક્રમની આગળ જે કાર્યક્રમ હતો તેમાં આવેલા સહભાગીઓને મનોજભાઇએ ખુલ્લું આમંત્રણ આપેલું કે “મારા પ્રોગ્રામ હોય અને જેને મન હોય એણે હાલ્યા અવાવું, સિલેક્શન લેટર હોય કે ના હોય !” સરકારશ્રીએ અંદાજે ૬0 જેટલા આમંત્રણો ઇસ્યુ કરેલા અને કાર્યક્રમના રિપોર્ટિંગના દિવસે સંખ્યા પહોંચી ૧૦૦ ઉપર ! કારણ એટલું કે આગળના કાર્યક્રમના તમામ સહભાગીઓએ શ્રી મનોજ શુક્લના “જાહેર આમંત્રણ”ને ખરેખર ગંભિરતાથી લીધેલું !
ગ્રાંટની મર્યાદિત પ્રાપ્યતા, યુવકોના પ્રેમ અને પ્રતિસાદના કારણે, ના પાડતા નહી શિખેલા આ અધિકારીને વિમાસણ ઉભી થઇ… તેમણે રાત્રે મિટિંગ બોલાવી અને સમસ્યા રજુ કરી અને પ્રશ્ન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા સર્વે પર નાખ્યો : “મારી પાસે ૬0 જણાંની વ્યવસ્થા માટેનું ભંડોળ છે, તો તમે જ ક્યો કે આમાં મારે કરવું શું ? આમંત્રણપત્ર વગરનાને રાખવા કે કાઢી મુકવા?” હવે અમે સૌ મુંઝવણમાં મુકાયા… તમામ ભાગ લેવા આવેલાના બે ભાગલા પાડવામાં આવ્યા એક તરફ આમંત્રણ વાળા “સજ્જનો”, બીજી તરફ આમંત્રણ વિના આવી ચડેલા “આગંતુકો”! મામલો થયો ગંભીર. આમંત્રણ વાળામાંના થોડા સ્પષ્ટવક્તાઓ એ અભિપ્રાય વ્યક્ત કર્યો કે “આ બધા હાઇલા આઇવા છે એમણે વયુ જાવુ જોયે”… મોટો દેકારો થયો… ! વગર આમંત્રણના થોડા બહાદુરો એ તો બાંયો પણ ચડાવી “એમ અમે શેના જાઇએ ?” અને વાતાવરણ તંગ થયું.
અચાનક મને એક વિચાર આવ્યો. મેં ઉભા થઇને બધાને કહ્યું કે મારે એક વિચાર રજુ કરવો છે, તમે બધા મંજૂરી આપો તો કહું ? મંજૂરી મળી એટલે મેં “અધિકારીશ્રીને પુછ્યું “હેં સાહેબ, રેવાનું અને ચાલવાનું તો જંગલમાં છે અને એ પણ મફત, પ્રશ્ન ભોજન અને ભાડાનો છે ને ?” હા પડી. મેં બધાને ઉદ્દેશીને કહ્યું “સાંભળો, આ આમંત્રણ વગરના પણ હોંશપૂર્વક ક્યાં ક્યાં થી આવ્યા છે. એ બધાને પાછા જવું પડે તો ખુબ જ નિરાશ થવું પડે. તો આમને સાથે રાખીને સૌ મજા કરે એવો એક રસ્તો છે મારી પાસે. મારો એક ટાઇમનો ખોરાક ૧૦ રોટલી જેટલો છે, જો આ આગંતુકોને રાખી શકાતા હોય તો હું અત્યારે પ્રતિજ્ઞા લઉ છું કે આ કાર્યક્રમ દરમિયાન હું બે-બે રોટલી ઓછી ખાઇશ, પણ આ આવેલાને પાછા ન કાઢો”… અને શરૂ થયો એક હકારાત્મકતાનો સિલસિલો… બધા કહેવા લાગ્યા મારી પણ બે, મારી પણ બે… પરિસ્થિતિ એવી સર્જાણી કે ખરેખર બધાને ઓછી રોટલી આપવામાં આવે તો આમંત્રણવાળા ભુખ્યા રહે અને આગંતુકોને ડબલ રોટલી મળે ! મેં પછી આમંત્રણ વગરના પાસે ખાત્રી માંગી કે તેઓ ભાડાની માંગણી નહી કરે અને તેમણે પણ સંમતિ આપી. મેં જોયેલું કે સૌમાં સારપ હોય જ છે, જરૂર હોય છે કોઇ શરૂઆત કરનારની. મેં શરૂઆત કરી, અને લોકોનું છુપું ચારિત્ર જાગી ઉઠ્યું અને ૬0 ની ક્ષમતાના કાર્યક્રમને ૧૦૦ કરતા વધુ યુવકોએ માણ્યો. આ કાર્યક્રમો આવા કેટલાંય છુપા ઘડતર કરતી હશે, પણ ચારિત્ર્ય ઘડતરનો તો મને સાક્ષાત્કાર છે.
Leave a Reply