એ કેવી ત્રાસદી હોય છે કે 20 વર્ષ સુધી કોઈ ઘરે પરત જ ન ફરે. જ્યારે ઘરે પરત ફરે ત્યારે તેનું પોતાનું ઘર તેનું પોતાનું નથી હોતું. ટ્રોયના ભયંકર યુદ્ધમાંથી ઓડિસિયસ જ પરત ફર્યો. પણ વીસ વર્ષ પછી. જેમાંથી તેના દસ વર્ષ ટ્રોયવાસીઓ સામે યુદ્ધમાં વીત્યા અને બાકીના દસ વર્ષ સમુદ્ર પર પસાર થયા. ઓડિસીયસ જ હતો જેના દ્રારા બનાવવામાં આવેલા લાકડાનાં ઘોડાની મદદથી યુનાનીઓ ટ્રોઝનમાં ઘુસવામાં સફળ રહ્યાં હતા. યુદ્ધ પૂર્ણ કર્યા બાદ પરત ફરતા ઓડિસીયસ અને તેના સાથીઓએ કિકોના નામના શહેરને લૂંટી લીધું. જેથી ગુસ્સે ભરાય જ્યુસે તેના માર્ગમાં અવરોધ પેદા કર્યો. તેના જહાજને કમલ આહારીઓનાં દેશમાં ફેંકી દીધું. જેઓ કમલ ફળ ખાવા સિવાય કોઈ પ્રવૃતિ નહોતાં કરતાં. તેમણે ઓડિસીયસને ફળ ખાવા માટે આપ્યું પણ તેણે ઘરે જવાની હઠ પકડી. જેનો આ સંઘર્ષ દસ વર્ષ સુધી ચાલવાનો હતો.
સાઈક્લોપ્સ નામનો એક આંખવાળો દૈત્ય, ઈઓલસ નામના વાયુદેવના કારણે પરત ફરવું, લેસ્ટ્રીગોનિયસ નામના નરભક્ષીઓને ત્યાં ઉતરાણ, મૃતકોનાં દેશ પાતાળલોકમાં પ્રવેશવું અને આવી કંઈ કેટલીય મુસીબતોને એ વીંધે છે. પણ આ ઓડિસીયસનું વર્ણન અહીં શું કરવા ? ચંદ્રકાંત બક્ષીએ કહેલું મારું પૂર્વજન્મમાં નામ ઓડિસીયસ હશે. એ માણસ જે દુખ આપે છે. સફરમાં બીજાને પણ અને પોતાને પણ.
બક્ષીનો અર્થ થાય આપવું. બખ્શીઘ્ન એટલે કે ખુશ થઈને આપવું. બક્ષીઓ છૂટ્ટા હાથે બધુ આપતા. પૂર્વસૂરીઓ કરતાં ચંદ્રકાંત બક્ષીજીએ આ કળા કંઈક સારી રીતે આત્મસાત કરેલી હતી. તેઓ બીજું બધું તો આપતા જ પણ દુશ્મનોને ગાળો પણ વીણી વીણીને આપતા હતા. બધાને કંઈક ને કંઈક આપનારા બક્ષીના પૂર્વજોને બક્ષી નામની અટક કોઈ યુદ્ધમાં બહાદુરીના કારણે મળી હતી.
એક વખત બક્ષીના દાદા માણેકલાલ નાથાલાલ બક્ષી, જે પાલનપુરમાં પોલીસ ઓફિસર તરીકેની ફરજ બજાવતા હતા. ઊંચા, સશક્ત અને દેખાવડા હતા. તેમને એક બહારવટીયો બનાવી ગયેલો. તેમના સમયમાં મીર ખાં નામનો એક બહારવટીયો હતો. જેના ચેલાનું નામ બાનાજી હતું. બાનાજી એકવાર પકડાય ગયો. છૂટવા માટે તેણે બક્ષીના દાદાને બેવકૂફ બનાવી, આંખમાં ધૂળ નાખવાની કોશિષ કરતાં કહ્યું, ‘મને છુટ્ટો મુકો અને પાછળ ઘોડા દોડાવી અને પકડી લો. આ માટે તમારે મને ખાલી બે મિનિટ જ આપવાની.’
તેને છુટ્ટા મુકવાની ભૂલ કરતાં તેણે ગડગડતી હડી કાઢી. ઝાડ-ઝાંખરા અને કાંટાળીઓ કૂદતો ગયો. દેખાયો જ નહીં. ઘોડા દોડાવ્યા અને ખૂબ શોધ્યો, પણ એ બક્ષીના દાદાને રમાડી ગયો હતો. થોડા દાડા પછી બક્ષીના દાદા અને બાનાજીનો ભેટો થયો, તો તેમણે કુતુહલતાથી પૂછ્યું, ‘એલા દસ કિલોમીટર ઘોડા દોડાવ્યા, પણ તું તો ક્યાંય દેખાયો જ નહીં.’
એણે કહ્યું. ‘હું તો ત્યાં ઝાડ ઉપર જ હતો. તમને બધાને જોતો હતો.’
બક્ષીના દાદા ભોઠા પડી ગયા. તેમણે જ બક્ષીને શીખવાડ્યું હોય કે શું, પણ જયંતીલાલ મહેતાએ લખ્યું છે, ‘તેમના આ ઝંઝાવતી બહારવટીયાવેડાથી જ સુરેશ જોષી તેમને ‘નામચીન બક્ષી’ અને રઘુવીર ચૌધરી ‘સાહિત્યના આતંકવાદી’ કહે છે.’
તેમના પિતાજી કેશવલાલ બક્ષી ગજવામાં તેર રૂપિયા લઈને કલકત્તા આવેલા હતા અને પછી લાખો કમાયા હતા. કોઈ બીજો ગુજરાતી હોત તો 13 રૂપિયામાંથી એક રૂપિયો હુગલી નદીમાં ફેંકી દેત, કારણ કે 13 અપશુકનિયાળ હોય છે. જેથી માની શકાય કે બક્ષીનું કુટુંબ અંધશ્રદ્ધાઓમાં માનતું ન હતું.
તેમને જે નામ ગમી જતું તેનો બધે ઉપયોગ કરતાં હતાં. પડઘા ડૂબી ગયામાં નાયિકાનું નામ અલકા હતું. આ નામ સાથે તેમને એવો લગાવ થઈ ગયો કે મોટાભાઈને ત્યાં દીકરીનો જન્મ થતાં તેનું નામ તેમણે અલકા રાખવાની જીદ પકડી અને અલકા જ રાખ્યું. આ નામ હજુ તેમના મગજમાંથી નીકળતું નહોતું એટલે પોતાની કપડાંની દુકાન ખોલી તો તેની ઉપર લખાવ્યું અલકા સ્ટોર્સ. સારું થયું કોઈ સાહિત્યપ્રેમી એ ગાળામાં તેમની પાસેથી પોતાનું તખલ્લુસ રખાવવા ન આવ્યો. નહીંતર બક્ષી જીદમાં ને જીદમાં ‘અલકા’ રખાવી દેત.
70ના દાયકામાં જ્યારે ભરીસભામાં સેક્સ જેવા શબ્દને બોલતા કાન હરણ થઈ જતું હતું. એ વખતે ઓશો રજનીશે સેક્સ વિશે બોલી છાપાવાળાઓને બીજા દિવસે કોલમ ભરવાનો મસાલો પૂરો પાડ્યો હતો. અખબારોએ લખેલું, ‘કોઈ દાઢીવાળો બાવો આવેલો છે. રજનીશ નામ છે. અને ખુલ્લમ ખુલ્લા સેક્સની વાતો કરી રહ્યો છે.’
વર્ષો બાદ પોતાની કટારમાં સેક્સ વિશે ભરીભરીને ચંદ્રકાંત બક્ષીએ પણ લખ્યું. જે અન્ય કટાર લેખકો નહોતા કરતાં. એ પહેલાં સેક્સ એ મંગળવારની પૂર્તિઓનો વિષય હતો. જેમાં સમાગમ અને સંભોગ સિવાય ત્રીજો શબ્દ નહોતો આવતો. હવે તો કોઈ પણ નવો લેખક સેક્સ વિષય પર લખવાની જ રાહ જોતો હોય છે.
બક્ષીની નવલકથાના નામ પણ એવા રહેતા. હનીમૂન, લગ્નની આગલી રાતે. બક્ષીએ પુસ્તકનાં આ બે નામ રાખીને એ વાંચકોને હેરાન કરી મૂકેલા જેઓ ગલગલીયા પ્રકારનો વિષય વાંચવા ટેવાયેલા હતા.
તેમના લગ્નનો પ્રસંગ ખૂબ રોચક છે. તેમના બે મિત્રો પરણી ગયા એટલે તેમને લાગ્યું કે હવે મારી પણ પરણવાની ઉંમર થઈ ચૂકી છે. અલકા સ્ટોર્સ માટે મુંબઈ સામાન લેવા જતા હતા ત્યારે છોકરી જોવાનું પણ ગોઠવી નાખ્યું. આ માટે જૂન 1957માં તેમના ફઈનાં દીકરા પ્રદીપના પ્રતાપે બકુલા સરૈયાને જોવાનું નક્કી કર્યું. પ્રદીપે મુલાકાતની ગોઠવણ કરી અને બક્ષી મુંબઈના મલાડમાં રખડવા ચાલ્યા ગયા.
પ્રદીપ છોકરીઓનાં પરિવારજનોને કહે, ‘હમણાં આવે છે. બસ… આવે જ છે.’
ખાસ્સી રાહ જોવડાવ્યા પછી બક્ષી આવી પહોંચ્યા. તેમના ચહેરાનાં કલરની જેમ જ ભડાકેદાર મરૂણ કલરનો શર્ટ પહેર્યો હતો. પ્રદીપે તેમને ઠપકો એવા સૂરમાં આપ્યો, કે હવે ક્યાંય બીજે છોકરી જોવા જવાનું થાય તો આવું ન કરે, પણ બક્ષી બીજી વખત પ્રદીપનો ઠપકો ખાવા નહોતા માગતા. એમણે ત્યાં જ નક્કી કરી નાખ્યું કે આપણે વેવિશાળ કરી નાખવાના છે.
છોકરીને જોતા પહેલાં પ્રદીપે બક્ષીને કહ્યું, ‘તારે મેક અપ નથી કરવો ?’
બક્ષીએ કાઠિયાવાડી છાંટમાં કહ્યું, ‘હવે મરદને મેક અપ ન હોય.’
બક્ષીએ તો લગ્નનું નક્કી જ કરી નાખ્યું હતું. વાત પૂરી થઈ એટલે પ્રદીપની સાથે પાનનાં ગલ્લે ઉભા ઉભા બક્ષી સિગરેટ ફૂંકતા હતા. આપણા ગુજરાતીઓમાં એ જૂનો રિવાજ છે કે ઘરનો કોઈ મોટો વ્યક્તિ છોકરાને વળાવતો આવે અને ‘પાન-બીડી લેશો’ એમ પૂછી ભાવી મૂરતિયાને કયા વ્યસન છે, તે વાતની માહિતી લેતો આવે. બક્ષીમાં આનાથી ઉલટું થયું. બકુલાબેનના પરિવારનો એક સદસ્ય ગયો અને ચોરીછૂપે જોઈ પાછો આવતા બબડ્યો, ‘પાનવાળાની દુકાને ઉભો ઉભો સિગરેટ ફૂંકે છે, ઠીંગણો છે, કાળો છે, મોઢા પર શિતળાના ડાઘા છે, ચશ્મા પહેરે છે.’
સિગરેટ સિવાયનો પણ જેટલો રોષ હતો એ ઠાલવ્યો. એણે એક છોકરી છોકરાને ન ગમાડે એવું વર્ણન કરી નાખ્યું. પણ બકુલા બેન અને ચંદ્રકાંતના લગ્ન થયા. 1000 રૂપિયા બક્ષી પાસે હતા. વધે તો હનીમૂન પર જવાની ઈચ્છા હતી. લગ્ન પૂર્ણ થતા ખિસ્સાં ફંફોસ્યા તો ખબર પડી કે 1000 તો વપરાય ગયા. ચાલો હનીમૂન કેન્સલ.
થોડાં સમય પહેલાં રામચંદ્ર ગુહાએ ગુજરાત અને બંગાળ વિશે ફિલીપ સ્પ્રેન્ટનું વિધાન ટ્વીટર પર શેર કર્યું હતું. જેના કારણે હોબાળો મચી ગયેલો. હવે નીચેનું વાંચો.
સાંજનો સમય હતો. બે બંગાળીઓ બક્ષીની દુકાને બુશશર્ટ ખરીદવા માટે આવ્યા. કાઉન્ટર પર બુશશર્ટને વાળીને બક્ષીને ગાળો આપવા લાગ્યા, ‘અ-બંગાળી, કેટલું ભણેલો છો ? અ-સંસ્કારી ? અંગૂઠાછાપ છો ?’ બુશશર્ટ ગુસ્સામાં કાઉન્ટર પર ફેંકી ચાલ્યા ગયા. બક્ષીના માણસોએ પીધેલ હતા એમ કહી બક્ષીને સાંત્વના આપી. બક્ષીની આજુબાજુ બીજા બંગાળીઓની દુકાન હતી. પણ તેમને છોડીને એ અહીં જ કેમ આવ્યા ? બક્ષીએ લખ્યું છે, ‘બંગાળ ધીમે ધીમે ફેંકાતુ જાય છે તેનું આ જ કારણ છે. ગુજરાતમાં તમે પ્રવેશો એટલે ગુજરાતીઓ તમારો સ્વીકાર કરી લે છે. બંગાળમાં પચાસ વર્ષ રહીને પણ તમે સેકેન્ડ બંગાળી કે થર્ડ બંગાળી જ છો.’ બક્ષીને એ ઘટના પછી દુકાન વેચતા આંખે પાણી આવી ગયા. પણ દુકાન વેચાતા જ તેઓ અમદાવાદ પાછા આવી ગયા.
Happy Birthday Chandrakant Bakshi
~ મયૂર ખાવડુ
Leave a Reply