૧૪-૧૫ વરસની મારી ઉંમર હતી, પપ્પા નવસારીની ગુજરાતમાં પ્રસિદ્ધ સયાજી લાયબ્રેરીમાંથી એક નવલકથા લઈ આવેલા. સાવ નાનકડી પુસ્તિકા જેવી નવલકથી નામે ‘પેરેલેસિસ’. અમારા અબુધ દિમાગમાં નવલકથા એટલે હજાર-બે હજાર પાનાંની તો હોય જ એવું બામ્બુ ભરાયેલું હતું. પણ આ તો એકદમ સ્લિમ-ફિટ, યોગા, એરોબિકથી ફિગર મેઇન્ટેઈન કરનારી સુંદરી જેવી ચુસ્ત નવલકથા લાગી. (શરૂઆતમાં ફક્ત દેખાવમાં ફિટ હો, લખાણ ફિટ હતું એ સમજતા તો એક અરસો લાગ્યો.
વાંચવાની શરુઆત કરી અને સાલ્લું મગજના તાર ખેંચાઈ ગયા. હરામ બરાબર જો એકેય વાકય મગજમાં ઉતર્યુ હોય તો. પાત્રોના નામ વિચિત્ર, પાત્રોની દુનિયા વિચિત્ર, એની આસપાસનું જગત પણ વિચિત્ર! છતાં સલમાનની એક પંચલાઈનની જેમ ‘દિલ મેં આતા હું, સમજ મેં નહિ!!!!’ બક્ષીને વાંચવાનું ગમ્યા કરતું. પણ એ વાર્તાઓ અને નવલકથાઓનું જગત ત્યારે જોયું કે અનુભવ્યું નહોતું. એટલે થયું કે આમાં આપણી ચાંચ નહિ જ ડૂબે. આમ પણ કહેવાય છે કે શરાબનો પહેલો પેગ હોય કે સિગારેટનોપહેલો કસ, એટલો મનભાવન નથી હોતો.
નકકી કર્યુ કે આવાં ખતરનાક લેખકોને વાંચવા નહી. આપણા માટે શુદ્ધ દેશી ગુજરાતી નવલકથાઓ અને એમાનાં દેશી પવિત્ર પાત્રો જ યોગ્ય છે. સાલ્લું આ કંઈ આપણાં સંસ્કાર છે!
બે-ચાર વરસ બીજા નીકળી ગયાં. અમેય સમયની માંગને અનુરુપ થોડાંક બળવાખોર તો થઈ ગયેલાં. અને ફરીથી એક દિવસ બક્ષીબાબુની ‘આકાર’ હાથમાં આવી. બસ, પછી તો ‘ભાવતું’તું ને બક્ષીએ કીધું.’ અમને પણ બ્રહ્મજ્ઞાન થઇ ગયું કે લેખક હો કે જિંદગી હો તો બક્ષીબાબુ જૈસી વરના ના હો… જો કે એ સપનું તો શેખચલ્લીની જેમ તરુણવયનો એક ઉન્માદ માત્ર હતો, એટલી સમજણ તો હતી જ.
‘મેરા ધરમ બક્ષી, મેરા કરમ બક્ષી’ ગાતાં ગાતાં અમે મચી પડયાં. વીણી વીણીને એમનાં દોઢસો જેટલાં પુસ્તકો વાંચી કાઢયાં. (રિપિટ નંબસૅ સાથે હજાર ગણવાનાં.) કોલેજમાં અંગત મિત્રો ‘બક્ષીબાબું’ કહીને બોલાવતાં એ તો જિંદગીનો સૌથી મોટો એવોર્ડ લાગતો.
સાહિત્ય, સેકસ, શરાબ, સંસ્કૃતિ, રાજકારણ, નૈતિકતા, પ્રેમ વગરના લગ્ન, અને લગ્ન વગરનો પ્રેમ વગેરે વગેરે અગણિત વિષયો પર એકસરખું રસપ્રદ લખવું એ કંઈ બચ્ચાનાં ખેલ નથી.
એમનાં આ ઓલરાઉન્ડર પરફોમૅન્સનાં કારણે જ પોતાને ‘બક્ષીભકત’ કહેવડાવવામાં અમને કોઇ અતિશયોક્તિ કે નાનમ નથી લાગતી.
જીવનમાં જયારે અંધાધૂંધીઓ આવી ત્યારે ‘બક્ષીનામાં’ અમારાં માટે ગીતા હતી ને કૃષ્ણરુપે હતાં ખુદ બક્ષી! કદાચ એટલે જ શિશિર રામાવત લિખિત અને પ્રતીક ગાંધી અભિનિત ‘હું ચંદ્રકાંત બક્ષી’ નાટક ત્રણ ત્રણ વખત માણ્યાં પછી પણ તૃપ્તિ નથી થતી. કારણ કે એ એક જ ક્ષણ એવી છે જ્યારે હું બક્ષીને રૂબરૂ મળી શકું છું. (આણંદમાં તો આ નાટકનું આયોજન પણ અમે મિત્રોએ કર્યું હતું.)
બક્ષીનાં એક જન્મ દિવસે વાર્તા લખી હતી. ‘બક્ષીનું ભૂત’. જે મમતાં મેગેઝિનમાંથી સાભાર પરત આવેલી. પણ જયારે જય વસાવડાં એ એક મુલાકાત દરમિયાન યાદ કરાવ્યું કે બક્ષીની પહેલી વાર્તા ‘મકાનનું ભૂત’ હતી, ત્યારે એ આકિસ્મિક યોગાનુંયોગ માટે કોઈ ચમત્કાર જેવો થયો હતો. (જો કે બક્ષીની એ પહેલી વાર્તા વિશે મને તો જાણ જ હતી, પણ આ ‘ભૂત’ શબ્દની સામ્યતા અનાયાસ હતી.)
કોઈ લેખક, એનાં પુસ્તક કે એના પ્રવચનો આપણાં જીવનનો બેડો પાર કરી જ નાખશે એવું માની લેવું એ અંધભક્તિ જ છે, પણ અમુક પ્રેરણાઓ એવી હોય છે કે જે જિંદગીની અંધાધૂંધીઓ, હતાશાઓ, તૂટન અને ઘુંટનમાં અદ્રશ્ય રીતે આંગળી પકડીને આપણને ચલાવતી રહે છે. અને આ અદ્રશ્ય પ્રેરણાઓ ગીતા-રામાયણથી લગીર ઉતરતી નથી હોતી. આવી જ મારી એક પ્રેરણાં એટલે બક્ષી.
બક્ષીના પુસ્તકોમાંથી કે બક્ષી વિશેના પુસ્તકોમાંથી, અન્ય લેખકો પાસેથી તેમજ અમુક વડીલ વાંચકો પાસેથી એમનાં જીવન વિષે જેટલી માહિતી મળી એટલી લઈ લીધી. અફસોસ એ થયો કે જે લેખક સાથે એકવાર પ્રેમથી બેસીને વાતો કરવાનું (સામસામે બેસીને સિગારેટનાં ધુમાડા અને વહીસ્કીના ચિયર્સ જેવી નાદાન પરિકલ્પનાઓ પણ કરેલી.) સપનું જોયું હતું એ તો અમે યુવાન થઇએ એ પહેલાં જ ‘ઈટ વોઝ અ લાકૅ’ કહીને બહું દૂર ચાલ્યાં ગયા!
આપણે તો બક્ષીબાબુના જ એક કવૉટની માફક જિંદગી જીવતા શીખી ગયા છીએ એટલે કદાચ હજી સુધી આ જગતમાં ટકી રહ્યા છીએ.
“જેણે ચેલેન્જ અને આહવાનો સ્વીકારી લીધા છે, એણે જિંદગીભર ચિંતામાં જલતા રહેવું પડે છે.”
~ ભગીરથ જોગીયા
Leave a Reply