મનજી અને સવજી નામના બે લેખકો હતા. મનજીએ સવજીની કોલમ બંધ કરવા માટે કાવતરૂ ઘડ્યું, તેણે સવજી પર આરોપ નાખ્યો કે, સવજી પાગલ થઈ ગયો છે. પણ સવજી પોતે સ્વસ્થ હોવાનું જણાવી બચી ગયો. સવજીને પ્રિતિશોધ લેવાનું મન થયું. મનજીએ તો મને પાગલ જાહેર કરેલો, હું તેને પહાડી પરથી ફેંકી દઈશ. સવજીએ મનજીને પોતાના ખર્ચે ટુર પર લઈ જઈ ગિરનાર પરથી ગબડાવવાનો નિર્ણય લીધો. મોકો મળ્યો એટલે સવજીએ મનજીને ધક્કો માર્યો. મનજી સીધો નીચે. બીજા દિવસે શાંતિથી ઓફિસે જઈ સવજી પલોઠી પર પલોઠી ચઢાવી બેઠો હતો. ત્યાં મનજીએ એન્ટ્રી મારી. સવજી અવાક થઈ ગયો. તેણે પૂછ્યું, ‘તુ કેમ બચ્યો ?’
મનજીએ જવાબ આપ્યો, ‘તને મેં પાગલ જાહેર કરેલો, પણ તુ ચિંતનાત્મક કોલમ લખતો એટલે પાગલખાનાના દાક્તરને ચિંતનશ્રેણી સમજાવી બચી ગયો, તો તારે ધ્યાન તો દેવું જોઈએને કે હું તો સાહસનું લખું છું, બચીને આવી જ જાત.’ મનજીને હેમખેમ પરત આવેલો જોઈ સવજીની નવી કોલમ શરૂ કરવાના અભરખા પૂરા થઈ ગયા.
શરીરે અદોદડા લાગતા લોકો માટે વજન ઓછો કરવો એ સાહસ છે, તેનું વિરોધાર્થી એટલે શરીરે પાતળા લોકો જીમમાં પરસેવો પાડે તે તેમના માટે સાહસ છે. ગામડાના લોકો પૈસા ખર્ચ્યા વિના સાહસ કરતા હોય છે, જ્યારે શહેરના લોકો પૈસા ખર્ચીને પેરા ડાઈવિંગથી લઈ જીમસુધીનું સાહસ કરે છે. સાહસની કોઈ સીમા નથી હોતી એટલે જ સાહસ સહેલું નથી હોતું. અને આવું અદકેરૂ સાહસ આપને જોવા મળશે લલિત ખંભાયતાની બુક બ્રેવહાર્ટસમાં. અહીં લેખકશ્રીનું હાર્ટ ઘણું કહેવા માંગે છે. ખાલી દરિયાપારનું સાહસ, આકાશમાં સાહસ, માઉન્ટ એવરેસ્ટ પર સાહસ, પત્રકારત્વમાં સાહસ આ બધા સાહસો માત્ર નથી. તેમાં ક્યાંક ખમતીધર દિલને રોવડાવી કે વલોવી નાખતી કથાઓ પણ રહેલી છે. લેખકશ્રીએ પુસ્તક છાપવા માટે સાત વર્ષ રાહ જોયેલી. પત્રકારત્વમાં આવ્યા પછી કોલમો લખતા થયા. આમ કટારો કહી શકાય. ગુજરાતી પત્રકારત્વમાં કટાર ચલાવવું એ પણ એક પ્રકારનું સાહસ જ છે. ખાલી તમારે સાચી કટાર નથી ચલાવવાની. બુદ્ધી કૌશલ્યનો ઉપયોગ કરી લોકો પર કટાર ચલાવવાની છે. એકધારી કટાર ચલાવવાની છે, જેમાંથી દર વખતે લોકોને સારૂ ખૂન પીવા મળી શકે. બાકી વાંચકો ડ્રેક્યુલાની માફક તમારી કટાર છોડી બીજાની કટારમાં ચાલ્યા જાય.
અગાઉ હું લલિતભાઈ વિશે મસમોટુ લખી ચુક્યો છું એટલે એ કંઈ કહેવાનો અર્થ નથી. પણ પુસ્તકને ધ્યાનમાં રાખી હું Vવેચન કરૂ તો, શ્રીમાન લલિત ખંભાયતાએ એક પાનામાં પોતાના જીવનમાં બનેલા તમામ સાહસિક લોકોનો આભાર માની લીધો છે. તમને લાગશે જ કે સફારી તો હોય જ. સફારીએ બુદ્ધી વધારવા સિવાય લેખકો બનાવવાનું પણ કાર્ય કર્યું છે. સફારીના વાંચકો ઘણા બન્યા પણ લેખક માત્ર લલિત ખંભાયતા બની શક્યા. આ પુસ્તકનું પણ કંઈક એવું જ છે. લલિતભાઈએ તેમાં છાપેલા ફોટોગ્રાફસ જુઓ એટલે તમને એક વખત એવું બન્યુંની યાદ આવી જશે ! પણ લેખકશ્રીએ આ કૌશલ્યોને ઉધાર લીધેલા છે અને પોતાની રીતે રજૂ કર્યા છે. કોપી નથી કર્યા. અહીં ખાસ મનીષ મહેતાનો તેમણે આભાર માન્યો છે, જેમણે લલિત ખંભાયતાને લખતા કર્યા. કેમ લખવું તે તેમની પાસેથી શીખ્યા. અમારા જૂનાગઢના લોકોને ટેવ છે, એક જૂનાગઢી લખતો થઈ જાય એટલે બીજો પણ એ જ રીતે શીખી જાય. એક માણસે જ શીખવાનું કે બાવા કેમ બનવું છે, બાકીના બાવા આપમેળે બને. લલિત ખંભાયતા લખતા થયા પછી પણ 0.5 ટકા લોકો સાહસનું લખતા નથી થયા. કદાચ સાહસનું લખતા ડર લાગતો હોય ?
તો સૌ પ્રથમ આભાર વિધિ. સફારી, મનીષ મહેતા, એ પછી ઈશાન ભાવસાર, દિવ્યેશ વેંકરિયા, હર્ષ મેસવાણીયા આવી તેમની યુવા ફૌજનો તેમણે આભાર માન્યો છે. છેલ્લે મારો એટલે કે વાંચકોનો આભાર માન્યો છે. એક આખુ પાનું તેમણે આભાર વિધિને અર્પણ કર્યું છે. ગુજરાતી લેખક માટે પહેલા પુસ્તકમાં આભારવિધિ ઈમ્પોર્ટન્ટ છે. બીજુ ધૈવત ત્રિવેદીની પ્રસ્તાવના. તેમાં લલિત ખંભાયતાના વખાણ નથી કરવામાં આવ્યા, પણ આ પુસ્તકની રૂપરેખા બાંધવામાં આવી છે. વાત જો પૂઠાની હોય તો આમા પહાડો પર ચઢતો કોઈ ભાઈ છે, ગુજરાતી લેખકો હવે પોતાના પુસ્તકોના કવરપેજ પર પોતાના જ ફોટા છાપી મારે છે. જો સાહસનું લખતો કોઈ સાહસવીર પોતાનો ફોટો છાપે તો કોઈ દિવસ કવરપેજ બને જ નહીં. પહાડ પર ઉલટા ટીંગાઈને કઈ રીતે ફોટો પડાવવો ? પાછા ગુજરાતના ફોટોગ્રાફરો આવો ફોટો કેમ ખેંચવો તેના પર એક કલાક મનોમંથન કરે ત્યાં લેખક ચોટી પરથી પડી ગયા હોય અને તેમના રામ રમી ગયા હોય, એટલે ગુજરાતી વાંચકોએ સમજી જવું કે આ ફોટો લલિત ખંભાયતાનો નથી.
અત્યારસુધી આ ફિલ્મમાં એડવર્ટાઈઝમેન્ટ અને રાષ્ટ્રગાન ચાલ્યું. આભારવિધિની ક્રેડિટો બાંધી. હવે ફિલ્મની શરૂઆત કરીએ. લલિત ખંભાયતા પોતાના કરતા પોતાની કોલમ સમયાંતરને વધારે પ્રેમ કરતા હશે. વર્ષોના વહાણ વીતી ગયા પણ કોલમ ચાલુ જ છે. એટલે કે બરાબર લખાતું હોવાના કારણે કોલમ વાંચકોના દિલમાં બ્રેવહાર્ટની માફક પ્રવેશ કરી ચુકી છે. આ પહેલા લલિતભાઈ પરદેશી પ્રોફાઈલ, થર્ડ ડાઈમેન્શન જેવી કોલમો પર કલમ ચલાવતા. આ બે કોલમ હવે નથી આવતી પણ તેમાંથી જ કદાચ પ્રેરણા લઈ એક કાયમી કોલમ સંદેશમાં શરૂ થયેલી. તે કોલમનું નામ સમયાંતર. અત્યારે અર્ધસાપ્તાહિક પૂર્તિ છાપા સાઈઝની આવે છે, ત્યારે ટેબ્લોઈડ આવતી. વચ્ચેનું આખુ પાનું લલિત ખંભાયતા સાચવી લેતા. અને દર બુધવારે હું એ પાનું તલાટી બનવાની આશાએ સાચવી લેતો.
ગુજરાતી કટાર લેખકોમાં 2000થી 2500 શબ્દોમાં કલમ ચલાવવી તે મુશ્કેલ છે. ઉપરથી તમે લખો તેના કરતા વાંચક વધારે જાણતો હોય. આ સિવાય તેને શું આપવું ? આ પ્રશ્ન સાથે જ આ કોલમની શરૂઆત થયેલી. તેમાં લલિતે સોઈથી લઈને તોપ સુધીના ભડાકા બોલાવ્યા અને પછી આ જ કોલમ ગુજરાત સમાચારમાં એ જ નામે ટ્રાન્સફર થઈ ગઈ. બેન્ક બદલી ગઈ, પણ ચેકબુક એ જ રહી. આ બધી ચેકબુકોનો સરવાળો એટલે લલિત ખંભાયતાની બ્રેવહાર્ટસ ! લલિત ખંભાયતાએ અત્યારસુધીમાં 300થી વધારે આર્ટિકલો લખ્યા હશે. કિન્તુ તેમાંથી ચુનીંદા 28 આર્ટિકલો પર મહોર મારવામાં આવી છે. જે 28નું મુખ્ય કથાવસ્તુ સાહસ છે. જો આ શ્રેણીને આગળ ચલાવવી હોય તો લેખક પાસે પુરતા આર્ટિકલ છે. તેઓ ચારથી પાંચ ભાગમાં આ શ્રેણીને અલગ અલગ રીતે આગળ લઈ જઈ શકે છે. ઉદાહરણ તરીકે ટેકનોલોજી ઉપર તેમણે લખ્યું છે તો મશીનહાર્ટ, રમતગમત પર લખ્યું છે તો સ્પોર્ટસહાર્ટ, ગુનેગારો પર લખ્યું છે તો ક્રાઈમહાર્ટ આ રીતે ચાર પાંચ શ્રેણીઓ બની શકે. પણ તેના માટે ખુદ લેખક તૈયાર હોવા જોઈએ.
વાત લલિત ખંભાયતાની હોય ત્યારે અઘરી શૈલી હોવાની જ નથી. અમે જ્યારે ભણતા ત્યારે અઘરૂ લખતા લેખકો સ્કૂલમાં પુસ્તક આપવા માટે આવતા. ફરજીયાત એ પુસ્તક આપણે લેવાનું બાકી સાહેબો મારે. ગામે ચોપડી લીધી ન હોય એટલે આપણે પરાણે ખરીદવાની. આમ તો કિંમત 30થી વધારે ન હોય, પણ એ લેખકને પચાવવો મુશ્કેલ થઈ પડે. લલિત ખંભાયતાની શૈલી સરળ છે એટલે સ્કૂલમાં ભણતા બાળકો પોતાના નોલેજ માટે તેનો ઉપયોગ કરી શકે. એટલે કે સિનિયર સિટીઝને આ બુકનો ઉપયોગ ન કરવો તેવું હું નથી કહેતો. આ પુસ્તક ત્રણ વયના લોકો માટે બની છે. જેવી રીતે વિનેશ અંતાણીની પ્રિયજન લગ્ન પહેલા, લગ્ન પછી, અને વૃદ્ધાઅવસ્થામાં વાંચવી તે પ્રમાણે બ્રેવહાર્ટ જેમને સાહસનું લખવું છે અને વાંચવું છે, બે જેમને વિજ્ઞાન ખૂબ પસંદ છે અને ત્રણ જેમણે સ્પર્ધાત્મક પરિક્ષામાં તીર મારવું છે, તેમના માટે બનેલી છે. શૈલી મુજબ તાણાવાણા ગુંથેલા છે. લખાણ સમજવું જરૂરી છે, પણ જો તમે અધવચ્ચે અટકીને દૂધ લેવા ચાલ્યા ગયા તો આર્ટિકલ પહેલાથી વાંચવો પડશે. બાકી અનુસંધાનની ખબર નહીં પડે. એક સસ્પેન્સ થ્રીલરની માફક તમામ આર્ટિકલો લલિત ખંભાયતાએ વર્ણવેલા છે.
ગુજરાતીમાં જુલે વર્ન જેવી સાયન્સ ફિક્શન નવલકથાઓ લખાતી નથી. ગુજરાતીમાં સાયન્સ ફિક્શન લખવું હોય તો ગુજરાતીનો લેખક પૃથ્વી છોડી મંગળ પર ચાલ્યો જાય. કારણ કે ભાડુ નથી આપવું પડતું. જે દિવસે મંગળવારા આ કોપીરાઈટનો ઉલ્લંઘન થયો હોવાનું છાપામાં આપશે, એ દિવસે આપણે જે 1 ટકા સાયન્સ ફિક્શન લખીએ છીએ તે બંધ થઈ જવાનું. માની લો કે કોઈ લેખકશ્રીને જુલેવર્નની પાતાળપ્રવેશ જેવી નવલકથા લખવી છે અને તેનો ટોપિક શોધવો છે તો બ્રેવહાર્ટ વાંચી લેવી. તેમાં જેટલી પણ કથાઓ છે તે રિયલસ્ટોરી સિવાય કોઈ સાયન્સ ફિક્શન નવલકથા પણ આપી શકે. ખાલી વાચકશ્રીએ પુસ્તક વાંચ્યા બાદ દિમાગ પર જોર આપવું પડે. એટલે લલિતજી નવલકથા નથી લખતા પણ તેના પ્લોટ ફ્રીમાં વેચે છે. પાછી પ્લોટની દલાલી પણ નથી માંગતા !
પુસ્તકના પાના 96 છે, પણ આ પાના 196થી કમ નથી. અત્યાર સુધી તમે જે મોટી અને નાની ચોપડીઓ વાંચી તેના કરતા બ્રેવહાર્ટનું કદ અને કાઠી અલગ છે. તેમાં સુંદર મજાના ચિત્રો છે એટલે પુસ્તકનું કદ 96થી 196 લાગે. તેની પહોળાઈ વધારે હોવાથી એવું લાગતું હશે. પાછા ફ્રોન્ટ ગુજરાતી પુસ્તકો ટાઈપ નાના એવા છે, તો પણ વાંચતી વખતે ખ્યાલ આવશે કે સાવ 96 પાનાની નાની એવી બુક તો નથી જ. જો તેની પહોળાઈ ટુંકી કરી નાખી હોત તો 196 પેજ જ થાત.
અહીં હું લેખકશ્રીના આર્ટિકલોનું વર્ણન નહીં કરૂ કારણ કે તો તમે વાંચશો નહીં. બાકી ક્વોટેશનો મુકવાની મારી ઈચ્છા હતી. તેને છોડી દઈએ તો સદાકાળ સથવારો આપતી આ સત્યકથાઓ વાંચવી રહી. બાકી ગુજરાતી લેખકો માટે સાહસ વિશેનું લખવું એ આજે પણ એક પ્રકારનું સાહસ જ છે…. ખરૂ ને ?
( ‘V’વેચનમાંથી )
~ મયુર ખાવડુ
Leave a Reply