બોલિવૂડ એક્સપ્રેસ : ભાગ ધનુષ ભાગ !
Sandesh – Cine Sandesh Supplement – 12 July 2013
Column : બોલિવૂડ એક્સપ્રેસ
ધનુષે ‘રાંઝણા’ રિલીઝ થાય તે પહેલાં જ એના ડિરેક્ટર આનંદ રાયની હવે પછીની ફિલ્મ સાઇન કરી નાખી હતી. ધનુષનું ખરું સપનું બોલિવૂડમાં ડિરેક્ટર બનવાનું છે.
* * * * *
અહા! ‘રાંઝણા’ રિલીઝ થઈ એ વાતને ત્રણ-ત્રણ અઠવાડિયાંનાં વહાણાં વાઈ ગયાં છે, છતાંય એના શ્યામલ હીરો ધનુષના નામના એવા પ્રચંડ જયજયકાર થઈ રહ્યા છે કે બોલિવૂડ બોય ઉર્ફ બો-બોના કાનમાં હવે રીતસર ત્રમ ત્રમ ત્રમ બોલવા માંડયું છે. એક વાત તો કહેવી પડે, ધનુષ આ પ્રશસ્તિવચનોના એકેએક અક્ષરનો હકદાર છે. ત્રીસ વર્ષીય ધનુષ અનુભવી માણસ છે. ‘રાંઝણા’ની પહેલાં એ ઓલરેડી વીસ-પચીસ સાઉથ ઇન્ડિયન ફિલ્મો કરીને બેઠો હતો.’રાંઝણા’ના ડિરેક્ટર આનંદ રાયે એને સૌથી પહેલી વાર સ્ટોરી સંભળાવી ત્યારે એની પહેલી ફીલિંગ એ હતી કે હું કેટલીય તમિલ ફિલ્મોમાં લવરબોય-નેક્સ્ટ-ડોર બની ચૂક્યો છું એટલે ‘રાંઝણા’માં કામ કરવાનું મને કંઈ અઘરું પડવાનું નથી. ફક્ત સ્થળ અને ભાષા બદલાઈ જવાનાં છે. ધનુષે ડિરેક્ટર પર ભરોસો મૂક્યો ને પરિણામ સૌની સામે છે. ધનુષ ખરેખર પારખું માણસ છે. આજે બોલિવૂડમાં ચારે કોર આનંદ રાય… આનંદ રાય થઈ રહ્યું છે, પણ ધનુષે ‘રાંઝણા’ રિલીઝ થાય તે પહેલાં જ આનંદ રાયની હવે પછીની ફિલ્મ સાઇન કરી નાખી હતી. મીન્સ કે ભવિષ્યમાં આપણને આનંદ રાય-ધનુષની જોડીની ઔર એક ફિલ્મ જોવા મળવાની.
ધનુષનું ખરેખરું સપનું તો ખેર બોલિવૂડમાં ડિરેક્ટર બનવાનું છે. એણે ઓલરેડી બે સ્ક્રિપ્ટ તૈયાર રાખી છે. એક ફેન્ટસી-એડવેન્ચર છે, બીજી થ્રિલર. ધનુષનો ભાઈ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ફિલ્મ ડિરેક્ટર છે. ધનુષ એને એકાદ ફિલ્મમાં આસિસ્ટ પણ કરી ચૂક્યો છે. એ ડિરેક્ટર બને ત્યારની વાત ત્યારે, બાકી એક્ટર તરીકે ધનુષે જે રીતે બધાનું દિલ જીતી લીધું છે એ જોઈને બોલિવૂડના કેટલાય જલકૂકડી હીરોલોગ બળી બળીને બેઠા થઈ ગયા છે!
* * * * *
રેડ હોટ ‘રાંઝણા’ હજુ ઠરવાનું નામ લેતી નથી ત્યાં સોનમ કપૂરને હિરોઇન તરીકે ચમકાવતી ઔર એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ આવી ગઈ- ‘ભાગ મિલ્ખા ભાગ’. આજે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ પણ જો ચાલી ગઈ તો તો સોનમ ઝાલી ઝલાશે નહીં.
બાકી ‘રાંઝણા’ના પ્રમોશન દરમિયાન સોનમે ધનુષને ખૂબ મદદ કરી હતી. ધનુષ રહ્યો બોલિવૂડ માટે સાવ નવો. સાઉથમાં ફિલ્મ રિલીઝ થાય ત્યારે પત્રકારોના ઢગલાને ઇન્ટરવ્યૂઝ આપી દો એટલે વાત પૂરી થઈ જાય, પણ બોલિવૂડની વાત જુદી છે. આપણે ત્યાં ફિલ્મ પ્રમોટ કરવાની એક્ટિવિટી પંદર-વીસ દિવસ ચાલે અને આ બધામાં સ્ટારલોકોએ એટલી બધી મહેનત કરવી પડે છે કે પિદૂડી નીકળી જાય. સોનમ ધનુષને સતત સલાહ આપતી રહેતી હતી કે પત્રકારો સામે શું બોલવું, શું ન બોલવું, કેટલું બોલવું. રિયાલિટી શોઝમાં પ્રમોશન માટે જવાનું હોય ત્યારે ધનુષે કેવાં કપડાં પહેરવાં તે પણ સોનમ નક્કી કરી આપે. ફેશન અને ટાપટીપમાં આમેય સોનમને કોણ પહોંચે? એની બાજનજરમાંથી એક વસ્તુ ન છૂટે. એને એ પણ ખબર હોય કે ધનુષના શર્ટ પર કરચલીઓ દેખાઈ રહી છે, એને ઇસ્ત્રી કરવાની જરૂર છે! ધનુષ ડાહ્યોડમરો થઈને સોનમની બધી વાત માની લેતો. અસલી જીવનમાં ધનુષ બહુ જ નમ્ર અને સીધોસાદો માણસ છે. સગા સસરા રજનીકાંત પાસેથી એ બે સરસ વસ્તુ શીખ્યો છેઃ સહજતા અને નમ્રતા. વાહ!
* * * * *
કંગના રનૌત (જી બિલકુલ, રાણાવાત નહીં, પણ રનૌત), સામે પક્ષે બીજું બધું હશે, પણ સીધીસાદી અને સરળ તો ધોળે ધરમેય નથી. એ ક્યારેય નહોતી. હા, નિખાલસ પૂરેપૂરી. એનો છેલ્લો બોયફ્રેન્ડ નિકોલસ નામનો કોઈ બ્રિટિશ છોકરો હતો. થોડા સમય પહેલાં બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. એક ફિલ્મી ગ્લોસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કંગનાએ જરાય શબ્દો ચોર્યા વગર સાફ સાફ કહ્યું છેઃ ‘તમે કોઈને મળો, આનંદપ્રમોદ કરો એ બરાબર છે, પણ રિલેશનશિપની વાત ખોટી. મારાથી તો પ્રેમસંબંધો જળવાતા જ નથી. શરૂઆતમાં બધું સારું લાગે, પણ પછી બધું બહુ ઓકવર્ડ થઈ જાય. આઈ હેટ બીઇંગ ઇન રિલેશનશિપ. રિલેશનશિપમાં હોઉં ત્યારે મને સતત પ્રેશર રહ્યા કરે. સતત થયા કરે કે હે ભગવાન, હું મારા બોયફ્રેન્ડની અપેક્ષા પર ખરી ઊતરું છું કે નહીં. બહુ જ હોરિબલ ફીલિંગ હોય છે આ. બોયફ્રેન્ડ બદલાયા કરે, પણ હું ઓછી પડું છું એવી લાગણી કાયમ રહે. પછી બ્રેકઅપ થાય. હું દુઃખી દુઃખી થઈ જાઉં. થોડા દિવસ એવું લાગ્યા કરે કે અરેરે, મેં ભૂલ કરી નાખી, હું હવે પહેલાં જેવી ક્યારેય નહીં થઈ શકું, આ પુરુષો સાલા બધા જ સરખા, હવે હું ક્યારેય કોઈના પ્રેમમાં નહીં પડું વગરે વગેરે…. પણ આ બધું કંઈ લાંબું ન ચાલે. થોડા દિવસોમાં આ વિચારો વિખરાઈ જાય ને વાઇનની બે બોટલ ઢીંચી જાઉં એટલે પાછી હતી એવી ને એવી!’
બો-બોને સમજાતું નથી કે કંગનાની દયા ખાવી કે ન ખાવી. ખેર, કંગનાના ઉત્પાતિયા જીવને દયાની નહીં પણ શાંતિની જરૂર છે. ચાલો ત્યારે… શુભ શુક્રવાર!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply