બોલિવૂડ એક્સપ્રેસ : બ્રેડ પિટ સિન્ડ્રોમ કઈ બલાનું નામ છે?
Sandesh – Cine Sandesh supplement – 21 June 2013
બોલિવૂડ એક્સપ્રેસ
‘રાંઝણા’ અને એનો હીરો ધનુષ (જે સાક્ષાત રજનીકાંતનો સગ્ગો જમાઈ થાય છે) જો હિટ થઈ ગયા તો આ સસરા-જમાઈના એસએમએસ જોક્સની તડી બોલી જવાની, તમે જોજો.
* * * * *
મુંબઈના ગાંડા વરસાદમાં તરબોળ થઈને, સડકો પર આંખના પલકારામાં ભરાઈ જતાં પાણીમાં હાલકડોલક થતો બોલિવૂડ બોય ઉર્ફ બો-બો પાછો સમયસર હાજર થઈ ગયો છે. ના જી, ચોમાસાની ઋતુ છે એટલે એ કંઈ ‘ટીપ ટીપ બરસા સાવન’ ટાઇપના રાગડા નહીં તાણે, બલકે આદત મુજબ તરહ તરહની ફિલ્મી ટિટબિટ્સ પેશ કરશે.
જેમ કે, સોનમ કપૂરની બ્રાન્ડ-ન્યૂ ફિલ્મ ‘રાંઝણા’ આજે જ રિલીઝ થઈ. સોનમ ભલે સુકલકડી અને લંબૂસ રહી અને ભલે ‘રાંઝણા’માં એ પાક્કી મણિબહેન દેખાતી હોય, પણ અસલિયતમાં એના જેવી કમાલની ફેશનસેન્સ બોલિવૂડમાં બીજા કોઈની પાસે નથી. એને ફેશનેબલ વસ્ત્રો અને એક્સેસરીઝનો માત્ર શોખ નથી, એ ફેશનને સૂક્ષ્મતાથી સમજી શકે છે, તેથી જ રૂપરૂપના અંબાર ન હોવા છતાં અનિલભાઈ કપૂરની આ દીકરી ગ્લોસી મેગેઝિનોનાં પાનાં પર ઝક્કાસ દેખાય છે. ‘રાંઝણા’ના ડિરેક્ટર-રાઇટરની જોડી આનંદ રાય-હિમાંશુ શર્માએ અગાઉ ‘તનુ વેડ્સ મનુ’ માટે સોનમને એપ્રોચ કરેલો. સોનમે ના પાડી એટલે તે ફિલ્મ કંગના રનૌત પાસે ગઈ. સારું થયું. કંગનાએ આ ફિલ્મમાં એટલી મજેદાર એક્ટિંગ કરી છે કે તે રોલમાં સોનમને કલ્પના કરવી ગમતી નથી. ‘તનુ વેડ્સ મનુ’ હિટ થયા પછી રાય-શર્મા પાછા સોનમ પાસે ગયા, ‘રાંઝણા’ની ઓફર લઈને. આ વખતે સોનમે ફટ કરતી હા પાડી દીધી.
‘રાંઝણા’ના કાળાડિબાંગ હીરો ધનુષના ‘કોલાવેરી ડી’ ગીતે વચ્ચે બહુ ઉપાડો લીધો હતો. ધનુષ સિનેમાજગતના દેવાધિદેવ રજનીકાંતનો જમાઈ થાય, એ તમે જાણો છોને? અહા! ‘રાંઝણા’ અને ધનુષ હિટ થઈ ગયા તો મોબાઇલ પર સસરા-જમાઈના ફની એસએમએસની તડી બોલી જવાની, તમે જોજો.
* * * * *
‘રાંઝણા’માં ક્યૂટ ડિમ્પલધારી અભય દેઓલ પણ છે. એક જમાનામાં અભયે સોનમ સાથે ‘આયેશા’ નામની ગર્લી-ગર્લી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ અનિલ કપૂરે પ્રોડયુસ કરેલી.’આયેશા’ ચાલી નહીં એટલે પછી અભયે ‘આ ફિલ્મમાં કામ કરીને મેં મોટી ભૂલ કરી નાખી’ ને એવું બધું જાહેરમાં બોલીને બહુ બૂરાઈ કરી હતી. સમજોને કે કપૂર ખાનદાન અને અભય વચ્ચે મિની યુદ્ધ છેડાઈ ગયું હતું, તેથી જ ‘રાંઝણા’માં સોનમ-અભયને ફરી પાછાં સાથે જોઈને સૌને આશ્ચર્ય થયું છે. ‘ના ના, એમાં તો એવું છે કે અભયને મારા પપ્પા સાથે પ્રોબ્લેમ હતો, મારી સાથે નહીં,’ સોનમ લૂલો ખુલાસો કરે છે, ‘બાકી મને તો છેને અભય સાથે બહુ જામે છે. અમારા બેયની હોબી એકદમ સેમ-ટુ-સેમ છે, અમારી વચ્ચે કેમિસ્ટ્રી સરસ છે.’ વગેરે વગેરે.
ઠીક છે મારી બાઈ. બોલિવૂડમાં દોસ્તી-દુશ્મની કશું જ પરમેનન્ટ નથી હોતું તે આપણે ક્યાં નથી જાણતા.
* * * * *
એમ તો સ્ટાર સ્ટેટસ પણ ક્યાં પરમેનન્ટ હોય છે. પૂછો અમિષા પટેલને. અમિષા જેવી ભૂલીબિસરી હિરોઇન અને એક પછી એક ફ્લોપ ફિલ્મો આપી રહેલા નીલ નીતિન મૂકેશને એકસાથે જોઈને બો-બોને ટેન્શન થાય છે કે એમની ‘શોર્ટકટ રોમિયો’ જોવા આજે કોણ જશે. નીલ ટેલેન્ટેડ અભિનેતા છે, પણ બાપડાનાં નસીબ ખરાબ ચાલે છે. એની ‘જોની ગદ્દાર’ રિલીઝ થઈ ત્યારે ઓડિયન્સને ફિલ્મ પાસેથી કોઈ અપેક્ષાઓ નહોતી, પણ કેટલી અફલાતૂન નીકળી આ ફિલ્મ. ‘શોર્ટકટ રોમિયો’ પણ આવું સરપ્રાઇઝ પેદા કરી શકશે? યુ નેવર નો!
* * * * *
‘બ્રેડ પિટ સિન્ડ્રોમ’- આ બીમારીનું નામ સાંભળ્યું છે કદી? હમણાં દીપિકા પાદુકોણે એક ઇન્ટરવ્યૂમાં આ શબ્દપ્રયોગ કર્યો. બ્રેડ પિટ વધુ પડતો હેન્ડસમ હીરો છે એટલે શરૂ શરૂમાં હોલિવૂડમાં એવી જ છાપ પડતી કે આ તો ખાલી ગ્લેમર બોય તરીકે ચાલે એવો છે,એને કંઈ એક્ટિંગ-બેક્ટિંગ આવડે નહીં. આ પ્રકારની માનસિકતાને ‘બ્રેડ પિટ સિન્ડ્રોમ’ કહે છે! બ્રેડ પિટ જોકે પોતાની એક્ટિંગ ટેલેન્ટથી સૌનો અભિપ્રાય બદલી શક્યો. દીપિકા પાદુકોણ માટે, રાધર મોડલિંગના ક્ષેત્રમાંથી આવેલી કે બ્યુટીક્વીન રહી ચૂકેલી મોટાભાગની કન્યાઓ માટે આપોઆપ એવી છાપ ઊભી થતી જતી હોય છે કે ફિલ્મમાં ફક્ત ગ્લેમર ઉમેરવા સિવાય એ બીજું કશું કરી નહીં શકે. દીપિકાના સદ્ભાગ્યે ‘કોકટેલ’માં સૌથી પહેલી વાર એના અભિનયની નોંધ લેવાઈ. પછી ‘યે જવાની હૈ દીવાની’માં એનું કામ વખણાયું, તેથી દીપિકાએ રાજી થઈને જાતે જ ઘોષણા કરી નાખી છે કે પોતે બ્રેડ પિટ સિન્ડ્રોમમાંથી બહાર આવી ગઈ છે. સારું છે. બાય ધ વે, આજે બ્રેડ પિટની ‘વર્લ્ડ વોર ઝેડ’ નામની ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે. બો-બો તો ‘રાંઝણા’ કે ‘શોર્ટકટ રોમિયો’ કરતાં દુનિયાના વિનાશના થીમવાળી ‘વર્લ્ડ વોર ઝેડ’ જોવા માટે વધારે ઉત્સુક છે. તમે?
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply