Cine Sandesh : શાહરુખ-કરણના દોસ્તાનાને કોની નજર લાગી ગઈ?
Sandesh – Cine Sandesh supplement – 14 June 2013
બોલિવૂડ એક્સપ્રેસ
સીઝનની પહેલી-પહેલી બારિશમાં તરબોળ થઈને, ભીની-ભીની માટીની ખુશબૂ નાસિકા વાટે શરીરમાં ઉતારીને બોલિવૂડ બોય ઉર્ફ બો-બો પુલકિત-પુલકિત થઈ ગયો છે, તેથી જ આજે એ સૌથી પહેલાં પુલકિત સમ્રાટ વિશે વાત કરવાનો છે. પુલકિત સમ્રાટ એટલે આજે રિલીઝ થયેલી ફિલ્મ ‘ફુકરે’માં જે પેલા ચાર લઠ્ઠ જેવા છોકરાઓ દેખાય છે એમાંનો એક. વર્ષો પહેલાં ટીવી પર ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ નામની સિરિયલ આવતી હતી. એમાં પુલકિત નામનો આ ન્યુકમર સ્મૃતિ ઇરાની મિન્સ કે તુલસીનો દીકરો બન્યો હતો. એ એટલો બધો રૂડોરૂપાળો લાગતો હતો અને એની સ્ક્રીન પ્રેઝન્સ એટલી જબરદસ્ત હતી કે બો-બો બધાને કહ્યા કરતો કે તમે જોજો, આ છોકરો વહેલોમોડો બોલિવૂડનો હીરો બનશે જ, એવું જ થયું. એકતા કપૂર સાથે લડી-ઝઘડીને એણે સિરિયલ છોડી. ‘બિટ્ટુ બોસ’ (૨૦૧૨) નામની ફિલ્મમાં સોલો હીરો બન્યો. ફિલ્મ તો ન ચાલી, પણ પુલકિતનું કામ વખણાયું.
‘બિટ્ટુ બોસ’ની રિલીઝ વખતે સલમાન ખાન જે રીતે પુલકિતને પ્રમોટ કરતો હતો એ જોઈને સૌને નવાઈ લાગતી હતી. એનો રાઝ પછીથી ખૂલ્યો. સલ્લુ મિયાં પુલકિતના સાળા થાય. પૂછો કઈ રીતે? વાત એમ છે કે પુલકિત એક પ્રેમિકા ધરાવે છે. નામ એનું શ્વેતા રોહિરા. શ્વેતા અગાઉ જર્નાલિસ્ટ હતી. એક વાર પુલકિતનો ઇન્ટરવ્યૂ લેવા ‘ક્યોંકિ…’ના સેટ પર ગયેલી. બન્ને વચ્ચે દોસ્તી થઈ ઔર દોસ્તી પ્યાર મેં બદલ ગઈ. આ શ્વેતા નાની હતી ત્યારે એક વાર સલમાન ખાનના ઘરમાં ઘૂસી ગઈ હતી. સલમાનને કહેઃ સર, હું તમને રાખડી બાંધવા માગું છું! સલમાને જવાબ આપ્યોઃ છોકરી, આજે એક વાર રાખડી બાંધીશ તો પછી તારે આખી જિંદગી દર વર્ષે રક્ષાબંધન પર મને રાખડી બાંધવા આવવું પડશે. બોલ, કરી શકીશ? શ્વેતાએ લાડવા જેવું મોઢું કરીને કહ્યું: શ્યોર, સર! આમ, શ્વેતા સલ્લુ મિયાંની ધરમની બહેન બની ગઈ અને પુલકિત, બાય ડિફોલ્ટ, ધરમનો બનેવી. એ અલગ વાત છે કે પુલકિત-શ્વેતાનાં હજુ લગ્ન થયાં નથી. “લગ્નની શું જલદી છે? એ તો ખાલી ફોર્માલિટી છે.” આટલું કહીને પુલકિત મરક મરક થઈને ઉમેરે છે, “બાકી અમે તો પતિ-પત્નીની જેમ સાથે રહેવાનું ક્યારનું શરૂ કરી દીધું છે!”
વાહ રે પુલકિત! લગ્ન કરવાની કોઈ જલદી નથી, પણ સલમાન ખાનને સાળા તરીકે ઓળખાવાની ઉતાવળ ફાટી નીકળી છે!
* * * * *
સલમાન ખાનના પાડોશી અને હરીફ નંબર વન શાહરુખ શું કરે છે આજકાલ? સાંભળ્યું છે કે પોતાની આગામી ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ના તમામેતમામ ડિપાર્ટમેન્ટ્સમાં ઊંડો રસ લઈ રહ્યો છે. જેમ કે, આ ફિલ્મનું એક આઇટમ સોંગ એડિટ થઈને આવ્યું ત્યારે એ જોઈને શાહરુખને મજા ન આવી. એણે ડિરેક્ટર રોહિત શેટ્ટીને કહ્યું: નથી જામતું બોસ, ફરીથી શૂટ કરીએ. તરત જ મ્યુઝિક ડિરેક્ટર વિશાલ-શેખરને બોલાવીને ગીતને વધારે મસ્તીભર્યું બનાવવામાં આવ્યું અને આખેઆખું ગીત નવી કોરિયોગ્રાફી સાથે રિ-શૂટ કરવામાં આવ્યું.
આ બધું તો જાણે બરાબર છે, પણ આજકાલ ઇન્ડસ્ટ્રીમાં એક નવો ગણગણાટ સંભળાય છે કે એક જમાનામાં જેમની વચ્ચે પાક્કા દોસ્તાના હતા એવા શાહરુખ અને કરણ જોહર વચ્ચે હવે પહેલાં જેવું નથી રહ્યું. કરણની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં શાહરુખ કો-પ્રોડયુસર હતો, પણ કોણ જાણે કેમ આ ફિલ્મને એણે જરાય પ્રમોટ ન કરી. એવું પણ વિચારવામાં આવેલું કે કરણની લેટેસ્ટ ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ની સાથે ‘ચેન્નાઈ એક્સપ્રેસ’નું ટ્રેલર પણ રિલીઝ કરવું. શાહરુખે આમાં પણ ઠાગાઠૈયા કરી બહાનું ધરી દીધું કે ‘ચેન્નાઈ એક્સપ્રેસ’નું ઘણું શૂટિંગ હજુ બાકી છે એટલે ટ્રેલર રિલીઝ કરવાનો સવાલ જ ઊભો થતો નથી. શાહરુખની આ બેરુખીને કારણે કરણ સાથે એના કિટ્ટા ચાલે છે એવી અફવાને વધારે પુષ્ટિ મળી. આશા રાખીએ કે આ અફવા ખરેખર અફવા જ હોય અને શાહરુખ-કરણ વચ્ચે પહેલાં જેવા જ દોસ્તાના, ઉફ્ફ, દોસ્તી કાયમ હોય.
તમે જોયું, દોસ્તાના જેવો મજાનો શબ્દ કેવો બદનામ થઈ ગયો છે? વાંક કરણ જોહરનો જ છે. અભિષેક-જોન અબ્રાહમવાળી પેલી ‘દોસ્તાના’ નામની ભમરાળી ફિલ્મ એણે જ પ્રોડયુસ કરેલી!
* * * * *
અભિષેક પરથી યાદ આવ્યું કે સૈફ અલી ખાને હમણાં એક ઇન્ટરવ્યૂમાં એનાં વખાણ કર્યાં. સૈફ કહે, “હું અને કરીના કરિયરના શિખર પર છીએ તો પણ લગ્ન કરવામાં વાર ન લગાડી. અમારાં સિવાય એકમાત્ર અભિષેક અને ઐશ્વર્યા જ એવાં છે, જેણે ટોપ પર હોવા છતાં પરણવામાં વિલંબ નહોતો કર્યો.”
એક્સક્યુઝ મી! અભિષેક બચ્ચન ‘ટોપ’ પર ક્યારે હતો? તમને ખબર પડે તો બો-બોને જરૂર જાણ કરજો. ચાલો ત્યારે, શુભ શુક્રવાર!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply