શોન હિંગીસ એટલે અશ્વિન સાંઘી. જ્યારે તેમની બીજી બુક ચાણક્ય મંત્ર આવેલી ત્યારે તેમની માતાએ કહેલું, મને અશ્વિનથી ડર લાગે છે. અશ્વિન લખે છે જ એવુ. ભયાનક, મીથ પર આધારિત, કલ્પનાઓથી થોડુ દૂર અને વાસ્તવિકતાની બિલ્કુલ નજીક નહીં એવુ. આવા લખાણને તમે ડેન બ્રાઉનના લખાણ સાથે સરખામણી કરી શકો. એટલે અશ્વિન ભારતીય જમાતના ડેન બ્રાઉન છે. તો અશ્વિનની લેખન કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ.
35 વર્ષ સુધી અશ્વિને કશું નહતું લખ્યું. તેમના મતે જે પણ લખાતું તે છૂટુ છવાયું અને નાનું અમથુ લખાતું. વિચારો આવતા અને કાગળના એક પાના પર અંકિત થઈ જતા. જેના છપાવાની તો કોઈ ઉમ્મીદ ન હતી. ત્યારે આ ભાઈના મનમાં એક લાખ જેટલા માતબર શબ્દો લઈને લખવાનો વિચાર ક્યાંથી આવ્યો ? ઈન્ટ્રેસ્ટીંગ… પિતા બિઝનેસમેન અને તેમની અદમ્ય ઈચ્છા અને તાલાવેલી કે અશ્વિન પણ આ વ્યવસાયમાં જોડાય. અશ્વિન માટે આ એટલુ ઈઝી નહતું. પોતાનું પૂરુ ખાનદાન જે વ્યવસાયમાં જોડાયેલુ છે, તેનાથી અશ્વિન કંઈક ડિફરન્ટ કરવા માગતો હતો, મઝેદાર અને નામ થાય તેવુ.
35 વર્ષની ઉંમરે અશ્વિને પોતાનું પ્રથમ પુસ્તક લખવાની શરૂઆત કરી અને જ્યારે પૂર્ણ કરી પ્રકાશકોને પત્ર લખ્યા ત્યારે એઝ ઈટ ઈઝ. કંઈ જવાબ નહીં. 100 જેટલી પ્રકાશન સંસ્થાઓએ તેમના પ્રસ્તાવને રિજેક્ટ કર્યો. અશ્વિન પાસે હવે કોઈ ઉપાય નહતો. તેને લાગતું હતું કે લાંબીલચ નોવેલ લખી સમયનો બગાડ કર્યો.
તે હારેલો થાકેલો હતો. હવે આ પુસ્તકિયો ધંધો તેને કરવો નહતો. હાથમાં મેન્યુ સ્ક્રિપ્ટ સાથે પપ્પાની વાતમાં વજૂદ લાગતું હતું. આખરે તેની પાસે એક જ મુદ્દો હતો. તેણે અમેરિકામાં સંપર્ક કર્યો અને ત્યાં નામ બદલાવી અને બુકને સેલ્ફ પબ્લિશ કરાવી. બુક તો પબ્લિશ થઈ અને લોકોએ વખાણી પણ ખરી, પરંતુ નામ અશ્વિનની જગ્યાએ શોન હિંગીસ આવતું હતું. ભારતમાં તેને લાવવા માટે અશ્વિન સાંઘી તૈયાર હતા, પણ કેવી રીતે ?
ત્યાં સુધીમાં માતાને અશ્વિનની નિરાશા સમજાઈ ગઈ. તેમની માતા એક પ્રકાશકને જાણતી હતી. તેણે અશ્વિન સાથે તેમની મુલાકાત કરાવી. મુલાકાત બાદ, પેલા પ્રકાશકે ના પાડી દીધી, પણ પ્રકાશક બીજા પ્રકાશકો કરતા સારો હતો. તેણે ભારતમાં 20 વર્ષથી પ્રકાશન ક્ષેત્રે કામ કરતા વિવેક આહુજા સાથે અશ્વિનની મુલાકાત કરાવી. વિવેકે અશ્વિનને સમજાવ્યું, જો તારા થોડા પુસ્તકો કન્સાઈનમેન્ટની રીતે ભારતમાં લાવવા પડશે, ભલે તે અમેરિકામાં જ છપાતા હોય, તેને અહીં લાવી તુ પ્રકાશકોને બતાવ, તારૂ કામ થઈ જશે. અશ્વિને આ બાકી લાગતુ કામ પણ કર્યુ. અને પાછા હેમખેમ હતા એમનાએમ…
જોગાનુ જોગ ત્યારે હેમુ રમૈયા નામના એક મહિલા પ્રકાશક હતા. તેઓ ઈસ્ટ એન્ડ વેસ્ટ નામની પ્રકાશન સંસ્થા સાથે જોડાયેલા, જે હુલામણા નામે વેસ્ટલેન્ડ પબ્લિકેશન તરીકે ઓળખાય છે. તેમણે અશ્વિનને ફોન કર્યો અને પુસ્તક છપાયું. હેમુને અશ્વિનની નોવેલના પ્લોટમાં રસ પડ્યો, જેણે આખી દુનિયાની સામે શોન હિંગીસ એટલે અશ્વિન સાંઘીને લાવવાનું કામ કર્યુ. આ તેમની પહેલી બુક એટલે રોઝાબેલ લાઈન. આજે પણ અશ્વિનની તમામ બુક ગૌતમ પદ્મનાભ જ છાપે છે. અને અશ્વિન સૌથી વધારે રોયલ્ટી લેતા અને ઘરે બેઠા ખાતા લેખક છે.
તો પણ અશ્વિનને સિયાલકોટ સાગા જેવી નોવેલ આવી હોવા છતા ભય સૌથી વધારે લાગે છે. અને આ ભય તેના ફેન્સનો છે. તેઓ જો અશ્વિનને ન વાંચવાનો નિર્ણય લે તો ! દર નોવેલમાં આ ભય રહેવાનો જ.
અશ્વિનને તેના સંપાદકો લખાણ વાંચે પછી જે સજેશન આપે તે સજેશન તે માને છે. તેના સંપાદકો કહે છે, તારૂ લખાણ બીજા કરતા અલગ હોય છે, ત્યારે અશ્વિનને એક વાતનું દુ:ખ થાય છે. તે દુખ એટલે તેણે કોઈ સાહિત્યકારને ગહન અભ્યાસથી નથી વાંચ્યા. તેના આ દુખને પ્રકાશકો એ રીતે હકારાત્મકતામાં ફેરવે છે કે, નવલકથા લખવાના ત્રણ નિયમો છે. દુર્ભાગ્યવશ આ નિયમો અત્યાર સુધી કોઈને નથી ખબર…
અશ્વિનનો એક કિસ્સો રોચક છે, પુસ્તક છપાયા બાદની સૌથી મોટી મથામણ તેના પ્રમોશનની હોય છે. અશ્વિનને આ આવડતુ નહતું. તેની જ્યારે પહેલી નોવેલ છપાઈ નહતી, ત્યારે તેને એક પ્રોફેસર મળ્યા. આ પ્રોફેસરે અશ્વિનને વકતવ્ય માટે ભાષણ લખવાનું જણાવ્યું. પહેલા તો અશ્વિને આનાકાની કરી પછી તુરંત તેણે વ્યસ્તતા વચ્ચે તેમને ભાષણ લખી દીધુ. જ્યારે અશ્વિનની પહેલી નોવેલ છપાઈ ત્યારે પ્રોફેસર તેને ફરી મળ્યા અને કહ્યું, તારી બુકના પ્રમોશનનું કંઈક કરી આપુ અશ્વિન… અશ્વિનબાબુ વિચારતા હતા એટલામાં પેલા પ્રોફેસરે અશ્વિન માટે ન્યૂઝપેપરમાં બુકના પ્રમોશનની વાત કરી લીઘી. તેનું કામ થઈ ગયુ.
અશ્વિન આજે પણ સુનીલ દલાલને યાદ કરે છે. તેમના આ પાક્કા મિત્રએ કહેલુ, ‘અશ્વિન જો મારી વ્યાવસાયિક જિંદગીમાંથી હું એક મહત્વનો પાઠ શિખ્યો છું, અને તે છે તાકાત… મેં જોયુ છે ઉંદરોની દોડમાં હંમેશા ઉંદર જ વિજેતા બને છે ! તુ તારા જીવનમાં વધુ એક ઉંદર બનીને રહેવા માગે છે.
13 Steps to Bloody Good Luck પુસ્તકમાંથી
~ મયુર ખાવડુ
Leave a Reply