આપણે જે દવાઓ સાજા થવા માટે લઈએ છે એ દવાઓ પોતે જ બીમાર હોય તો?
એકવાર તમને તાવ આવ્યો અને તમે કોઈ ડોકટર પાસેથી કે મેડિકલ સ્ટોરમાંથી પેરાસિટામોલ લઈ આવ્યા ને ફરક ના પડ્યો તો વાંક કોનો? ડોકટરનો, મેડિકલ સ્ટોરવાળાનો કે દવા બનાવનાર કંપનીનો? એસીડીટી માટેની દવા હોય કે દુઃખાવા માટેની કોઈ પેઇનકિલર હોય..ક્યારેક એવું બન્યું છે કે એક ગોળી, બે ગોળી અને ત્રીજી ગોળી ઉપરાછાપરી લેવા છતાં ફરક ના પડ્યો? ધ્યાનથી વિચારતા દરેકને યાદ આવશે કે આવું ક્યારેક તો બન્યું જ છે.
2019માં જમ્મુની એક હોસ્પિટલમાંથી અમુક બાળકોએ એક ચોક્કસ કંપનીની કફ સીરપ પીધી. એમાંથી 11 બાળકો ધડાધડ ગંભીર થઈ જતા હોશિયાર ડોક્ટરે ચંડીગઢમાં એ સિરપનું સેમ્પલ મોકલ્યું, તો જણાયું કે કારના બ્રેક ઓઇલમાં જે તત્વ વપરાય છે એ હાનિકારક તત્વ તો આ કફ સિરપમાંથી મળી આવ્યું. મીડિયા અને તંત્ર તો એઝ યુઝવલ ચૂપ રહ્યું પણ જાણીતા હેલ્થ એક્ટિવિસ્ટ દિનેશ ઠાકુર મેદાનમાં ઉતર્યા અને છેક ઉપર સુધીના નેતાઓને મળી આવ્યા. (રેનબક્ષી ફાર્માની પોલ ખોલનારા દિનેશ ઠાકુર.) પણ અફસોસ, પરિણામ શૂન્ય આવ્યું. દવાનો જથ્થો પાછો ખેંચાવીને આકરી સજા કરવાને બદલે આઠ મહિના પછી વધુ એક બાળક સિરિયસ થયું ત્યારે પરિસ્થિતિની ગંભીરતાનું તંત્રને ભાન થયું.
બિહારમાં કોરોનામાં રામબાણ ગણાતા હતા એ રેમદેસીવીર ઇન્જેક્શન લીધા પછી એક દર્દીનું તાત્કાલિક મૃત્યુ થતા એ ઇન્જેક્શનનું સેમ્પલ ‘સ્ટેટ રેગ્યુલેશન ઓફ ડ્રગ, કલકત્તા’ ખાતે ગયેલું. પુરાવા એવા મળ્યા કે ગુજરાતની જાણીતી કંપનીએ બનાવેલા એ ઇન્જેક્શનમાં કોઈ ભેળસેળ તો નહોતી પણ એમાં દવાના મૂળ તત્વો સાથે અમુક પ્રકારના બેક્ટેરિયા ભળી ગયેલા. મતલબ કે ચોખ્ખાઈ બરોબર નહોતી જળવાઈ, દેશી ભાષામાં. પછી એ ઇન્જેક્શનનો જથ્થો પાછો ખેંચાયો કે નહીં એ તો જાણ નથી. ખેંચાયો તો હશે જ પણ આપણા મીડિયાએ એને છાપવા જેવા સમાચાર ગણ્યા નથી.
આવી એક ડઝન દબાઈ ગયેલી ઘટના બાબતે દિનેશ ઠાકુર કહે છે કે જેમ આપણે ત્યાં ખૂન કે બળાત્કારના ગુનામાં ગુનેગાર યેનકેન રીતે છટકી શકે એવા ‘લુપ હોલ્સ’ વકીલો શોધી કાઢે એવું જ દવાઓના વિષયમાં પાંગળા સાબિત થયેલા કાયદાઓનું છે. સૌથી મોટી કરુણતા એ છે કે આઝાદી પછી વિશ્વગુરૂ બનવા નીકળેલા આપણે હજી અંગ્રેજોએ 1940માં બનાવેલા ‘ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ’નું જ પાલન કરીએ છીએ. પછી તો એંશી વરસમાં બીમારીઓ બદલાય ગઈ, દવાઓ અગણિત બજારમાં આવી પહોંચી, પણ કાયદાઓ ના બદલાયા. અને આ એકટની જુદી જુદી કલમોમાં ક્યાંય ખામીયુક્ત દવાઓનો જથ્થો પાછો ખેંચવાની વાત જ નથી. એટલે જ ભારતની અમુક કંપનીઓની પોલ ખુલ્યા પછી પણ નફ્ફટ બનીને કોર્ટમાં દોડતા રહેવાનું કંપનીઓને સહેલું લાગે છે. એક કંપની તો એવી હતી કે અમેરિકા એક્સપોર્ટ કરવાની દવામાં ભેળસેળરૂપી ઘાઘરા ઉંચા થયા પછી પણ દવાનો જથ્થો ગરીબ આફ્રિકાના દેશમાં વેચી નાખ્યો. પાછો તો ધરાર ના જ ખેંચ્યો.
ભારતની એક સિદ્ધિ એ છે કે જગત આખાની પાંચ દવાઓમાંથી એક દવા ભારતમાં બને છે. સામે પક્ષે કરુણતા એ છે કે છેલ્લા દોઢ બે દાયકામાં ભારતે કોઈ દવાની શોધ જ નથી કરી. આપણે ભલે ખોટા ગૌરવો લઈને ઉછળતા હોઈએ પણ હકીકતમાં તો આપણે એવી દવાઓ જ બનાવીએ છીએ જેની પેટન્ટ વિદેશમાં પુરી થઈ ગઈ હોય અને આપણે એની કોપી કરતા હોઈએ. ઉપરાંત, અમુક અતિઉપયોગી એવી દવાઓની પેટન્ટ વિદેશી કંપનીઓ આપણને આપે તો પણ એની કિંમત ગરીબ તો શું મધ્યમવર્ગના બેન્ક બેલેન્સની પણ બહાર હોય. પેલું સોળ કરોડનું ઇન્જેક્શન તો લોકોને પછીથી ખબર પડી પણ સામાન્ય રોગોના હજારોની દવાઓ માત્ર આપણે એટલા માટે લેવી પડે છે કારણ કે એ શોધ આપણે નથી કરી, પણ ઉધારના હકો લીધેલા છે. અને એટલે જ કદાચ મહત્તમ ઓછી કિંમતે વેચીને વધુ નફો રળવાની લાલચમાં અમુક ફાર્માસ્યુટિકલ કંપનીઓ શરમની એક બે ને સાડા ત્રણ કરી નાંખતી હશે!
હિમાચલ પ્રદેશ ઉપરાંત અન્ય જે રાજ્યોમાં પુષ્કળ ફાર્મસી ફેકટરીઓ છે ત્યાં ટેક્સ ફ્રી હોવાને કારણે દવાઓનો ગઢ બની ગયો છે, પણ પાછલા બારણે લાયસન્સ મેળવવાના ભાવ કરોડોમાં લેવાતા હોય પછી નાની મોટી ભૂલો બાબતે તંત્રએ ચૂપ જ રહેવું પડે. કેમ કે, કોઈ રાજ્ય પોતાની આવક ગુમાવવા માંગતું નથી. વળી, અંગ્રેજોના જમાનાના કાયદાઓ પ્રમાણે કોઈ કંપની વિરુદ્ધની તપાસ પહેલા તો જે તે રાજ્યના ડ્રગ્સ રેગ્યુલેશન એક્ટ હેઠળ જ આવે, સિવાય કે મામલો બહુ ગંભીર થઈ જાય તો જ નેશનલ રેગ્યુલેશન કમિટી વચ્ચે પડે. કહેવાની જરૂર નથી કે ઉપર લખી એ તમામ બેજવાબદારીઓ અને આપણા સુધી પહોંચી ના હોય એવી અસંખ્ય ફાર્મસીની જાણીજોઈ કરેલી ભૂલોમાં કોઈ કંપનીને કોઈ જ સજા ના થઈ. ગરીબ આફ્રિકના નાનકડા દેશ ‘ગામિબિયા’માં 66 બાળકોના મૃત્યુ પછી આપણી સરકારે એક નફ્ફટ કંપનીને પાંજરે કેદ કરી!
હવે પાછું એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આવી નેગેટિવ ઘટનાઓથી ગભરાય ના જવું. ભારતની હજારો ફાર્મસી કંપનીઓમાંથી અમુક બેદરકારીઓ દાખવે એટલે કંઈ અન્ય કંપનીઓ ફાલતુ ના થઇ જાય. આપણી અઢળક ફાર્મસ્યુટિકલ્સ ભારતની જ નહીં વિશ્વની મિડલકલાસ જનતા માટે પણ આશીર્વાદ સમાન છે. કેમ કે, પેટન્ટ ભલે આપણી ન હોય પણ મેન્યુફેક્ચરિંગ આપણા દેશમાં સૌથી સસ્તું છે. એટલે જ દવાઓની દુનિયામાં આપણે ટોચ પર છીએ. પણ બીજી બાજુ હરખઘેલા થઈને તાળીઓ પણ ના પાડવી. કેમ કે, મૃત્યુ ને અન્ય ગંભીર રિએક્શન ભલે અપવાદ ગણાતા હોય. પણ દવાઓની કથળેલી ગુણવત્તા તો દરેક નાગરિકે ક્યારેક તો અનુભવી જ હશે. પાંચ દિવસનો કોર્સ પંદર દિવસ ચાલે કે સ્માર્ટ ડોકટર સમજીને ત્રીજે દિવસે બ્રાન્ડ જ બદલી નાંખે. બાકી તો જે જેનરીક ગરીબ ભારતીયોની જીવાદોરી હોય એ જ અમુક જેનરીક દવાઓમાં સાવ નીચી બાયોઅવેલિબિલિટી આદર્શ 90 ટકાને બદલે 60 ટકાથી પણ નીચું હોવાનું માલુમ પડ્યું છે.
મૂળ તો દેશમાં હજી લાખો ગરીબોને ડોકટર પોષાતા નથી અને આપણી હેલ્થ સિસ્ટમમાં સરકારી હોસ્પિટલોમા ડોક્ટરો વસ્તીની સામે કેટલા ઓછા છે એ પણ જાગ્રત નાગરિકો જાણે જ છે. ત્યારે એવી સૂફીયાણી સલાહો ચાલે નહિ કે મેડિકલ સ્ટોરમાંથી કોઈ દવા લેવી જ નહીં. ઉલટું, જાણકાર ને વિશ્વાસપાત્ર મેડિકલ સ્ટોર ગરીબો માટે આઈ.સી.યુની ભૂમિકા ભજવી શકે છે. પણ જરૂર છે કહેવાતી જેનરીક કંપનીઓની ગુણવત્તા પર સરકારી સિકંજો કસવાની. બાકી તો જનતા એલોપથીથી થાકીને આયુર્વેદ તરફ વળે તો ય જનતાએ જોયું છે કે ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને કોરોના વખતે અણઘડ વૈધો અને તુલસી બ્રાન્ડ સિરપોવાળી આયુષ કંપનીઓ દર્દીઓને કેવા છેતરી લે છે!
વળી, એલોપથી કે આયુર્વેદિક કોઈ દવાઓનો ગુણવત્તા નાગરિક તપાસી શકે નહીં. સરકાર પણ કરોડો કંપનીઓ પણ કન્ટ્રોલ રાખી શકે તો ઉત્તમ, બાકી તો એવી આશા પણ ફાલતુનો આદર્શવાદ થઈ જાય. બેસ્ટ વાત તો એ જ કે અનુભવી અને વિશ્વાસપાત્ર ડોકટર કે મેડિકલવાળા ફાર્માસિસ્ટનો જનતાને સહારો મળે…
– Bhagirath Jogia
Leave a Reply