પ્રિય મિત્ર,
આજે મને તારા સાથે થોડી વાતો કરવી છે. તને બહુ બધા દિવસોથી વાત કરવાની કોશિશ તો ચાલુ જ હતી મારી, પરંતુ કામયાબ ના થઇ શકાયું. પણ હા, આજે તને એકાંતમાં જોઈને મેં એ નક્કી જ કર્યું છે કે આજે હું તારી સાથે વાત કરીશ જ.
આપણે બન્ને તો એક બીજાની અંદર જ જીવીએ છીએ, છતાં આજે હું પેહલા તને થોડા સંસ્મરણો યાદ કરાવવા માંગુ છું. તને યાદ છે આપણા બચપણ ના દિવસો, દુનિયાદારીની જ્યારે સમજ નથી હોતી ત્યારનું એ નિર્દોષ વ્યક્તિત્વ જ મજાનું હોય છે. એ બચપણના દિવસો પણ કેટલા મસ્ત હતા, દુનિયાની કઈ જ મગજમારી નહિ, ના કોઈ માથાકૂટ, મજાથી સ્કૂલ જવાનું અને આવાનું, અને રમવાનું. આખો દિવસ કોઈ જ રોક ટોક નહીં. આપણું એ પતંગિયાઓને જોઈને નાચવું, એને જોઈને અંદરથી એની જેમ જ ઉડવાની થતી જીજીવિષા, આવા જ હજારો સપનાઓને જોઈને એને પુરા કરવાની ઘેલછાઓએ બધાનો આનંદ જ અનેરો હતો.
હસતા રમતા બાળપણ વીતી ગયું, હવેનો પડાવ હતો યુવાવસ્થા. એક સ્ત્રી માટે આ પડાવ ખુબ જ અઘરો હોય છે એવું મને લાગ્યું તારા અનુભવો પરથી, યુવાવસ્થામાં આવતા શારીરિક અને માનસિક બદલાવને સરળતાથી સ્વીકારવા તારા માટે થોડા વધુ અઘરા રહ્યા, અને આ બદલાવ સ્વીકારવામાં આપણા બન્ને વચ્ચે દુરીઓ આવી ગઈ, તું મારાથી તારી વાતો અને તારા અનુભવો વિષે ચર્ચા વિચારણા કરવાનું ભૂલતી ગઈ.
યુવાવસ્થામાં તું બહુ અજીબ બની ગયેલીને…? મને તો જાણે ભૂલી જ ગયેલી સાવ…? બસ તું અને તારી પોતાની જ બનાવેલી એક કાલ્પનિક દુનિયા. એ દુનિયામાં પણ તું મને મૂકીને જ આગળ ચાલી ગઈ, ખુબ દુઃખ થયું હતું મને તારા આ વ્યવહાર પર. તારી યુવાવસ્થાની દુનિયામાં તને બહુ બધા બીજા મિત્રો મળી ગયા અને તું તારા અહમ મિત્ર ને જ ભૂલી ગઈ, પણ છતાય મને વિશ્વાસ હતો કે તું એક દિવસ ફરીથી આ મિત્રને યાદ જરૂર કરીશ અને બીજા બધા મિત્રોથી પહેલું સ્થાન મને આપીશ. તારી રાહ જોતા જોતા મેં તારા એ યુવાવસ્થાના દરેક કદમને મેહસૂસ કર્યા, ખોટા અને સાચા રસ્તાની સમજ માટે દરેક પળે મેં તને અવાજ આપ્યો, પણ તું કદાચ તારી જ ધૂન માં હતી. તારો આમાં વાંક પણ નતો, આ દુનિયામાં યુવાવસ્થામાં દરેક વ્યક્તિની હાલત આવી જ હોય છે. પણ છતાય તું ખુબ બહાદુર છો, તારી એ યુવાવસ્થામાં તે ઘણી ભૂલો કરી, અને એ ભૂલોના પરિણામ પણ સહન કર્યા, એટલી હદ પર તે ભૂલો કરી હતી કે તું પોતે જ પોતાને ભૂલી ગઈ. તે તારા પર નો આત્મવિશ્વાસ જ ગુમાવી દીધો, અને અચાનક એક દિવસ તું સજાગ બની અને શરૂઆત થઇ તારી પોતાની પોતાના જ અસ્તિત્વ સાથેની લડાઈ.
તારી તારા અસ્તિત્વ સાથેની લડાઈની શરૂઆતની સાથે જ તે ફરીથી મારા વિશ્વાશ મુજબ મને જીવંત કર્યો, હા એક દીવાલ બની રહી શરૂઆતમાં આપણા બને વચ્ચે પણ ધીમે ધીમે એ પણ પૂર્ણ થઇ ગઈ. તારી આ લડાઈમાં તું કદમ કદમ પર નિરાશ થતી રહી, પણ છતાય તે હિંમત ના હારી. પડી અને વાગ્યું તો પણ ફરીથી ઉઠીને લડવા લાગી, ક્યારેક નિરાશ થઇ પરંતુ ફરી મજબૂત બની. કહેવાય છે ને કે અંત સારો તો બધું જ સારું, એમજ તારી લડાઈ માં તું જીતી ગઈ. ફરી એકવાર તારી ને મારી મિત્રતા સૌથી ઉપર થઇ ગઈ, કદમ કદમ પર આપણો સાથ મજબૂત થતો ગયો.
હવે તું યુવાવસ્થાના એક મજબૂત તબક્કામાં છો, અત્યારે પણ તારી એક કાલ્પનિક દુનિયા છે. પરંતુ સાથે સાથે હવે તને સારા નરસાની સમજ છે, અનુભવ છે. કદમ કદમ પર આવતી મુશ્કેલોનો સામનો સુજ-સમજની સાથે વિચારીને કરે છે અને આગળ વધે છે. હવે તને દુનિયા અને દુનિયાદારીની સમજ છે, પણ આ દુનિયાથી અલગ દુનિયા પણ છે. જેમ તારી પોતાની કાલ્પનિક દુનિયા છે, પણ હવે એ બંને દુનિયા વચ્ચેનો ભેદ તને સમજાઈ ગયો છે. તું એ બને દુનિયાની વચ્ચે તાલમેલ કરતા પણ શીખી ગઈ છો, આજે પણ તારા સપના એજ છે તને આકાશમાં એક પતંગિયાની માફક ઉડવું છે, પણ જમીન પર રહેતા પણ તું શીખી ગઈ છો.
આ બંને દુનિયાની વચ્ચેના તાલમેલમાં તું કયારેક મને મારી લાગણીઓ ને નજરઅંદાજ કરી દે છે, એટલે જ આજે તને ફરીથી આપણી મિત્રતાના એ સોનેરી દિવસો યાદ કરાવ્યા, મને વિશ્વાસ છે આપણી મિત્રતા ફરી થી એવી જ ગાઢ થઇ જશે, દરેક કદમ આપણે એકબીજાની સાથે રહીશુ, અને એમજ બની પણ રહ્યું છે. ધીરે ધીરે તું મારી નજીક આવી રહી છે, ફરી એકવાર મારા સાથની ઈચ્છા થઇ રહી છે તને. પણ હું હરેક કદમ પર તારી સાથે જ છું, હતો અને રહીશ..
તારું અને ફક્ત તારું જ
મન (અંતરાત્મા )
~ મિતાલી સોલંકી ‘માનસી’
Leave a Reply