Sun-Temple-Baanner

શહેરના સરેઆમ રસ્તે ભીખારીનું મરણ!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


શહેરના સરેઆમ રસ્તે ભીખારીનું મરણ!


શહેરના સરેઆમ રસ્તે ભીખારીનું મરણ!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ

————————–

લોગઇનઃ

અહીં ફરસ ફૂટપાથ સરિયામ રસ્તા પરે
પ્રભાત પ્રહરે થયું મરણ કો ભિખારી તણું.
ધમાલ, કકળાટ, કંદન, કશો ઊહાપોહ ના,
ન રોકકળ કો સગાં તણી, મરી ગયો શાંતિથી,
શહેર સુધરાઈની જ શબવાહિની મોટરે
ગયો અવમંજલે… ઝડપ ચીલ જેવી ગતિ.
ભિખારણ ઊભી નજીક લઈ ધાવણું બાળ જે,
હસી અકળ કારણે; મરણનો કશો શોક ના.
બજાર વચ બેસણું નગર-રાજમાર્ગો પરે
કમાવત અપાર દાન, ન મળે કદી સ્હેલથી.
ઘણાંય વરસો લગી નજર ટાંપતી જે હતી
ભિખારણ, મળી ગયું સ્થળ બજારનું ઠાવકું.
ભિખે કુસુમકોમળું શિશુ, ન જાણતું કે જતું
સ્વયં અવલમંજલે : ગતિ રહે ભલે મંથર.

– ચુનિલાલ મડિયા

————————–

ચુનિલાલ મડિયાને આપણે સમર્થ ગદ્યકાર તરીકે ઓળખીએ છીએ. ‘વ્યાજનો વારસ’, ‘વેળાવેળાની છાંયડી’, ‘લીલુડી ધરતી’ જેવી અનેક નવલકથાઓ; ‘ઘૂઘવતા પૂર’ કે ‘શરણાઈના સૂર’ જેવી મનભાવન વાર્તાઓ; ‘રંગદા’ જેવાં એકાંકીઓ કે ‘રામલો રોબીનહૂડ’ જેવાં નાટકોથી એમણે ગુજરાતી વાચકો-વિવેચકોના હૈયામાં આગવું સ્થાન મેળવ્યું છે. કવિ ઉમાશંકર જોશી તો તેમને પ્રેમથી ‘મડિયારાજા’ તરીકે સંબોધતા. તેમના ગદ્યનું ગૌરવ તો વાચકોએ સારી પેઠે જાણ્યું—માણ્યું છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે ચુનિલાલ મડિયાએ સોનેટ, ગીતો જેવી કાવ્યરચનાઓ પણ સફળતાપૂર્વક કરી છે. તાજેતરમાં અભિતાભ મડિયા દ્વારા તેમની સમગ્ર પદ્યરચનાઓનું પુસ્તક પ્રકાશિત થયું છે. મડિયાપ્રેમીઓએ તે અભ્યાસવા જેવું છે.

અમદાવાદમાં ભરાતી બુધસભામાં કવિશ્રી પ્રફુલ્લ રાવલે મડિયાનું ઉપરોક્ત સોનેટ બહુ રસપ્રદ રીતે રજૂ કરેલું. આ સોનેટનો સ્વાદ આપણે પણ માણીએ. આ સોનેટનું શીર્ષક મડિયાએ ‘ગતિ’ રાખ્યું છે. મડિયા મૂળ ગદ્યકાર. એટલે નિરંજન ભગતે કહ્યું છે તેમ તેમના પદ્યમાં ગદ્યકાર અનુભવાશે. સોનેટ સર્જતી વખતે કવિ મડિયાની સાથે વાર્તાકાર મડિયા પણ સાથે ચાલતો લાગશે. સોનેટના કેન્દ્રમાં એક પાત્ર છે – ભિખારી. શહેરના સરેઆમ રસ્તા પર વહેલી સવારે એક ભિખારીનું અવસાન થયું છે. તેનો કોઈને શોક નથી, દુઃખ નથી. કેમ કે તેની પાછળ કોઈ રડવાવાળું નથી, નથી એનું કોઈ સગું. સાવ એકલો મૃત્યુની ગર્તામાં ધકેલાઈ ગયો છે. આથી એનો અંતિમસંસ્કાર તો કોણ કરે? શહેરસુધરાઈવાળા આવીને તેના શબને લઈ જાય છે. આ આખી કરૂણતા નિહાળતી એક ભિખારણ પોતાના ધાવણા બાળકને તેડીને થોડે દૂર ઊભી છે.

ભિખારીનું મૃત્યુ જોઈને તેના ચહેરા પર છાનો આનંદ છવાઈ જાય છે. તેનો આનંદ માત્ર પેલી ભિખારીની પડેલી જગ્યાને લીધે છે. કેમ કે ભિખારી જ્યાં બેસતો હતો તે જગ્યા મોકાની છે. અનેક નગરપતિઓ કે ભીખ આપતા લોકો ત્યાંથી જ પસાર થાય છે. અપાર દાન કમાવી આપતી આવી જગ્યા મળે તો ભયોભયો… આવી મોકાની જગ્યા સહેલાઈથી ના મળે. ઘણાં વર્ષોથી એ આ જગ્યા પર ટાંપતી બેઠી હતી. બજારનું આવું ઠાવકું સ્થળ પામીને એના રુંવેરુંવે રાજીપો ઊગ્યો છે.

ત્યાં બેસીને ભિખારણ અને તેનું બાળક પણ ભવિષ્યમાં ભીખ માગશે. તેને જગ્યા પામ્યાનો આનંદ છે, પણ એ આનંદમાં જ તેને ખબર નથી કે પોતાનું બાળક પણ પેલા મરણ પામેલા ભિખારીની જેમ જ નગરની હડધૂત નજરો નીચે આજીવન કચડાશે અને અંતે એક દિવસ તેની ગતિ પણ પેલા ભિખારીએ પામેલી મૃત્યુની મંજિલ સુધી જશે. સંભવ છે કે ભિખારીના મૃત્યુટાણે ભિખારણને આ સ્થાને પોતાના બાળકનું ભવિષ્ય દેખાતું હોય, પરંતુ એ ભવિષ્ય પણ કેવું વામણું, દયનિય અને ભીખના ભારથી દલાયેલું છે! સોનેટની અંતિમ બે પંક્તિમાં આ પાત્રોના જીવનની કરૂણતા વધારે વેધક રીતે બહાર આવે છે. સુકોમળ બાળક ભીખ માગી રહ્યું છે, તેને જાણ નથી કે તેની ગતિ પણ કાળના કળણ તરફ જ તેને ખૂંપવા માટે લઈ જઈ રહી છે, પછી ભલે ગતિ મંથર હોય. અહીં એક ઠાવકા સ્થાનેથી ભિખારીની, ભિખારણની અને બાળકની મૃત્યુભણી થતી ગતિ છે, જેમાં ભોરાભર કરૂણતા છે.

મડિયા પાત્ર દ્વારા સોનેટ સર્જે છે. તેમણે ‘અડગ થંભ કોંક્રિટના’ શીર્ષકથી રૂપલલના ઉપર પણ સોનેટ રચ્યું છે. તેનાથી લોગઆઉટ કરીએ.

————————–

લોગઆઉટ:

અહીં નગરવાટમાં ગગનચુંબી ઇમારતો
તણાં પગથિયાં પરે અડગ થંભ કોંક્રીટના
ટકાવત પ્રચંડ બોજ શિર પે સદા. આડશે
ઊભેલ લલના અકેક નિજ દેહને વેચવા,
જ્યહીં ગુપત ભાવતાલ ઠરતા; અને ઠારતા
સુધા મનુજ દેહની; અડગ તોય આ થાંભલા.
શિરે અચળ થંભને શયનખંડ ઊભા ઘણા
અકેક મજલે, જ્યાં પ્રણયકેલિ કૈં ચાલતી;
વસે નફકરાં નચિંત યુગલો નિજવાસમાં
હસે રસિક દંપતી સુભગ હાસ્ય ઉલ્લાસમાં,
–પણે પગથિયાં પરે જીવનખેલ; ના જાણતાં–
શ્વસે શ્રમિત થૈ સુખે પ્રિય-પ્રગાઢ-આશ્લેષમાં.
ઊભાં ચણતરો બધાં સબળ થંભ કોંક્રીટથી,
ટકે યુગલસૃષ્ટિ આ અવર દેહના થંભથી!

– ચુનિલાલ મડિયા

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.