દ્વારિકાની વાત છે ને દીવની પણ વાત છે
લોગઇનઃ
વાત છે આદમ અને ઈવની પણ વાત છે,
જીવની પણ વાત છે ને શિવની પણ વાત છે.
આદમીની બેઉ બાજુઓ નરી ભરચક ભરી,
દ્વારિકાની વાત છે ને દીવની પણ વાત છે.
– શિવજી રૂખડા
—————————–
શિવજી રૂખડા વર્ષોથી કાવ્યસાધના કરે છે. પારંપારિક ગઝલસર્જનમાં તેમનું વિશેષ પ્રદાન છે. કલાપી-બાલાશંકર કંથારિયાથી લઈને આજના ઊગતા ગઝલકારોની વચ્ચે અનેક એવા ગઝલકારો આવી ગયા, જેમણે ઓછું પણ સારું પ્રદાન કર્યું. શિવજી રૂખડા તેમાંના એક છે. ચાર પંક્તિના મુક્તકમાં તેમણે સરસ વાત કરી છે.
છેક આદમ અને ઈવથી વાતની શરૂઆત કરે છે. ઇસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી ધર્મની માન્યતા અનુસાર આદમ એ પૃથ્વી પરનો પહેલો મનુષ્ય હતો. ઈવ તેમની પત્નીનું નામ હતું. આદમ અને ઈવને તમામ વસ્તુ ખાવાની પરવાનગી હતી, પણ સફરજન જેવું એક જ્ઞાનનું ફળ ખાવાની મનાઈ હતી, શેતાનના કહેવાથી તેમણે તે ફળ ખાધું અને સજારૂપે તેમને પૃથ્વી પર મોકલી આપવામાં આવ્યા. આદમ અને ઈવના મિલનથી પૃથ્વી પર મનુષ્યનો વંશવેલો ચાલુ થયો એવી માન્યતા છે. આદમ પરથી મનુષ્ય આદમી કહેવાયો. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં જેમ આદમ-ઈવની કથા છે, તેમ હિન્દુ ધર્મમાં જીવ અને શિવની કથા છે. જીવ, જે આપણા નશ્વર શરીરમાં છે તે અને શિવ એટલે પરમતત્ત્વ. પ્રત્યેક જીવે છેવટે તો શિવમાં ભળી જવાનું છે.
શિવજી રૂખડા મનુષ્યવંશ શરૂ થયો ત્યારથી જે સનાતન વાત ચાલી આવે છે તેના તરફ ઇશારો કરે છે. ખ્રિસ્તી, મુસ્લિમ, શીખ, હિન્દુ કોઈ પણ ધર્મ હોય દેરકમાં એક ધરી સમાન વાત હોય છે. બધા ધર્મો છેવટે તો એક તાંતણે ગૂંથાયેલા વિવિધ મણકા છે. દરેક માણસ એક આંતરિક નશા સાથે જોડાયેલો હોય છે. એક તત્ત્વ સાથે એકરૂપ થયેલો હોય છે. ત્રીજી પંક્તિમાં એટલે જ કવિ આદમીની બેઉ બાજુની ભરચકતાની વાત કરે છે. સારા-નરસા દરેક પાસાં માણસમાં ઠાંસીઠાંસીને ભર્યા છે. દ્વારિકાનો સંબંધ કૃષ્ણનગરી સાથે છે. જ્યાં પવિત્રતા છે. દીવ આજે શેની માટે જાણીતું છે તે કહેવાની જરૂર નથી. આમ તો દીવ એક પર્યટન સ્થળ છે, ત્યાં પોર્ટુગિઝ કિલ્લા, દરિયાકિનારો જેવાં અનેક સ્થળો મન ભરીને માણવા જેવા છે. પણ અમુક લોકો તેને નશાના તીર્થસ્થાન તરીકે જ જુએ છે. જોકે, ધર્મ પણ એક નશો છે, અને શરાબ તો નશો છે જ છે. અહીં ઘાયલ યાદ આવ્યા વિના ન રહે. તેમણે લખેલું,
તને પીતાં નથી આવડતું મૂર્ખ મન મારા,
પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી?
આપણે ધારીએ તો દરેક વસ્તુમાં એક નશો છે. આપણી આંખ જોઈએ. શિવજી રૂખડા માણસની અંદર રહેલી બે દિશા તરફ આંગળી ચીંધે છે. એક દિશા દ્વારિકા તરફ જાય છે અને બીજી દીવ તરફ. એકમાં ધર્મનો નશો છે, એકમાં શરાબનો. એક તરફથી ધાર્મિકતા છે, બીજી બાજુ શરાબની અધમતા છે. એક તરફનો નશો મંદિર તરફ લઈ જાય છે, બીજો મદિરા તરફ. આ બંને વાત છેવટે માનવની અંદર રહેલા આદમની, ઈવની, જીવની અને શિવની છે. મરીઝે એનાથી જુદું કહેલું, તેમણે લખેલું. “પીઠામાં મારું માન સતત હાજરીથી છે, મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે?” વાત, શરાબખાના અને ધાર્મિક સ્થળની છે. પણ રોજ મસ્જિદમાં જાઉં તો લોકોને થાય આ તો રોજ આવે જ છેને, કોઈને તેની પડી ન હોય. જ્યારે પીઠામાં રોજ આવે તો તેને માન ઘણું મળે, કારણ કે તે તેનો રેગ્યુલર ઘરાક હોય છે. આમ તો પ્રત્યેક શ્રદ્ધાળુ માનવી મંદિર નામની ધાર્મિક દુકાનનો ઘરાક જ હોય છે ને?
શિવજી રૂખડાની જ ગઝલથી લોગઆઉટ કરીએ. આ ગઝલમાં ઉલા-સાનીની તુકબંધીથી સર્જાતી શબ્દગૂંથણી અને અંતે સિદ્ધ થતો રદીફ જોવા જેવો છે.
—————————–
લોગ આઉટઃ
ખાલી દરવાજા ખખડાવે એની સામે વાંધો છે ભઈ,
પાછા આવીને ચીડાવે એની સામે વાંધો છે ભઈ.
જખ્મો ઉપર જખ્મો આપે એની ક્યાં ફરિયાદ કરી છે?
માથેથી મીઠું ભભરાવે એની સામે વાંધો છે ભઈ.
આગળ જાઓ, બેશક જાઓ, એની ઈર્ષા કોણ કરે છે?
લોકો ચડવાના ચકરાવે એની સામે વાંધો છે ભઈ.
એના શ્વાસો તો એના છે એમાં વાંધો હોઈ શકે ના,
બીજાના શ્વાસો રૂંધાવે એની સામે વાંધો છે ભઈ.
રોજ ભરોસો વાવું છું ને અઢળક પાણી પાઉં છું,
કાયમ આવીને કરમાવે એની સામે વાંધો છે ભઈ.
એના હિસ્સાનો એ સૂરજ ઘરમાં રાખે, છોને રાખે,
બીજાનો સૂરજ ઊઘરાવે એની સામે વાંધો છે ભઈ.
– શિવજી રૂખડા
“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ”માંથી, અંતરનેટની કવિતા, – અનિલ ચાવડા
Leave a Reply