‘બરબાદ’ નામથી સાહિત્યને આબાદ કરનાર કવિ
————————–
લોગઇન
દિલને નથી કરા૨ તમારા ગયા પછી,
નયને છે અશ્રુધાર તમારા ગયા પછી.
ચાલ્યા ગયા તમે તો બધી રોનકો ગઈ,
રડતી રહી બહાર તમારા ગયા પછી.
મસ્તી નથી–ઉમંગ નથી–કો’ ખુશી નથી,
ઉતરી ગયો ખુમાર તમારા ગયા પછી.
જ્વાળા મને જુદાઈની ક્યાં-ક્યાં લઈ ગઈ?
ભટકું છું દ્વારે દ્વાર તમારા ગયા પછી.
‘બરબાદ’ રાતો વીતે છે પડખાં ફરી ફરી,
પડતી નથી સવાર, તમારા ગયા પછી.
– બરબાદ જૂનાગઢી
————————–
ઉસ્માન બલોચ નામનો એક માણસ. રેકડી લઈને ઘેરઘેર ફરીને ભંગાર એકઠો કરે. એને વેચીને ગુજરાન ચલાવે. નાનકડી ઓરડીમાં જ એનું ઠામઠેકાણું. બધા પ્રેમથી તેમને ઓસુભાઈ કહીને બોલાવે. એક દિવસ તેને અજમેર જઈને ખ્વાજા ગરીબનવાઝની દરગાહ પર માથું ટેકવવાની ઇચ્છા થઇ. ખિસ્સામાં ભાડાના પૈસા પણ નહીં. તેણે બાધા રાખી. જ્યાં સુધી અજમેર જઈને ખ્વાજાસાહેબની જિયારત ન કરે ત્યાં સુધી પગરખાં નહીં પહેરે. ઉનાળાના આકરા તાપમાં તપીને અંગારા જેવા થઈ ગયેલા રોડ પર પણ ઊઘાડા પગે ચાલીને એ માણસ ભંગાર ઉઘરાવતો. કેટલાક સહૃદયી માણસોએ તેમની બાધા વિશે સાંભળ્યું. તેમને થયું કે આવા આકરા તાપમાં ઉઘાડા પગે ફરીને કામ કરે તેની કરતા આપણે તેને પૈસા આપીએ, તો તે અજમેર જઈ આવે. એક માણસે પૈસા ઉઘરાવીને આપવા કહ્યું તો તેણે ખુદ્દારીથી જવાબ આપ્યો, “એમ બીજાના કે મફતના પૈસે જવું હોત તો વર્ષો પહેલાં જઈ આવ્યો હોત.”
આ ઉસ્માન બલોચ એટલે બીજું કોઈ નહીં કવિ બરબાદ જૂનાગઢી. તેમની માનતાની વાત અહીં પતતી નથી. એક દિવસ એક મુશાયરામાં તેમને નિમંત્રણ મળ્યું. તેમની અદ્ભુત રજૂઆતથી મુશાયરો લૂંટી લીધો. ઇનામરૂપે ત્રણસો રૂપિયા પુરસ્કાર પણ મળ્યો, એક મિત્રે કહ્યું, તારી બાધા ફળી, તું તો આરામથી જઈ શકીશ અજમેર, ન જાણે અમારા જેવા બદનસીબો ક્યારે જઈ શકશે? બરબાદે કહ્યું, “એમાં દુઃખી શું થાય છે, તુંય આવી જા.” “પણ આટલા પૈસામાં બે જણા કઈ રીતે?” પેલાએ પ્રશ્ન પૂછ્યો તો તરત કવિએ જવાબ આપ્યો, “બધી વ્યવસ્થા મેં કરી રાખી છે.” જવાની તારીખ નક્કી થઈ ગઈ. ટિકિટ લેવાઈ ગઈ. પેલો માણસ પણ સમયસર રેલવેસ્ટેશને આવી ગયો. બરોબર ટ્રેન ઉપડવાનો સમય થયો તો બરબાદ કહે, “તમે આ પાકિટ રાખો હું થોડી વારમાં આવ્યો.” એ ગયા ને તરત ટ્રેન ઉપડી. પેલો માણસ શોધતો રહ્યો પણ કવિ આવ્યા નહીં. તેણે પાકિટ ખોલીને જોયું તો એમાં એક જ ટિકિટ હતી અને અજમેર જઈને આવી શકાય તેટલા રૂપિયા! જેને માટે વર્ષો સુધી આકરા તાપમાં રઝળ્યા, તે કામ કરવાની તક મળી બીજાને મોકલી દીધા. આ કવિની દિલેરી. જોકે આ પ્રસંગથી તેમને તો જૂનાગઢમાં જ અજમેરની દરગાહ પર માથું ટેકવાઈ ગયું હતું. આવી દિલેરી અને દિલદારી ધરાવતા વ્યક્તિત્વો પાસે તો ખુદ ખુદા આવતો હોય છે. ખુદાની નેકી તેમના હૃદયમાં રહેતી હોય છે.
કવિ ખલીલ ધનતેજવીએ આ પ્રસંગ અનેકવાર કહેલો. તખલ્લુસ ‘બરબાદ’ પણ હૃદયથી આબાદ. આર્થિક સ્થિતિ જોતા તેમનું તખલ્લુસ જ એમના જીવનનું ખરું દર્પણ બની રહ્યું. રેકડીમાં ઘેર ઘેર ફરીને ભંગાર એકઠો કરતો આ બરબાદ કવિ ઘસાઈને ઉજળા થવાની એકે તક જતી નહોતો કરતો. તેનું હૃદય સોના જેવું હતું. આર્થિક રીતે દરીદ્ર પણ મુશાયરામાં હંમેશાં સફેદ અને સ્વચ્છ કપડાં પહેરીને આવે. તરન્નુમમાં રજૂઆત કરીને ભરપૂર દાદ મેળવે. શૂન્યથી લઈને ઘાયલ સુધીના અનેક કવિઓ તેમની ગઝલ અને રજૂઆતના કાયલ. તેમનો એકમાત્ર ગઝલસંગ્રહ ‘કણસ’. તે પણ તેમના મિત્રવર્તુળે મળીને પ્રકાશિત કરી આપેલો. ઘણા સમયથી અપ્રાપ્ય હતો, પણ જૂનાગઢની રૂપાયતન સંસ્થાએ તેને ફરી પ્રગટ કર્યો છે.
જૂનાગઢ તો કવિતાની ધરોહર છે. ગુજરાતનો પહેલો આદ્યકવિ નરસિંહ મહેતા જૂનાગઢની તળેટીમાં જ પાંગરેલું પુષ્પ છે. રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, વીરુ પુરોહિત, ઉર્વિશ વસાવડા, મિલિંદ ગઢવી, ભાવેશ પાઠક જેવા અનેક જૂનાગઢી કવિઓએ ગુજરાતી સાહિત્યને ગિરનાર જેવી ઊંચાઈ આપવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બરબાદ જૂનાગઢી તેમાંના એક. અહીં લોગઇનમાં આપેલી ગઝલમાં તમને બરબાદનો પરિચય મળી રહેશે. કવિ સાથે મોટે ભાગે ગરીબાઈ વણાયેલી છે. આર્થિક રીતે ભલે દરિદ્ર હોય, પણ કવિતામાં અમીર હોય છે. પોતે ઘસાઈને પણ કવિતાને ઊજળી કરવામાં તે જરાકે કસર નહીં રાખે. અને ખુમારી તો એ એવી કે રાજાને પણ શરમાવે. મરીઝથી લઈને બરબાદ જૂનાગઢી સુધીના કવિઓનું આનું જીવતું ઉદાહરણ છે.
————————–
લોગઆઉટ
કદમને મૂકજે બહુ સાચવીને તું બગીચામાં,
નહિતર કંટકો કોમળ બનીને છેતરી જાશે.
— ‘બરબાદ’ જૂનાગઢી
Leave a Reply