ઈતિહાસમાં પ્રથમ વખત ક્યારે માવો બન્યો તેના વિશે અમેરિકાના વૈજ્ઞાનિકો પણ જાણી નથી શક્યા. નહીં તો ગુજરાતી છાપાના આંતરાષ્ટ્રીય પેજ પર, ‘અમેરિકાની ફલાણી યુનિવર્સિટી દ્રારા કરાયેલા સંશોધનમાં….’ એમ લખેલું આવી જ જાય.
પૃથ્વીના પેટાળનું એક એવું તત્વ માવો છે. જેના કારણે મગજની નસો ઢીલી થાય છે અને તણાવની વ્યાધીમાંથી છૂટકારો મળે છે. માવા વિશે આજ સુધી શોધ કરનારા વિદેશી ખેરખાંઓને નિષ્ફળતા જ હાથ લાગી છે. તેમના આ પરાજય પર દેશના નેતાઓ હાંસી ઉડાવી રહ્યાં છે. આ સફળતાનો પાર્ટીના ખાતામાં સમાવેશ કરવા માટે, એક નેતાએ સ્વાસ્થ્ય પ્રધાનને ઈમેલ લખી કોઈ એક દિવસને આંતરાષ્ટ્રીય માવા દિવસ જાહેર કરવાની હઠ પકડેલી.
બાહુબલી ફિલ્મમાં આવતો કાલકેય નામનો રાક્ષસ પણ આ જડીબુટીનું સેવન કરતો હતો. તેના પુરાવાઓ ફિલ્મ જોનારાઓને હાથ લાગ્યા છે. રાજામૌલીએ સૌરાષ્ટ્રના લોકોનાં દાંત પરથી પ્રેરણા લઈ કાલકેયનાં દાંત તૈયાર કર્યા. જેની ક્રેડિટ ન મળી હોવાનો અમને અફસોસ નથી, કારણ કે અમને ક્રેડિટ એટલે શું એ જ ખ્યાલ નથી. અમે તેને નંબરિયા કહીએ છીએ.
પ્લાસ્ટિકની ચોરસ કોથળીમાં અને હવે તો ફાટે નહીં એવા કાગળમાં પણ મળતો માવો જ્યારે કોઈ માવાવીર પોતાના હાથમાં ઘસે ત્યારે તેનું મન ડાયરામાં મંજીરા વગાડતા ભાઈ જેટલું જ આક્રામક બની જાય છે. માવાને ઘસવામાં આવે ત્યારે હાથની નસો મોકળી થાય છે. લોહીની સંચાર પ્રક્રિયામાં વધારો થાય છે. ઈલેક્ટ્રોન અને પ્રોટ્રોન બંન્ને ભેગા મળીને જે ધડાકો ન કરી શકે, તેનાથી મોટો ધડાકો માવો ઘસનાર કરી શકે છે. આ જ કારણે ચીનથી લઈ પાકિસ્તાન જેવા રાષ્ટ્રો આપણાથી ભયભીત છે. ક્યાંક સૌરાષ્ટ્રવાસીઓ ડોકલામ કે પીઓકે સરહદે આવી માવો બે હાથ વચ્ચે રાખી ઘસશે, તો અડધું રાષ્ટ્ર ઊડી જશે. યુનોને આ વાતની માહિતી હોવાથી તે સૌરાષ્ટ્રના લોકોને આ માથાકૂટથી દૂર જ રાખે છે. પણ અમને શું ? અમને તો યુનો એટલે શું એ પણ ખબર નથી.
ગુજરાત અને રાજસ્થાનમાં મળતું આ તત્વ કેટલાક લોકોના ભારે હાથ માટે જવાબદાર છે. હિન્દી ફિલ્મોમાં પણ માવા વિશેનો સંવાદ છે. સરફરોશ ફિલ્મમાં જ્યારે નસીરૂદ્દીન શાહની શોધ કરવા માટે સીબીઆઈની ટીમ રાજસ્થાન પહોંચે છે ત્યારે એક રીક્ષાવાળો પોલીસમેનને પૂછે છે, ‘સાહેબ માવો ખાશો.’ જેથી એ તારણ પર ચોક્કસ આવી શકાય કે, માવાની ઉત્પતિનું કેન્દ્રબિંદુ રાજસ્થાન હોવું જોઈએ. પણ જેમ ગુજરાતમાં તો દારૂ વેચાતો જ નથી. તેમ માવો રાજસ્થાનમાં નિર્માણ પામ્યો જ નથી.
માવો મૂળ તો સોપારી, ચૂનો અને તંબાકુનાં મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. તેના બે ભાઈઓ છે. કાચી પાંત્રીસ અને કાચી એકસો વીસ. પણ નાનો ભાઈ એક સો વીસ જે રીતે મગજમાં ચડે અને તમે કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકો, તે રીતે મોટોભાઈ પાંત્રીસ નથી કરી શકતો. તોપણ દુનિયાભરમાં બોલબાલા પાંત્રીસની છે. આ માટે જ નાનાથી લઈને મોટેરા સુધીના લોકો હોંશેહોંશે પાંત્રીસને ખાઈ છે. ગુજરાતમાં સિગરેટને ફટકો પહોંચાડવામાં માવાનો મોટો હાથ છે.
પ્રાત:કાળે ગુજરાતનો જાગૃત નાગરિક ચા પીએ પછી તેને કોટો ચડાવવાનું મન થાય. તત પશ્યાત તે પાનની દુકાને પોતાના પગ હળવે હળવે ઉપાડે. આ સમયે તેનું મોં બંધ હોય છે. માથાની નશો તંગ હોય છે. આંખો ચકળવિકળ ઘુમે છે. કોઈ વાર તો દુનિયામાં મારૂ કોઈ ભાવ નથી પૂછતું આવા અશાંતિક અને આંશિક વિચારો આવવા લાગે છે. પરંતુ જ્યારે તે માવાની દુકાને પહોંચે ત્યારે તેના ચહેરા પરના હાસ્યને આપણે કળી શકીએ છીએ.
મહાભારતમાં દુર્યોધનની જાંઘ પર ગદા પ્રહાર અને દુ:શાસનની છાતીમાંથી રક્તપાન કર્યા બાદ ભીમની જે પ્રફુલ્લિત મુખ મુદ્રા હતી તેવી જ મુખમુદ્રા માવાવીરની હોય છે. તેના કપાળ પર સાપનાં મણી જેવું તેજ જગારા મારતું હોય છે. આ તેજ સાપ અને માવાવીર બંન્ને જગ્યાએ જોવામાં અપ્રાપ્ય છે !! પછી તે પોતાના સૂરીલા સ્વરે સામેની વ્યક્તિને કહે છે, ‘મારો માવો બનાવ…’ દુકાનદાર ઉડતી નજર નાખીને ગ્રાહકને માવો બનાવી આપે છે.
જાણવા અને જોયા જેવી વાત તો એ છે કે માત્ર માણસનો ચહેરો જોઈ પારખી લેતા આ દુકાનદારોને ટ્રાફિક પોલીસમાં ભરતી થવું જોઈએ. રોડ પર કાયદાનું ઉલ્લંઘન કરી ભાગી જતા કેટલાક ચાલકો પોલીસના હાથમાં નથી આવતા. નંબર પ્લેટ જ નહીં તેમનો ચહેરો પણ યાદ નથી રહેતો. આવા સમયે જો માવાની દુકાન ચલાવનાર હોય, તો તેને તુરંત પારખી ડબલ દંડ કરી શકે. ઘણીવાર હેલમેટ પહેર્યું હોય તોપણ ઓળખી લે.
જો કે માવાનું અસ્તિત્વ ચૂનાના કારણે છે. કેટલાક લોકો શરીરમાં કેલ્શિયમ વધારે મળવાની અભિલાષા રાખી બેઠા હોય છે, જેના પરિણામે મોં બોમ્બની માફક ફાટી જાય છે. આછો ચૂનો, પાતળો ચૂનો અને ઘાટો ચૂનો આવા ત્રણ ચૂનાના પેટા પ્રકાર પડે છે. દુનિયાના મોટાભાગના માવા પ્રેમીઓ ઘાટા ચૂનાથી આરંભ કરે છે અને તેનો અંત આછા ચૂનાએ થાય છે.
તેની બૃહદ શાખા ડિલક્સને ગણી શકો. ડિલક્સ પાનવાળા પ્રોપર ક્યાંના એ હજુ પતો નથી લાગ્યો. કયા ડિલક્સવાળાએ પ્રથમ દુકાનની શરૂઆત કરી તેની પણ માહિતી નથી મળી. પણ જે દુકાનના મથાળે મોટા અક્ષરે ડિલક્સ લખેલું હોય તેની દુકાન ધમધોકાર ચાલે છે. એમ વર્તમાન પરિસ્થિતિમાં છાસની દુકાન પર ડિલક્સ લખી દો, તોપણ ધંધો હડી કાઢશે.
એક સર્વક્ષણ મુજબ માવો ખરીદનાર વ્યક્તિ ખૂદ નથી ખાતો એટલો પોતાના મિત્રને ખવડાવે છે. માવામાં તો પ્રેમ રહેલો છે ! પણ કેટલાક પીશાચો માવો ખાવા માટે જ મિત્રતા કરતાં હોવાનું કાઠિયાવાડ માવા સંસ્થા દ્રારા કરાયેલા સંશોધનમાં બહાર આવ્યું છે. આ માટે બે દિવસનો માવા-ઉપવાસ રાખવાની ભૂતકાળમાં આ સંસ્થાના પ્રમુખ સોપારીલાલ પાર્સલે ચીમકી ઉચ્ચારી હતી. જો કે બે દિવસ તેમના માટે બે પ્રકાશવર્ષ જેટલા થતા હોઈ તેમણે પત્રકારભાઈઓ સામે ફેરવી તોડ્યું હતું. આ સંસ્થાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઉપવાસમાં બેસનારાઓનાં પારણા માવો ખવડાવી કરાવે છે. જેનાથી લોકો એટલા ત્રસ્ત છે કે ઉપવાસ કરવાનું જ માંડી વાળ્યું છે.
રાજસ્થાનમાં તો હજુ ગૌત્ર અને કુળ એક જ સમજી તેને માવાના નામથી સંબોધવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં તો માવાના ત્રણ નામ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તે ફાકી તરીકે ઓળખાય છે. મૌસમી જંગલો ધરાવતા પ્રદેશમાં તે માવા તરીકે ઓળખાય છે. જ્યારે મહાનગરોમાં તેને મસાલો કહેવામાં આવે છે.
સિગરેટ સિવાય આ દુનિયામાં માવાના દુશ્મનો પણ એટલા જ રહ્યા. વીમલ, રજનીગંધા, માણેકચંદ, તાનસેન આ બધા રાજવી પરિવારના હોવા છતાં ગરીબકુળના માવાની જેટલી પ્રસિદ્ધિ થઈ અને લોકોએ તેને બે ખોબલે વધાવ્યો એટલું સૌભાગ્ય બીજા ધુમ્રતત્વોના રેપર પર નથી લખાયું.
વખત આવ્યે કાળના ખપ્પરમાં બીડી હોમાઈ ગઈ. બાકી શિવાજીના નામે તેના ભવ્ય ઠાઠમાઠ હતા. પરંતુ માવો ? અણનમ છે, જેમ દ્રવિડ હોય. અજય છે જેમ પેશ્વા બાજીરાવ હોય, દુનિયાભરમાં તેની ખ્યાતિ છે જેમ શકિરા અને લેડી ગાગા હોય. તેના અઢળક દુશ્મનો પ્રવચનોમાં તેના વિરૂદ્ધ તીખા વાગ-બાણો કરતાં હોવા છતાં માવાને કંઈ નથી પડી. માવો તો માવો છે.
(સન્ડે-હાસ્ય-વ્યંગ)
~ મયૂર ખાવડુ
Leave a Reply