Sun-Temple-Baanner

એજન્ટ સાઈ શ્રીનિવાસ અથરેયા (એજન્ટ સાઈ) – શેરલોક હોમ્સનો એક નવો જ અવતાર


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


એજન્ટ સાઈ શ્રીનિવાસ અથરેયા (એજન્ટ સાઈ) – શેરલોક હોમ્સનો એક નવો જ અવતાર


📽 એજન્ટ સાઈ શ્રીનિવાસ અથરેયા (એજન્ટ સાઈ) – શેરલોક હોમ્સનો એક નવો જ અવતાર 📽
A Must Must Watch Movie

📺 મેં આગાઉ કહ્યું છે તેમ હું આફરીન ….. આફરીન થઇ ગયો છું દક્ષિણ ભારતીય સસ્પેન્સ ફિલ્મો પર
જેમાંની કેટલીક ઘણી સારી ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રજૂ થઇ ચુકેલી છે
જેની ખાસિયત એ ઓરીજીનલ પ્રિન્ટ હોય છે અને બીજું તેમાં અંગ્રેજી અને હિંદી સબટાઈટલ હોય છે એટલે જોવામાં કે સમજવામાં કોઈ જ વાંધો આવતો નથી
જેમાં બીરબલ, એડવેન્ચર ઓફ શ્રીમનનારાયણ ,ફોરેન્સિક. હીટ ધ ફર્સ્ટ કેસ,અંજામ પથીરા આઈ આઈ ટી કૃષ્ણમૂર્તિ, શિવાજી સુરજકલ અને કવલદુરાઈ વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આમાં આ એજન્ટ સાઈ શ્રીનિવાસ અથરેયાનો પણ સમાવેશ થાય છે
આ ફિલ્મ પહેલાં મેં હિંદી સબ ટાઈટલ સાથે ડાઉનલોડ કરી હતી
જોવાનો વિચાર પણ આ ફેબ્રુઆરીમાં જ કર્યો હતો
ગુગલ અને યુટ્યુબ પર સ્વૈરવિહાર કરતાં માલુમ પડયું કે આફિલ્મ હિન્દીમાં ડબ થઈને જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં રજૂ થવાની છે.
એટલે મેં એ ફેબ્રુઆરીમાં જ જોવાનો મક્કમ નિર્ધાર કર્યો !
આ એક મર્ડર મીસ્ટરી -સસ્પેન્સ ફિલ્મ છે જે જોવાની મને બહુજ મજા પડે છે
વિચાર એવો કર્યો કે આ ફિલ્મ જો હિન્દીમાં ડબ થઈને આવવાની જ હોય તો એને જ જોવાય હિંદી સબટાઈટલ સાથે નહીં.
કેટલાંય પિક્ચરોમાં મેં જોયું છે કે ઘણીવાર ડાયલોગ પહેલાં બોલાય છે અને એ દ્રશ્ય પૂરું થાય પછી જ સબટાઈટલ આવતાં હોય છે
જો કે આવું બધી જ ફિલ્મોમાં બનતું હોતું નથી પણ બને છે એ પણ એક નક્કર હકીકત તો છે જ !

📺 શેરલોક હોમ્સ નો હું પરમ ચાહક છું
કમ્પ્લીટ વર્કસ ઓફ શેરલોક હોમ્સ મારી પાસે ૮૦ નાં દાયકાથી છે
જે હું દરવર્ષે વાંચુ પણ છું
શેરલોક હોમ્સની “ધ બલ્યુ કાર્બનકલ” હું અંગ્રેજીમાં શાળામાં ભણતો હતો ત્યારે ભણવામાં આવી હતી
પછી કોલેજકાળમાં સર આર્થર કોનન ડોયલ જેઓ શેરલોક હોમ્સનાં સર્જક છે તેમની શેરલોક હોમ્સની શ્રેણીની એક લઘુનવલ જે અતિ પ્રખ્યાત છે તે “ધ હાઉન્ડ ઓફ ધ બાસ્કરવિલે”વાંચવામાં આવી હતી
આ લઘુનવલે મને ઘણો ઈમ્પ્રેસ કર્યો અને કોલેજમાં હું ઘણાંબધાં ઇનામો પ્રાપ્ત કરતો હતો ત્યારે મારાં જ આગ્રહથી “કમ્પ્લીટ વર્કસ ઓફ શેરલોક હોમ્સ” ભેટ મળ્યું.
મારાં પ્રિય લેખક શ્રી ક. મા. મુનશીની બધી જ નવલકથાઓ મને આમાં જ પ્રાપ્ત થઇ હતી
ઇનામો મેળવતો ગયો અને મારી વિકરાળ વાંચનભૂખને કારણે અમારાં ઘરની લાયબ્રેરી સમૃદ્ધ બનવતો ગયો
કોલેજકાળ દરમિયાન મેં જેટલાં ઇનામો મેળવ્યાં છે એટલાં તો હજી સુધી કોઈએ નથી મેળવ્યાં
તમને જાણીને એ આશ્ચર્ય થશે કે આમાં બીજાં નંબરે મારી જ સગી બહેન નંદિતાનો નંબર આવે છે
પહેલી કહેવત સાચી ઠરતી હતી —-“ઘી ઢોળાયું તો ખીચડીમાં જ !”
એને પણ ઘણાં પુસ્તકો મળ્યાં હતાં આમેય તે તો અંગ્રેજીની વિદ્યાર્થીની એટલે એને અંગ્રેજી પુસ્તકો મળે એ પણ સ્વાભાવિક જ ગણાય
પણ ….. હું અંગ્રેજી સેકંડ સબસીડીયરીમાં અવ્વલ નંબરે આવતો હતો અને અંગ્રેજી કાવ્યપઠનમાં પણ ત્રણે વરસ હું જ પ્રથમ આવ્યો હતો
બીજાં નંબરે નંદિતા આવતી હતી
એણે અથાગ મહેનત કરી હતી મને બીજાં નંબરે લાવવા માટે
પણ મેં એને ચેલેન્જ કરી હતી કે મને બીજાં નંબરે લાવવો તો અશક્ય જ છે
અરે ભાઈ કાવ્યપઠન એક કલા છે જેમાં અવાજ બહુ મહત્વનો ભાગ ભજવે છે અને બીજું છે એનાં પ્રોનાઉન્સેઈશન
જે મારી આગવી ખાસિયત હતી
હું એકાંતમાં શેરલોક હોમ્સ વાન્છ્તો અને એનું રેસીટેશન કરતો હતો અને એ જીવનની કોક નબળી ક્ષણે ભજવતો પણ હતો
એ વાંચતો ત્યારે દિમાગ લગાવીને વાંચતો હતો અને હું ખરેખર કોણ ખૂની છે એની યોગ્ય ધારણાઓ કરતો હતો અને અંતે મારી બધી જ ધારણાઓ સાચી પડતી હતી
આવું હું એડગર એલન પો , એલીએસ્ટ મેકલીન કે અગાથા ક્રિસ્ટીમાં પણ કરતો હતો

📺 શરૂઆતમાં તો ઘરમાં બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું અને તે સમયે પીજ દુરદર્શન કેન્દ્ર હતું
બહુ સારાં કાર્યક્રમો તો આવતાં નહીં પણ કેટલાંક સમજવાલાયક આવતાં હતાં
પણ ૮૨નાં એશિયાડ વખતે રંગીન ટીવી લીધું ત્યારે દુરદર્શન થોડુંઘણું સમૃદ્ધ બની ગયું હતું
એમાં અંગ્રેજીની પ્રખ્યાત ફિલ્મો જે વિશ્વવિખ્યાત નવલકથાઓ પર બની હતી તે જોવાં મળી
એમાં શેરલોક હોમ્સ પણ જોવામાં આવી અલબત્ત ફિલ્મ રૂપે
ત્યાર પછી બીબીસી દ્વારા શેરલોક હોમ્સની એક મીની શ્રેણી પણ જોવાં મળી
એનાં રૂપાંતરો – માધ્યમાંતરો બદલાતાં ગયાં અને સમજ ઘટ્ટ બનતી ગઈ
આવડત પરિપક્વ બનતી ગઈ
જોવાનો ચસકો વધતો ગયો અને વાંચનસામગ્રીમાં પણ ઉતરોત્તર વધારો થતો ગયો
આ દરમિયાન હું ગુજરાતીમાં એમ એ પણ થઇ ગયો
૧૮ વરસના દીર્ઘકાળના બાલાસિનોરનાં વસવાટ પછી અમે અમદાવાદ શિફ્ટ થયાં
આ સમયગાળા દરમિયાન જ શેરલોક હોમ્સનાં હિંદીકરણ તહકીકાત,, ડિટેકટીવ ફાલુદા, બ્યોમકેશ બક્ષી અને કરમચંદ જેવી સીરીયલો જોઈ
હું બહુ જ ખુશ થયો હતો આ જોઇને !
મનમાં થતું કે — આ બધાનું મૂળ તો શેરલોક હોમ્સ છે !
એ જ જો વધારે સારી રીતે જોવાં મળે તો કેવું સારું !
મારી એ આશા ઠગારી ના નીવડી !
શેરલોક હોમ્સ પર શ્રેણી પણ શરુ થઇ અને અનેક ફિલ્મો પણ
અત્યારે આધુનિક ટેકનીક સાથે તાલમેલ સાધતી અને કદમસે કદમ મિલાવતી આ શ્રેણીઓ અને ફિલ્મોની વણથંભી વણઝાર હજી પણ ચાલુ જ છે
જો કે સંપૂર્ણતયા હિંદી (બોલીવુડ)ની ફિલ્મો તો ના જ આવી
કેટલીક ડિટેકટીવ ફિલ્મો જરૂર આવી છે જેમાં ડિટેકટીવ બ્યોમકેશ બક્ષી અને સમ્રાટ એન્ડ કો.નો સમાવેશ જરૂર કરી શકાય છે
પણ તેમાં બોલીવુડીય તડકો લગાવવામાં આવ્યો છે તેમ છતાં પણ આ ફિલ્મો ઘણી સારી છે
ભારતમાં બોલીવુડ કરતાં ટોલીવુડ ઘણું જ આગળ છે
જેનાં અમુક ઉદાહરણો તો મેં ઉપર આપેલાં જ છે પણ એમાં સંપૂર્ણ રીતે શેરલોક હોમ્સ પર આધારિત કોઈ ફિલ્મ હોય તો તે છે
“એજન્ટ સાઈ શ્રીનિવાસ અથરેયા (એજન્ટ સાઈ)”

📺 આ ફિલ્મ એ તેલુગુ ફિલ્મ છે જે ૨૧ જુન ૨૦૧૯ના રોજ રીલીઝ થઇ હતી
જે હિંદી ડબ થઈને માત્ર ૬ જ મહિનામાં ટેલીકાસ્ટ કરવામાં આવી
આ ફિલ્મ માત્ર ૫ કરોડમાં જ બની છે
જેણે કેટલો વકરો કર્યો તે તો ખબર નથી પણ લાગે છે કે આ ફિલ્મે ઘણો સારો વકરો કર્યો છે
જે આ ફિલ્મનું આઈ એમ ડી બી રેટિંગ ૮.૪ જ દર્શાવે છે
આ ફિલ્મ સ્વરૂપ આર એસ જે એ નિર્દેશિત કરી છે
આ ફિલ્મનાં પ્રોડ્યુસર છે — રાહુલ યાદવ નક્કા
ફિલ્મમાં સંગીત આપ્યું છે માર્ક કે રોબીને અને ફિલ્મના સીનેમેટોગ્રાફર છે સની કુરાપટી તો ફિલ્મનાં એડિટર છે અમિત ત્રિપાઠી
કલાકારોની વાત આપણે પછી કરીએ છીએ !
આ ફિલ્મની લંબાઈ છે ૧૪૩ મિનીટ જે ગોલ્ડમાઈન ટેલિફિલ્મ્સમાં માત્ર ૧૩૩મિનીટ જ છે
એમાં તો એવું છે ને મિત્રો કે આમાં આવતાં ૨-૩ ગીતો અને ૪-૫ મીનીટના સંવાદો કાપી નાંખવામાં આવ્યાં છે
જે તમને હિંદી વર્ઝનની ઇન્ટરનેટની અન્યત્ર સાઈટો પરથી ૧૦૮૦pમાં ડાઉનલોડ કરવાં મળી જશે
ગોલ્ડમાઈનમાં ૧.૧૬ gbમાં ૧૦૮૦pમાં છે તો અન્યત્ર તે ૨.૬૨ gbમાં છે
તમને હું ખાસ તાકીદ કરું છું કે આ ફિલ્મ અન્યત્ર ઠેકાણેથી ૨.૬૨ gbમાં જ ડાઉનલોડ કરી ટીવીમાં જ જોશો ! પીસી કે લેપટોપ કે મોબાઈલમાં નહીં તો જ તમને મજા આવશે આને આ ફિલ્મ માણવી ગમશે !

📺 હવે એવું તે શું છે આ ફિલ્મ “એજન્ટ સાઈ શ્રીનિવાસ અથરેયા (એજન્ટ સાઈ)”માં કે જેને આઈ એમ ડી.બી. માં ૮.૪ જેવાં ઉચ્ચતમ રેટિંગ મળ્યાં છે ?
એ જાણવું અતિઆવશ્યક છે દરેકને માટે ! આ ફિલ્મ એ શેરલોક હોમ્સ પર આધારિત છે એ વાત તો સોએ સો ટકા સાચી. તેમ છતાં આ ફિલ્મ એ શેરલોક હોમ્સની બિલકુલ કાર્બન કોપી નથી બની રહેતી. શેરલોક હોમ્સમાં કરવામાં આવતાં તર્કો આમાં પણ કરવામાં આવ્યાં છે. પણ એ તર્કો તર્કસંગત છે કે નહીં તે મહત્વનું છે અને એ ફિલ્મમાં કેટલું જરુરુ છે અને ફિલ્મમાં તે કેવો ઉઠાવ આપે છે તે મહત્વનું છે . જેમાં આ ફિલ્મ સો ટકા સફળ નીવડી છે એ જ તો ફિલ્મનું એક જમાપાસું છે અને એટલે જ એને શેરલોક હોમ્સ સાથે સરખાવવામાં આવે છે. આવાં તર્કો જ ફિલ્મને ઉચ્ચસ્તરીય બનાવે છે એ નિર્વિવાદ છે. આવું કરવામાં ફિલ્મની કથા અને એનો સ્ક્રીન પ્લે બહુ મહત્વનો ભાગ ભજવતાં હોય છે. ફિલ્મની વાર્તા એ આ ફિલ્મના નિર્દેશક અને ફિલ્મના નાયક નવીન પોલીશેટીએ ભેગાંમળીને લખી છે અને સંવાદો પણ એમણે જ લખ્યાં છે જે ફિલ્મમાં જાન રેડી દેવાં માટે પૂરતાં છે !

📺 કોઈપણ ફિલ્મમાં અતિમહત્વનું પાસું હોય તો છે એનો પ્લોટ !
ફિલ્મની વાર્તા કૈંક આવી છે —–
એક નિષ્ફળ ડિટેકટીવ કે જેની પાસે કોઈ કેસ આવતાં જ નથી એ એનામાં શેરલોક હોમ્સનો આત્મા એટલએ બધે ઉડે સુધી ઘુસી ગયો હોય છે કે તે પોતાની જાતને શેરલોક હોમ્સનો આધુનિક – નવીનતમ અવતાર માને છે. તેણે પોતાની એક પ્રાઈવેટ ડિટેકટીવ એજન્સી ખોલી છે. જેનું નામ છે FBI અરે અમેરિકાની FBI નહીં રે બાબા ! ફાતિમા બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન ! આ ફાતિમા એ ફિલ્મના નાયક નવીન પોલીશેટ્ટી એટલે કે ફિલ્મી નામ એજન્ટ સાઈ શ્રીનિવાસ અથરેયાની પૂર્વ-પ્રથમ પ્રેમિકાનું નામ છે ! આ એજસીમાં એક સ્ત્રી સહાયક જોડાય છે શ્રુતિ શર્મા જેનું ફિલ્મમાં નામ છે સ્નેહા ! તે પોતે ડિટેકટીવ નવલકથા અને વાર્તા વાંચવાની શોખીન હોવાથી તે આમાં જોડાય છે. તેણે પણ શેરલોક હોમ્સ વાંચી હોય છે. પણ તેનું વાંચન કેવું હોય છે તેની ખબર તો આપણને ” હાઉન્ડ ઓફ ભાસ્કરવિલે” કરે છે ત્યારે જ પડે છે. જેને સુધારે છે એજન્ટ સાઈ. હવે તમે જ નક્કી કરજો કે ખરેખર કોણ શેરલોક હોમ્સનું ચાહક છે તે ! વાંચન એક તરફ હોવું જોવું હોઈએ અને શોખ બીજી તરફ હોવો જોઈએ. એ બન્નેને ક્યારેય ભેગાં ન કરી શકાય ! જે કરી શકે એ જ સાચો શેરલોક હોમ્સ ગણાય !

📺 આ શ્રુતિ શર્માનું પાત્રાલેખન એ તમને કરમચંદની સહાયિકા સુશ્મિતા મુખર્જીની યાદ જરૂર અપાવી જાય છે. પણ તેમ છતાં આ છોકરી કામ સારું કરી જાણે છે એમાં તો કોઈ શક નથી. ફિલ્મની શરૂઆતમાં જ ઓફિસમાં એક ફોટા પરથી એક આત્મહત્યાના કેસને મર્ડર સાબિત કરતાં એજન્ટ સાઈ અને સહાયિકા સ્નેહાથી થાય છે. જેઓ ઘટના સ્થળે જાય છે ત્યાં તહેકીકાત કરવાં ઘૂસ મારે છે. પોલીસને પોતાનું FBIનું વીઝીટીંગ કાર્ડ આપે છે પણ પોલીસ તેને મારી ભગાડે છે અને તેને કોઈ મહત્વ આપતાં જ નથી . એજન્ટ સાઈએ પોતાની એજન્સીના નામનું એક ફેસબુક પેજ પણ બનાવ્યું છે તે સ્નેહાને આ પેજ લાઈક કરવાનું કહે છે. સ્નેહા પોતાનાં સ્માર્ટ ફોનમાં એ પેજ ખોળે છે તો તે આશ્ચર્યચકિત થઇ જાય છે. કારણકે એ પેજને ખાલી બે જ જણે લાઈક કર્યાં છે —– એક એજન્ટ સાઈએ અને બીજાં શેરલોક હોમ્સે ! ત્યારે સ્નેહા કહે છે કે આમાં તો માત્ર બે જ જણે લાઈક કર્યા છે એક તો તમે અને બીજાં શેરલોક હોમ્સે ! ત્યારે એજન્ટ સાંઈ કહે છે કે આ શેરલોક હોમ્સનું મારુ ફેક એકાઉન્ટ છે. પછી સ્નેહા એ પેજને લાઈક કરે છે. કેસ તો કોઈ આવતાં હોતાં જ નથી પણ એક પોલીસ સ્ટેશનમાં મંદિરની ચોરીનો કેસ આવે છે જે એજન્ટ સાંઈ પોતાની આગવી શૈલીમાં અલબત્ત શેરલોક હોમ્સની રીતે સોલ્વ કરે છે ચુટકીભર ક્ષણોમાં જ ! હવે મંદિરમાંથી ચોરી થઇ હોય છે માત્ર ૫૦૦ રૂપિયાની જ અને એજન્ટ સાંઈ પોલીસ પાસે ૧૧૦૦ રૂપિયા માંગે છે તો પોલીસ એને માત્ર શુકનના ૧૧ રૂપિયા હાથમાં પકડાવી ત્યાંથી રવાના કરી દે છે

📺 હવે જ કથામાં વળાંક આવે છે. એજન્ટ સાંઈનો એક મિત્ર છે જે પત્રકાર છે તે તેને નેલોરના રેલ્વે ટ્રેક નજીક એક વણઓળખાયેલી લાશની તહકીકાત શરુ કરે છે, ત્યાં એને બીજી પણ ઘણી જાણકારી પ્રાપ્ત થાય છે. એમાં એ અને એની સહાયિકા બરાબરના ફાસાય છે . એજન્ટ સાંઈને જેલમાં પણ જવું પડે છે .અહી જેલખાનામાં તેને એક બુજુર્ગ મળે છે તેણે પોતાની પુત્રી ગુમ થયાનું જણાવે છે. એ કેવી રીતે ગુમ થઇ તેની તપાસ એ જેલમાંથી બહાર આવી તપાસ શરુ કરે છે ત્યારે તેણે એ છોકરીને એક બસ પાસે ઉભેલી જુએ છે તે પોતાની ઓળખ છુપાવી તે એ છોકરી નથી એવું કહે છે પછી એજન્ટ સાંઈનું માથું ચકરાવે ચડે છે કે જેલમાં મળેલો માણસ એ નામનો નથી આ છોકરી પણ એ નથી ! આ બધું શું ચાલી રહ્યું છે એની એને ખબર નથી જ પડતી પણ તે હિમત નથી હારતો . તેને તપાસ દરમિયાન ત્રણ શખ્સોના નામ મળે છે જેમાં બેના નબર ટ્રેક થાય છે અને ફોનના ડેટાબેઝ સાથે મેચ ખાય છે પણ એકનો ફોટો નથી મળતો એટલે એ વિમાસણમાં મુકાઈ જાય છે. એ અને એની મદદનીશ એ ત્રણેના ઘરે જાય છે ત્યારે ખબર પડે છે કે એ ત્રણે તો રેલ્વેટ્રેક પર મળેલી લાશનું જ્યારે ખૂન થયું હોય છે ત્યારે તેઓ તે રાત્રે ઓન્ગોલમાં હોય છે. તેઓને એમ લાગે છે કે જે કઈ બન્યું છે તે તો ઓન્ગોલમાં જ બન્યું હશે એવું વિચારીને તેઓ ત્યાં જવાનું નક્કી કરે છે !

📺 ત્યાં તપાસ કરતાં એજન્ટ સાંઈને ઘણી નવી હકીકત જાણવા મળે છે. તેણે ફરી પાછી જેલ થાય છે કારણકે એ ભાઈ ફરી એક બીજા અને અને પેલાં બે જણાંના ખૂન થયાં હોય છે એ સમયે ત્યાં હાજર હતાં જે ત્યાંના CCTV કેમેરામાં કેદ થયેલાં હોય છે. એજન્ટ સાંઈને બેઈલ તો મળે છે પણ પાંચ જ દિવસની ! એ પોલીસ સ્ટેશનનો એક પોલીસ અધિકારી એજન્ટ સાંઈની કળાથી પ્રાભાવિત થઈને એને મદદ કરવાં તૈયાર થાય છે તો એક બીજો ડિટેકટીવ પણ એજન્ટ સાંઈની પાછળ લાગ્યો હોય છે એ પણ શેરલોક હોમ્સનો જબરજસ્ત આશિક છે અને એની સંસ્થાનું નામ પણ FBI જ છે. ફ્રેન્ડસ બ્યુરો ઇન્વેસ્ટીગેશન ! એ પછી એજન્ટ સાંઈને માદ્દ કરે છે . કારણકે અત્યાર સુધી એજન્ટ સાંઈને કોઈ મોટો કેસ મળ્યો જ નથી હોતો આ જ એમને મન મોટો કેસ છે અને આજ એમને પ્રતિષ્ઠા અપાવશે એથી એ તેઓ આની પાછળ ખાઈખપુચીને પાછળ પડે છે. આ દરમિયાન એ ચારને ઘણી ચોંકાવનારી બાબત જાણવા મળે છે અને અંતે આ ખૂની પકડાય છે.

📺 આ ફિલ્મ એ માત્ર મર્ડર મીસ્ટરી નથી.આ એક કલ્પિત વાર્તા છે જે સત્યઘટનાત્મક બનાવો પર આધારિત છે એવું શરૂઆતમાં જ આવે છે. શરૂઆત ધ્યાનપૂર્વક જોજો બધાં. એજન્ટ સાંઈ પર એનાં મામાનો ફોન આવે છે કે તેનેઝડપથી ઘરે આવવું પડશે . એની માં ગંભીર રીતે બીમાર હોય છે . તે ભોપાલની એક રૂમમાં રહેતો હોય છે અને એની માં તિરુપતિમાં. બસ ૪ કલાકમાં ઉપાડવાની છે અને એજન્ટ સાંઈને વચમાં નેલોરમાં ઉતારવાનું હોય છે ! પણ રસ્તામાં જ એને ખબર પડે છે કે એની માં તો અવસાન પામી ગઈ હોય છે અને એનાં અંતિમ સંસ્કાર પણ થઇ ગયાં હોય છે પછી ૩ વરસ પહેલાંથી આ ફિલ્મ શરુ થાય છે જેમાં એજન્ટ સાંઈ પોતાની ઓફિસની ખુરશીમાં બેઠેલો હોય છે વિષાદમગ્ન ! પછી હિરોઈન પણ આ ઓફિસમાં જ હોય છે જે નવી નવી આ કાર્યમાં જોડાઈ છે. આ એક આખું મોટું રેકેટ છે જે અંતમાં આપણને ખબર પડે છે. શું છે આ રેકેટ અને એની પાછળ કોનો હાથ હોય છે અને એ કેમ ખૂન કરે છે અને એ કેવી રીતે પકડાય છે ? તે માટે આ ફિલ્મ ખાસમ ખાસ જોવી રહી.

📺 દિમાગ દોડાવીને જોશો તો તમને ખબર પડશે કે ખરેખર ખૂની કોણ છે તે જેની આ ફિલ્મમાં આછેરી હિંટ આપવામાં આવી છે એક નહીં બે વખત !
મેં સવા કલાકની ફિલ્મ જોઈ ત્યારે જ મેં ધારણા કરી હતી કે ખરેખર ખૂની કોણ છે તે ! આમ તો મારી ધારણા શું ફિલ્મ કે શું સીરીયલ તેમાં તરત જ ખબર પડી જાય છે મને અને મારી એ ધારના સાચી જ પડતી હોય છે દરેક વખતે ! વાત કરીએ આ ફિલ્મની તો શરૂઆત પણ કારણવગરની નથી જ ! એ પણ ફિલ્મનો એક ભાગ જ છે જે આગલા જતાં શું બનવાનું છે તેનો ઈશારો માત્ર છે!
ફિલ્મ દક્ષિણ ભારતીય છે પણ ક્યાંય કશી મારધાડ નથી
બધું જ સંવાદોમાં તર્કસંગત રીતે અને તર્કબદ્ધ રીતે રજુ થયું છે
શેરલોક હોમ્સની પણ આ જ ખૂબી હતી ને !
ઉપર લખવાનું કારણ એ શેરલોક હોમ્સને સમજવાનું છે
જે સારી રીતે સમજે છે એ જ આ ફિલ્મ માણી શકે છે
ફિલ્મમાં એક જગ્યાએ ખુદ એજન્ટ સાંઈ કહે છે કે —–
“શેરલોક હોમ્સ તો એક પાત્ર હતું માત્ર વાર્તા હતી જ્યારે હું તો જીવતોજાગતો માણસ છું “
આમાં એજન્ટ સાંઈનો આત્મવિશ્વાસ છલકતો ભારોભાર જોવાં મળે છે !
થોડીક ડીક કોમેડી સ્ટાઈલમાં અને જરૂર પડે ત્યાં આગવી શૈલીમાં શેરલોક હોમ્સનાં પત્રને જીવંત કર્યું છે ફિલ્મના નાયક નવીન પોલીશેટ્ટી એ !
અરે કેમ ના હોય મિત્રો તે જ તો ફિલ્મનો લેખક પણ છે !
હેટસ ઓફ ટુ નવીન પોલીશેટ્ટી
હિરોઈન શ્રુતિ શર્માનું કામ પણ ઘણું જ સારું છે
આ એની ડેબ્યુ ફિલ્મ હોવાં છતાં પણ !
ફિલ્મ સંવાદો પર આધારિત અને કલાકારોનાં અભિનય પર આધારિત હોવાથી વાઈલ્ડ શોટસ અને VFXને બહુ અવકાશ નથી
ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સંગીત ઘણું સારું છે પણ ગીતો માત્ર બે જ છે પણ તે સારા પણ નથી જો કે ફિલ્મમાં તે બિલકુલ બિનપ્રાયોજિત લાગતાં નથી
આ ફિલ્મ એક સંપૂર્ણપણે ડીટેકટીવ ફિલ્મ હોવાથી એમાં કોરીઓગ્રાફીને બિલકુલ અવકાશ નથી !
ફિલ્મનું જમા પાસું એનું દિગ્દર્શન, એની સ્ક્રિપ્ટ અને કલાકારોની અદાકારી છે !

📺 આ ફિલ્મનું રેટિંગ ૮.૪ છે એનું પણ એક કારણ છે અને એ છે સત્યઘટનાઓ !
આ ફિલ્મમાં એક કૌભાંડનો પર્દાફરાશ કરવામાં આવ્યો છે
આપણા હિંદુ ધર્મમાં એક માન્યતા છે કે —
પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર જો બનારસના ગંગાઘાટ પર કરવામાં આવે તો માણસને પુનાર્જન્મ્માંથી મુક્તિ મળે છે
દરેક માણસ પૈસાના અભાવે કે સમયના અભાવે કાશી તો જઈ શકતાં નથી
આ પાર્થિવ દેહોને અગ્નિસંસ્કારને નામે કેટલાકે ધંધો બનાવી દીધો છે !
એ લાશને રેલવેટ્રેક પર ફેંકી દેવાનો કારણકે રેલ્વે ટ્રેક પર મળેલી લાશની પહેચાન ના થાય તો એને લાવારીસ લાશ ગણવામાં આવે છે
વાત આટલેથી નથી અટકતી એ લાશો બધી રીતે ન ઓળખાય તેવી હોય છે પણ તે લાશોના જો ત્વરિત ફિંગરપ્રિન્ટ લેવામાં આવે તો કોક ખૂન કરે અને ફિંગરપ્રિન્ટ કોક મરેલાનાં હોય હોય એટલે કેસ આપોઆપ ક્લોઝ !
આ ફિંગર પ્રિન્ટ નકલી પાસપોર્ટ બનાવવામાં અને ભારતમાં આતંકવાદીઓ ઘુસાડવામાં કામ આવે છે !
આ છે આપણા લોકોના કરતૂતો અને ગોરખધંધા જેનો બાખૂબી પુરતી રીસર્ચ પછી આ ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવ્યો છે
આ ફિલ્મ એ ડિટેકટીવ ફિલ્મ છે જેને શેરલોક હોમ્સની રીતે સંપૂર્ણ ભારતીય રીતે એક સ્વચ્છ સુથરી સસ્પેન્સ ફિલ બનાવે છે અને એટલાં જ માટે એ માત્ર સત્યઘટના પર આધારિત કોઈ ડોક્યુમેન્ટરી ફિલ્મ ન બની રહેતાં એક ગજબનાક સસ્પેન્સ ફિલ્મ બની શકી છે અને એટલાં જ માટે એનું આઈ એમ ડી બી રેટિંગ હાઈ છે એઅને પ્રેક્ષકોને તે માણવી ગમે છે !
ધર્મ હોય ત્યાં શ્રધ્ધા પણ હોય જ
શ્રદ્ધા હોય ત્યાં અંધશ્રદ્ધા પણ રહેવાની
અંધશ્રદ્ધા હોય ત્યાં સમસ્યાઓની ભરમાર પણ રહેવાની
સમસ્યા હોય તો એનો ઉકેલ પણ મળવાનો જ !
ફિલ્મનું કામ છે માત્ર અંગુલીનિર્દેશ કરવાનું !
જાગવું કે કુંભકર્ણની નિદ્રામાં પોઢ્યા રહેવું તે તો આપણા જ હાથની વાત છે ને !

” A Belief Is Not Mearly An Idea The Mind Posesses
It Is An Idea That Possesses The Mind.”

આ ફિલ્મની અંતે આવતું વાક્ય છે ….

In India Everyday, On An average 102 Bodies Are tagged As “Unidentified” by The officials. The Procedure To Have Them Disposed in 72 Hours is Becoming A Loophole For riminals To Exxploit.

Stolen Finger Prints Are Used As Shields By Criminas Against State Intelligence, Making Them Untraceable.

📺 આ બધું ફિલ્મના અંતે કહેવામાં આવ્યું જ છે
કેસ સોલ્વ થઇ ગયાં પછી ફિલ જોવાનું બંધ ના કરશો આબધી રીસર્ચ પછી જ આવે છે
આવું માત્ર તામિલનાડુ કે આંધ્રપ્રદેશમાં નથી બન્યું પણ દેશના ખૂણેખૂણે અને દરેક રાજ્યો બનેલું છે જેની આપણને ઓઈ જ ખબર નથી !
જાગવું પડે એમ છે જો જાગવા માંગીએ તો !

📺 હે બોલીવુડ…. આવી મસ્ત શેરલોક હોમ્સ પર આધારિત અને સત્યઘટના તરફ અંગુલીનિર્દેશ કરતી ફિલ્મ ક્યારે બનવવાના છો ?
બનાવો ભાઈ જલ્દીથી બનાવો !
બાકી …… આ ફિલ્મ દરેક જણ એકવાર તો જુએ જ જુએ
આભાર એમેઝોન પ્રાઈમ વિડીયોનો કે એણે આફિલ્મ હિન્દીમાં રજુ થયે માત્ર ૬ જ મહિનામાં હિન્દીમાં રજુ કરી તે બદલ જ સ્તો
આ ફિલ્મ સહકુટુંબ માણવા જેવી છે અને એભાને તમે સૌ શેરલોક હોમ્સમય બનશો તે નફામાં !

📺 કાલનું વાક્ય ફરીથી અહીં ટાંકું છું —-
” કારણ વગર કરેલી હત્યાનો કેસ સુલઝાવવો બહુજ અઘરો હોય છે “
——– સર આર્થર કોનન ડોયલ (શેરલોક હોમ્સ)

– જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.