Sun-Temple-Baanner

૧૮ મહિનામાં ૫૫ અબજ રૂપિયા શી રીતે કમાશો?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


૧૮ મહિનામાં ૫૫ અબજ રૂપિયા શી રીતે કમાશો?


ટેક ઓફ: ૧૮ મહિનામાં ૫૫ અબજ રૂપિયા શી રીતે કમાશો?

Sandesh – Ardh Saptahik Purti – 21 May 2013

Column: ટેક ઓફ

કેવિન સિસ્ટ્રોમ નામના જુવાનિયાએ એવો તો કેવો જાદુ કર્યો કે ફેસબુકે એક બિલિયન ડોલરમાં એની કંપની ખરીદી લીધી અને ‘ટાઇમ’ મેગેઝિને દુનિયાના સૌથી વગદાર ૧૦૦ લોકોની સૂચિમાં એને સામેલ કરવો પડયો?

અઢાર મહિનામાં માણસ શું શું કરી શકે? કોલેજનું દોઢ વર્ષ પૂરું કરી શકે. નવી કરિયરની શરૂઆત કરી શકે. પ્રેમમાં પડી, પરણી શકે,બચ્ચું પેદા કરી શકે. નવી ભાષા શીખી શકે. તોતિંગ કોથળા જેવી ઘાટઘૂટ વગરની કાયા પરથી ચરબીનાં થર ઉતારીને ગ્રીક દેવ કે દેવી જેવું શરીર બનાવી શકે. પણ જો તમે કેવિન સિસ્ટ્રોમ હો તો ઈન્સ્ટાગ્રામ બનાવી, ફેસબુકના માર્ક ઝુકરબર્ગને વેચી, દોઢ જ વર્ષમાં એક બિલિયન ડોલર એટલે કે લગભગ પંચાવન અબજ રૂપિયા કમાઈ શકો!

સાદી ભાષામાં કહીએ તો ઈન્સ્ટાગ્રામ એક અફલાતૂન ફોટો એપ્લિકેશન વત્તા સોશિયલ નેટવર્ક છે. તમે ગૂગલ પ્લેમાં જઈને તમારા એન્ડ્રોઇડ યા તો એપલના મોબાઇલમાં ફ્રીમાં ઈન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરી, તેના થકી ફોટા પાડી દુનિયાભરમાં દોસ્તો સાથે શેર કરી શકો છો. સામાન્યપણે મોબાઇલ ફોનથી ખેંચેલી તસવીરો સાવ સાદી કે નિરસ હોય છે. આ ઈન્સ્ટાગ્રામની મજા એ છે કે એનાં ફિલ્ટરો તમારા સીધાસાદા ફોટોગ્રાફ્સને જાતજાતની ઇફેક્ટ્સ આપી એકદમ પ્રોફેશનલ લુક આપી દે છે, તેમાં જીવ પૂરી દે છે. ઈન્સ્ટાગ્રામ સોશિયલ નેટવર્ક પણ છે એટલે તમે બીજા યુઝર્સના ફોટોગ્રાફ્સ ફોલો કરી શકો છો, લાઇક કરી શકો છો, કમેન્ટ્સ આપી શકો છો, સર્ચ કરી શકો છો. ઈન્સ્ટાગ્રામ દ્વારા લેવાયેલી ચોરસ તસવીરોને ફેસબુક, ટ્વિટર કે ફ્લિકર પર પણ શેર કરી શકો છો.

ઈન્સ્ટાગ્રામ એપ જેના ભેજાની પેદાશ છે એ કેવિન સિન્ટ્રોમ નામના અમેરિકન જુવાનિયાએ હજુ ૩૦ વર્ષ પણ પૂરાં કર્યાં નથી. બોસ્ટનના એક ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલો કેવિન સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ સાયન્સ અને સોફ્ટવેર એન્જિનિયરિંગનું ભણ્યો. પછી એણે ઓડિઓ (આ કંપની પછી ટ્વિટર તરીકે ઓળખાઈ)માં ઇન્ટર્ન તરીકે અનુભવ લીધા બાદ ત્રણેક વર્ષ ગૂગલમાં અને થોડો સમય નેક્સ્ટ-સ્ટોપ નામની ટ્રાવેલ સંબંધિત વેબસાઇટમાં કામ કર્યું. મનમાં ખુદનું કંઈક કરવાનો કીડો સળવળ સળવળ થયા કરે એટલે નોકરી છોડીને એણે બરબન (burbn) નામની સ્વતંત્ર કંપની સ્થાપવાની મથામણ શરૂ કરી. દરમિયાન એનો ભેટો માઈક ક્રિગર નામના ઔર એક ટેક્નો-બહાદુર સાથે ગયો. માઈક એના કરતાં એક વર્ષ મોટો. એણે કેવિનની કોલેજમાંથી જ સોફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું હતું. એક સાંજે બિયરની કેટલીય બોટલો ગટગટાવ્યા પછી કેવિને એકાએક પૂછયું:”હેય, હું મારી કંપની શરૂ કરવાની કડાકૂટમાં પડયો છું. બોલ, જોઇન થવું છે મને? મિલાવવો છે હાથ?” માઈક તરત તૈયાર થઈ ગયો. આમ માઈક બરબનનો કો-ફાઉન્ડર બન્યો.

બરબન એક પ્રકારની ટ્રાવેલિંગ રિલેટેડ મોબાઈલ એપ્લિકેશન હતી, જેમાં તસવીરો વૈકલ્પિક રહેતી. કેવિન અને માઈક બન્નેને થયા કરતું હતું કે આ કંઈ જામતું નથી. કુછ ઔર સોચતે હૈ. ખૂબ બ્રેઈન સ્ટોર્મિંગ પછી એક દિવસ યુરેકા – મોમેન્ટ આવીઃ આપણે ફોટો-શેરિંગ અને સોશિયલ નેટવર્કના કોમ્બિનેશન જેવું કંઈક બનાવીએ તો? કેવિનને આમેય ફોટોગ્રાફીનો બહુ શોખ હતો. જુનિયર કોલેજમાં હતો ત્યારે સ્ટુડન્ટ-એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ એક આખી ટર્મ માટે એ ઈટાલી ભણવા ગયેલો. ત્યાં ફોટોગ્રાફી એનો મુખ્ય વિષય હતો. એક વાર ટીચરે એને નિકોનના કેમેરાને બદલે હોલ્ગા કેમેરા વાપરવાની સલાહ આપેલી, જેમાં લંબચોરસ નહીં પણ ચોરસ ફોટા પડતા. ઈન્સ્ટાગ્રામની તસવીરો ચોરસ હોય છે તેનું કારણ આ જ.

કશુંક નવું બનાવવાની માથાફોડી ચાલતી હતી એ દિવસોમાં માઇકની ગર્લફ્રેન્ડે એક વાર વાતવાતમાં કહ્યું: “હની, તું જે મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરી રહ્યો છે એમાં મને તો રસ પડતો નથી, કારણ કે મોબાઈલથી ફોટા પાડવા મને આમેય ગમતા નથી. એના કરતાં ફલાણાએ પાડેલી તસવીરો જો. એ કેમેરામાં અલગઅલગ ફિલ્ટર વાપરતો હોવાથી ફોટાઓનું રિઝલ્ટ બહુ જ મસ્ત આવે છે.” માઈકના દિમાગમાં તરત બત્તી થઈઃ અપુન કી મોબાઈલ એપ મેં ફિલ્ટર્સ તો હોના હી ચાહિએ! (સારઃ ગર્લફ્રેન્ડ એવી શોધવી કે જે આડકતરાં તો આડકતરાં પણ ઈન્ટેલિજન્ટ સૂચનો કરી શકતી હોય!) ફિલ્ટર કેમેરાની એક પ્રકારની એક્સેસરી છે, જેને લેન્સ પર ફિટ કરી દેવાથી તસવીરો પર જુદી જુદી સ્પેશિયલ ઈફેક્ટ્સ પેદા કરી શકાય છે. આ બધા આઇડિયાઝનો સરવાળો કરવામાં આવ્યો અને બની ગઈ હાઇક્લાસ મોબાઇલ એપ્લિકેશન તૈયાર. ઓળીઝોળી પીપળ પાન કરીને નામ પાડવામાં આવ્યું,’ઈન્સ્ટાગ્રામ’. ઈન્સ્ટન્ટ વત્તા ટેલિગ્રામ!

૬ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ ઈન્સ્ટાગ્રામ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. પહેલા જ દિવસે ૨૫,૦૦૦ યુઝર્સે આ એપ ડાઉનલોડ કરી. આંકડો વધતો ગયો. દોઢ વર્ષમાં તો પ્રત્યેક સેકન્ડે ૫૮ ફોટા અપલોડ થઈ રહ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર કુલ તસવીરોનો આંકડો એક અબજને વટાવી ચૂક્યો હતો. આવી મહાપોપ્યુલર સાઇટ જોઈને ફેસબુકના સ્થાપક તેમજ સીઈઓ માર્ક ઝકરબર્ગની દાઢ ન સળકે તો જ આશ્ચર્ય. ગયા એપ્રિલમાં એણે કેવિનને બોલાવ્યો અને તોતિંગ ઓફર મૂકીઃ એક બિલિયન (અબજ) ડોલરમાં તારી કંપની મને વેચી નાખ! ટ્વિટરવાળાએ મૂકેલી ઓફર કરતાં માર્કની ઓફર લગભગ બમણી હતી. તે વખતે ઈન્સ્ટાગ્રામમાં ફક્ત તેર માણસોનો સ્ટાફ હતો. સાન ફ્રાન્સિસ્કોની ટચૂકડી ઓફિસમાં સાંકડમાંકડ બેસીને સૌ કામ કરતા. તે અરસામાં ફેસબુકનો ઈનિશિયલ પબ્લિક ઈશ્યુ પણ આવવાનો હતો. કેવિને પોતાના દોસ્તાર માઈક સાથે મસલત કરીને ઓફર સ્વીકારી લીધી. સાથે શરત પણ મૂકીઃ અમે ફેસબુકનો હિસ્સો બનીશું, પણ કામ સ્વતંત્રપણે કરીશું. એમાં કોઈએ વચ્ચે ડબ-ડબ નહીં કરવાનું. માર્ક કહેઃ ડન. સોદો પાર પડયો અને સિલિકોન વેલીની અત્યાર સુધીની સૌથી રસપ્રદ રેગ્ઝ-ટુ-રિચીઝ (રોડપતિમાંથી કરોડપતિ) કહાણીઓમાં ઈન્સ્ટાગ્રામની કથા અંકિત થઈ ગઈ.

આજની તારીખે દુનિયાભરના ૧૦ કરોડ કરતાંય વધારે લોકો સક્રિયપણે ઈન્સ્ટાગ્રામ વાપરે છે. ખૂબસૂરત કુદરતી દૃશ્યોથી લઈને ગઈ રાતે વધેલા પિત્ઝાના ટુકડાથી લઈને પોતાના ફેવરિટ ઓશિકા સુધીની કલ્પના ન થઈ શકે એટલી વેરાઇટી ધરાવતા પાંચ અબજ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર થયા છે. કેટલીય સેલિબ્રિટીઓ ઈન્સ્ટાગ્રામ પર ખાતાં ખોલાવીને પોતાની વૈભવી લાઈફસ્ટાઈલ અને ઈવેન્ટ્સના ફોટા મૂક્યા કરે છે. ‘ટાઈમ’ મેગેઝિને આ વર્ષના હન્ડ્રેડ મોસ્ટ ઈન્ફલુએન્શિયલ પીપલ ઓફ ધ વર્લ્ડ (દુનિયાની સૌથી વગદાર ૧૦૦ વ્યક્તિઓ)ની સૂચિમાં ૨૯ વર્ષના કેવિન સિસ્ટ્રોમનું નામ સામેલ કર્યું છે. એ ઈન્સ્ટાગ્રામના સહસ્થાપક ઉપરાંત સીઈઓ પણ છે. કેવિનના જીવને હજુ શાંતિ નથી. એ કહે છેઃ “આ બધું તો જાણે ઠીક છે પણ મારે હજુ કંઈક મોટું કરી દેખાડવું છે!”

કેવિન માટે એક બિલિયન ડોલર્સની ડીલ માત્ર ટેક ઓફ છે, અસલી ઉડ્ડયન તો હજુ બાકી છે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2013 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.