Sun-Temple-Baanner

હેલ્મેટ ન પહેરવાનું શૂરાતન


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


હેલ્મેટ ન પહેરવાનું શૂરાતન


હેલ્મેટ ન પહેરવાનું શૂરાતન

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 11 ડિસેમ્બર 2019, બુધવાર

ટેક ઓફ

હેલ્મેટ પહેરો જ. સરકાર નિયમ રાખે કે કાઢે તેનાથી કશો ફર્ક પડવો ન જોઈએ.

* * * * *

હેલ્મેટ પહેરવાના નિયમના મામલે હમણાં જે હો-હા થઈ તેના સંદર્ભમાં ન્યુ યોર્ક શહેરમાં બનેલો એક કિસ્સો સાંભવવા જેવો છે. ફિલિપ કોન્ટોસ નામનો એક પંચાવન વર્ષીય અમેરિકન. એને ઉઘાડા માથે બાઇક ચલાવવાનો ભારે શોખ. બાઇકર્સના એક ગ્રુપનો એ લીડર પણ હતો. 550 સભ્યોવાળા આ ગ્રુપનું નામ હતું, અમેરિકન બાઇકર્સ એઇમ્ડ ટુવર્ડ્ઝ એજ્યુકેશન. ફિલિપની જેમ આ ગ્રુપના ભાઈલોગને પણ હેલ્મેટ પહેરવી જરાય ન ગમે. ફિલિપ અને એના સાથીઓએ જોરશોરથી એક ઝુંબેશ આદરી હતી – હેલ્મેટમુક્તિ ઝુંબેશ. એમની ડિમાન્ડ હતી કે ન્યુ યૉર્ક સ્ટેટમાંથી હેલ્મેટ પહેરવાનો કાયદો કાઢી નાખો. નથી પહેરવી અમારે હેલ્મેટ, જાઓ.

બન્યું એવું કે એક વાર હાર્લી ડેવિડસન બ્રાન્ડની બાઇક ચલાવતી વખતે ફિલિપ કશાક કારણસર ઊથલીને ઊંધેકાન પછડાયો. એનું માથું ફૂટપાથની ધાર પર જોરથી ટીચાયું. એને તાત્કાલિક હોસ્પિટલભેગો કરવામાં આવ્યો, રસ્તામાં જ એનો જીવ ઊડી ગયો. ડૉક્ટરે કહ્યું, જો ફિલિપે હેલ્મેટ પહેર્યું હોત તો એ બચી ગયો હોત. હેલ્મેટનો વિરોધ કરનારો આદમી હેલ્મેટ ન પહેરવાને કારણે જ મર્યો. અમેરિકન મિડીયામાં આ ઘટના વિશે પછી ખૂબ લખાયું અને ચર્ચાયું.

ગુજરાતીઓને, ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓને, ફોર ધેટ મેટર, કોઈ પણ વ્યક્તિને હેલ્મેટ પહેરવા સામે વાંધો શા માટે હોવો જોઈએ એ જ સમજાતું નથી. શા માટે આપણને જાહેર જીવનના સીધાસાદા નિયમોનું પાલન કરવામાં ઝાટકા લાગે છે? શા માટે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતી વખતે જાણે મોટું પરાક્રમ કરી નાખ્યું હોય એવો રોમાંચ થાય છે? હેલ્મેટ ન પહેરવાનાં બેવકૂફ બહાનાં ને તર્કહીન કારણો સાંભળીને ખરેખર ચક્કર આવી જાય છે. હેલ્મેટ પહેરવાનું ફાવતું નથી, કારણ કે માથું ભારે થઈ જાય છે, શ્વાસ લેવાતો નથી. હેરસ્ટાઇલ ખરાબ થઈ જાય છે, ચશ્માં ઊતારીને પાછાં પહેરવાં પડે છે, ઘોડાને ડાબલાં પહેરાવ્યા પછી તે માત્ર આગળ જ જોઈ શકે એમ અમને માત્ર આગળનું દશ્ય જ દેખાય છે, સાઇડમાં શું ચાલી રહ્યું છે તે સમજાતું નથી.

અરે સાહેબ, ભગવાને ગરદન શા માટે આપી છે? જરા ગરદનને ડાબે-જમણે ઘુમાવવાનું કષ્ટ લોને! કોઈ વળી કહેશે કે સ્કૂટર પાર્ક કર્યા પછી હેલ્મેટને સાથે સાથે ફેરવવી પડે ત્યારે કાખમાં જાણે છોકરું તેડ્યું હોય એવું લાગે છે! અરે? હેલ્મેટ સાથે સાથે શા માટે ફેરવો છો, મહાશય? એક સાદું લૉક ખરીદેને હેલ્મેટને બાઇક સાથે બાંધી કેમ દેતા નથી?

જરાક અમથો વિરોધ થયો ત્યાં ગુજરાતની ઢીલી સરકારે ફટાક્ કરતું જાહેર કરી નાખ્યુઃ તમતમારે કાઢી નાખો હેલ્મેટ. તમારું માથું સુરક્ષિત ન રહે તો અમને કશો વાંધો નથી. બસ, આવતા વર્ષે ગુજરાતનાં છ શહેરોમાં યોજાનારી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચુંટણીમાં અમને કશો વાંધો ન આવવો જોઈએ.

શાબાશ!

રાજકોટવાસીઓની જેમ પુનાના રહેવાસીઓને પણ હેલ્મેટ સામે કોણ જાણે શું દુશ્મની છે. તેઓ ક્યાં કારણસર હેલ્મેટનો વિરોધ કરે છે તે સમજવા માટે વચ્ચે એક સર્વે કરાવવામાં આવ્યો હતો. 29 ટકા પુનાવાસીઓએ કહ્યું કે અમને હેલ્મેટ પહેરવાનું ફાવતું નથી, 13 ટકા લોકોએ કહ્યું કે અમને મોંઘીદાટ હેલ્મેટ ખરીદવી પોસાતી નથી, 16 ટકા લોકોનું કહેવું હતું કે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે જ નહીં અને બાકીના 22 ટકા લોકોએ કારણ આપ્યું કે બસ, અમને ખુલ્લા માથે ફરવાની આદત છે જે અમે બદલવા માગતા નથી.

આદત બદલી શકે છે, બદલવી જ જોઈએ. આદર્શ સ્થિતિ તો એ છે કે માત્ર ટુ-વ્હીલર ચલાવનાર જ નહીં, એની પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવી જોઈએ. દિલ્હી અને અન્ય અમુક શહેરોમાં બાઇકચાલક અને એની પાછળ બેસનાર એમ બન્ને વ્યક્તિ હેલ્મેટ પહેરે જ છે. એક્સિડન્ટ થઈ જાય તો જરૂરી નથી કે દર વખતે માથું ફાટી જ જાય, પણ જો નસીબ સારાં ન હોય તો મામલો બગડી શકે છે. સ્કૂટર યા બાઇક પરથી ફેંકાઈ ગયા પછી માથું જમીન, સડક કે ફૂટપાથ સાથે જોરથી અફળાય ત્યારે બ્રેઇન (મગજ) ઝાટકા સાથે આગળ ખસીને ખોપડીના હાડકાં સાથે જોરથી અથડાય છે. તેને કારણે મગજની ચેતાઓ ફાટી જઈ શકે, એને નુક્સાન થઈ શકે. આ નુક્સાન ક્યારેક એટલું ગંભીર હોય કે માણસનો જીવ જઈ શકે.

કાર ઠોકાય ત્યારે સૌથી પહેલું નુક્સાન કારને થાય છે, એની અંદર બેઠેલા માણસોને નહીં. જો એક્સિડન્ટ અત્યંત ખરતનાક હોય તો જ કારમાં મુસાફરી કરનારાઓનો પ્રાણ જાય છે. સાઇકલ, બાઇક કે સ્કૂટર ફરતે કશું આવરણ હોતું નથી. આથી જ રસ્તા પર ટુ-વ્હીલર ચલાવનારાઓ પર સૌથી વધારે જોખમ ઝળુંબતું હોય છે. ભારતમાં દર વર્ષે રોડ એક્સિડન્ટ્સમાં એક લાખ કરતાં વધારે લોકોનાં મોત થાય છે. આમાંથી લગભગ પા ભાગના મોત ટુ-વ્હીલરચાલકોનાં હોય છે. નેશનલ ક્રાઇમ રિપોર્ટ્સ બ્યુરો નોંધે છે કે એકલા 2015માં ભારતમાં 43,540 બાઇક યા સ્કૂટરચાલકોનાં મોત થયાં હતાં, જે તે વર્ષે થયેલાં તમામ પ્રકારના રોડ એક્સિડન્ટ્સનો આ 23 ટકા હિસ્સો હતો. અભ્યાસ કહે છે કે મૃત્યુ પામતા દર દસમાંથી ચાર બાઇકચાલકોનો એટલે કે 40 ટકા લોકોનો જીવ બચી શકે તેમ હોય છે, જો તેમણે હેલ્મેટ પહેરી હોય તો.

હેલ્મેટ પહેરી હોય તો પણ માણસ મરી શકે છે, કેમ કે એક્સિડન્ટમાં મૃત્યુ થવા પાછળ એક કરતાં વધારે કારણો જવાબદાર હોય છે. મોટર વેહિકલ એક્ટ, 1988ના સેક્શન 129માં કહેવાયું છે તેમ, આઇએસઆઇનો માકો ધરાવતી હેલ્મેટની જાડાઈ 20-25 મિલીમીટર હોવી જોઈએ અને અંદરની સપાટી પર ફૉમનું વ્યવસ્થિત આવરણ હોવું જોઈએ. ઘણા સ્કૂટર-બાઇકચાલકો હેલ્મેટનો બેલ્ટ બાંધતા નથી. તે પણ ખોટું છે. માણસ બાઇક પરથી પછડાય ને તે સાથે જ બેલ્ટ વગરની હેલ્મેટ દૂર ફંગોળાઈ જાય તો એનો કશો મતલબ રહેતો નથી.

એક બાજુ હેલ્મેટનો વિરોધ થાય છે ને નમાલી સરકાર ઝુકી જાય ત્યારે જોરશોરથી વિજયનાદ કરવામાં આવે છે. બીજી બાજુ, મુકુલ જોશી જેવા સજ્જન છે, જે હેલ્મેટ વિશે જાગૃતિ ફેલાવવા વર્ષો સુધી લાગલગાટ પ્રયત્નો કરતા રહે છે. ટ્રાફિક બાબા તરીકે ઓળખાતા આ નોઇડાવાસી સિનિયર સિટીઝનનું થોડા સમય પહેલાં મૃત્યુ થયું ત્યારે તેઓ નવેસરથી મીડિયામાં ચમક્યા હતા. 2003ના દિવાળીના દિવસોમાં એક એવી ઘટના બની જેણે મુકુલજીને હલાવી નાખ્યા હતા. અમના ખાસ દોસ્તનો અઢાર વર્ષનો દીકરો સ્કૂટર લઈને ફનફેરમાં ગયેલો. તે પછી ક્યારેય પાછો ન આવ્યો. ભયાનક રોડ એક્સિડન્ટમાં એનું મોત થઈ ગયું. સ્પષ્ટ હતું કે જો એણે હેલ્મેટ પહેરી હોત તો એનો જીવ મોટે ભાગે બચી ગયો હોત.

ફેબ્રુઆરી 2004થી મુકુલ જોશીએ એક પ્રવૃત્તિ શરૂ કરી. એક પોર્ટેબલ લાઉડસ્પીકર લઈને તેઓ નોઇડાના કોઈ પણ ભરચક ભીડવાળા ટ્રાફિક જંક્શન પર પગપાળા પહોંચી જાય અને માઇક પર બોલવાનું શરૂ કરે, ‘ધ્યાન સે સુનો… ઘર પર આપ કા કોઈ ઇંતઝાર કર રહા હૈ… યાતાયાત કે નિયમોં કા પાલન કીજિયે ઔર સુરક્ષિત ઘર પહુંચીએ…’ આમ બોલતાં બોલતાં તેઓ રેડ સિગ્નલ પાસે ઊભેલા બાઇક અને સ્કૂટરચાલકોને ચોપાનિયાં વહેંચતા જાય. આ ચોપાનિયાંમાં ટ્રાફિકના નિયમો અને ખાસ તો હેલ્મેટ પહેરવાના ફાયદા વિશે વિગતવાર લખ્યું હોય.

શરૂઆતમાં લોકોને લાગ્યું કે આ કોઈ પાગલ માણસ લાગે છે, પણ ધીમે ધીમે સમજાતું ગયું કે આ તો નિઃસ્વાર્થભાવે થતી પ્રવૃત્તિ છે. મુકુલજી ગાંઠનું ગોપીચંદન કરીને પોતાના પેન્શનના પૈસામાંથી ચોપાનિયાં છપાવે, લોકોમાં તે વહેંચે અને સૌને હેલ્મેટ પહેરવાનો આગ્રહ કરે. મુકુલ જોશીએ લાગલગાટ તેર વર્ષ આ પ્રવૃત્તિ કરી. તેમનું કહેલું હતું કે જો મારા પ્રયત્નોને કારણે કમસે કમ બે-ચાર જિંદગી પણ બચે તો પણ મારી મહેનત લેખે લાગી ગણાશે. એમની મહેનત લેખે લાગી પણ ખરી. એક વાર એક આખો પરિવાર એમને મળવા આવ્યો. પરિવારના વડીલે કહ્યું કે બે દિવસ પહેલાં જ મારા દીકરાનો ગંભીર અકસ્માત થયો, પણ તે બચી ગયો કેમ કે તેણે હેલ્મેટ પહેરી હતી. તમારી સમજાવટ પછી જ મારા દીકરાએ હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું હતું ને એટલે અમે સૌ તમારો આભાર માનવા આવ્યા છીએ!

માનવજીવન અત્યંત કિમતી છે. એક માણસ મૃત્યુ પામે છે ત્યારે એની સાથે સાથે કેટલાંય સપનાં રોળાઈ જાય છે, આખો પરિવાર અને એમનું ભવિષ્ય ખળભળી ઉઠે છે. હેલ્મેટ પહેરો જ. સરકાર નિયમ રાખે કે કાઢે તેનાથી કશો ફર્ક પડવો ન જોઈએ.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2019 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.