Sun-Temple-Baanner

સાફ અને મેલું – આત્માની તિરાડોમાંથી અંધારું હજુ ગયું નથી…


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સાફ અને મેલું – આત્માની તિરાડોમાંથી અંધારું હજુ ગયું નથી…


ટેક ઓફ – સાફ અને મેલું – આત્માની તિરાડોમાંથી અંધારું હજુ ગયું નથી…

Sandesh-Ardh Saptahik Purti-8 Jan 2014

ટેક ઓફ

પરીક્ષિતલાલ મજમુદારને ગુજરાત ભૂલી ગયું છે. ગાંધીજી અને તેમની આસપાસના તારામંડળનો સામૂહિક પ્રકાશ એટલો પ્રચંડ છે કે બીજાં કેટલાંય નામો માતબર હોવા છતાંય ખાસ ઝળકી શક્યાં નહીં. પરીક્ષિતલાલ મજમુદાર આ શ્રેણીમાં સ્થાન પામતા મહાનુભાવ છે

* * * * *

પરીક્ષિતલાલ મજમુદાર. આ નામ સાંભળીને ચિત્તમાં ત્વરિત કોઈ ચિત્ર ન ઉપસે તો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી. અમદાવાદમાં એક પરીક્ષિતલાલનગર છે. શહેરના એક પુલને પરીક્ષિતલાલ મજમુદાર બ્રિજ એવું નામ આપી દેવામાં આવ્યું છે. બસ. એ સિવાય ગુજરાત આ નિષ્ઠાવાન ગાંધીવાદીને વિસરી ગયું છે. ગાંધીજી એક વિરાટ વિભૂતિ હતા અને તેમના તારામંડળની બીજી હરોળમાં સ્થાન પામતા નહેરુ – સરદાર આદિ પણ દિગ્ગજ વ્યક્તિત્વો હતાં. આ સૌનો સામૂહિક પ્રકાશ એટલો પ્રચંડ છે કે બીજાં કેટલાંય નામો માતબર હોવા છતાંય ખાસ ઝળકી શક્યાં નહીં. પરીક્ષિતલાલ મજમુદાર આ શ્રેણીમાં સ્થાન પામતા મહાનુભાવ છે. ગુજરાતમાં અશ્પૃશ્યતા નિવારણ માટે, લોકોનાં મળમૂત્ર સાફ કરીને માથે મેલું ઉપાડતા લોકોના ઉત્થાન માટે એમણે અદ્ભુત કાર્ય કર્યું છે. આજે એમને મોકળાશપૂર્વક યાદ કરીએ. આજે ૮ જાન્યુઆરીએ તેમની જન્મજયંતી પણ છે.

બરાબર ૧૧૩ વર્ષ પહેલાં એટલે કે ૧૯૦૧માં તેમનો જન્મ પાલિતાણાના એક નાગર પરિવારમાં થયો હતો. હરિજનો પ્રત્યે એમને બાળપણથી જ સહાનુભૂતિ હતી. બાપડા અભણ હરિજનોને લખતાંવાંચતાં આવડે નહીં એટલે એ ખુદ પોસ્ટઓફિસ જઈને પોસ્ટકાર્ડ લઈ આવે, એમને કાગળ લખી આપે. ઊંચી ટકાવારી સાથે મેટ્રિકની પરીક્ષા પાસ કરી એટલે કારકૂન પિતાજીએ એમને આગળ ભણવા મુંબઈ મોકલ્યા. પરીક્ષિતલાલની ઇચ્છા ડોક્ટર બનવાની હતી. મુંબઈમાં ગોકુળદાસ તેજપાલ છાત્રાલયનું એ વર્ષોમાં મોટું નામ. માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓને જ અહીં પ્રવેશ મળે. વિદ્યાર્થીઓના રહેવા-જમવા ઉપરાંત ભણવાની ફી અને પુસ્તકોનો ખર્ચ પણ છાત્રાલય ઉઠાવે. પરીક્ષિતલાલને અહીં આસાનીથી પ્રવેશ મળી ગયો. ગિરગાંવ ચોપાટી સામે ઊભેલી વિલ્સન કોલેજમાં એ ભણતા.

જોકે પરીક્ષિતલાલની કુંડળીમાં મુંબઈનું ભણતર ઝાઝું લખાયું નહોતું. ૧૯૨૦ના દાયકાના પ્રારંભમાં ગાંધીજીની અસહકારની લડત શરૂ થઈ. દેશભરમાં અસહકારનો માહોલ બનવા લાગ્યો. અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજી માલસામાન, અંગ્રેજ સરકારે આપેલા ખિતાબો વગેરેનો બહિષ્કાર થવા લાગ્યો. દેશની સાંપ્રત પરિસ્થિતિથી સતત વાકેફ રહેતા પરીક્ષિતલાલ જલિયાંવાલા બાગના હત્યાકાંડથી હચમચી ઊઠયા હતા. ગાંધીજીની અપીલ તેમને સ્પર્શી ગઈ. કોલેજનો અભ્યાસ છોડીને તેઓ ચૂપચાપ અમદાવાદ આવી ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માંડયા. મુંબઈના છાત્રાલયમાં તો લોજિંગ-ર્બોડિંગ ફ્રી હતું, પણ અમદાવાદમાં શું કરવું? પિતાને જાણ કર્યા વગર મુંબઈનો અભ્યાસ અધૂરો મૂકી દીધો હતો એટલે એમની પાસેથી પૈસાય કેવી રીતે માગવા? કંગાલિયતનો સામનો કરવા પરીક્ષિતલાલે દિવસમાં એક જ વાર ભોજન લેવાનું રાખ્યું. વિદ્યાપીઠના આચાર્ય આસુદમલ ગિડવાણીએ મદદ કરવાના આશયથી એમને રાત્રિશાળાના શિક્ષક બનાવી દીધા. સાથે સાથે ‘નવજીવન’ સામયિકનું પ્રૂફ રીડિંગ કરવાનું કામ પણ સોંપ્યું. બદલામાં જે થોડુંઘણું વેતન મળતું એનાથી પરીક્ષિતલાલનું ગાડું ગબડી જતું.

રાત્રિશાળાઓ વાડજ અને કોચરબના હરિજનવાસમાં શરૂ કરવામાં આવી હતી. આ રીતે હરિજનોના દમિત જીવનને બિલકુલ નિકટથી જોવાના યોગ ઊભા થયા. મૂંગા ઢોર જેવું જીવન જીવી રહેલા હરિજનોની બૂરી હાલત જોઈને પરીક્ષિતલાલને ખૂબ પીડા થતી. તેઓ રાત્રે હરિજનવાસમાં ભણાવે, દિવસે પોતે ભણે અને વચ્ચે વચ્ચે ‘નવજીવન’નાં પ્રૂફ તપાસતા જાય. આ રીતે સખત મહેનત કરીને અર્થશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએટ તો થઈ ગયા. નોકરી કરવાનો કોઈ સવાલ નહોતો. દરમિયાન નાગપુર ઝંડા સત્યાગ્રહમાં જોડાઈને ધરપકડ વહોરીને જેલમાં ગયા. એક વર્ષના કપરા જેલવાસ પછી પરીક્ષિતલાલ ગાંધીજીને મળ્યા. પોતાનું આખું જીવન સમાજસેવામાં વ્યતીત કરવા માગે છે એવી મંશા વ્યક્ત કરી. ગાંધીજીએ પૂછ્યું – “બોલો, કયું કામ કરશો?” પરીક્ષિતલાલ કહેઃ “તમે જે કહો એ.” ગાંધીજીએ કહ્યું – “સારું ત્યારે. તમે હરિજનોની સેવાનું કામ કરો પણ કામ શરૂ કરતાં પહેલાં તમારે તાલીમ લેવી પડશે. ગોધરામાં મામાસાહેબ ફડકે આ કામ કરે છે. એમને જઈને મળો.”

મામાસાહેબ ફડકેથી પરીક્ષિતલાલ ખૂબ પ્રેરાયા. એક સમયે ડોક્ટર બનવા માગતો અને એ કક્ષાની કાબેલિયત ધરાવતો આ માણસ હરિજનવાસમાં જઈને સાફસફાઈ કરવા માંડયો. તેઓ હરિજનોનાં બાળકોને નવડાવતાં, રમાડતાં, ભણાવતાં. ૧૯૨૬થી ૧૯૩૦ દરમિયાન તેઓ નવસારી રહ્યા. અહીં હરિજન આશ્રમ બાંધ્યો. એક નાગર બ્રાહ્મણનો દીકરો આ રીતે હરિજનવાસમાં ખાય-પીએ-રહે એ ઉજળિયાત લોકોથી જોવાયું નહીં. તેમણે પરીક્ષિતલાલ સાથે આભડછેટ રાખવા માંડી. એક ધોમધખતી બપોરે સાર્વજનિક પરબ પર પાણી પીવા ગયા તો કોઈ સવર્ણ યુવાને તેમને ખૂબ માર માર્યો. પરીક્ષિતલાલે એની સામે એક હરફ સુધ્ધાં ન ઉચ્ચાર્યો.

પરીક્ષિતલાલ સામે ક્યારેક ખુદ હરિજનો પણ મુશ્કેલી ખડી કરી દેતા હતા. એક વાર પરીક્ષિતલાલે ગાંધીજીને કાગળ લખીને પુછાવવું પડયું કે બાપુ, આશ્રમમાં રહેતા અમુક હરિજનબંધુઓ ગેરવર્તાવ કરતા હોય તો મારે શું કરવું? બાપુએ ૨૦ સપ્ટેમ્બર,૧૯૩૪ના રોજ સામો પત્ર લખીને જણાવ્યું કે આ મામલામાં સૌને એક લાકડીએ હાંકી શકાય એવું નથી. તમે જાતે જ તમારા અનુભવના આધારે બિલકુલ ખચકાટ કે ભય વગર નક્કી કરો કે તમે કયાં પગલાં લેવાં માગો છો. ગાંધીજીએ સ્પષ્ટપણે લખ્યું કે આશ્રમનો માહોલ ખરાબ કરનારને બિલકુલ બક્ષવા નહીં. જો હરિજનબંધુઓની નૈતિકતા કથળશે તો હરિજનસેવાનો આપણો આખો ઉદ્દેશ જ માર્યો જશે.

મીઠાના સત્યાગ્રહ વખતે સરકારે પરીક્ષિતલાલની ધરપકડ કરી નવ માસની જેલની સજા કરી. એ દિવસોમાં ખાસ કરીને કચ્છમાં ખૂબ આભડછેટ હતી. જેલવાસ બાદ પરીક્ષિતલાલ લોકસેવક ઠક્કરબાપાનો પડછાયો બનીને ખૂબ ફર્યા. રાપર, અંજાર, લીલાપુર વગેરે સ્થળે હરિજનો માટે છાત્રાલયો શરૂ કરાવ્યાં. હરિજનોના ઉદ્ધારની વિવિધ પ્રવૃત્તિઓ નિરંતર ચાલતી રહી. પરીક્ષિતલાલ આજીવન અપરિણીત રહ્યા. આશ્રમમાં સૌ એમને મોટાભાઈ કહીને બોલાવતા. હરિજનસેવાનું વ્રત લીધું હોવાથી આ સિવાયનાં બીજાં કોઈ કામ તરફ એમણે નજર દોડાવી નહીં. હરિજન સેવક સંઘની વાર્ષિક બેઠકમાં દિલ્હી જવાનું થાય ત્યારે અમદાવાદથી ટ્રેન પકડે, દિલ્હી ઊતરીને સીધા હરિજન કોલોનીમાં જાય ને જેવું કામ પૂરું થાય એટલે ત્રીજા વર્ગના ડબામાં અમદાવાદ પાછા.

આઝાદી પછી પરીક્ષિતલાલને પદ્મશ્રીનો ખિતાબ આપવામાં આવ્યો હતો. નાનીમોટી સમિતિઓમાં તેમની નિમણૂક થયા કરતી. ૧૯૬૫માં એમનું નિધન થયું. જીવનમાં એક પણ દિવસ રજા ન લેનાર આ માણસે મરવા માટે પણ રવિવારનો દિવસ પસંદ કર્યો.

પરીક્ષિતલાલ મજમુદારનો ગુજરાતે તો ઠીક, કદાચ હરિજનોએ પણ પૂરતો ઋણસ્વીકાર કર્યો નથી. અશ્પૃશ્યતાની બદી અને માથે મેલું ઉપાડવાની પ્રથા ભારતમાંથી આજેય સંપૂર્ણપણે નાબૂદ થઈ નથી તે એક કદરૂપું સત્ય છે. ભારતના અંતરિયાળ વિસ્તારોમાં હરિજનોની દુર્દશાની કથાઓ આજેય ધ્રુજાવી મૂકે છે. આપણા સમાજના આત્માની કેટલીક તિરાડોમાં આજેય અંધારું ફેલાયેલું છે.

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2014 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.