Sun-Temple-Baanner

ગુણવાન પારકા કરતાં ગુણહીન સ્વજન સારો?


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ગુણવાન પારકા કરતાં ગુણહીન સ્વજન સારો?


ગુણવાન પારકા કરતાં ગુણહીન સ્વજન સારો?

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 9 ઓક્ટોબર 2019 બુધવાર

ટેક ઓફ

મહર્ષિ વાલ્મીકિ સંભવતઃ દલિત માતાપિતાનું સંતાન હતા. વેદ વ્યાસ એક માછીમારનું સંતાન હતા. રામાયણ અને મહાભારત જેવા ભારતીય સંસ્કૃતિના મહાનતમ ધર્મગ્રંથો દલિત સર્જકોએ ઘડ્યા છે!

* * * * *

આપણે ત્યાં શરદ પૂર્ણિમાનો દબદબો એવો છે કે આ દિવસ વાલ્મીકિ જયંતિ તરીકે પણ ઉજવાય છે તે વાત ભુલી જવાય છે. આ વખતે આ બન્ને દિવસ 13 ઓક્ટોબર, રવિવારના રોજ પડે છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી અર્થાત્ મા અને અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે – આ વાક્ય આપણે સતત વાંચતા-સાંભળતા ઇવન લખતા રહીએ છીએ, પણ આપણને એવી સભાનતા હોતી નથી કે આ અતિપ્રચલિત ઉક્તિ મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં લખી છે. રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિ આપણા આદિકવિ છે. એમની પહેલાંનું વેદ-ઉપનિષદ સહિતનું સાહિત્ય અપૌરુષેય એટલે કે ઈશ્વરકૃત ગણાય છે. વાલ્મીકિના મુખમાંથી સૌથી પહેલી વાર પૌરુષેય છંદ અવતર્યો. આથી તેઓ આદિ કવિ ગણાયા.

વાલ્મીકિ કૃત રામાયણમાં એવાં કેટલાંય સૂત્રો લખ્યા છે, જેને આજે એકવીસમી સદીમાં પણ આપણે જીવનસૂત્ર તરીકે અપનાવી શકીએ. જેમ કે, ઉત્સાહો બલવાનાર્ય નાસ્ત્યુત્સાહાત્પરં બલમ્. સોત્સાહસ્ય હિ લોકેષુ ન કિંચદપિ દુર્લભમ્. આનો અર્થ છે, ઉત્સાહમાં પુષ્કળ શક્તિ છે. ઉત્સાહ કરતાં ચઢિયાતું કોઈ બળ નથી. ઉત્સાહી વ્યક્તિ કરતાં વધારે દુર્લભ આ જગતમાં કશું નથી! બીજા એક સૂત્રમાં વાલ્મીકિ લખે છે કે, ઉત્સાહ વગરના, દીન અને શોકથી વ્યાકુળ મનુષ્યનાં બધાં કામ બગડી જાય છે, એ ઘોર વિપત્તિઓમાં ફસાઈ જાય છે. ન ચાતિપ્રણયઃ કાર્યઃ કર્તવ્યોપ્રણયસ્ચ તે. કોઈને વઘુ પડતો પ્રેમ પણ ન કરવો અને કોઈના પ્રત્યે અધિક વેરભાવ પણ ન રાખવો. પ્રેમ હોય કે દુશ્મની – અતિરેક હંમેશાં અનિષ્ટકારક હોય છે. જીવનની અન્ય બાબતોની માફક લાગણીઓની મામલામાં પણ મધ્યમ માર્ગ અપનાવવો શ્રેષ્ઠ છે!

વાલ્મીકિનાં મૂળ નામ, માતા-પિતા અને કુળ અંગ મતમતાંતર છે. ઘણા વિદ્વાનો એમને પછાત જાતિના માને છે, કોઈ એમને ભીલ ગણાવે છે. એક કથા એવી છે કે વાલ્મીકિનું મૂળ નામ અગ્નિશર્મા હતું. વિદિશામાં આશ્રમ ધરાવતા સુમતિ નામના બ્રાહ્મણના તેઓ પુત્ર હતા. એમનું ગોત્ર ભૃગુ હતું. અગ્નિશર્માને વેદ-ઉપનિષદનાં ભણતરમાં જરાય રસ નહોતો. એ કુસંગે ચડી ગયો. ડાકુઓની ટોળીમાં ભળીને લૂંટફાટ કરવા લાગ્યો. એક વાર સપ્તર્ષિઓ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. અગ્નિશર્માએ એમના પર હુમલો કર્યો. સપ્તર્ષિઓએ એને પ્રેમથી સમજાવ્યા. એમના ઉપદેશથી અગ્નિશર્માનું હૃદયપરિવર્તન થયું. સપ્તર્ષિઓએ એમને રામનામનું રટણ કરવા કહ્યું. આમ, તેઓ અગ્નિશર્મામાંથી વાલ્મીકિ બન્યા. કશસ્થલી જઈ શિવઆરાધના કરીને તેમણે કવિત્વ પ્રાપ્ત કર્યું.

ઑર એક કથા અનુસાર વાલ્મીકિ પૂર્વ જન્મમાં કશ્યપ અને અદિતિના નવમા પુત્ર વરુણના દીકરા હતા. બીજા અવતારમાં એમનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો. રત્નાકર એમનું નામ. એક વાર તે વનમાં માતા-પિતાથી વિખૂટો પડી ગયો. વનમાં વસતા ભીલોએ એનું લાલનપાલન કર્યું, એને લૂંટફાટ કરતાં શીખવ્યું. એક વાર રત્નાકરે સપ્તર્ષિઓને લૂંટવાનો પ્રયાસ કર્યો. સપ્તર્ષિઓએ એને પૂછ્યુઃ તું જે પાપ કરે છે એમાં તારો પરિવાર પણ ભાગીદાર છે ખરા? રત્નાકર વિચારમાં પડી ગયો. એના મનમાં આ સવાલ ક્યારેય જાગ્યો નહોતો. સપ્તર્ષિને વૃક્ષ સાથે બાંધીને એ દોડીને ઘરે ગયો. પરિવારના સભ્યો સામે પ્રશ્ન દોહરાવ્યો કે શું તમે મારાં પાપકર્મોમાં સરખેસરખા હિસ્સાદાર છો? સૌએ ના પાડી. એમણે કહ્યુઃ અમે શા માટે તારાં પાપકર્મમાં ભાગીદાર બનીએ? અમારો નિર્વાહ કરવો એ તો તારી ફરજ છે!

રત્નાકરની આંખ ઊઘડી ગઈ. એ સપ્તર્ષિ પાસે પાછો ફર્યો, એમને મુક્ત કર્યા, કલ્યાણનો માર્ગ પૂછ્યો. સપ્તર્ષિઓએ એમને રામનામનો મંત્ર આપ્યો. દેવિકાના તટ પર આસન જમાવીને રત્નાકરે ઉગ્ર તપસ્યા કરી. એ ‘રામ રામ’ને બદલે ‘મરા મરા’ બોલતો હતો. વર્ષો વીત્યાં. રત્નાકરની ફરતે રાફડો જામી ગયો. યોગાનુયોગે સપ્તર્ષિઓને ફરી એ જ રસ્તે નીકળવાનું થયું. રાફડામાંથી નીકળતો ‘મરા મરા’ અવાજ સાંભળીને તેઓ થંભી ગયા. રાફડો હટાવ્યો. અંદરથી રત્નાકરને બહાર કાઢ્યો. સંસ્કૃત ભાષામાં રાફડાને ‘વાલ્મીક’ કહે છે. તેના પરથી રત્નાકરને વાલ્મીકિ નામ મળ્યું. વાલ્મીકીએ પછી સૂર્યની ઉપાસના કરી અને તમસા નદીને કિનારે આશ્રમ સ્થાપ્યો.

કથા આગળ વધે છે. એક સવારે વાલ્મીકિ નદીએ સ્નાન કરવા ગયા. ત્યાં કૌંચ પક્ષીની જોડી રતિક્રીડા કરતી હતી. અચાનક કશેકથી સનનન કરતું તીર આવ્યું ને નર ક્રૌંચને વીંધાઈ ગયું. એના પ્રાણ ઉડી ગયા. માદા કૌંચ વિલાપ કરવા લાગી. એનું રુદન સાંભળીને દ્રવી ઉઠેલા વાલ્મીકિએ શિકારીને શ્રાપ આપ્યો. આ શ્રાપ એમના મુખમાંથી આ શ્લોકના રૂપમાં નીકળ્યોઃ

મા નિષાદ પ્રતિષ્ઠાં ત્વમગમઃ શાશ્વતી સમાઃ
યત્ કૌંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્.

અર્થાત્ હે નિષાદ! તેં કૌંચયુગ્મમાંથી કામાસક્ત નરપક્ષીને મારી નાખ્યું. આ માટે તારી અપકીર્તિ થાઓ.

વાલ્મીકિના મુખેથી અનાયાસે સરી પડેલો આ શ્લોક અનુષ્ટુપ છંદમાં હતો. એક વાર બહ્મા વાલ્મીકિના આશ્રમે આવી ચડ્યા. વાલ્મીકિએ એમને કૌંચવધની ઘટના અને પોતાને સ્ફુરેલા શ્લોકની વાત કહી. બહ્માએ એમને આ જ રીતે રામકથાને શ્લોકબદ્ધ કરવાનું સૂચન કર્યું.

વાલ્મીકિના કુળ અને નિવાસસ્થાનની માફક એમણે રામાયણ ગ્રંથની રચના રામના જન્મ પહેલાં કરી હતી કે પછી તે મુદ્દે પણ વિદ્વાનોમાં મતભેદ છે. વાલ્મીકિ વાસ્તવમાં રામના સમકાલીન હતા. તેઓ સ્વયં રામાયણનું એક પાત્ર છે. વનવાસ દરમિયાન રામ-લક્ષ્મણ-સીતાએ ચિત્રકૂટમાં વાલ્મીકિ આશ્રમની મુલાકાત લીધી હતી. રાજા રામે સગર્ભા સીતાનો ત્યાગ કર્યો ત્યારે લક્ષ્મણ એમને વાલ્મીકિના આશ્રમ પાસે છોડી આવ્યા હતા. વાલ્મીકિએ પછી સીતાને પોતાના આશ્રમમાં આશ્રય આપ્યો, પિતાની માફક એમની દેખભાળ કરી. સીતાના જોડિયા પુત્રોને લવ-કુશ નામ વાલ્મીકિએ જ આપ્યું હતું. કુંવરોને એમણે અસ્ત્રશસ્ત્રનું જ્ઞાન આપ્યું ને રામનું ચરિત કંઠસ્થ કરાવ્યું. આમ, રામના સમકાલીન હોવાના નાતે વાલ્મીકિએ રામાયણનું સર્જન રામના જન્મ પહેલાં કરી નાખ્યું હોય એ થિયરી તર્કસંગત લાગતી નથી.

વાલ્મીકિએ લખ્યું છે કે, પરાયો મનુષ્ય ભલે ગમે તેટલો ગુણવાન કેમ ન હોય અને સ્વજન ગમે તેટલો ગુણહીન કેમ ન હોય, પણ ગુણવાન પારકા કરતાં ગુણહીન સ્વજન સારો. કદાચ આના પરથી જ આપણા તે આપણા ને પારકા તે પારકા એવી કહેવત બની છે. વાલ્મીકિએ જો કે મૈત્રીભાવનો ખૂબ મહિમા કર્યો છે. લખે છેઃ

આઢ્યતો વાપિ દરિદ્રો વા દુઃખિત સુખિતોપિવા.
નિર્દોષશ્ચ સદોષસ્ચ વ્યસ્યઃ પરમા ગતિઃ.

અર્થાત્ માણસ ધનિક હોય કે નિર્ધન, દુખી હોય કે સુખી, દોષી હોય કે નિર્દોષ, આખરે તો મિત્ર જ મનુષ્યને સોથી મોટો ટેકો પૂરો પાડે છે. વાલ્મીકિ અન્યત્ર લખે છે કે, કોઈની પણ સાથે મિત્રતા કરવી બહુ સહેલી છે, નિભાવવી અઘરી છે. વાલ્મીકિ કહેવાતા મિત્રો વિરુદ્ધ ચેતવણી પણ આપી છે. કહે છે, તમે દુશ્મન સાથે રહેજો, અત્યંત ઝેરી સાપ સાથે રહેજો, પણ એવા મનુષ્ય સાથે ક્યારેય ન રહેતા જે બહારથી મિત્ર હોવાનો દંભ કરતો હોય, પણ અંદરખાને તમારી વિરુદ્ધ શત્રુની જેમ વર્તતો હોય.

વાલ્મીકિએ સત્યનું મહિમામંડન કરતાં લખ્યું છે કે સંસારમાં સત્ય એ જ ઈશ્વર છે, ધર્મ પણ સત્યને જ આશ્રિત છે. સત્ય જ સમસ્ત ભવ-વિભવનું મૂળ છે. સત્ય જ સર્વોપરી છે.

શરદપૂર્ણિમા નિમિત્તે આપણે મહર્ષિ વાલ્મીકિનું સ્મરણ કરવાનું ન ચુકીએ. વર્તમાન સમયની પરિભાષા વાપરીએ તો વાલ્મીકિ સંભવતઃ દલિત માતાપિતાનું સંતાન હતા. મહાભારતના રચયિતા વેદ વ્યાસ એક માછીમારનું સંતાન હતા. રામાયણ અને મહાભારત જેવા ભારતીય સંસ્કૃતિના મહાનતમ ધર્મગ્રંથો દલિત સર્જકોએ ઘડ્યા છે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2019 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.