આપણે અહોમ રાજવંશ વિશે કેમ ખાસ કશું જાણતા નથી?
…………ટેક ઑફ – દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ …………….
આપણને સ્કૂલમાં અકબર મહાન હતો અને ઔરંગઝેબ મહાન હતો એવું જ કેમ શીખવ-શીખવ કરવામાં આવતું હતું? કેમ આપણને બ્રિટીશ વાઇસરોયો વિશે જ ગોખણપટ્ટી કરાવવામાં આવતી હતી?
* * * * *
મૌર્ય રાજવીઓએ 137 વર્ષ રાજ કર્યું હતું, ગુપ્ત વંશનો સમયકાળ આશરે 220 વર્ષોમાં અંતરાલમાં ફેલાયો હતો, મુગલ સમ્રાટોએ લગભગ 330 વર્ષ હકૂમત ચલાવી હતી. આની તુલના આસામના અહોમ રાજવંશ સાથે કરો. ઈશાન ભારતમાં 598 વર્ષ સુધી તેનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. લગભગ છ સદી! ભારતનો આ એકમાત્ર રાજવંશ છે જેણે સાઠ વર્ષમાં ગાળામાં મોગલોને સત્તર-સત્તર વખત હરાવ્યા હતા! આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે ઇતિહાસના પુસ્તકમાં અહોમ રાજવંશની ગૌરવવંતી ગાથા વિશે કેમ ભણાવવામાં આવ્યું નહોતું? કેમ આપણને અકબર મહાન હતો અને ઔરંગઝેબ મહાન હતો એવું જ શીખવ-શીખવ કરવામાં આવતું હતું? કેમ આપણને બ્રિટીશ વાઇસરોયો વિશે જ ગોખણપટ્ટી કરાવવામાં આવતી હતી?
અહોમ રાજવંશનો ઇતિહાસ ખરેખર રસ અને આશ્ચર્ય પેદા કરે તેવો છે. અહોમ રાજવંશની સ્થાપના ચાઓલુંગ સુકફા નામના પ્રિન્સે 1228ની સાલમાં કરી હતી. એ દક્ષિણ ચીનમાંથી નવ હજાર સાથીઓને લઈને બ્રહ્મપુત્રાની ખીણમાં પ્રવેશ્યો હતો. તે વખતે ઈશાન ભારતમાં છતીગર, કોચ-હાજો, મિરી વગેરે રજવાડાઓ હતા. તે સઘળાં પછી અહોમ સ્ટેટનો હિસ્સો બન્યાં.
અહોમ રાજવંશની વિશેષતા એ હતી કે તેનો રાજા સર્વેસર્વા ગણાતો નહોતો. રાજાના પાંચ પ્રધાનો રહેતા. તેઓ ‘પત્ર મંત્રી’ કહેવાતા. તેઓ રાજા પર સતત નજર રાખીને સુનિશ્ચિત કરતા કે એ પોતાની જવાબદારીઓ બરાબર નિભાવે છે કે કેમ. જો રાજા કાચો પડે તો એને રાજગાદી પરથી ઉઠાડી મૂકવાની સત્તા પણ આ પાંચ પ્રધાનો પાસે રહેતી. પ્રધાનોએ રાજાને દેહાતદંડની સજા ફટકારી હોય તેવી ઘટના પણ ઇતિહાસમાં નોંધાયેલી છે. 14મી સદીમાં ત્રણ વાર એવું બન્યું કે રાજગાદી તદ્દન ખાલી રહી, કેમ કે તેના પર બિરાજમાન થઈ શકે તેવો લાયક ઉમેદવાર આ મંત્રીઓને નહોતો મળ્યો!
અહોમ રાજવંશનો એક મોટો પ્લસ પૉઇન્ટ એ હતો કે સત્તાધારીઓએ સ્થાનિક સંસ્કૃતિ, ધર્મ અને ભાષાને કચડી નાખવાની કોશિશ બિલકુલ કરી નહોતી, બલકે તેનો સંપૂર્ણ સ્વીકાર કર્યો હતો. મૂળ અહોમ ધર્મ, તેની તાઈ ભાષા, રીતરિવાજો, ખાનપાન આ બધું ધીમે ધીમે ઓસરતું ગયું. તાઇ કલ્ચરની જગ્યાએ આસામી કલ્ચર ગોઠવાતું ગયું. હિંદુ ધર્મ, જીવનશૈલી આસામી ભાષા આ બધું મેઇનસ્ટ્રીમ બન્યું. અહોમ સમયગાળાના શરૂઆતના શિલાલેખો તાઇ-અહોમ ભાષામાં જોવા મળે છે, પણ ધીમે ધીમે શિલાલેખોની ભાષા સંસ્કૃત કે આસામી બનતી ગઈ. અહોમ સત્તાધારીઓએ ક્યારેય જનતાનો ધર્મ વટલાવવાનો પ્રયાસ ન કર્યો, બલ્કે અહોમ રાજવીઓએ ખુદ હિંદુ ધર્મનો અંગીકાર કર્યો. તેઓ શિવ અને શક્તિને પૂજતા. ઉત્તરીય આસામમાં તેમણે મંદિરો બંધાવ્યાં.
અહોમની રાણીઓ પણ શક્તિશાળી અને બુદ્ધિમાન રહેતી. રાજકાજમાં રાણીઓ સંપૂર્ણપણે સક્રિય રહેતી. અહોમ ડાયનેસ્ટીમાં રાણીઓનું મહત્ત્ત્વ એ વાત પરથી સમજાય છે કે તે કાળના કેટલાય સિક્કાઓ પર રાજા ઉપરાંત રાણીઓનાં નામ પર અંકિત થયેલાં જોવા મળે છે. સિક્કાની એક બાજુ રાજાનું નામ હોય, બીજી બાજુ રાણીનું નામ.
મોગલો અજેય ગણાતા હતા, પણ ભારતનો નોર્થ-ઈસ્ટ ઇલાકો કબ્જે કરવામાં તેઓ ક્યારેય સફળ ન થયા. બાકી અહીં મોગલોમાં લાલચ જગાડે એવું બધું જ હતું. એક તો, એકાધિક દેશોમાં વહેતી વિશાળ બ્રહ્મપુત્રા નદી. જો તેના પર કબ્જો મેળવી લેવાય તો જળમાર્ગે સારો વેપાર-વ્યવહાર થઈ શકે. વળી, અહીંની જમીન ફળદ્રુપ હતી એટલે ધનધાન્ય પણ પુષ્કળ લઈ શકાય તેમ હતું. મોગલો આસામ સર ન કરી શક્યા એનું એક મોટું કારણ લચિત બોરફુકણ નામનો યોદ્ધા છે. લચિત વાસ્તવમાં રાજા નહીં, પણ દક્ષિણ આસામના પ્રધાન હતા. 1615થી 1682 દરમિયાન મોગલોએ ભારતના નોર્થ-ઇસ્ટ હિસ્સા પર 17 વખત ચડાઈ કરી હતી. 1667માં મોગલોએ ગૌહાટી કબ્જે કરેલું. અહોમ શાસકોએ તેમને એ જમાનાના ત્રણ લાખ રૂપિયા જેટલી રકમ અને 90 હાથીઓ આપવા પડ્યા હતા. બે અહોમ રાજકુમારીઓને મોગલો બંદી બનાવીને લઈ ગયા હતા.
રાજા ચક્રધ્વજ સિંહાએ લચિત બોરફુકણને પોતાના સેનાપતિ તરીકે પસંદ કર્યા અને ગૌહાટીને પુનઃ હસ્તગત કરવાની જવાબદારી સોંપી. લચિતે લશ્કર તૈયાર કર્યું ને ગૌહાટી પાછું કબ્જે કર્યું. એને ખાતરી હતી કે મોગલો કંઈ શાંત બેસી રહેવાના નથી. તેઓ ફરી આક્રમણ કરશે જ. એવું જ થયું. મોગલો વધારે મોટા લશ્કર સાથે પાછા ચડી આવ્યા. આ વખતે તેમની પાસે 30 હજાર સૈનિકો, 15 હજાર તીરંદાજો, 18 હજાર ઘોડેસવારો અને એક હજાર તોપ હતી. આટલા તાકતવર સૈન્યને શી રીતે મ્હાત આપવી?
પણ લચિત શૂરવીર હતો અને પાછો માસ્ટરમાઇન્ડ હતો. એણે એવી યુક્તિ કરી કે જેથી મોગલોએ બ્રહ્મપુત્રા નદીના કાંઠે ખેંચાઈ આવવું પડે. લચિત જાણતો હતો કે મોગલોનું જળસૈન્ય સૌથી કાચું છે. લચિત દેખીતી રીતે જ પોતાના પ્રદેશની ભૂગોળને ખૂબ સારી રીતે જાણતો હતો. કમનસીબે યુદ્ધ ચાલી રહ્યું હતું તે અરસામાં એ ખૂબ બીમાર પડી ગયો. એના સૈન્યનો જુસ્સો તૂટી પડ્યો. મોગલો તેમના પર હાવી થવા લાગ્યા. પરાજય નજર સામે દેખાતો હતો. લચિતે પૌતાના સૈનિકોને સ્પષ્ટપણે કહી દીધુઃ જો તમારે રણમેદાન છોડીને ચાલ્યા જવું હોય તો જઈ શકો છો. હું તમને રોકીશ નહીં, પણ હું ક્યાંય જવાનો નથી. રાજાએ મને જવાબદારી સોંપી છે ને તે હું કોઈ પણ ભોગે નિભાવીશ. ભલે મોગલો મારું જે કરવું હોય તે કરે. તમે રાજાને સંદેશો આપજો કે બીમાર હોવા છતાં લચિતે હાર નહોતી માની ને છેલ્લી ઘડી સુધી એ માતૃભૂમિ કાજે લડતો રહ્યો હતો!
લચિતનું ઝનૂન જોઈને એના સાથીઓ દંગ થઈ ગયા. એમને પાનો ચડ્યો ને એમણે એવી જોરદાર લડત આપી કે મોગલોની મસમોટી સેના હારી ગઈ. સરાઈઘાટનું આ યુદ્ધ ભારતના ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ છે. દર વર્ષે 24 નવેમ્બર આસામમાં લચિત દિવસ તરીકે ઉજવાય છે અને નરેન્દ્ર મોદી સવારના પહોરમાં ભૂલ્યા વગર અચૂકપણે ‘હેપી લચિત ડે’ ટ્વિટ કરે છે.
લચિત બોરફુકન ભારતે પેદા કરેલા મહાનતમ યોદ્ધાઓમાંનો એક છે. નેશનલ ડિફેન્સ એકેડેમીમાં બેસ્ટ કેડેટને આજે પણ લચિત બોરફુકન ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. ગોલ્ડ મેડલને લચિત બોરફુકનનું નામ આપવાની શરૂઆત 1999માં થઈ હતી. નેશનલ અવૉર્ડવિનર જાનુ બરુઆ લચિત બોરફુકનના જીવન પર ફિલ્મ બનાવવાના છે, જે 2022માં રિલીઝ થશે.
અહોમ સામ્રાજ્ય અને લચિત જેવા મહાન યોદ્ધા વિશે આપણે આટલું બધું ઓછું જાણીએ છીએ તે સ્કૂલ-કૉલેજોના પાઠ્યપુસ્તકો તૈયાર કરનારા ડાબેરી વિચારધારા ધરાવતા કમ્યુનિસ્ટ ઇતિહાસકારોનું પાપ છે. ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો એવી વિચિત્ર રીતે તૈયાર થતાં રહ્યાં છે કે પૂર્વ ભારતના વિદ્યાર્થીઓ શિવાજી અને મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓથી અપરિચિત રહી ગયા છે, જ્યારે આપણને લચિત બોરફુકનનું નામ અજાણ્યું લાગે છે. એક આરોપ એવો છે કે ભારતના કમ્યુનિસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ખરેખર તો સોવિયેટ રશિયા કે ચીનના નહીં, પણ બ્રિટીશ અને યુરોપિઅન સોશ્યલિસ્ટ્સના ખોળામાં બેસી ગચા હતા. તેથી જ આપણા ઇતિહાસમાં મોગલોનો બહાદૂરીપૂર્વક મુકાબલો કરનારા અહોમ, મરાઠા, વિજયવાડા અને ત્રાવણકોર સામ્રાજ્યોની અવગણના થઈ છે. ખેર, આપણામાં લઘુતાગ્રંથિ ઘૂંટાતી રહે તે રીતે નહીં, પણ આપણા આત્મસન્માનને પુષ્ટ કરે તે રીતે ઇતિહાસનું સંતુલિત પુનર્લેખન થવું જોઈ. તે થશે જ. યોગ્ય સંદર્ભોવાળો, સાચા પરિપ્રેક્ષ્યમાં લખાયેલો સંવર્ધિત ઇતિહાસ સપાટી પર આવે તે દિવસો હવે દૂર નથી.
– શિશિર રામાવત
#TakeOff #AhomDynasty #LachitBorphukan #ShishirRamavat #DivyaBhaskar
Leave a Reply