ઝૂકવા મન એટલે તૈયાર છે.
ઝીલવાનો ક્યાં પછી પડકાર છે?
બે-ઘડી મળવાનો બસ વહેવાર છે,
ફૂલ-ઝાકળના અલગ સંસ્કાર છે.
દઇ દીધાની નોંધ એ રાખે નહીં,
આ હ્રદય તો એવું શાહુકાર છે.
હું મને એની નજરથી જોઉં છું,
એ રીતે મારો થયો વિસ્તાર છે.
પ્રશ્નને કયારેય અવગણતી નથી,
એટલે તો જિંદગી કસદાર છે.
ભલભલાની આંખ આંજી નાંખતા,
ઝાંઝવા પણ કેવાં પાણીદાર છે.
આ ગઝલ અંગે વધારે શું કહું ?
ધ્યાન, પૂજા, આરતી, ઉપચાર છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply