વિચારભેદ સ્વીકારી શકો તો સ્વાગત છે.
સવાલ પૂછીને આગળ વધો તો સ્વાગત છે.
સવાર-સાંજની ચર્ચા કરો, નથી વાંધો,
પરંતુ પૂર્વગ્રહોને ત્યજો તો સ્વાગત છે.
સ્મરણમાં કે પછી સંબંધની કથામાં પણ,
પડાવ ગમતાં જરા અવગણો તો સ્વાગત છે.
પછી નિબંધ લખી લ્યો ભલે ને ખળખળતા,
નદીની વાત પ્રથમ સાંભળો તો સ્વાગત છે.
કદીક ફૂલ ને ઝાકળનું વ્હાલ જોઈને,
ઉમળકો થાય જો મળવા સમો તો સ્વાગત છે.
ઘટે છે કેટલી ઘટના, ને ફાંસ થઈ ખટકે,
છતાં ય રોષ ન રાખો કશો તો સ્વાગત છે.
સમયની સોળ કળા જોઈ મેં કહી દીધું,
હે ઓરતાઓ! હૃદયમાં રહો તો સ્વાગત છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply